Scorpion hill in Gujarati Love Stories by શિતલ માલાણી books and stories PDF | વીંછિયા ટેકરી

Featured Books
Categories
Share

વીંછિયા ટેકરી

પ્રભાત ધીમી-ધીમી ઠંડી લહેરખી સાથે ઉગતી જાય છે ને લિંપણ- ગુપણ કરેલા ઘરમાંથી ઘમ્મર ઘમ્મર વલોણું ગાજવાનો અવાજ સંભળાઈ રહ્યો હતો. આંગણે ખાટલે સૂતેલો ચારણ-પુરૂષ દેવો ધાબળો ઓઢીને સૂતો હતો. એ સૂતો હોય ત્યારે દેવપુરુષ જેવો લાગતો હતો. એની ધણિયાણી એવી તોરાંદે હાથમાં હાથીદાંતના ચૂડલો પહેરી લાકડાનું વલોણું ફેરવતી મીઠેરી છાસને ઘમરોળી રહી હતી.. ફદાફદ કરતું માખણ કાળા દોણાની બહાર આવવા ડોકિયું કરતું હતું.

ભગવાનના મંદિરમાં સાચા ઘીનો દીવો સ્થિર થઈ ફળિયામાં કલરવ કરતા પંખીડાને જોઈ રહ્યો હતો. વાડામાં બાંધેલ પાડો દેવાને ઉઠાડવા ને તોંરાદેને બોલાવવા ભાંભરડા નાંખી રહ્યો હતો. આંગણે બાંધેલી ભૂરી ગાયનું ધોરું વાછરડું બચ... બચ... કરતું પયપાન કરી રહ્યું હતું. મોતિયો પણ ઊંચી પૂંછડી કરી જીભ લપલપાવતો ઓસરીના કાંઠે માથું ટેકવી તાજા રોટલાના બટકાની રાહ જોતું હતો.

તોંરાદેએ પોચા મખમલ જેવા રતુમડા હાથે નાની મટુકી માખણની ભરીને પાણિયારે મૂકી. અંદરોઅંદર પાણીની પિતળની ગોરી અને ગાગર તો તોંરાદે એને ક્યારે નદીકાંઠે સહેલ કરવા લઈ જાય એની વાટે ત્રાંસા-બાંગા પડી હતી. લાલ પાણીનો ગોળો શાંત હતો કારણ એનું ટાઢું પાણી પી જ્યારે તોરાંદે લાંબો શ્વાસ લેતી ત્યારે એ લાલ માટીનો ગોળો ફૂલ્યો ન માતો.

પગમાં કડલા(બેડી) પહેરેલી તોરાંદે લટકતી ચાલે માખણ ભર્યા લીસા હાથે જેવી બહાર આવી કે મોતિયો એના પગને ચાટવા લાગ્યો. એને પુચકારીને આઘો હડસેલતી તોરાંદેએ કૂવામાં નજર નાંખી. કૂવાની અંદર એનો પ્રિય કાચબો 'હરિ' ઊંચી ડોકે તોરાંદેને જોવા સ્થિર ઊભો હતો. એને જોયા પછી માથું પાણીમાં ઘાલી ડૂબકી મારી એ બખોલમાં ગયો. પરથાળે બધા ઠીબડા રાખી તોરાંદેએ પાણી સિંચ્યું. સૂરજ માથે ચડતો‌ જતો હતો. તોરાંદેએ પાણીની ગોરી અને ગાગરને રાખથી ઘસી કાઢ્યા. ઉજળો વાન ન થયો ત્યાં સુધી નાળિયેરના છોતરે અવાજ ન થાય એમ એ ઘસતી રહી.

ચકમકતી હેલ પર સૂરજના કિરણો પડ્યાં કે એ તેજોમય પ્રકાશનો શેરડો દેવાના મોં પર દેખાયો. દેવાએ તો પડખું ફેરવ્યું. તોરાંદેએ હસીને કહ્યું, " આ જગ આખાનો તાત માથે ચડવા માંડ્યો અને તમે હજી સૂતા પડ્યા છો ! થાવ ઉભા ! આ તમારા બાળુડાને( ઢોરઢાંખર) વગડો દેખાડી આવો. નદીના પાણીમાં બેક ડૂબકીયું મરાવતા આવો. હું હમણા આવું આ હેલ ભરીને !"

દેવો આળસ મરડીને ઊભો થયો. મોટું બગાસું ખાઈ એણે મીઠું હાથમાં લઈને કોગળા કીધા. આંગણે દાંત કાઢતી ને નાચતી કરંજની ડાળ કાપી. દાંતથી કરંજના દાતણને ચાવતા ચાવતા એણે બધા ઢોર-ઢાંખર પર હાથ ફેરવ્યો. બધાને દેવાના અડકવાથી શાંતિ વળી. વાછરડું છુટવા ધમપછાડા કરતું હતું. દેવો એ સમયે ચૂલા પાસે ગયો અને ત્રણ બાજરાના મઢા લઈ મોતિયાને,પાડાને અને ગાયની આગળ મૂક્યા. દેવો વ્હાલથી એને પંપાળે છે. માલને નીણ-પૂળો કરી એ બધાને નજીક રહેલી કૂંડીમાં અબોટિયા કરવા છોડતો હતો. પોતે ઢોરા સામે ધ્યાન રાખીને પાણી ભરે છે કૂવામાંથી. એકસાથે બધા પાણી પીને ફરી પોતાની જગ્યાએ ઊભા રહ્યા. આ પ્રેમ તોરાંદે અને દેવો જ કરતા હતા એવું ન હતું. આ બધા જાનવરો પણ એ બેયની લાગણી સમજતાં હોય એમ જ સામું વર્તન કરતા.

પાણીની હેલ લઈને ગયેલી તોરાંદેએ જેવી ગાગર પાણીમાં ઝબોળી કે બાજુના શિવમંદિરમાં શંખનાદ થયો. પિતળીયાળી ગોરીને નદીના કાંઠે રેઢી મેલી એ તો ગાગર લઈને હાલી મંદિર તરફ. એણે મંદિરમાં શ્રધ્ધાથી પ્રવેશ કર્યો. મંદિરમાં શિવલિંગ પર 'ૐ નમઃ શિવાય'ના ઉચ્ચારણ સાથે ગાગર રેડતી જાય છે ને સમસ્ત જીવોનું કલ્યાણ થાય એવી પ્રાર્થના કરે છે. આ ચારણીયાળીને વરદાન હતું કે'એ જે જીવને શ્રાપ આપે એ જીવનો વંશ ન રહે અને જે જીવનું ભલું વિચારે એને જીવતદાન મળે.' અતિમાયાળુ એવી તોરાંદેને સપને આવી ખુદ મહાદેવે આ વરદાન દીધેલું.

નીડર એવી તોરાંદેને આંગણે હરેક પશુ-પંખી નિર્ભયતાથી ફરતા. દેવો પણ એવો જ પ્રેમાળ પુરુષ હતો. પોતાના રોટલામાંથી બટકાં કરી અબોલ પ્રાણીને ખવડાવી પછી પાણીને ગળે ઉતારતો. દેવા અને તોરાંદેને કોઈ બાળક નહોતું. એ એક જ વસવસો એને સતાવતો. બેય પતિ-પત્નીએ અબોલ જીવની સેવા કરી પોતાના કર્મના બંધનના ઋણ ચૂકવતા હતા.

તોરાંદેના કડલા ને પગલાનો અવાજ સાંભળી ભૂરીએ ભાંભરવાનું ચાલુ કર્યું. તોરાંદેએ હેલ પાણિયારે મેલી અને ગાય, વાછરડું અને મોતિયાને ધમાર્યા. પાડાને લઈ દેવો હાલતો થયો. નજીક ભરાયેલા પાણીના ખાબોચિયામાં પાડાએ પગ પ્રસાર્યા. દેવો એને મેલીને ડચકારા કરતો ને સીટીઓ વગાડતો ઘરે આવ્યો. બેય જણાએ આસન પાથરીને દૂધની તાંસળી ભરી. પીળા કાંસાના છાલિયામાં દૂધ ભારે રૂપાળું લાગતું હતું. બાજુમાં ઘી ને ગોળનો વાટકો રાખી દેવાએ એક ગોઠણે રોટલો રાખ્યો. જેવું પેલું બટકું મોઢામાં મેલ્યું કે 'આભ થયું કાળું ડિબાંગ...' તોરાંદે બોલી, "મુઓ મેહુલિયો તો જો, બે બટકા ખાઈ લઉં પછી વરસે તો સારું !" ( આમ બોલી જડબાને જલ્દી જલ્દી હલાવવા લાગી.)

વાયરાનું જોર વધ્યું ને વાયરાની હારોહાર મીઠી માટીની મહેંક પણ ભળી. ગાય અને વાછરડું તો ગેલમાં આવી ગયા. લાલિયો પણ દેવાની પાછળ લપાઈ ગયો. પાડો તો ખાબોચિયામાં ધ્યાન ધરતો હતો. દેવાએ એને મોજ માણવા ત્યાં ભલે રહ્યો એમ કહીને દૂધની તાંસળી ખાલી કરી.

"એ તમને કહું છું, ઉપર મોઢિયામાંથી બેક છાણા તો લઈ આવો, આ ઘમકારા ને ચમકારા કરતો પધારશે તો રોટલા વગરના રહેશું." ( આમ કહી વાસણને ઊંચાનીચા મૂકયા.)

" તું જાતી આવ, હું પાડેરાને રેઢો મેલીને આવ્યો છું. વળી, આખો મલક ગજવશે જો ભાંભરડા દેશે તો..."

તોરાંદેએ કામ મેલ્યું પડતું અને સૂંડલો લઈને હાલવા માંડ્યું ઘરના પછવાડે. ઘરની પાછળ કરેલા મોઢિયામાં હાથ નાંખીને બે છાણા કાઢવા જતી હતી કે કાળા વીંછુડાએ જીવ લેવા ઝેરી ચાલ ચાલતો હોય એમ હળવો ચટકો ભર્યો.

તોરાંદે : " ખમ્મા, કાળુડાવીરાને !" ( તોરાંદે ક્યારેય કડવા વેણ ન બોલતી)

ફરી એકવાર હાથ નાંખ્યો તો વીંછુડાએ ફરી જોરદાર બીજી મોતની ચાલ ચાલી ડંખ દીધો. તોરાંદેએ હાથ કાઢી જોયું તો લોહીનો ટસિયો ફૂટી ગયો હતો. તો પણ તોરાંદેએ કીધું, " ખમ્મા, કાળુડા વીરાને !" એ જ સમયે વીજળીનો ભડકો થયો ને વાદળા ગડગડાટી કરવા લાગ્યા. તોરાંદેએ ઉતાવળે ફરી એ મોઢિયામાં હાથ નાંખ્યો ને વીંછુડાએ મોજમાં આવી ફરી એકવાર આખરી બાજીએ લોહી ચાખવાનો ભભળાટ હોય એમ ધારદાર ડંખ દીધો. હવે તોરાંદે બોલી, " મારા કાળુડાવીરા ! એક મોટીબુનને આમ ડંખ દેવાય ? આવી ખરાયળમાં કોણ ઉતારવા આવશે તારૂં આ મીઠડું ઝેર.." ( તોરાંદેને ધીમે-ધીમે ઝેરની અસર થવા માંડી હતી)

આટઆટલા ડંખે પણ એ ચારણિયાળીએ મોં ન મચકોડયું. આ જોઈ વીછુંડાની જમાતે ત્યાં બહાર નીકળી તોરાંદેની માફી માંગી. એક વીંછી બોલ્યો, "તે મને ત્રણ વાર વીરો કહ્યો ને મે તને ડંખ જ દીધો. મને ભાન ન રહ્યું કે હું મારી બુનનો જીવ લેવા તૈયાર થઈ ગયો. બુન, તને કાંઈ નહીં થાય એમ કહી બે વીંછુડા મંડયા હાથનું ઝેર ચૂસવા."

તોરાંદેને હવે સારું લાગ્યું. એણે પોતાને મળેલા વરદાનની વાત કરી અને વીંછીને શ્રાપ ન દીધો. હવે વીંછીની આખી નાતને બુનને કરેલા દગા પર શરમ આવી. વીંછીનો સરદાર બોલ્યો, " બુન... અમે અમારો સ્વભાવ ન છોડ્યો ને તમે તમારો સ્વભાવ ન છોડ્યો. સૌને કુદરતની દેણ છે. બુન , તું સંતાન પાછળ દુઃખિયારી છો.. અમે તારું ભલું ઈચ્છવા માણાની સંગે નહીં રહી. તું અમને એક સ્થાન ચિંધી દે એટલે અમે ત્યાં વસી. જ્યાં માનવજાતની અવરજવર ન હોય. એ જગ્યાએ કોઈ અમને તારો નામ પાડી સાદ દેશે એ જ ઘડી અમે એને દર્શન દેશું. તું જે દુઃખ ભોગવશ એ દુઃખના હકદાર એને નહીં બનવા દઈ. બુન, આ આશિર્વાદ દે. અમને રજા દે." ( વીછુંડા અંકોડા ચડાવીને કરગરી રહ્યા હતા.)

નજર સામે દેખાતા ડુંગરાને જોઈ આંગળી ચીંધતી તોરાંદે બોલી, " સામે દેખાય એ ડુંગરાની પાછળ નર્યા ટેકરા જ છે પથ્થરના, ત્યાં તમે વસો. કોઈને કનડશોમા. તમને શિવની આણ જો એ ડુંગરે આવેલને કદી ડંખશો તો !"
( તોરાંદેએ બાંધી લીધા વચનથી તમામ વીંછુડાને )

ત્યાં તો કાળું વાદળું નજીક પોગી ગયું. દેવો પણ ભીંજાતો ભીંજાતો આવ્યો. એણે જોયું કે કેડીની કોરાડે કોરાડે વીંછીના ઝુંડ હાલ્યા જતા હતા. દેવો તો પાડાને બાંધતો બાંધતો જોતો રહ્યો આ દ્રશ્ય.. તોરાંદે પણ છાણા સોતી ભિંજાતી આવી. પોતાની સાથે ઘટેલી ઘટનાની વાત કરી. બેય જણા નજર સામે દેખાતા ડુંગરાની પાછળ બાજુએ આવેલા ટેકરાને જોતા રહ્યા. જાણે તોરાંદેએ શિવજીને ચડાવેલી એક ગાગરનું પાણી વરસાદ બની એ શિવ-શક્તિને જળાભિષેક કરી રહ્યું હોય..

આપણા મલકમાં એ વીંછીયા ટેકરી મોજુદ છે. જ્યાં માણસો વીંછીને ખુલ્લેઆમ ફરતા જુએ છે. બાજુના ડુંગર પર તોરાંદેના નામની પ્રતિમા બેસાડેલી છે. નિઃસંતાન દંપતિ ત્યાં માનતા માની પોતાની મનોકામના પૂર્ણ કરે છે.

શિતલ માલાણી "સહજ"
૧૬/૪/૨૦૨૧
જામનગર..