sundari chapter 91 in Gujarati Fiction Stories by Siddharth Chhaya books and stories PDF | સુંદરી - પ્રકરણ ૯૧

Featured Books
Categories
Share

સુંદરી - પ્રકરણ ૯૧

એકાણું

“તમે કહી રહ્યા છો જો એમ થાય તો તો આપણી કોલેજનું ગૌરવ જરૂર વધશે. કદાચ આપણી કોલેજના ઇતિહાસમાં કોઈએ ન જોયો હોય એવો ઉત્સાહ જોવા મળશે. શું આ ખરેખર શક્ય છે ખરું?” સુંદરીનો પ્રસ્તાવ સાંભળીને પ્રિન્સિપાલે તેમના મનમાં રહેલી રહીસહી શંકા દૂર કરવાનો પ્રયાસ કર્યો.

“હું પ્રોમિસ આપું છું સર. પરંતુ તેમ છતાં એવું હોય તો આપણે જાહેરાત તમને પૂરી રીતે સંતોષ થાય ત્યાર પછી કરીશું. એક કામ કરીએ, આપણે આજકાલમાં લંચ પર ભેગા મળીએ અને નક્કી કરી લઈએ. અહીં તો એ મિટિંગ પોસિબલ નથી સર, યુ કેન અન્ડરસ્ટેન્ડ. નહીં તો કેઓસ થઇ જશે.” સુંદરીએ બરોબર રીતે પોતાની વાત રજુ કરી હતી એટલે પ્રિન્સીપાલ ન માને એ શક્ય જ ન હતું.

“ધેટ વિલ બી ગ્રેટ. તમે આવતીકાલના લંચનું ગોઠવો તમને ફાવે તે જગ્યાએ, આપણે તારીખ નક્કી કરી લઈએ. પણ એક વાત છે...” અત્યારસુધી ઉત્સાહમાં વાત કરી રહેલા પ્રિન્સીપાલના મનમાં વળી કોઈ પ્રશ્ન ઉભો થયો.

“કઈ વાત?” સુંદરીને ચિંતા થઇ કે ક્યાંક છેલ્લી ઘડીએ પ્રિન્સીપાલ તેની યોજના પર પાણી ન ફેરવી દે.

“જુઓ, આપણે કમિટી મેમ્બર્સને કાલની મિટિંગ પછી ફોર્મલી ઇન્ફોર્મ કરીએ તો ચાલશે, પણ બિઈંગ યોર હેડ ઓફ ધ ડીપાર્ટમેન્ટ, આઈ થીંક આપણે પ્રોફેસર જયરાજને તો અત્યારે જ જણાવવું જોઈએ. વિથ ડ્યુ રીસ્પેક્ટ, તમે જે વિચાર્યું છે એ બરોબર જ છે પણ એચઓડી ને આમ અંધારામાં ન રાખી શકાય, આઈ બિલીવ.” પ્રિન્સિપાલે ટેક્નીકલ મુદ્દો ઉઠાવ્યો.

સુંદરીએ ફરીથી ચિંતાભરી નજરે અરુણાબેન સામે જોયું, અરુણાબેને ફરીથી હકારમાં ડોકું હલાવ્યું અને પોતાનો હાથ સુંદરીના હાથ પર મુકીને તેને ન ડરવાનો સંકેત આપ્યો.

“મને શો વાંધો હોય સર. એમને આપણે અત્યારે જ વાત કરી દઈએ.” સુંદરીએ પ્રિન્સીપાલને કહ્યું.

“ગૂડ.” આટલું કહીને પ્રિન્સિપાલે પોતાની સામે રહેલી બેલ વગાડી અને પ્યુનને બોલાવીને પ્રોફેસર્સરૂમમાંથી જયરાજને બોલાવી લાવવાનો આદેશ આપ્યો.

જેવો પ્યુન પ્રિન્સીપાલની કેબિનમાંથી બહાર નીકળ્યો કે તરતજ સુંદરીએ અરુણાબેનનો હાથ દબાવ્યો. અરુણાબેને તેના હાથ પર પોતાની હથેળી ફેરવીને તેને શાંત રહેવાનું કહ્યું. લગભગ બે મિનીટ બાદ સુંદરી અને અરુણાબેનની પાછળના બારણાનો ખુલવાનો અવાજ આવ્યો અને સુંદરીના હ્રદયના ધબકારા વધી ગયા.

“યસ સર! ગૂડ મોર્નિંગ.” તરતજ જયરાજનો અવાજ આવ્યો.

“કમ, કમ પ્રોફેસર જયરાજ. હેવ અ સીટ.” પ્રિન્સિપાલે પોતાની જમણી તરફ રહેલી ખુરશી તરફ ઈશારો કર્યો.

“ઓહો... તમે પણ અહીંયા છો? વાઉ. યુ મેઈડ માય જોબ વેરી સિમ્પલ. એક્ચ્યુલી સર, હું તમને મળવા જ આવવાનો હતો, પણ આજે થોડું આવવામાં મોડું થઇ ગયું. મારે આમની વિષે જ તમને થોડું કહેવાનું હતું...” જયરાજે પોતાની વાત ચાલુ કરી.

“પ્લીઝ વેઇટ પ્રોફેસર. આપણે ઇન્ટર્નલ મેટર્સ પછી કોઈવાર ડિસ્ક્સ કરીએ તો? અત્યારે પ્રોફેસર સુંદરી અને પ્રોફેસર અરુણાબેન એક વધુ ઈમ્પોર્ટન્ટ મેટર લઈને મારી પાસે આવ્યા છે અને મેં એના માટે તમને બોલાવ્યા છે.” પ્રિન્સિપાલે જયરાજની વાત ત્યાં જ અટકાવી દીધી.

“ઓહ! ઈઝ ધેટ સો? ટેલ મી ધેન.” જયરાજે તેના કાયમની અભિમાની અંદાજમાં સુંદરી સામે જોઇને કહ્યું.

“આઈડિયા એ છે કે, આઈપીએલ હિરો અને પરમદિવસે જ ઇન્ડિયાને શ્રીલંકા સામે જીતાડનાર રાઈઝીંગ ક્રિકેટ સુપરસ્ટાર વરુણ ભટ્ટ જે આપણી જ કોલેજનો ઓલ્મની છે તેને પ્રોફેસર સુંદરી પર્સનલી ઓળખે છે એન્ડ શી વોન્ટસ કે બિઈંગ અવર એક્સ સ્ટુડન્ટ આપણે આપણી કોલેજમાં જ તેનું સન્માન કરીએ. આનાથી ઘણા કામ થશે. એક તો મિસ્ટર ભટ્ટ સાથે આપણી કોલેજના રિલેશન્સ વધુ મજબુત બનશે એન્ડ ટુ, મિડિયા પણ હાજર હશે એટલે આપણી કોલેજનું નામ પણ ખૂબ આગળ વધશે.

મેં તો આ આઈડિયાને યસ કહી દીધું છે પણ પ્રોફેસર કહે છે કે એક વખત હું મિસ્ટર ભટ્ટને રૂબરૂમાં મળી લઉં પછી આપણે કમિટી સામે આ પ્લાન રજુ કરીએ. તમે પ્રોફેસર સુંદરીના એચઓડી છો એટલે આઈ થોટ કે તમને કાને વાત નાખી દઉં. બાકી આ પ્લાનમાં મને કોઈજ વાંધો નથી લાગતો. વ્હોટ યુ સે પ્રોફેસર જયરાજ?” પ્રિન્સિપાલે જયરાજને પૂછ્યું.

“વ્હોટ શુડ આઈ સે? તમે બંનેએ બધું નક્કી કરી જ લીધું છે તો...” જયરાજના સૂરમાં નિરાશા હતી.

“ગુડ. તો પ્રોફેસર શેલત, તમે મિસ્ટર ભટ્ટ સાથે મારા આવતીકાલના લંચની એરેન્જમેન્ટ કરો અને જેવું બધું ફિક્સ થાય એટલે મને મેસેજ કરી દેજો, હું આવી જઈશ.” પ્રિન્સિપાલે સુંદરીને નિર્દેશ આપતાં કહ્યું.

“આઈ થીંક બિઈંગ એચઓડી, નોટ ઓન્લી ઓફ સુંદરી બટ વરુણનો પણ ખરોજ કારણકે હી વોઝ ઓલ્સો માય સ્ટુડન્ટ ફોર હિસ્ટ્રી, હું પણ કાલે તમારી સાથે જોઈન થાઉં.” જયરાજે પાસો ફેંક્યો.

“જયરાજ સર, મને લાગે છે કે આટલા બધા લોકોને જોઇને વરુણ કદાચ વાતો કરવામાં ઓસંખાય તો? આપણે એમને ફ્રી રાખવા જોઈએ એટલે પ્રિન્સીપાલ સર જે કહે એ વાત એ માની લે. શું કહો છો સર?” સુંદરીએ છેલ્લું વાક્ય પ્રિન્સીપાલ સામે જોઇને કહ્યું.

“યસ યુ આર રાઈટ. અને પ્રોફેસર જયરાજ તમે સ્વાગત સમિતિમાં હશો જ એટલે પ્રોગ્રામ વખતે તમે પણ મિસ્ટર ભટ્ટના એક્સ પ્રોફેસર તરીકે એને મળી શકશો, એની સાથે વાત કરી શકશો.” પ્રિન્સિપાલે જયરાજની ઈચ્છા પર પૂર્ણવિરામ મૂકી દીધું.

“તો અમે નીકળીએ? મારે સેકન્ડ લેક્ચર છે આજે પણ થોડી તૈયારી કરી લઉં?” સુંદરીએ પ્રિન્સીપાલને કહ્યું.

“શ્યોર. આપણે વાત થઇ એ પ્રમાણે, હું તમારા મેસેજની રાહ જોઇશ.” પ્રિન્સિપાલે હાથ લાંબો કર્યો.

સુંદરીએ પ્રિન્સીપાલ સાથે હાથ મેળવ્યા અને જયરાજ સામે જોયા વગરજ અરુણાબેન સાથે પ્રિન્સીપાલની કેબિનની બહાર નીકળી ગઈ.

જયરાજ આ સમગ્ર ઘટનાક્રમથી સ્તબ્ધ હતો. એને કલ્પના પણ ન હતી કે સુંદરી આવી કોઈ યોજના લઈને આવશે અને એ પણ કોલેજ શરુ થવાના પહેલા જ દિવસે. એણે તો સુંદરીને ફસાવી દેવાની યોજના બનાવી હતી જેથી પ્રિન્સીપાલ એને પહેલાં ઠપકો આપે અને પછી કદાચ તેને સસ્પેન્ડ કરી દે અથવાતો કોલેજમાંથી કાઢી મુકે, પણ આવું કશું થાય એ પહેલાં તો સુંદરીએ વરુણની લોકપ્રિયતા અને પોતાની સાથે વરુણના સબંધનો પુરેપુરો લાભ ઉઠાવીને જયરાજને કોર્નર કરી દીધો.

“તેં પ્રિન્સીપાલને ખૂબ સરસ રીતે સમજાવી દીધું સુંદરી.” પ્રિન્સીપાલની કેબિનની બહાર આવતાંની સાથેજ અરુણાબેને સુંદરીનો ખભો થાબડતાં કહ્યું.

“આ હિંમત વરુણને લીધે જ આવી છે અરુમા. એની સાથે જોડાયેલું કામ કરવામાં ખબર નહીં પણ કેમ મને ખૂબ વિશ્વાસ આવી ગયો.” સુંદરીએ હસીને કહ્યું.

“બસ. હવે બાકીનું બધું સમુસૂતરું પાર પડે એટલે ગંગા ન્હાયા. વરુણ ના તો નહીં પાડેને?” અરુણાબેને શંકા વ્યક્ત કરી.

“ના, મેં એની પાસેથી પહેલાં જ વચન લઇ લીધું છે, કે હું કહીશ ત્યાં તેણે ત્રણ-ચાર કલાક આવવું પડશે અને એણે હા પાડી છે.” સુંદરીએ પોતાની આંખો નચાવતાં કહ્યું.

“જબરી થઇ ગઈ છો તું હોં.” કહીને અરુણાબેન હસી પડ્યા.

“હવે તમે લેક્ચરમાં જાવ હું ડીપાર્ટમેન્ટમાં જાઉં છું.” સુંદરી આટલું કહીને અરુણાબેનને ગળે વળગી.

“વેલ પ્લેડ સુંદરી. હું પ્રિન્સીપાલને મળું એ પહેલાં જ, આટલી વહેલી સવારમાં એમને તેં મળી લીધું? એન્ડ યુ ઓલ્સો ફિક્સ્ડ હીઝ મિટિંગ વિથ યોર બોયફ્રેન્ડ? વેરી વેલ પ્લેડ સુંદરી, આઈ મસ્ટ એડમિટ. બટ ફોર હાઉ લોંગ? તારું ફંક્શન પતી જવા દે. પછી તું છો અને હું છું. તારા એ જ ફંક્શનનો લાભ ન ઉઠાવું તો મને કહેજે? ધોઝ ઓલ રૂમર્સ અબાઉટ યુ એન્ડ વરુણ વિલ બી બેક ઇન ધ કેમ્પસ અને નોટ ઓન્લી હિયર બટ ઓલ્સો ઇન ધ મિડિયા. તમારા બંનેનું જીવવું હરામ કરી દઈશ એન્ડ આઈ પ્રોમિસ.” જયરાજે સુંદરી તરફ આંગળી લાંબી કરીને કહ્યું.

“હવે બહુ મોડું થઇ ગયું છે સર. બધીજ રીતે બહુ મોડું થઇ ગયું છે. હવે તો તમે વેઇટ કરો કે તમારી નજર સામેથી મારો વરુણ મને કેવી રીતે લઇ જાય છે. તમારી વાસના અધુરી રહી જશે જયરાજ સર અને આવતીકાલનું લંચ વિલ બી ધ ફર્સ્ટ નેઈલ ઇન ધ કોફિન ઓફ યોર લસ્ટ અબાઉટ મી.” જયરાજની આંખોમાં આંખ મેળવીને સુંદરીએ અદભુત આત્મવિશ્વાસ સાથે કહ્યું.

==::==

“જમ્યાં?” થોડી અહીંતહીંની વાત કર્યા પછી સુંદરીએ પૂછ્યું.

“હા બસ જમીને ટીવી જોતો હતો ત્યાં તમારો કૉલ આવ્યો.” વરુણે જવાબ આપ્યો.

“તો પછી હવે તૈયાર થઇ જાવ ચાલો.” સુંદરીએ હસતાં હસતાં કહ્યું.

“કેમ? તમે મારે ઘરે આવો છો? તો હું જરા વ્યવસ્થિત તૈયાર થઇ જાઉં.” વરુણે સુંદરીની મશ્કરી કરતાં કહ્યું.

“તમે વ્યવસ્થિત જ છો. ચલો હવે એ વાત બાજુમાં મુકો અને મને કહો કે તમે શ્રીલંકામાં હતાં ત્યારે મને જે પ્રોમિસ આપ્યું હતું એ યાદ છે કે ભૂલી ગયા?” સુંદરી હવે મુદ્દા પર આવી.

“ચોક્કસ યાદ છે. તમને આપેલું વચન તો શું તમારી સાથે એ સમયે જે વાતો કરી એ બધી જ મને યાદ છે.” વરુણે સુંદરીને વધુ સારું લગાડવાનો પ્રયાસ કર્યો.

“ગૂડ. તો અત્યારે એ સમય આવી ગયો છે કે હું તમારી પાસેથી એ પ્રોમિસ એનકેશ કરું. સાંભળવા માટે છો તૈયાર?” સુંદરીએ વાત કરતાં પહેલા પૂર્વભૂમિકા બાંધી.

“યસ. મેં ત્યારે એમ પણ કહ્યું હતું કે તમે જીવ માંગશો તો પણ તૈયાર છું એટલે બિન્ધાસ્ત જે પ્રોમિસ માંગવાનું હોય એ માંગી લ્યો.” વરુણે ભારપૂર્વક કહ્યું.

“ઓકે, તો પ્રોમિસ એવું છે કે તમારે આપણી કોલેજમાં એઝ અ સ્પેશિયલ ગેસ્ટ થઈને આવવાનું છે. વેઇટ, વેઇટ, વેઇટ... બીજું કશું પણ વિચારો એ પહેલાં કહી દઉં, કે તમારે કાલને કાલ નથી આવવાનું. કાલે આપણે પ્રિન્સીપાલ સર સાથે તમને જ્યાં સેઈફ લાગશે એ હોટેલમાં લંચ સાથે મિટિંગ કરીશું અને એમાં આપણે ફાઈનલ ડેટ નક્કી કરીશું. બોલો આપો છો પ્રોમિસ?” સુંદરીને ગળા સુધી વિશ્વાસ હતો કે વરુણ તેને ના નહીં પાડે!

“કાલે? નોટ પોસિબલ!” સુંદરીની વાત સાંભળીને વરુણે પહેલું રિએક્શન આપ્યું.

“વ્હોટ?” સુંદરીને વિશ્વાસ જ આવ્યો કે વરુણે તેને ના પાડી દીધી, વરુણે તેને પ્રોમિસ કર્યું હતું તેમ છતાં.

બે ઘડી તો સુંદરીને તેની બધી જ યોજનાઓ એક ઝાટકે પડી ભાંગી હોય એવું લાગવા માંડ્યું.

==:: પ્રકરણ ૯૧ સમાપ્ત ::==