એક આહ ભરી હોગી...
હમને ન સુની હોગી...
*************************
यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत।
अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् ॥४-७॥
परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम् ।
धर्मसंस्थापनार्थाय सम्भवामि युगे युगे ॥४-८
“જ્યારે જ્યારે પૃથ્વી પર અધર્મ ફેલાશે ત્યારે ત્યારે હું આવીશ.”….
મનુષ્ય આ શ્લોક સાંભળીને સૈાથી આગળની હરોળમાં ઉભો રહી જાય છે. “ઈશ્વર આવશે, પોતાના માટે આવશે જ.” આને શ્રદ્ધા નું નામ આપવું કે અભિમાન નું એ પણ હવે શંકાનો વિષય છે. કારણકે ઈશ્વર માટે તો સુક્ષ્માતિશુક્ષમ જીવ પણ જીવ જ હોય ને! કદાચ આ વખતે ઈશ્વર મનુષ્ય માટે ન પણ આવે. કદાચ અત્યારે એ મનુષ્ય ની સાથે નહિ સામે પણ ઊભો હોય!
કોઈ આંબાવાડી નો માલિક એક નોકર ને આંબા થી ભરેલી આંબાવાડી સોંપીને જાય, પાણી ખાતર બઘું મફતમાં આપે, એ આંબાવાડી ની કેરી પર પણ અધિકાર આપે, એ કેરી વેચ્યા પછી જો બધો નફો પણ એ નોકર નો, માલિક નો વિશ્વાસ અને આશીર્વાદ તો આઠેય પ્રહાર આ નોકર સાથે. છતાં જ્યારે એ માલિક આવે ને આ આંબાવાડી ની જગ્યા એ એને ઉજ્જડ મેદાન મળે તો??
આવું જ કૈક નથી કર્યું મનુષ્ય એ ઈશ્વરની આંબાવાડી સાથે? અને તો પણ આપણે અપેક્ષા રાખીએ કે એ સારથી બનીને આપનું યુદ્ધ લડે!
માનવજાત આજે કરગરી રહી છે પણ શું આ ગજનીને એના પાછલા કર્મો યાદ નહિ આવતા હોય? મનુષ્ય સિવાય મનુષ્ય એ કોઈનો વિચાર કર્યો છે?
ગરોળી,વાંદા,કરોળિયા,કીડી,મચ્છર,ઈયળ આ બધા તો દેખતા જ ઠાર કરી દેવાના.. strictly prohibited in our home. મનુષ્ય ને પાક્કો વિશ્વાસ છે કે આ ઘર મારું છે અને એના દસ્તાવેજ પણ મારી પાસે છે એટલે ઘર માં કોને પ્રવેશવા દેવા કોને નહિ એનો અધિકાર ફક્ત મારો છે. ભલે ને નાના નાના જીવો કરગરતા.. એના પર દવા છાંટયા પછી ઊંધા પાડીને તરફડતા એ જીવ ને પણ વેન્ટિલેટર ની જરૂર હતી કદાચ. પણ આપણે એને સૂપડી માં ભરીને કચરાપેટી માં નાખીને ઢાંકણ બંધ કરી દીધું.
ઈશ્વરે બસ એ જ તો કર્યું છે. આખા બ્રહ્માંડ પર એના હસ્તાક્ષર છે. એના ઘર માં એને સફાઈ શરૂ કરી. તરફડતા જીવ પર એને દયા નથી આવતી હવે કદાચ. એના માટે તો સુક્ષ્મ જીવ જ છે ને બધા. પ્લાસ્ટિક ની કોથળી માં પેક કરીને એ આપણને મૂકી આવે છે ત્યારે આપણું તરફડવું કદાચ એને એટલું જ સામાન્ય લાગી રહ્યું હોય જેટલું આપણને એક કીડી કે મંકોડા નું.
એવું બિલકુલ નથી કહેવું કે ઘર ને ઉકરડો બનાવો. આ બધા સુક્ષ્મ જીવો તમારા ઘરની શોભામાં અભિવૃદ્ધિ કરશે, પણ એને એક વિકલ્પ તો આપો જેમ આપણને આપ્યો છે હોસ્પિટલ નો,વેન્ટિલેટર નો, oxigen નાં બાટલા નો. એના માટે કોઈ સ્થાન તો રહેવા દો આ પૃથ્વી પર. ઝૂંપડપટ્ટી માં રહેતા લોકોને ઘર ખાલી કરાવવા પહેલાં એના રહેવાની વૈકલ્પિક વ્યવસ્થા કરવી પડે તેમ આ જીવો માટે કોઈ વ્યવસ્થા તો રાખ મનુષ્ય!
અરે આપણા ઘર ની ક્યાં વાત છે ખુદ એના કાયદેસર નાં ઘર માં પણ આપણે એને શાંતિ થી રહેવા નથી દેતા. કોઈ સારા સ્થળ વિશે સાંભળ્યું નથી ને માનવે ત્યાં જઈને પોતાની ગંદકી ઠાલવી નથી!
નરારા ટાપુ પર શાંતિ થી રહેતા દરિયાઈ જીવ ને હાથ માં પકડી પકડી ને ફોટા પાડતી વખતે હે મનુષ્ય એ જીવ નો તને જરા પણ વિચાર નથી આવતો? કે એને નથી ગમતું? એ પોતાના ફોટા ની કોપી માંગે છે ક્યારેય? તો સમજી જા ને કે એ તારા મનોરંજન નું સાધન નથી.
જંગલ માં પણ જમીન ખોદી ખોદી ને સિમેન્ટ ભરી દીધી.. એ જંગલ તો સાપ નોળિયા ઉંદર ને વિછી ની બાપ દાદા ની જમીન હતી ને! તેના પર કબજો કરી લેવાનો?
આપણા ઘરના કોઈ ખૂણે કબુતર કે ચકલી ને 1 BHK મળી જાય તો એને સદભાગ્ય માનોને કે આપણા levish ફ્લેટ ની એને કિંમત કરી. બાકી તારા ઘરે આવે કોણ? ભાડે રહેવા આવેલ આ couple નાં માળા ઉખેડીને ફેંકી દેતા પહેલાં એને ઘર ખાલી કરવા એક નોટિસ તો આપ.
માછલી ની નબળી કળી એનું પાણી છે એ તું જાણી ગયો તો એને પાણી માંથી કાઢવા તે સ્પેશિયલ જાળી ની શોધ કરી? એ તરફડતી માછલી ને પાણીમાંથી કાઢીને તડપાવી તડપાવીને મારી ને એનો નાસ્તો કરી જા છો ત્યારે તારી આ બુઠ્ઠી સંવેદનાઓ ક્યાં જાય છે? ઈશ્વર પણ કદાચ મનુષ્ય ની નબળી કળી સાથે જ રમી રહ્યો છે. અત્યારે.
તારા શોખ પૂરા થાય છે અને એની જિંદગી પૂરી થાય છે. સમયસર બેડ ન મળ્યો અને જીવ ગયો ને? આવા કેટલાય પંખીઓને ઉતરાયણ નાં દિવસે બેડ નથી મળતો. તારા Chinese દોરામાં એના પગ માં ભરાયા હતા એની પાંખો વીંધાઈ ત્યારે એને પણ જરૂર હતી 108 ની.
હોળી ની જાળ ની પ્રદક્ષિણા કરીને તારા દીકરાના આવ્યા નો પ્રસંગ તો ઉજવાઈ ગયો પણ એ જ હોળી ની જાળ માં કૈંક માળાઓ પણ ભુંજાઈ ગયા. હોસ્પિટલ માં આગ લાગી ત્યારે સમચાર માં આવ્યુ પણ આ માળાઓ કોઈ કેમેરા મા કેદ ન થઈ શક્યા.
ડર થી ❤️ બેસી જાય છે ને માણસ તારું. બીમારી કરતાં તને ડર મારી નાખે છે ને? નવરાત્રી માં ગલી એ ગલી એ તારા ઢિંચક ઢીંચક સાંભળીને કેટલાય બચ્ચા આમ જ થરથરે છે. એની મા ની પાંખોમાં એ કાયમ માટે આંખ મીંચી દે છે. એ અલગ વાત છે કે ડર ની વ્યાખ્યા તે તારા માટે અલગ કરી છે પણ પંખીઓ અને પશુઓ માટે રાત્રે વાગતું આ સંગીત મોત ની સાયરન જ છે. તને 108 નો ડર છે પણ ઈશ્વર કદાચ નૃત્ય પણ રમતો હોય આ સંગીત પર. તો કેમ ન ગમ્યું? ત્યાં તો તને ખબર છે કે કોઈના heart બેસી જાય એવું મનોરંજન ના હોય.
પશુ પંખી માટે ઝૂ અને અભયારણ્ય નાં નામે એને contentment zone માં રાખ્યાં આટલા વર્ષો સુધી તો ઈશ્વરે તો ઘણી દયા રાખી છે એ પ્રમાણમાં આપણા ઉપર.
હે મનુષ્ય! તું કેમ દરેક વખતે તારી સગવડ તારા અનુકૂલન માટે જ વિચારે છે? ગરમી નાં દિવસોમાં કુદરતે આપેલી બધી જ ઠંડક તારા રૂમ માં ભરીને અન્ય જીવોને માટે ગરમ હવા શા માટે ફેંકે છે? તારા બનાવેલા કમ્પ્યુટર અને ATM ને બચાવવા જો તું કુદરત સાથે રમી શકે તો કુદરત તને એ જ ગરમી થી તડપાવે ત્યારે કેમ તને નથી ગમતું?
હે મનુષ્ય! શું તને ખરેખર AUM SHANTI લખીને શાંતિ મળે છે? RIP લખીને તું શાંતિથી સુઈ શકે છે? કારણકે તે અનેક જીવોના જીવનમાં અશાંતિ ઊભી કરી છે.
ઈશ્વર બસ તને આ જ સમજાવવા માંગતો હતો. ઈશ્વર એ પ્રકૃતિ દ્વારા તને અનેક નોટીસ આપેલી પણ તારા મગજ ના inbox માંથી એ સીધી recycle bin માં પંહોચી ગઈ. ઈશ્વરે મોકલેલા આ મેસેજ માં તે Blue tick ન થવા દીધું. ઈશ્વર તને mail પર mail કરતો રહ્યો. પણ તે ઈશ્વર ના notification ને off જ રાખ્યાં. તારી જિંદગીના Unread રહેલા એ મેસેજ તારે ફરી જોવા પડશે ઝીંદગી. એમાં જ ઈશ્વર એ પોતાનું સરનામું મોકલ્યું છે.
તું શાંતિ થી બેસીને પ્રાર્થના કરે એવો છે નહિ મનુષ્ય! તું આમ કરગરે છે કારણકે બાજી હવે તારા હાથ માં નથી. મચ્છર માટે મચ્છરદાની.. ઉંદર માટે પાંજરા તો તે ખૂબ મૂક્યા માનવ પણ આ વાયરસ તારા નાક પર રહેલી બે બે જાળી ને પણ ગણકારતો નથી એટલે તું બિચારો બન્યો છે. બાકી તો તું તારા મચ્છર મારવાના રેકેટ થી કામ ચલાવી જ લે છો પણ આ રેકેટ માં તડ તડ અવાજ સાથે મચ્છર મારતા એમ આ વાયરસ મારતો નથી તારાથી. ગરોળી કે માખી હોય તો તારા હાથમાં રહેલી સાવરણી જ કાફી છે પણ હવે ફેફસામાં હથોડા માર તો પણ આ જીવ એનું કામ શરૂ જ રાખવાનો છે એટલે તે હથોડા મુકીને હાથ જોડયા છે. તારી ઝીંદગી ની રફતાર કઈ ધીમી પડવાની ન હતી હજુ! પણ થંભાવી દીધી આ વાયરસ એ એટલે તું ધીમો પડ્યો છે.
મનુષ્ય! આ ઈશ્વર નો સંદેશો છે. એ પરમ કૃપાળુ જ છે. પણ એની કૃપા તારા પર જ વરસે એવા અભિમાન થી ભરેલી તારી આંખો એ જોવા તૈયાર નથી કે આ કૃપા અબોલા જીવ પર પણ વરસી શકે. ઈશ્વર નથી સાંભળતો એવી ફરિયાદ નો કોઈ અર્થ નથી. કારણકે એ મનુષ્ય સિવાય પણ કરોડો જીવ ની આહ એ સાંભળી શકે છે. જે આપને સાંભળી શકતા નથી અરે એક પ્રાર્થના બોલવા પણ તારા મોઢા ને તકલીફ ન પડે એટલે તું મોબાઈલ ચાલુ કરે છે તો ઈશ્વર ક્યાં મોઢે તને મદદ કરવા આવે?
ઈશ્વર કઈ નાખુશ નથી. બસ મનુષ્ય જાત કૃપા વરસાવશે એટલે બીજી જ ક્ષણે એની કૃપા વરસવાની શરૂ થશે.. તું થોડોક સુધરિશ એટલે એ બે હાથ પહોળા કરીને તને સહાય કરવા આવશે. દંભ ની કાચલી ઉતારીને તું એની સામે હાથ જોડીશ એટલે આશીર્વાદ ની વરસાદ કરશે એ. તને એક નાનકડા જીવ પર દયા આવશે એટલે એ દયા નો સાગર છે. કોઈ કારણ વગર કીડીને તારા આંગળાં એને અંગૂઠા વચ્ચેની દબાવવાનું છોડી દઈશ એટલે એ પણ તને પીડામાંથી મુક્ત કરી દેશે. બગીચામાં તારા પ્રિયજન ની વાટ જોતો સમય પસાર કરવા તું અમથું અમથું ઘાસ તોડવાનું બંધ કરીને આકાશ સામું જોઈને એને યાદ કરીને સમય પસાર કરીશ એટલે એ oxigen નહિ ઘટવા દે. તારા બંગલા બનાવતી વખતે ગરમાળો ને ગુલમહોર રૂપી કુદરત ના ફેફસા કાપીશ નહિ એટલે એ તારા ફેફસા ને સંક્રમિત નહિ કરે. એ પજવવા નથી આવ્યો એ સમજાવવા આવ્યો છે. સૂક્ષ્મ બનીને એટલે તું નરી આંખે એને ન જોઈ શકે. અને તું આંખો બંધ કરી અંદર ઉતર તારી જાત માં..
મનુષ્ય! તારી બેફામ ઝીંદગી ની રફતાર ને પ્રકૃતિ રૂપી બ્રેક માર. હજારો જીવોની મરણ સમયે નીકળેલી આહ નું આ પરિણામ છે... હવે એને બદનામ ના કર…એ તો પરમ કૃપાળુ જ છે. એ તો દયા નો સાગર જ છે… એ દયાના સાગરમાંથી ને એ કૃપાની દ્રષ્ટિથી તું સામે ચાલીને બહાર ગયો છે. એને તને બહાર કાઢ્યો નથી.. એ તો સ્વીકારે જ છે કે મારી શ્રેષ્ઠ કૃતિ તું જ છો મનુષ્ય. બસ તારે એ શ્રેષ્ઠતા બતાવવાની છે..
ઈશ્વર પોતાની પાસે બોલાવી લે એમાં તકલીફ નથી. કોઈ અજર અમર નથી.. સારા માણસો ને તો એ ખરાબ સમય પહેલા બોલાવી લે છે. મૃત્યુ શ્રાપ નથી. પણ મરી મરી ને જીવવું, કોઈ સ્વજન ની યાદમાં એની ગેરહાજરીમાં જીવવું, પ્રાણ વાયુ માટે તરસવું બસ એ બધું જીરવાતું નથી ત્યારે એની શરણ માં જવા સિવાય કોઈ વિકલ્પ નથી. પણ એની શરણ માં જતાં પહેલાં જાત શુદ્ધ કરવી પાડશે. માહ્લ્યા માંથી અહમ કાઢવો પડશે ને પછી એને કહેવ નહિ પડે એનું નામ જ હરી છે . એ બધા દુઃખ હરી લેશે….🙏🙏🙏🙏
सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः।
सर्वे भद्राणि पश्यन्तु मा कश्चिद्दुःखभाग् भवेत्! આ સર્વ માં મનુષ્યજાતિ સિવાય પણ કરોડો જીવ છે… એ સર્વે સુખી થાઓ… એ સર્વેનું કલ્યાણ થાઓ.
બંસી મોઢા..
9:45 30/04/21