Rajkaran ni Rani - 48 in Gujarati Moral Stories by Mital Thakkar books and stories PDF | રાજકારણની રાણી - ૪૮

Featured Books
Categories
Share

રાજકારણની રાણી - ૪૮

રાજકારણની રાણી ૪૮
- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર
પ્રકરણ-૪૮

જનાર્દન સુજાતાબેનની વાત પર વિચાર કરી રહ્યો હતો. તેમને રાજેન્દ્રકુમારના ભવિષ્યની ખબર છે એનો અર્થ એ થયો કે શંકરલાલજી સાથે એમની કોઇ વાત થઇ છે. મુખ્યમંત્રી તરીકે રાજેન્દ્રકુમારની કામગીરી 'માસ્તર મારે નહીં અને ભણાવે નહીં' જેવી રહી છે. અસલમાં રાજેન્દ્રકુમાર નસીબથી જ મુખ્યમંત્રી બની ગયા હતા. ગઇ ચૂંટણીમાં દાવેદારો ઘણા હતા. એકને મુખ્યમંત્રીપદ આપવા જાય તો બીજા નારાજ થાય એમ હતા. એટલે વચલા રસ્તા તરીકે ખાસ ક્ષમતા ધરાવતા ન હોવા છતાં સાલસ સ્વભાવના રાજેન્દ્રકુમારની પસંદગી થઇ હતી. એમના સમયમાં રાજ્યમાં વિકાસના નોંધપાત્ર કામો થયા ન હતા. પરંતુ પક્ષની સારી ઇમેજને કારણે લોકોએ બી.એલ.એસ.પી. ને મત આપવાનું પસંદ કર્યું હોય તો સારું છે. આવતીકાલે મતપેટીઓ ખૂલ્યા પછી રાજેન્દ્રકુમારનું ભવિષ્ય નક્કી થવાનું હતું પરંતુ સુજાતાબેન તો અત્યારથી જ તેમની આવતીકાલ કેવી હશે એની વાત કરી રહ્યા છે. રાજેન્દ્રકુમાર કોઇ ચાલ ચાલે એ પહેલાં એમણે ચાલ વિચારી લીધી હશે અથવા ચાલી પણ ગયા હશે.
"બેન, રાજેન્દ્રકુમારને હવે તમે ઓળખવા લાગ્યા છો. એ ગમે તે કરી શકે છે. સત્તા માટે એ છેલ્લે પાટલે બેસી જાય એવા છે. નસીબથી મુખ્યમંત્રી બની ગયા પછી એમણે રાજકારણમાં માસ્ટરી મેળવી લીધી છે. અને એટલે જ એમના પાંચ વર્ષ રમતાં-રમતાં નીકળી ગયા છે. તમારા રાજીનામાની વાત સાંભળીને એ મનોમન ખુશ થયા હશે કે આ તો 'ટાઢા પાણીએ ખસ નીકળી' રહી છે. તમે મક્કમ રહેજો. ભલે શંકરલાલજીએ રાજેન્દ્રકુમારને ચીમકી આપવા કે ગભરાવવા રાજીનામાની ચાલ ચાલી હોય પણ એ આપણાને ભારે ન પડે એનું ધ્યાન રાખવું પડશે..." જનાર્દને પોતાના વિચારો વ્યકત કરી દીધા.
"જનાર્દન, તને આગળ પણ કહ્યું ને કે મેં કાચી લખોટીઓ રમી નથી. અને મારું નિશાન બહુ પાકું રહેતું હતું. શંકરલાલજી ઉપર આંધળો વિશ્વાસ રાખીને આગળ વધી રહી નથી. મારી પાસેની બાજીમાં હજી ઘણા ભારે પત્તા છે. એ જરૂર પડશે ત્યારે ઉતરીશ. હવે તમે લોકો ઘરે જાવ અને આરામ કરો. આવતીકાલે સવારે મારે ત્યાં વહેલા આવી જજો. મારી બેઠકની તો મતગણતરી નથી એટલે કાર્યાલય ઉપર પણ સવારે જવાની જરૂર નથી. આપણે મારા ઘરે બેસીને જ ચૂંટણીના પરિણામો જોઇશું..." સુજાતાબેન બોલ્યા અને ઉભા થયા.
