રીશેષનો બેલ વાગતા જ અમે બધા નિશાળીયા તરત જ રૂમમાં ગોઠવાઈ ગયા.
રૂમમાં હું સતત તેની સામે જોઈ રહ્યો હતો પણ તેણીની આ બાજું નજર ન હોતી ફેરવતી. કોણ જાણે? એવુ તે મે કયું કટુ વચન કહી દીધું? પણ તેના ચહેરાના હાવભાવ કંઈક કહેવા માંગતા હતા જેને હું તે સમયે સમજી શક્યૈ ન હતો.
સાંજે છુટ્યા ત્યારે પહેલો દિવસ હોવાથી તેના માટે સૌકોઈ અજાણ્યા હતા તેથી તે છોકરીયોની વચ્ચેમાંની એક છોકરી સાથે બહાર નીકળી અને હું મારા મીત્રો સાથે. ઘરે આવી હું, અજય, ગૌતમ અને અંકિત શેરીના બીજા છોકરાઓ સાથે ગીલી-દંડા અને ક્રિકેટ મેચ રમવા ગયા. અમારૂ મેદાન તળાવની નજીક જ હતું અને આ તળાવ ગામ પુરુ થતા તરત જ આવતું. આ તળાવનું નામ મોતીયુ તળાવ. અહી કોઈ મરતું એટલે એનું નામ આવુ ન હતુ પણ આ તો ગામમાં બે તળાવ, એક નાનું ને બીજુ મોટું. મોટા માંથી અપભ્રંશ થઈ બીચારું તે મોતીયુ બની ગયું. અમારી ટુળકીમાં ગૌતમને બીક બહું લાગે અને ખબર નહિ ગામમા ક્યાંય ન સાભળી હોય તેવી અલકમલકની વાતો લઈને તે પહોચી જાય. મે મોતીયાના કીનારે કેટલીક સ્ત્રીઓ ને છાણા વીણતા જોઈ અને મને મજાક સુજી તો મેં ગૌતમને કિધુ, "જો ત્યાં કોઈક ભુત જેવું છે!"
ગૌતમ તો તરત જ ઉંચો થયો, "અરે... હું ન'તો કે'તો આમ એકલા સાંજે ના અવાય, જો... જો... એક નહિ ત્યાંતો આખુ ભુતનું ટોળુ છે... હે ભગવાન હવે શું કરશું? આપણ બધાને તેના મોટા નખથી ચીરીને લોહી પી જશે જો જો... એય પણ પણ મને તો હનુમાન ચાલીસા આવડે એટલે વાંધો નહી પણ તમે શું કરશો?" તે બીતાબીતા અને થોડાક ગર્વના ભાવથી એકસાથે આખો ડરવનાો નીબંધ બોલી નાખ્યો.
મને મનમાં હસવું આવ્યું અને ત્યાં જ અજયે તેની પાછળ આવીને જોરથી ભવ કર્યું કે તે એટલો તો ડરી ગયો કે પાછો પડ્યો અને પડતા પડતા બચી ગયો.
કોઈ ના બીતા વ્યક્તીને પણ એ બીવડાવે તેવી ગજબની શક્તિ તેનામાં હતી. મજાક તો મેં કરેલ પણ તેની આ અભીનયકળાને જોઈને મને પણ થોડીક બીક લાગી અને મે બીતા બીતા એ તરફ જોયું તો એ ગામની સ્ત્રીઓ જ હતી. મે તેના કપાળ પર એક ટાપલી મારી અને આગળ વધ્યો.
અમારી ગીલ્લી એ બાજું જતા જ હું દોડીને તે લેવા ગયો કે મને પાછળથી કાનમાં ગૌતમની ચાલીસા સંભાળાવવા લાગી. થોડોક તો મનેય ડર લાગ્યો પણ તોય હું આગળ વધ્યો ને જોયું પેલી ગુલાબી આંખોવાળી છોકરી બાવળની છાંયની નીચે બેઠી હતી જ્યારે અન્ય સ્ત્રી અને તેની ફોઈ બાજુમાં સુકાઈ ગયેલા પોદળા વીણતી હતી. અમારી ગીલ્લી તેની હાથમાં હતી જે મને આપી. હું કંઈ બોલ્યા વગર ત્યાંથી આવતો રહ્યો. તેણીનીએ મારી સામે જોયું અને હું ડરવા લાગ્યો કે કદાચ તે તેની ફોઈને કંઇ ઊંધું ન કહે.
આજે શનીવાર હતો એટલે નીશાળ પણ વહેલી હતી. અમારા માસ્તર રૂમમાં આવ્યાને બધાનું લેશન માંગવા લાગ્યા. આપણે તો લેશન કરેલ જ નંહિ. આમા એવું નહી કે હું શાળાનો ઠોઠ નીશાળીયો હતો. આજનો શનીવાર મગજના મંદીર માંથી ગાયબ થઈ ગયેલ અને રોજની માફક મને એમ હતું કે સવારમાં લેશન કરી નાખશું. જ્યારે મગનભાઈ સરને ખબર પડી કે હું લેશન નથી લાવ્યો તો એક સોટી સનનન કરતી પડી અને રૂમની બહાર ઉભુ રહેવા કીધું. શરમ તો બહુ આવી પણ શું કરી શકાય? મારી પાછળ પાછળ અજય અને અંકિત પણ આવ્યા. તેમના બીચારાઓને સોટી ખાઈને હાથ તો લાલ લાલ થઈ ગયેલ એટલે મસળતા મસળતા આવ્યા. થોડીવારમા તો એક છોકરી પણ આવી, છોકરીયોની આદત લેશન દરરોજ ખુબ જ વ્યવસ્થિત રીતે કરી લાવવાની હોય છે પણ આ છોકરી બહાર આવી એટલે મેં ઉંચુ માથુ કરીને જોયું તો એ બીજુ કોઈ નહી પણ તે અનામી કન્યા જ હતી.
તે મારી બાજુમા જ આવી ને ઉભી રહી પણ આજે તો સાલુ કઈ બોલાયું જ નહી. શરમ અને ખુશી બન્ને મારા ચહેરા પર ટપકતી હતી તો દંડાઈ અને બેફિકરાપણું તેના ચહેરા પર ઠુંસીઠુંસીને ભરેલ હતું. કેવું વિરુદ્ધાભાસી મીલન! આપણે તો ગઈકાલની બનેલ ઘટનાથી ચુપ જ રહ્યા પણ તે ગઈકાલની માસુમ લાગતી કન્યા આજે કંઈક અલગ જ અંદાજમાં પ્રસ્તુત હતી. થોડીક મીનિટ બાદ સામેથી એ બોલી કે,
"તું રોજ લેશન નથી લાવતો? મારા જેવો જ છે!! મને પણ નથી ગમતું લેશન કરવું!!"
હું તો તેની સામે જ જોઈ રહ્યો અને મનમાં વીચાર્યુ કે આવા શબ્દો તો મારે કે'વાના હોય! ગજબ છે હું તો એને જોઈ જ રહ્યો. ત્યાંજ ગૌતમ બોલ્યો "એ બાપા.. આ તો કેટલું મારે બાવો...એક દી એનું માંથુ ફોડી નાખીશ..." બાવો એટલે અમારા સાહેબ, તેઓએ લગ્ન ન હતા કર્યા એટલે તેમને બાવો કહેતા.
થોડીવાર પછી મેં તેનાં સવાલનો જવાબ આપ્યો અને કીધુ,
"ના, હું તો રોજ લાવુ છું ખાલી આજે જ નથી લાવ્યો, હું કઈ ડોબો નથી...."
મારા આ અંતીમ શબ્દએ કદાચ બધુ જ બાફી માર્યુ ને એ ટગર ટગર મને જોવા લાગી. હું તો કઈ બોલી જ ના શક્યો. પણ થોડી વાર પછી એણે એક સ્મીત કર્યુ એટલે હું રીલેક્ષ થયો. એણે આગળ કહ્યું,
"તો તો બહુ સારુને, તુ મને લેશન કરી આપજે હો! મને નહી લેશન કરવું નથી ગમતુ."
મે અચંબાથી તેને જોતા કહ્યું "હે!"
એક મિનીટના અંતરાલ બાદ મે તેને તેનું નામ પુછ્યું ને તેણે એટલી મીઠાશથી તેનું નામ લીધું કે હું આવા ઊનાળામાં પણ પલળવા લાગ્યો,
"વષૉ, વષૉ નામ છે મારું અને તારૂં?" તેનું રૂપ વર્ષા નહી પણ વર્ષાની રાણી જેવું જ હતું. એ નામ આજીવન મારા દીલના કોરા વાદળોમાં હમેશને માટે ભરાઈ ગયું જે ક્યારેય નીકળ્યું જ નહી.
ક્રમશ: