'રાહી' એક NGO સાથે કામ કરતી હતી અને ગરીબ પરિવારો અને જરૂરિયાત પ્રમાણે યુવાનો અને સ્ત્રીઓની મદદ કરતી હતી, જ્યારે એને શ્વેતા વિશે સાંભળ્યું તો સામેથી જ શ્વેતાને મળવા આવી પહોંચી હતી. શ્વેતા પાસે થી બધી જ વાત સવિસ્તર જાણ્યા પછી એને સમજાયું કે શ્વેતાનું મન ખુબ મક્કમ છે એટલે એ બીજાને ખુશ રાખવાના અથાક પ્રયત્ન કરે છે, રાહી એના કામ પ્રત્યે ખુબ સંવેદનશીલ અને ઈમાનદાર હતી, એણે શ્વેતાને કહ્યું, "હું એક NGOમાં કામ કરું છું, તમે જે કામ કરો છો એ જ કામ હું ઘણા લોકોની અને સરકારની મદદથી કરુ છું, મને ખર્ચ કરવા માટે રકમ અને મદદ કરવા માટે મણસો પણ મળી રહે છે, હું જ્યારે પણ તમારા જેવા માણસો જોઉં છું તો મને ખુશી થાય છે અને હું એ ખુશી એમની મદદ કરીને વ્યક્ત કરું છું, હું ઈચ્છું છું કે તમે મારી યોજના એકવાર સાંભળી લો પછી વિચાર કરજો."
શ્વેતાએ પણ રાહી વિશે ઘણું સાંભળ્યું હતું અને એ જાણતી હતી કે જે કામ એ કરે છે એ સ્તરે પહોંચી શકવાનો વિચાર પણ કરી શકાય એમ નથી. પણ આજે એ વ્યક્તિ સામેથી આવી હતી એટલે શ્વેતાએ એમની વાત સાંભળવાની અને તેનો અમલ કરવાની તૈયારી બતાવતા કહ્યું, "તમે તમારું જીવન સમર્પિત કર્યું છે અને મારે તો માત્ર થોડો સમય જ ત્યાગ કરવાનો છે, તમે જે પણ યોજના બનાવી છે હું તમારી સાથે કામ કરવા તૈયાર છું, તમારા જેવા અદ્ભુત માણસ સાથે કામ કરવાનો મોકો મળ્યો એ જ સદ્દભાગ્ય કહેવાય."
રાહીએ ચહેરા પર જરીક સ્મિત રેલાયું અને જાણે કોઈ બાળકની હઠ પુરી થઈ હોય એવો ભાવ ચહેરા પર ફરી વળ્યો.
બંનેએ મળીને પહેલું કામ પોતાના કામને નામ આપવાનું કર્યું, તેમણે એક નાનકડી અૉફિસ બનાવી અને "સાચી ભેટ" નામ રાખ્યું, સરકાર પાસેથી મદદ મેળવવા માટે પણ કામ કર્યું.
આમ, શ્વેતાના સ્વપ્નને આકાર મળ્યો, આ સંસ્થા સાથે એમણે બીજાં ઉત્સાહી લોકોને પણ જોડ્યા અને બીજા લોકોને જોડાવા માટે પ્રચાર પણ કર્યો, નાના ગૃહ ઉદ્યોગોને આગળ લાવવા માટે એક અલગ ટીમ બનાવી અને એમનો વ્યવસાય વધાર્યો, ગરીબ બાળકોને શિક્ષણ મળે એ માટે શિક્ષકોને પણ મદદ કરવા માટે સાથે લીધા અને પ્રૌઢ શિક્ષણ પણ શરૂ કર્યું, યાત્રાધામ પર વૃદ્ધોને લઇ જવાની વ્યવસ્થા ઈચ્છુક લોકોના ખર્ચે કરી, સ્ત્રીઓને રોજગાર મળે એ માટે ટીફીન સેવા અને પાપડ, ખાખરા, અથાણાં, ભરતગુંથણ, સિલાઈ અને આવા ઘણાય ઘરેલું ઉત્પાદનનો ને બજારમાં સાચી ભેટ સંસ્થા દ્વારા ખરીદીને વહેંચવાનું કામ કર્યું, કોઈપણ વ્યક્તિ દિકરી કે બહેનના ભણવા માટે મદદ લેવા આવે તો બધી જ મદદ કરી.
આમ દરેક ક્ષેત્ર અને દરેક સ્ત્રીને માટે સાચી ભેટ વરદાન સાબિત થયું.
પાંચ વર્ષ જેટલાં સમયમાં તો હજારો લોકોને રોજગાર મળ્યો અને મદદ કરવા માટે પણ ઘણાં લોકો આ સંસ્થા સાથે સ્વેચ્છાએ જોડાયા, ઘણાં નિઃશુલ્ક સેવા પણ આપતા હતાં જેવા કે ડૉક્ટરો, શિક્ષકો, ગાડી, રીક્ષા કે બસ ના ડ્રાઈવર અને બીજા ઘણા લોકો, આ સંસ્થા ને કામ કરવા માટે સરકારી મદદ પણ મળવા લાગી હતી.
ખુબ મોટી સંખ્યામાં લોકો જોડાયા અને શ્વેતાનું સ્વપ્ન પૂર્ણ થઇ ગયું.
પણ...
"જો શ્વેતા, આજે એક પત્ર આવ્યો છે, જેમાં લખ્યું છે આપણી 'સાચી ભેટ'ને આંતરરાષ્ટ્રીય બજારમાં રજૂ કરવા માટે સરકાર રોકાણ કરવા ઈચ્છે છે અને તને મળવા બોલાવી છે. "એકદમ સડસડાટ રાહી બોલી ગઈ.
શ્વેતા પણ સાંભળીને ખુશ થઈ અને એને રાહીને પુછ્યું, "મને કેમ મળવા બોલાવી છે, આ સંસ્થા તો તમારી છે હું તો ફક્ત નિમિત છું."
તો રાહીએ શાંતિ થી કહ્યું કે, "શ્વેતા ભલે તારી નજરમાં આ બધું મારુ છે પણ આ જગ્યા અને સંસ્થાની માલિક અને સ્થાપક તો તું જ છે, તારે આ સંસ્થાને આગળ લઇ જવા માટે આ પ્રસ્તાવ સંબંધી ચર્ચા કરવા ત્યાં જવું જોઈએ એવું મને લાગે છે. "
રાહીની વાત સાંભળીને શ્વેતા તૈયાર થઈ ગઈ એને વિચાર્યું કે મળવા માટે કોઈપણ જાય કામ તો સંસ્થાનું જ છે ને!
બીજા દિવસે શ્વેતાએ સરકારી દફતરની મુલાકાત લીધી અને બધું જ બરાબર સમજીને કામ માટે સરકાર સાથે જોડાણ કર્યું અને સરકારે આર્થિક સહાય આપવાની જાહેરાત કરી.
શ્વેતાએ આ વાત રાહીને કહી. બંને ખુબ ખુશ થયા અને સંસ્થાના બધા લોકોને આ ખુશીના સમાચાર આપ્યા.
આજે શ્વેતાનું સ્વપ્ન આકાશ જેટલું ઊંચું શિખર બની ગયું અને હવે સંસ્થા સાથે જોડાયેલ લોકોને અને રોજગાર મેળવતા લોકોને પણ ફાયદો થશે.
એક દિવસ શ્વેતા સવારથી રાહીને ફોન કરતી હતી પણ સામે કોઈ જવાબ આપતું નથી, શ્વેતાને ચિંતા થવા લાગી હતી.
એને થયું કે રાહી ક્યાં હશે? એ જ્યાં પણ હશે ઠીક તો હશે ને? સવારથી એની કોઈ ખબર મળી નથી બસ, એ જ્યાં પણ હોય ઠીક હોય અને જલદી પાછી આવે તો સારુ!...
શ્વેતા રાહીની રાહ જોઈ રહી હતી અેને બધા જ પ્રયાસો કર્યા પણ રાહીની કોઈ ખબર ના મળી એટલે એણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. ૪ દિવસ સતત શોધખોળ કરી પણ તોય કંઈ ફાયદો ના થયો.
સતત ચાર દિવસથી શ્વેતાના મનમાં ખરાબ વિચારો આવ્યા કરતા હતા, એ અશાંત દેખાતી હતી, બધા જ હતા એની સાથે પણ એને ડર લાગી રહ્યો હતો, એણે એની મા ની સામે જઈને કહ્યું કે,"મેં મારાથી બનતા બધા જ પ્રયત્ન કર્યા છે પણ હું રાહીને શોધવામાં નિષ્ફળ રહી, એ દિવસે મેં એને બેંકમાંથી ગ્રાન્ટની રકમ આપી હતી અને બીજા દિવસે અૉફિસ લઇ આવવા માટે કહ્યું હતું પણ એ દિવસથી એની કોઈ ખબર મળી નથી, મને લાગે છે કે એની પાસે રહેલાં રૂપિયાના કારણે જ આ બધું થયું છે, મારે એને એકલી નહોતી મોકલવી જોઈતી જો એને કંઈ થયું તો હું મારી જાતને ક્યારેય માફ નહીં કરી શકુ, રાહી દરેક વખતે મારી સાથે રહી છે અને કોઈપણ જાતના સ્વાર્થ વગર એને લોકોની પણ ખુબ મદદ કરી છે, એ ખૂબ દયાળું અને સારાં છે. હે ઈશ્વર, તમે રાહીની મદદ કરજો અને એની સંભાળ રાખજો. રાહીથી.... "
એક પોલીસ અધિકારીએ શ્વેતાને વચ્ચેથી જ અટકાવી અને પુછ્યું, "સાચી ભેટ ની માલીક કોણ છે? "
"હું છું! "શ્વેતાએ નમ્રતા અને આશ્ચર્ય સાથે જવાબ આપ્યો.
અમે તમારી અટકાયત કરવા આવ્યા છીએ, તમારી વિરુદ્ધ ફરિયાદ આવી છે કે તમે કોઈ NGOના નામ પર લોકો ને છેતર્યા છે."
શ્વેતા તો અસમંજસમાં પડી ગઈ અને બોલી,"સાહેબ, તમારી કંઇક ભૂલ થઇ છે, મારી સંસ્થા તો મદદ કરવા માટે છે. અમે અહીં જરૂરિયાત વાળી સ્ત્રીઓને મદદરૂપ થઈએ, ગૃહ ઉદ્યોગ અને નાના કારિગરોને પણ કામ અપાવીએ છીએ. છેતરપિંડી આચરી હું રાહીની મહેનત અને લોકોનો વિશ્વાસ તોડી ના શકું સાહેબ."
"રાહી કોણ છે આ હવે?? " પોલીસે પુછ્યું.
રાહી વિશે માહિતી આપી શ્વેતા એ જણાવ્યું કે છેલ્લાં ચાર દિવસથી એની કોઈ ભાળ મળી રહી નથી અને ફરિયાદ પણ નોંધાવી છે.
પોલીસે થોડી પુછપરછ કરવી પડશે એવું કહ્યું અને શ્વેતાને સાથે લઇ ગયા.
શ્વેતા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરનાર કોણ છે અને એની સાથે શું છેતરપિંડી થઇ એ વાત કોઈ જાણતું નહતું. જ્યારે ત્યાં પહોચ્યાં તો રાહી પહેલાથી જ હાજર હતી. એને જોઈને શ્વેતાના મનમાં ટાઢક વળી અને બીજા મિત્રોને પણ હાશકારો થયો.
શ્વેતાએ કહ્યું, "આભાર સાહેબ, તમે મારી ખુબ મોટી સમસ્યા હલ કરી આપી, હવે મને લાગે છે કે તમારી જે ગેરસમજ થઇ છે એ પણ દુર થઇ જશે. તમે રાહી ને સલામત રીતે શોધી લીધી એ માટે તમને ખુબ ખુબ ધન્યવાદ."
"જુઓ, મને કોઈ ગેરસમજ નથી થઈ. મારી પાસે પૂરતા પ્રમાણમાં પુરાવા છે અને સાક્ષી પણ છે. તમને આ માટે સજા તો થશે જ! અને જ્યારથી આવ્યો ત્યારથી તમે રાહીનું નામ રટણ કરો છો? એ રાહી હજુ અમને મળી નથી. શોધખોળ ચાલુ જ છે."
શ્વેતાએ રાહી તરફ આંગળી ચીંધી અને કહ્યું, "આ રાહી છે સર."
અૉફિસર ચિડાઈને બોલ્યાં, "આ રાહી નથી. આ એક ફરિયાદી છે અને સાક્ષી પણ છે. એનું નામ સ્મિતા છે રાહી નથી. એક તો તમે એમને છેતર્યા અને હવે એમની ઓળખ ખોટી છે એવું સાબિત કરવા માંગો છો? તમે ચૂપચાપ ઉભા રહો અને જે પુછવામાં આવે એનો જ જવાબ આપો"
આ સાંભળતા જ શ્વેતાના પગ નીચેથી જમની સરકી ગઇ, એને એ ધરાર નિષ્ફળ ગઈ હોય એવું લાગવા માંડ્યું, આંખોમાં ઝળઝળિયાં આવી ગયા અને બધું જ એક પ્રપંચ લાગવા લાગ્યું. આ વાત સ્વીકારી લેવી એના માટે શક્ય નહતી, જેની સાથે એણે આટલો સમય કામ કર્યું એ વ્યક્તિને ઓળખવામાં થાપ ખાઈ ગયા નો માનસિક અફસોસ થયો, હમણાં શ્વેતાની સ્થિતિ એવી થઇ કે વર્ણવી જ ના શકાય, એને સમજાઈ ગયું કે આ પૈસા કમાવાનો એક ઢોંગી નાટક હતું અને હું એનુ મુખ્ય પાત્ર હતી જેની જાણ મને હતી જ નહિ. પણ હવે એની આ વાતનો કોઈ વિશ્વાસ કરશે નહીં, હવે બધી જ સમજ અર્થહીન છે. વ્યક્ત કરવાના પ્રયાસો પણ નિષ્ફળ જ છે.
છતાં લડવું જરૂરી હતું એટલે હાર માની ને બેસી જવાનો કોઈ અર્થ નથી. શ્વેતાના એક મિત્ર એ અદાલતમાં શ્વેતા માટે રજુ થવાની તૈયારી કરી લીધી.
હવે શ્વેતાના આજ સુધીના ત્યાગનો, સેવાનો અને મહેનતનો પ્રસાદ એને મળવાનો હતો. બધા જ ચિંતીત હતા...
અને આખરે એ દિવસ આવી ગયો, બધા અદાલતમાં હાજર થયા, આજે લાંબી મુદતની ન્યાયની લડત બાદ છેલ્લી ઘડી આવી. આજે ન્યાયાધીશ અંતિમ નિર્ણય આપવાના હતા.
વર્ષોથી ચાલતી આ લડતનો આજે અંત થવાનો હતો. હવે શું નિર્ણય આવશે એ શ્વેતાને માટે કંઈ મહત્વનો નહતો પણ એને એ વાતનું દુઃખ હતું કે હવે પછી કોઈ એક સ્ત્રીના સ્મિત પર ભરોસો નહીં કરે જેમ મેં રાહી પર કર્યો હતો, હવે કોઈ બીજી સ્ત્રીની મદદ નહીં કરે જેમ મને મળતા લોકોની હું મદદ કરતી હતી, હવે કોઈ સાચી ભેટ આપવા અને મેળવવાના નિ:સ્વાર્થ અને નિખાલસ પ્રયત્ન નહીં કરે. સ્ત્રીને મળતા સન્માનની કદર નહીં થાય અને સૌ આ ઘટનાને ઉદાહરણ તરીકે પ્રસ્તુત કરશે. સ્ત્રીની સ્વતંત્રતા છેતરપિંડીની સાથે સરખામણી કરવામાં આવશે. પિંજરામાં રહેલી સ્ત્રી ફરી પાછી પિંજરામાં પૂરાઈ જશે. હવે એ પેલી મોકળાશ માટે તરસી જશે. એની ઈચ્છાઓ સાંભળ્યા પછી પણ એને પૂરી કરવામાં ખચકાટ તો રહેશે જ!
આમ વિચાર કરતી શ્વેતાના ચહેરા પર ઉદાસી સ્પષ્ટ જણાતી હતી. ન્યાયની શોધમાં આંખો સંપૂર્ણ થાકી ચૂકી હતી, 'સાચીભેટ' કેવી? પ્રશ્નનો જવાબ હજુય અકબંધ હતો પણ એ મેળવ્યાનો આંનદ હવે મરી પરવાર્યો હતો.
જે છોકરીએ પોતાની યુવાનીના વર્ષો સેવાર્થે ખર્ચી દીધા, જેણે બધાને પોતાનો જ પરિવાર ગણ્યો, જેણે મિત્રો સાથે ફરવાનો સમય વૃદ્ધાઓને આપ્યો, પરીવારનો સમય જરૂરિયાતમંદ લોકોને આપ્યો, નિસ્વાર્થ રીતે પોતાની બધી જ શક્તિ વાપરી અને બીજાઓને પણ આ કરવાની પ્રેરણા આપી, વધારે નહીં તો ફક્ત પોતાના પરિવારની અને જાણીતી હોય એવી સ્ત્રીઓનું સન્માન કરવાનું અને એમને પોતાની ઈચ્છા પ્રમાણે જીવવાની સ્વતંત્રતા આપવાનું પણ શીખવ્યું, સાચી ભેટ મેળવવાની જિજ્ઞાસા જગાડી અને એનો આનંદ માણતા શીખવ્યું. પણ અંતે એને કેવું વળતર મળ્યું?
એણી બધી આશાઓ મરી પરવારી હતી પણ તો ય એને એમ હતું કે બધા મને ભલે ભુલી જાય પણ આ સાચી ભેટ બધાં ને મળવી જોઇએ, દરેક વ્યક્તિના જીવનમાં આ પળો આવવી જોઈએ જેથી એને આ ધરતી પર અવતર્યાનો આનંદ થાય અફસોસ નહીં. છેક છેલ્લી ક્ષણો સુધી શ્વેતાએ પ્રયત્ન કર્યો કે એના અધૂરા સપના હવે એ લોકો પૂરા કરે જેમને આ આહ્લાદક, સંતોષકારક અને અંતરમનની ખુશી માણવાની ઈચ્છા હોય અને ખરી કિંમત જાણતા હોય.
શ્વેતા કોર્ટમાં પહોંચી એ સમયે એના મનમાં ઘણી ગડમથલ થઇ રહી હતી. એના હાવભાવ અસ્પષ્ટ હતા કોઈ એક જ પ્રકારની વાત એ જાણે જૂદા જૂદા ઢંગથી વિચારી રહી હોય એવું જણાતું હતું. અદાલતમાં ન્યાયાધીશના આવવાની સાથે કામ શરૂ થયું અને દરવાજામાંથી એક યુવાને પ્રવેશ કર્યો અને વિનંતી કરી કે એને કંઈક કહેવું છે તો એ સાંભળવામાં આવે. એણે શ્વેતા નિર્દોષ છે એ વાત વિગતે કહી. એ યુવાન વર્ષાબેનનો દિકરો હતો જે પોતાની માતાની કદર કરવાનું શ્વેતા પાસેથી શીખ્યો હતો.
આમ, લગભગ 4 કલાક સુધી બધા લોકોની વાત ન્યાયાધીશ સાહેબે સાંભળી. અને હજુય ઘણા લોકો બાકી છે એવી માહિતી ન્યાયમૂર્તિને મળી એટલે એમને સમજાયું કે આ વ્યક્તિએ ખરેખર કંઈક તો સારુ કામ કર્યું છે. એ દિવસે આ વિષયમાં વધારે તપાસ કરવાની અને બાકી બધા લોકોની વાત લેખિતમાં રજૂ કરવાનું કહ્યું. અને આ નિર્ણય હજુ એક અઠવાડિયા માટે સ્થગિત કરવામાં આવ્યો.
હવે તપાસ ફરીથી શરૂ કરી અને રાહીના વિશે પણ પોલીસે તપાસ હાથ ધરી, આ બનાવટી પાત્રનું રહસ્ય ખુલ્યું અને એની સાથે જોડાયેલ બધા જ લોકો ની જાણકારી મળી.
શ્વેતાને એક પોલીસે કહ્યું,"તમારા NGOનું રજીસ્ટ્રેશન થયું જ નથી અને સરકાર દ્વારા તમને કંઈ સહાય પણ આપવામાં આવી નથી. આ બધું જ બનાવટી હતું અને તમે આ બનાવટનો શિકાર બની ચૂક્યા છો. હવે તમારા બચાવના અવસરો ઓછા થઇ ગયા છે. કેમકે આ બધુ તમે જ કર્યું છે એવું લેખિતમાં છે એટલે એ સાબિત કરવું મુશ્કેલ છે કે રાહી નામનું બનાવટી પાત્ર છે જેણે આ કર્યુ હતું. "
આ બધું જ અલગ રીતે પ્રસ્તુત થઇ રહ્યું હતું. દરેક ઘટના કંઈક નવા રહસ્યો ખોલે છે અને ફરી એ દિવસ આવી ગયો. ફરી એ જ જગ્યાએ એજ નિર્ણય સાંભળવા બધા ભેગા થયા. આજે શું થશે એ તો કુદરત જાણે પણ શ્વેતા એટલું સમજી ગઇ હતી કે એ એકલી નથી આ લડાઈમાં અને કદાચ એ હારી પણ જશે તોય એના સપનાતો પૂરા થશે જ! એને એક અઠવાડિયા સુધીમાં આ બધી વાતો જાણી લીધી. ઐ હવે આત્મસંતોષ અનુભવી રહી હતી.
અને ત્યાં જ ઓરડામાં ન્યાયાધીશે પ્રવેશ લીધો. એમના પ્રવેશતાં જ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી, બંને પક્ષે વકિલો જૂદા જૂદા પુરાવા રજૂ કરતા હતા અને દલીલો કરતાં હતાં, કેટલાક લોકોને ત્યાં બોલાવીને પૂછપરછ પણ કરવામાં આવી રહી હતી આ બધું ન્યાયાધીશ ધ્યાનપૂર્વક સાભળતાં હતા અને જોઈ તપાસી રહ્યા હતાં.
બીજી તરફ ન્યાયાલયની બહાર ખુબ મોટી ભીડ જામી હતી જેમાં શ્વેતાના પક્ષમાં ઘણાબધા લોકો આવ્યાં હતાં, જેમાંથી કેટલાંક એવા હતા જેમની મદદ શ્વેતાએ કરી હતી, કેટલાંક એવા હતા જેમનું કામ NGOના કારણે થયું હતું તો અમુક એવા હતા જેમણે આ કાર્યમાથી પ્રેરણા લઇને શ્વેતાની સાથે કામમાં જોડાયા હતા અને અમુક એવા પણ હતા જે સ્વતંત્ર રીતે જ શ્વેતાનું અનુકરણ કરીને 'સાચી ભેટ' માટે કામ કરતાં હતાં, ખુબ સંખ્યામાં સ્ત્રીઓ આજે હાજર હતી કેમકે આ યુવતી કે જેને છેતરપિંડી કરવાના આરોપસર ધરપકડ કરીને જેલમાં લઇ જવામાં આવી હતી એ શ્વેતાએ એમને પિંજરામાંથી આઝાદી અપાવી હતી, એણે સપનાઓ માટે લડતાં શીખવ્યું હતુ, એણે જ જવાબદારી સાથે સ્ત્રીઓને ગગનમાં ઊડતા શીખવ્યું હતું.
પણ આરોપ હજુ એમજ હતો કેમકે જે રાહીએ શ્વેતાને આ જાળમાં ફસાવી એ તો એક જુઠાણું હતી, એના હોવાનો કોઈ આધાર કે પુરાવો હતો જ નહિ. શ્વેતા જાણતી હતી કે રાહી જ સ્મિતા છે પણ એ સાબિત કરી નહોતી શકતી. ઉપરથી જે પુરાવા સ્મિતાએ શ્વેતાના વિરૂદ્ધ પ્રસ્તુત કર્યા હતા એ બધા જ સાચા હતાં. ઘણી દલીલો કરી પણ જે પાત્ર હતું જ નહિ એની સાબિતી કેવી રીતે મળે?
શ્વેતા માટે રાહી હતી પણ એ બીજા માટે સ્મિતા હતી એટલે શ્વેતા જે પણ બોલે એ બધું જ જુઠાણું સાબિત થઈ જાય.
હવે બીજો કોઈ જ રસ્તો હતો નહિ શ્વેતા પાસે પણ એ હજુય હારી નહતી, પોતાની જાતને નિઃસહાય સમજવાની ભૂલ એણે કરી હતી પણ હવે તો એની સાથે હજારો લોકો ઊભા હતાં બસ એને એ જ વાતનો સંતોષ હતો, મનોમન એ આ માટે ઈશ્વરનો આભાર વ્યક્ત કરી રહી હતી.
અને અચાનક જ પોલીસ એક વ્યક્તિ સાથે ઓરડામાં દાખલ થયા અને ન્યાયમૂર્તિ પાસે આ વ્યક્તિને પ્રસ્તુત કરવાની મંજૂરી લીધી. પોલીસ ના જણાવ્યા મુજબ એ વ્યક્તિએ જ NGO સાચી ભેટની નોંધણી કરાવી હતી. જે તદ્દન ખોટી હતી. એ અૉફિસ પર જે સરકારી અધિકારીને લઇને આવ્યો હતો એ વ્યક્તિતો કોઈ નાટક મંડળીમાં કામ કરતો હતો. પોલીસને આ બધી જાણકારી સ્મિતાની જાસુસી કરતાં મળી હતી આ બધી વાત ન્યાયાધીશ સાહેબે સાંભળી અને પુરાવા પણ તપાસ્યા. શ્વેતાના વકીલે સ્મિતા ઉર્ફે રાહીના દરેક કાર્યક્રમ દરમિયાન શ્વેતા સાથેના ફોટાઓ પણ રજુ કર્યા.
આ પરથી એ સાબિત થયું કે રાહી હોય કે ના હોય પણ સંપુર્ણ દોષી સ્મિતા જ છે.
સ્મિતાને છેતરપિંડી કરવાના અને શ્વેતા પર ખોટા આરોપ લગાવવાની સજા કરવામાં આવી અને એની પાસેથી દંડની રકમ વસુલવામાં આવી જે પાછળથી સાચીભેટ ને આપવામાં આવી.
બધા આ નિર્ણયથી ખુશ થયા અને શ્વેતા પણ આ આરોપોમાંથી મુક્ત થઈ ગઈ. બધું જ પહેલા જેવું વાતાવરણ બની ગયું.
થોડાક જ દિવસોમાં બીજાં હજારો લોકો આ સાચી ભેટ સાથે જોડાયા, જે માનતાં હતા કે આ સમય અને પૈસાનો વ્યય છે એ પણ માનવા લાગ્યાં અને આ કામમાં સાથ પણ આપવા લાગ્યા. શ્વેતાને ખરેખર તો હવે સાચી ભેટ મળી હતી. પહેલાં લોકો એટલા માટે જોડાતા કે આમાં આનંદ મળે છે પણ હવે એટલા માટે આમાં સાથ આપતા હતા કે ખરેખર એક છોકરી પોતાના સપનાઓ મુકી બીજી સ્ત્રીઓના સપનાં પૂરા કરવા માટે લડી શકે છે અને એને પોતાનું કર્તવ્ય માને છે તો એ આપણી પણ ફરજ છે કે એને સહકાર આપીએ અને બનતી મદદ કરીએ. આમ, એ બગીચામાં બનેલો બનાવ શ્વેતાના જીવનનું ઘડતર કરી ગયો, એનું લક્ષ બની ગયો. એ બનાવને નજરઅંદાજ કર્યા વગર શ્વેતા બધી સ્ત્રીઓના હક માટે લડી અને છેલ્લે એને એકલીએ શરૂ કરેલી આ લડતમાં હજારો લોકો જોડાયા. હવે એને એક એવો વિશ્વાસ બંધાયો કે જો આમ ને આમ લોકો એની સાથે આવતા જશે તો કયારેક એવું પણ બનશે કે સામે પક્ષે લડવા માટે કોઈ હશે જ નહિ. ખરેખર તો એ જ મારા જીવનનું ધ્યેય છે એજ આખરી મંઝિલ છે. વર્ષોનો સંઘર્ષ આજે સોનાની સવાર ઉગવાની ખબર લઇને આવ્યો. આખરે એ કાળી રાત (અપમાન અને ગુલામી)અસ્ત થઇ સૂરજ (સ્વમાન) ઉગવાના એંધાણ વર્તાવા લાગ્યા. આખરે શ્વેતાની એ નિર્દોષ આંખો આ ક્ષણોને માણવા થનગની રહી હતી. એના ચહેરા પર જીવન એળે ના જવાનો સંતોષ હતો. એની સાચી ભેટ આજે હજારો લોકોની મંઝિલ બની ચુકી હતી. આજ વર્ષોના અંતરાય બાદ શ્વેતાના દેહાંત ઉપરાંત એના એ સપના જીવતા હતાં એનો આત્મા જીવતો હતો.
એક યુવતી કે જેણે પોતાનાથી બનતી મદદ કરવાની શરૂઆત કરી અને લોકોએ એના આ કાર્યને આવકારી એનો સાથ આપ્યો અને એની યાદમાં એના સ્વપ્નને જીવંત રાખ્યું. જીવનપર્યંત એ સંતોષકારક વળતર મેળવતી રહી અને એની અંતિમ ક્ષણોમાં પણ એના ચહેરા પર એ વિશ્વાસ, એ સંતોષ, એ આંનદ અને એ જ નિખાલસતા હાજર હતી.
એ દરેકને એક સંદેશ આપતી ગઈ કે આખી દુનિયા બદલવાની જિદ ના કરો બસ થોડો સમય ફાળવી તમારી આજુબાજુ જે છે એમની મદદ કરો, એમની જરૂરીયાત મુજબ એમનું ધ્યાન રાખો, હંમેશા હસતા અને હસાવતા રહો, સ્ત્રી પુરૂષ આવા ભેદભાવ ના કરો અને કંઈપણ કરવામાં નાનપ ના અનુભવો. સંતોષ અને આનંદમય હોય એવું સાદગીવાળું જીવન જીવો.
ખુશ રહો, ખુશ કરો!!!
બસ એ જ સાચી ભેટ છે...
-Komal Deriya
P. K... (Dobrener Ni Duniya)