શાળાના સંસ્મરણો
આ એક એવો વિષય છે જેના પર હર કોઈ વ્યક્તિ કંઈક ને કંઈક લખી શકે . મેં લાલન-તેજસ થી લઈને દસમાં ધોરણ સુધી ગુજરાતી માધ્યમમાં અને એક જ શાળામાં અભ્યાસ કરેલો . શાળાની મારી પાસે અઢળક સ્મૃતિઓ છે પણ મને એવું યાદ નથી કે ક્યારેય મેં શાળાએ ન જવાની જીદ્દ કરી હોય . શાળા હંમેશા મારી ગમતી જગ્યા રહી છે . લાલન-તેજસ ભણતી વખતે મમ્મી શાળાએ મૂકવા આવતા અને મને રસ્તા માંથી સાબુદાણા લઈ આપતા . એ સાબુદાણાની કિંમત ત્યારે આંઠ આના કે રૂપિયાથી વધુ નહીં હોય પણ એ આંઠ આના કે રૂપિયામાં કોથળો ભરીને આનંદ મળતો .
પછી ધીમે ધીમે પહેલું , બીજું , ત્રીજું... એમ ધોરણો આવતા ગયા અને પ્રાથમિક અભ્યાસ ચાલુ થયો . સવારે સાડાસાત વાગ્યાની શાળા . મમ્મી સાડા-છ વાગે નવડાવી નાસ્તો કરાવી તૈયાર કરી દેતા . થોડી નીંદરમાં જ રીક્ષામાં શાળા સુધી જતા . સવારની એ નાનકડી સફર એ ઠંડી હવા અને શિયાળામાં સ્વેટર ન પહેરવાની જીદ્દ મને ખૂબ ગમતા . પછી ચાલુ થતી પ્રાર્થના . પ્રાર્થનાનો સમય સૌથી દિવ્ય સમય રહેતો . ઈતની શક્તિ હમે દેના...મંગલમય મંદિર ખોલો..મંદિર તારું વિશ્વ રૂપાળું... આ બધા શબ્દો આને એની પાછળની અણીશુદ્ધ લાગણી હજુ જીવંત છે . પહેલા પિરિયડમાં અમે પોતાનું ઘરકામ અને લેશન-ડાયરી ચેક કરવા આપતા . ત્યારે એ ઘરકામ અમારા જીવનની સૌથી મોટી જવાબદારી હતી પછી પાકીબુકમાં લખવું કે રફબુકમાં ? , ટિચર લખાવશે એમની સાથે લખવામાં પહોંચી તો શકાશે ને ? , કોઈ બુક ઘરે નથી ભૂલાઈ ગઈને ? આવા અઘરા પ્રશ્નો સાથે રીસેસ પડતો . રીસેસ નો સમય અડધો કલાકનો રહેતો અને અમે એ દરેક અડધો કલાક એમ જ માણતા જાણે એ જીવનનો છેલ્લો રીસેસ હોય . પાંચ-સાત જણા સાથે નાસ્તો કરવા બેસે . એક-એક ડબ્બા ખુલતાં જાય અને પૂરા થતા જાય . ભેદભાવ , તારું-મારું , ઉંચ-નીચ આ બધા શબ્દો ત્યારે સાવ અજાણ હતા . અડધો કલાકના એ રીસેસમાં પંદર મિનિટ તો રમવાની રહેતી . હંમેશા મારો નાસ્તો એક જ રહેતો ઘરના વઘારેલા મમરા અને ચાર પારલે-જી બિસ્કીટ એમાં જો વર્ષના વચલા દહાડે મેગી લઈ ગયો હોય તો તો જમીનથી બે વેંત ઉંચો જ રહેતો અને રીસેસ પહેલાના કોઈ પિરિયડમાં મારું ધ્યાન ન રહેતું . અંતે શાળા છુટવાનો એ ઘંટ . મને યાદ છે અમારી શાળાનો ઘંટ તુટી ગયો પછી ઘંટ ની જગ્યાએ એક લોખંડનો મોટો પાટો રહેતો . એ પાટાનો કરકષ અવાજ પણ કાનને કોયલના અવાજ જેવો અતિ મધુર લાગતો . પછી એક રીક્ષામાં નહીં નહીં તો બાર-ચૌદ બાળકો ભરાતા અને સવારી પહોંચતી ઘરે . ત્યાં જેમ ચાતક મેઘની રાહ જોતો હોય એમ મમ્મી પપ્પા અમારી રાહ જોતા હોય અને અમૃત જેવી ગરમાગરમ રસોઈ જમવા મળતી .
આજે આ બધું યાદ છે અથવા યાદ આવે છે . શાળા એક યાદગાર પ્રવાસ બની રહી એ બધો શ્રેય મારી શાળાના શિક્ષકોને જાય છે . હું પોતાની જાતને ખૂબ સદનસીબ માનું છું કે મને એવા પ્રેમાળ શિક્ષકો મળેલા . તેઓ ખૂબ સારું શીખવતા હતા એનાથી પણ વધારે અમને ખૂબ સારું સાચવતા હતા . એ બધી નાની નાની વાતો મને યાદ છે . જેમકે સ્ટાફ રૂમમાં જવું , બ્લેક બોર્ડ સાફ કરવો , બાજુના ક્લાસમાં ચોક લેવા જવું . સ્ટાફ રૂમમાં જતી વખતે તો કોઈ મંત્રીશ્રી ને કોઈ ઉંચું પદ મળે અને ખુશી થાય એવી ખુશી અનુભવાતી અને જ્યારે ક્લાસમાં પહેલો નંબર લઈને ઘરે આવતો અને મારા મમ્મી પપ્પાના મુખ પર જે આનંદ જોવા મળતો એ મારા જીવનની સૌથી મોટી કમાણી છે . એટલું ચોકકસ કહી શકાય કે શાળાનો સમય જીવનનો શ્રેષ્ઠ સમય હતો અને ત્યાં ના શિક્ષકો મેં જોયેલા શ્રેષ્ઠ માનવીઓની શ્રેણીમાં આવતા વ્યક્તિઓ છે . મને વિશ્વાસ છે કે આટલું લખ્યા બાદ પણ હું બહું થોડું જ લખી શક્યો હોઈશ . પછી ક્યારેક ફરી આ વિષય સાથે મળીશું . છેલ્લે એટલું કહીશ કે શાળા મારું મંદિર છે.......