હિમાનીએ કહ્યું:"બહેન, આવતીકાલે આપણે બંને સમયનું જમવાનું બહારથી મંગાવી લઇશું. બધાને આવતીકાલે શાંતિ રહેશે..."
"બરાબર છે...આવતીકાલે પરિણામ આવ્યા પછી આપણે બીજા દિવસે ફરી પાટનગર જવાનું થશે. અને આ વખતે જનાર્દન તારે સાથે આવવાનું છે. ત્યાં તારી મદદની જરૂર પડશે." કહીને સુજાતાબેને હિમાનીની વાતને સમર્થન આપ્યું.
"ચોક્કસ બહેન!" સુજાતાબેન પોતાને મહત્વ આપી રહ્યા છે એ વાતથી જનાર્દન પર ખુશ થયો.
જનાર્દન અને હિમાની ઘરે આવ્યા પછી સુજાતાબેનની વાતોની જ ચર્ચા કરતા રહ્યા. હિમાનીએ ઘણી એવી વાતો કરી જે સાંભળીને જનાર્દન મોંમાં આંગળા નાખી ગયો અને બોલ્યો:"બેનને કોઇને કોઇ મંત્રીપદ તો આપવું જ પડશે. મોટી જીત થશે તો પક્ષ એમની અવગણના કરી શકશે નહીં..."
"જો બેનને મંત્રીપદ મળે તો તમે એમના પીએ બની જશો!" હિમાનીએ આગાહી કરી.
"ખરેખર? તને એવું કેમ લાગે છે?" જનાર્દન ખુશ થતાં બોલ્યો.
"એમણે તમને ના કીધું કે તમારે પાટનગર આવવું પડશે? અને અમારી પાટનગરની મુલાકાત દરમ્યાન એ તમારા બહુ વખાણ કરતા હતા. કહેતા હતા કે મેં ભગવાન ભરોસે જ રાજકારણમાં ઝંપલાવ્યું હતું. જનાર્દનની મદદ ના મળી હોત તો અહીં સુધી આવી શકી ન હોત. રાજકારણ એ કોઇ પરીક્ષાનો અભ્યાસક્રમ નથી કે રટ્ટા મારીને પાસ થઇ જવાય. એમાં તો ડગલે ને પગલે નવી નવી પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે. ત્વરિત નિર્ણય લેવા પડે છે. રાજકારણ કોઇ ધંધો નથી કે એક વખત સેટ થઇ જાય એટલે પછી કંઇ જોવાની જરૂર ના રહે. રાજકારણ એક સતત ચાલતી પ્રક્રિયા છે. અત્યારનું આ રાજકારણ મારે બદલવું છે. રાજકારણ સતત અનિશ્ચિતતાથી ભરેલું રહે છે. નેતાઓને સતત સત્તા ગુમાવવાનો ડર રહે છે. રાજકારણની દશા અને દિશા મારે બદલવી છે. પણ રાજેન્દ્રકુમાર જેવા સ્વાર્થી તત્વો એમાં છે ત્યાં સુધી રાજ્યનો કે લોકોનો ઉધ્ધાર થવાનો નથી. લોકો પ્રાથમિક સુવિધા માટે વલખાં મારે છે ત્યારે હજુ જેના મતનું પરિણામ આવ્યું નથી એવા મતદાર નાગરિકોને ભૂલીને મુખ્યમંત્રી પોતાને વધારે ધન કેવી રીતે મળે એની યોજના બનાવી રહ્યા છે એનાથી વધારે શરમજનક વાત કઇ હોય શકે...." હિમાની એમની વાતો યાદ કરીને કહી રહી હતી.
"હિમાની, ખરેખર સુજાતાબેનના વિચારો ખૂબ સારા છે. એમને કોઇ સારા વિભાગનું મંત્રીપદ મળશે તો એ એની કાયાપલટ કરી નાખશે..." જનાર્દન માનથી બોલ્યો.
"જનાર્દન, આવતીકાલના પરિણામમાં 'ભારત લોકસમર્થન સંવાદ પાર્ટી' ને કેટલી બેઠક મળે એવું લાગે છે?"
"જો...કુલ ૧૨૨ બેઠકો છે. બહુમતિ માટે ૬૨ થી વધારે બેઠકોની જરૂર પડશે. મારા ખ્યાલથી તો ૧૦૦ બેઠક સુધી મળી શકે છે. પાટનગરમાં થયેલી મીટીંગમાં કોઇએ આવી ગણતરી માંડી હતી?"
"હા, બહેન કહેતા હતા કે પક્ષને ૧૧૦ બેઠકો મળવાની આશા છે. અંદરખાનેથી જે રિપોર્ટ આવ્યા હતા એના આધારે એવું માનવામાં આવ્યું છે. અને બધાં જ એક્ઝિટ પોલમાં ૮૦ થી ૧૦૦ બેઠકની આગાહી થઇ જ ચૂકી છે ને?"
"હા, જીત તો નક્કી જ લાગે છે. કેટલી વધારે બેઠકો મળે છે એ જોવાનું રહેશે. પરંતુ આ એક્ઝિટ પોલ દર વખતે સાચા પડતા નથી. ગયા વર્ષે બે રાજ્યમાં એક્ઝિટ પોલ ખોટા સાબિત થયા હતા. હવે પ્રજાના મનને જાણવાનું સરળ નથી. પત્નીઓના મનની જેમ ખરું ને?"
"તમે મજાક કર્યા કરો અમારી! પણ સુજાતાબેનની બાબતમાં પણ આ વાત સાચી જ છે ને?"
"હા, હોં... આપણે આટલા નજીક છીએ છતાં એમના મનની વાત વાંચી શકતા નથી. દર વખતે કંઇક નવી જ વાત લાવે છે. તે કોઇ ચક્કર ચલાવી ચૂક્યા હોય છે એની આપણાને પાછળથી ખબર પડે છે. આ રાજીનામાવાળી વાતનું રહસ્ય કેવું પાછળથી ખોલ્યું નહીં? મને તો હજુ એમાં કોઇ બીજું જ રહસ્ય છુપાયેલું લાગે છે...જે હોય તે એ એમની જિંદગી છે અને કારકિર્દી છે. આપણે એમની અંગત બાબતમાં માથું મારવાની જરૂર નથી. આપણે એમને સાથ આપતા રહેવાનું છે. આપણું ભવિષ્ય પક્ષ કરતાં એમના હાથમાં વધારે સુરક્ષિત છે..."
"જનાર્દન, તમારી વાત સાચી છે. કોઇ સ્ત્રીના મનના રહસ્યોને પામવાનું કામ સરળ નથી અને સુજાતાબેન તો ઘણા રહસ્યો સંઘરીને બેઠા હોય છે..."
"શું તને કોઇ બીજું રહસ્ય જાણવા મળ્યું છે?"
"હા..."
"શું?"
"હું તમને કહેતાં ડરું છું. તમે કોઇની સામે એને ખોલી નાખો તો...ના બાબા ના. મારે એ જોખમ લેવું નથી."
"હિમાની, તને મારા પર વિશ્વાસ નથી?"
"તમારા પર વિશ્વાસ છે પણ સુજાતાબેનને ખબર પડશે તો એમને થશે કે સ્ત્રીના પેટમાં કોઇ વાત ટકતી નથી..."
"એમણે તને ક્યારે એ રહસ્ય જણાવ્યું?"
"એમણે એ રહસ્ય જણાવ્યું નથી. અને મને એ રહસ્યની ખબર છે એની એમને ખબર નથી..."
"શું વાત કરે છે?"
"હા, પણ તમે વચન આપો કે કોઇને કહેશો નહીં..."
જનાર્દને હિમાનીના હાથમાં હાથ મૂકી કહ્યું:"વચન આપું છું...પણ એ તો કહે આ રહસ્ય તને કોણે કહ્યું?"
ક્રમશ: