તમે તમારી જાત સાથે કેવી રીતે વાત કરો છો? શું આના વિશે ક્યારેય વિચાર કર્યો છે? જો ન કર્યો હોય, તો હવે કરજો. દરેક વ્યક્તિ પોતાની સાથે વાત કરતો હોય છે. કોઈ ઘટના બને એનો સૌથી પહેલો પ્રભાવ આપણા મન પર પડે છે. આપણી અંદરથી જ ક્યારેક સવાલો ઊઠે છે અને આપણું દિલ જ આપણને જવાબ આપે છે.
સફળતા, નિષ્ફળતા, હતાશા, આનંદ કે ઉદાસી સૌથી પહેલા આપણી અંદર આકાર પામે છે. આપણો આપણી સાથેનો સંવાદ ચાલતો રહે છે.આપણી સાથેનું વર્તન કેવું છે, એની સીધી અસર આપણા ઉપર પડે છે. જયારે આપણે આપણી જાત સાથે સારી, સાચી અને સકારાત્મક વાતો કરીએ છીએ ત્યારે બધું જ સારું લાગે છે અને જયારે આપણે નબળી, નકામી અને નકારાત્મક વાત કરતા હશું તો આપણને ખોટા જ વિચાર આવશે. જો આપણે નેગેટિવિટીથી બચવું હોય તો નકારાત્મક વાતો કરવાનું બંધ કરવું જોઈએ. આપણે બહારની અને અંદરની નેગેટિવિટી સાથે લડવાનું જ નહીંપણ જીતવાનું હોય છે. આમ, પોતાની જાત સાથેનો સંવાદ હશે એવા જ આપણે બનતા હોય છે.
હવે બીજો સવાલ ! તમે તમારી સાથે થતી વાતચીતથી કેટલા સભાન છો? બીજા લોકો સાથે વાત કરવામાં આપણે જેટલું ધ્યાન રાખીએ છીએ. તેના કરતાં વધુ કાળજી ખરેખર તો પોતાની સાથે વાત કરવામાં રાખવી જોઈએ. આપણે બીજા લોકો સાથે વાત કરતી વખતે એને ઈમ્પ્રેસ કરવાનું કે સારું લગાડવાનો પ્રયાસ કરીએ છીએ. શું ક્યારેય આપણે પોતાને ઈમ્પ્રેસ કરવાનો પ્રયાસ કર્યો છે? કોઈ સારું કામ થયું હોય કે કોઇ સફળતા મળી હોય ત્યારે આપણી જાતને કહ્યું છે કે "વેલ ડન!!" કે "બહુ જ સરસ" ?? ના!! આવું આપણે મોટેભાગે નથી કહેતા. તેની સામે જો કંઇક ખરાબ બને તો તરત જ બોલીએ કે, "બહુ ખોટું થયું". આપણાથી કોઈ ભૂલ થઈ હોય તો આપણે આપણી જાતને કોસતા હોઈએ છીએ.
મનોવૈજ્ઞાનિકોના મત મુજબ આપણી કદર પોતે કરવી જોઈએ. આપણી પોતાની જાત માટે ગૌરવ નહિ અનુભવીએ તો બીજા ગમે એટલા વખાણ કરશે તો પણ કંઈ ફરક પડવાનો નથી. આપણે ત્યાં એવું કહેવાય છે કે "સંગ એવો રંગ" આપણી ઉઠક-બેઠક કોની સાથે છે એની સીધી અસર આપણા પર પડે છે એનાથી વધારે વધુ અસર આપણી સાથેનું વર્તન કેવું છે એનાથી થાય છે. સાચું કહેજો, તમારા જીવનમાં તમારી સાથે એવા કેટલા લોકો છે જે તમારા વિશે બધું જ જાણે છે? જેને તમારાથી ફેર પડે છે કે જેનાથી તમને ફેર પડે છે !!! હકીકતમાં તો ગણ્યા ગાઠ્યા લોકો હશે. હા, સર્કલ ઘણું મોટું હોઈ શકે પણ દિલની વાત બધાની સાથે કરી શકાતી નથી. એની માટે તો અમુક ખાસ લોકોના સાથની જરૂર પડે છે. સતત લોકોની ભીડથી ઘેરાયેલી વ્યક્તિ પણ અંદરથી સાવ એકલી હોઈ શકે છે. આવા "એકલા" લોકોની સંખ્યા દિવસે ને દિવસે વધતી જાય છે. સરવાળે સાવ સીધી, સાદી અને સરળ વાત એટલી જ કે માણસ એકલો જન્મે છે, એકલો મરે છે, પણ એકલો રહી શકતો નથી. તે સતત કોઈની સાથે જોડાવા મથતો રહે છે. અમુક સાથ અને અમુક હાથ આપણને ગમવા લાગે છે. જેની સાથે રહેવાનું, ચાલવાનું, વાત કરવાનું આપણને ગમતું હોય છે. ત્યારે કહેવાનું મન થઈ જાય કે, "હૈયાની વાત હૈયામાં નહીં રાખું, બસ! મળે તારો સાથ તો બધુ કહી નાખું ".
જો તમારી સાથે પણ આવી કોઈ વ્યક્તિ હોય તો પોતાની જાતને નસીબદાર સમજજો કે તમને એવી વ્યક્તિનો સાથ છે, જેના વિચારો, જેની પ્રાર્થના અને જેના અસ્તિત્વ સાથે તમે જોડાયેલા છો. સંબંધ બધા સાથે રાખો. નેટવર્કિંગ હજારો તો શું લાખો સાથે હોય તેનો વાંધો નહીં. માત્ર જેને તમે બધી જ વાત કરી શકો છો, જેની સાથે રડી શકો છો અને જેને કોઈ વાત કરતા પહેલા વિચાર નથી કરવો પડતો કે કોઈ ભૂમિકા બાંધવી નથી. એનું જતન કરજો. એને સાચવજો. એ લોકો જ આપણી જિંદગીને જીવવા જેવી બનાવતા હોય છે. એ આપણી જિંદગીનું કેન્દ્ર હોય છે. જો આવી વ્યક્તિ એકવાર કહે ને કે, "હું છું ને તારી સાથે"... બસ, ક્યારેક એટલું કહેવાથી હારેલો માણસ જિંદગી સામે લડી લે છે". આવો સાથ જ આપણા જીવનની અમૂલ્ય મૂડી છે.
જે વ્યક્તિ તમને હંમેશા ખુશ જોવા ઈચ્છતી હોય તેના માટે કંઈ જ કરવાનું બાકી ના રાખો. હાથમાં હાથ હોય એ માત્ર સાથ જ નહિ, સહારો બનવો જોઈએ.
છેલ્લે મિત્રો, એટલું જ કહીશ કે,
"અજવાળામાં તો ઘણાં મળી જશે,
શોધ એની કરો કે જે અંધારામાં પણ સાથ દે".