મારી શિક્ષણયાત્રા ની બે દાયકાની સફર ભાગ 20
એવું તે શું ? (ભાગ ૧)
"બેન એવું તે શું હોય કે જે માટે મારી મમ્મી મને અને મારી નાની બેનને રૂમમાં પૂરી દે છે?" નિર્દોષ એવી લાડકડી દીકરી મીતાના આ સવાલથી મને આશ્ચર્ય થયું.. મેં પૂછ્યું : "શું થયું બેટા?" ત્યારે એણે મને જે માંડીને વાત કરી એ ખરેખર મને હચમચાવી ગઈ. દરેક વાલી, વિદ્યાર્થી, શિક્ષકો અને ખાસ કરીને સમાજએ જાણવા જેવી છે. તેથી અહીં પ્રસ્તુત કરું છું.
આમ તો ૧ માતા સો શિક્ષકની ગરજ સારે, એવું કહેવાય પણ જ્યારે માતા જ કોઈ ખોટું કાર્ય કરતી હોય તો પછી દીકરી પાસે સારી અપેક્ષા કઈ રીતે રાખી શકે? ખેર, મારી આદત મુજબ મેં શાંતિથી મીતાને વાત કરવા માટે બોલાવી.પછી તો એ દરરોજ મારી સાથે રીસેસમાં, ફ્રી તાસ માં અથવા તો રજાના સમયે બધી વાતો કરતી રહે અને હું શાંતિથી એ વાતો સાંભળતી રહું અને પરિસ્થિતિ મુજબ સમજાવતી રહું. મારી આદત મુજબ કોઈ પણ દીકરી કઈ કહે તેની ખરાઈ જરૂર કરું.કેમકે દરેક દીકરીની વાતને જોવાની દ્રષ્ટિ સાચી જ હોય એવું જરૂરી નથી, ભલે એ ખોટું બોલવા ન માગતી હોય પણ કદાચ ક્યાંક એની સમજ ફેર પણ થતી હોય એવું બની શકે. એટલે એ મને જે કંઈ કહે તે કોઇ ને કોઈ રીતે ચકાસી પણ લઉ.
એ જમાનાની વાત છે કે જ્યારે ટીવી,મોબ,સોસિયલ મીડિયા નું ચલણ આજ જેટલું નહોતું... મીતાના પપ્પા સામાન્ય ધંધો કરતા અને મમ્મી ગૃહિણી. એની નાની બહેન એક છે. આ હું વાત કરું છું ત્યારે મીતા આઠમા ધોરણમાં હતી. હવે તો એ પોતે લગ્ન કરી પોતાના ગૃહસ્થ જીવનમાં સુખી છે અને મારા સાથે વાત કર્યા મુજબ એ કાયમ કહેતી કે હું ક્યારેય પણ 'આવી માતા' નહીં જ બનું. પણ 'આવી માતા' એટલે કેવી ? એ વાત જાણવા જેવી છે. સામાન્ય ધંધો કરતા પિતાની પુત્રી નાનપણથી જ ખૂબ ડાહી અને સમજુ. ખૂબ ઓછું બોલતી, વધુ સાંભળતી ને સુચનનો અમલ પણ બહુ ઝડપથી સારી રીતે કરે. દરેક વાત હકારાત્મકતાથી લે ત્યારે આવી નિર્દોષ દીકરીના મોઢે એ વાત સાંભળી કે, બેન,એવું તે શું હોય કે જેથી મમ્મી મને અને નાની બહેનને રૂમમાં પૂરી દે છે? ત્યારે મેં એને પૂછ્યું કે બેટા તમને બંનેને રૂમમાં પૂરી દે છે તો બહાર કોણ હોય છે? ત્યારે શું મમ્મી તેની બહેનપણી સાથે કોઇ અગત્યની વાતો કરતી હોય છે?? કે પપ્પા, દાદી,નાની , માસી સાથે કોઈ અગત્ય ની ચર્ચા કરતી હોય ? ત્યારે મીતાનો જવાબ આપણા સહુ માટે ચોંકાવનારો હતો.... એણે કહ્યું કે ના બેન તમે બોલ્યા એ બધામાંથી કોઈ નહિ.. એટલે જ પૂછું છું કે એક સ્ત્રી અને એક પુરુષ વચે એવું શું હોય કે જેથી મમ્મી એના મિત્રપુરૂષ આવે ત્યારે અમને ૨ બહેનોને બીજા રૂમમાં અંદર પૂરી દે? ..સુજ્ઞ વાચકોને વધુ સ્પષ્ટ કહેવાની જરૂર નથી.મારી જેમ આપ સહુ પણ આખી વાત સમજી ગયા હશો...
એ સમયે તો હું પણ એક મિનિટ અવાચક બની ગઈ કે આને શું જવાબ આપું ? પણ એ સમયે રિસેસ પૂરી થયાને ઘંટ વાગતા જાણે હું એ અઘરી કસોટીમાંથી બચી ગઈ...મે કહ્યુ બેટા આપણે એ વિશે નિરાતે વાત કરીએ હો..પ્રશ્ન મારા માટે છોડી જવાબની અપેક્ષા એ મને કહેતી ગઈ કે બેન પછી એટલે આજે જ હો... કેમકે હું બહુ દિવસથી મુંજાઈ છું....મે જવાબ આપવાનો વાયદો કરી એને વર્ગમાં મોકલી,હું પણ મારા વર્ગમાં ગઈ. આજે જિંદગી નું ગણિત અને માનવસહજ વિજ્ઞાન ની વાતો જ મારા મગજમાં રમતી હતી તથા આજે રજામાં મારી થનારી સહુથી અઘરી કસોટીની ચિંતામાં મારું મગજ ચકરાવે ચડી રહ્યું...છેવટે રજામાં એ મારી પાસે આવીને પ્રશ્નાર્થ નજરે મને જોવા લાગી...એની આંખોમાં કેટલો વિશ્વાસ મારા માટે ? કે એ નિર્દોષ પાસે હું આડી અવળી વાત કરી પણ ન શકી.ત્યારે મને થયું કે સરકાર gendre educaton ની વાત કરે છે એ સાચી જ છે...આ ઉમરે દરેકને સમજવી જરૂરી છે..કેમકે જો સાચું ન સમજે તો teen age પ્રવેશતો બાળક કદાચ કોઈ સ્ત્રી પુરુષના સંબંધ જોઈ એમ વિચારે કે આમાં શું હશે ? ચાલો હું પણ પ્રયત્ન કરું અને આ સમજ વગરના અનુભવ કરવા જાય ત્યારે ખોટા રસ્તે ફસાઈ જાય એવું લગભગ દરેક ટીનેજર્સ સાથે બનતું હશે એવું જરૂર કહી શકાય...આ વખતે મારી પાસે રહેલી એક જેન્ડર એજ્યુકેશનની નાની પુસ્તિકા કામ આવી...મે મીતાને એ આપી ને એને કહ્યું કે તું આ પુસ્તક વાંચી લેજે પછી કાલે આપણે વાત કરીશું.એ પુસ્તિકા નાની હતી અને એમાં બધી સમજ આપેલી હતી. મને લાગ્યું કે કદાચ આ એને સમજવામાં ઉપયોગી થશે. બીજા દિવસે એ ફરી મારી પાસે આવી.મારી ધારણા સાચી પડી એ સમજુ દીકરી ગંભી રતાપૂર્વક બોલી કે બેન ને આ વાંચી તો લીધું,ને ઘણું સમજાયું પણ પ્રશ્ન એ છે કે આમાં તો કહ્યું છે કે લીગલી એટલે કે લગ્ન સિવાયના સંબંધો રાખવા યોગ્ય નથી તો શું મારા ઘરમાં જે થઈ રહ્યું છે તે યોગ્ય છે??હવે ખરેખર આ નાની દીકરીની મોટી ગંભીર વાત મને હચમચાવી ગઈ..
પછી મે એની પાસે વધુ વિગતે વાત જાણી ને સમજાવી કે કદાચ કઈક એવું છે કે જેના કારણે મમ્મીને ક્યાંક પપ્પા સાથે કે કુટુંબ સાથે અસંતોષની લાગણી છે જે તેને બીજા તરફ પ્રેરે છે ?? ખૂબ સમજ પૂર્વક એ મારા પ્રશ્નોના જવાબ આપતી એના પરથી એની નિરીક્ષણ શક્તિ અને પરિપક્વતા તરફ ખરેખર માન થયું.ને દયા પણ આવી કે આવી સારી દીકરીની માં કેમ સારી નથી રહી શકતી ? !! પછી તો એના મમ્મીનો પ્રશ્ન હલ કરવા એના દાદી ,નાની, માસી બધા દ્વારા હું એને પ્રયત્નો કરાવતી ગઈ.મારા સૂચન મુજબ ખૂબ સારી રીતે એ પ્રયત્ન કરતી ગઈ..પણ ખબર નહિ એની મમ્મી કઈ માટીના બન્યા હતા ? એનામાં કોઈના પણ કહેવાથી ફરક ન જ પડ્યો..હવે આમ કરતા આ દીકરી મોટી થતી ગઈ..૨ વર્ષમાં વધુ પરિપક્વ થઈ, નાની બેનને સાચવતી જ હતી ને હવે વધુ સાચવતી ગઈ એ રીતે કે એ મોટી થતી નાની બેન ખોટા રસ્તે ન જાય.એ સાથે એના પપ્પાના દુઃખને હળવું કરવા પણ સતત પ્રયત્ન કરતી રહેતી.મારી સાથે જ્યારે વાતો કરે ત્યારે હું મારી રીતે એને સમજાવતી.
પણ મને એક જ ચિંતા હતી કે આ દીકરી આ ખોટા રસ્તે ન જાય તો સારું. કેમ કે એના મનમાં હજુ ઘણા પ્રશ્નો રહેતા અને ખરેખર એક વખત એ વાત સાચી પડશે એવું લાગ્યું. મારી બીક હતી એવું જ બન્યું.એની ખાસ મિત્ર એ આવીને મને કહ્યું કે હવે હું મીતા સાથે બોલતી નથી અને મારા પપ્પાએ કહ્યું છે કે એની સાથે કાયમ સંબંધ તોડી નાખ. મને ખૂબ નવાઈ લાગી બાલમંદિરથી ધોરણ દસ સુધી તે બંને મિત્રો ની જોડી જાણીતી હતી. અને અચાનક શું થઇ ગયું ? મેં એને કારણ પૂછ્યું, તો કહે બેન,તમને કઈ ખબર છે? મીતાને અહીં દરરોજ અગાસીમાં એક છોકરો મળવા આવે છે અને એ બંને લાંબો સમય ત્યાં સાથે વાતો કરે છે!! એટલે મારા પપ્પાએ મને એની સાથે મિત્રતા છોડી દેવાનું કહ્યું છે.. (ક્રમશ:)