પ્યાર કા આશિયાના ...!!
માલિની આજે ઘણી જ ખુશ હતી. કેનેડાના એરપોર્ટ પર પગ મૂકતાં જ તેને અનેરો અહેસાસ થઈ રહ્યો હતો. કસ્ટમ ક્લિયરન્સની વિધિ પતાવી એકાદ કલાકમાં તો તે બહાર આવી. બહાર પુષ્પગુચ્છ લઈ માધવ તેના સ્વાગત માટે ઊભો હતો. તે દોડીને તેના માધવ પાસે પહોંચીને તેને બાઝી પડી રડવા લાગી. આ તેની ખુશીનાં આંસુ હતાં. માધવે તેને પાણીની બોટલ આપી તેમાંથી તેણે પાણી પીધું. માધવે સામાન ગાડીમાં મૂક્યો અને બંને ફ્લેટ પર આવ્યા. ઘડિયાળ બપોરના 02:30નો સમય બતાવતું હતું. તે માધવની સાથે રસોડામાં ગઈ અને ચા બનાવી. મધવે ઑવન ખોલી તેમાંથી ગરમ ગરમ બ્રેડ કાઢી. બંનેએ બ્રેડ અને ચાથી બપોરનું ખાણું લીધું. માધવ તેને આરામ કરવા જણાવી કામ અંગે બહાર ગયો. ત્યાં સૂવા માટે આડી પડેલી માલિની પોતાના પ્યારના આશિયાનનો વૈભવ અને કેનેડાની ધરતીના વસવાટની કલ્પના કરતી તેના ભૂતકાળમાં સરી પડી.
માલિની પોતે વડોદરાના એક ગ્રામ્ય વિસ્તારના મધ્યમ વર્ગીય સુખી બ્રાહ્મણ પરિવારનું સંતાન હતી. તેણે ગામની જ શાળામાં શાળાકીય શિક્ષણ પૂર્ણ કર્યું હતું. આગળ ભણવાની તીવ્ર ઈચ્છા મનમાં રાખી તે ઘેર બેઠેલી હતી. તેના ઘરમાં તેની મા, મોટાભાઈ અને ભાભી અને તે પોતે એમ ચાર જણ છે. તેના ભાઈ ખેતીવાડી સંભાળતા. માલિની સાતમા ધોરણમાં હતી તે સમયે જ તેમની નજીકના ગામમાં રિવાજ મુજબ તેનો વિવાહ તેના જ સમાજના તેનાથી પાંચ વર્ષ મોટા એવા સુખી પરિવારના આઠ ધોરણ પાસ મયંક સાથે નક્કી થઈ થાય હતો.
માલિની ગણિત-વિજ્ઞાનના વિષયો સાથે ધોરણ 12માં ઉચ્ચ ગુણ મેળવી પાસ થઈ અને તેને આગળ ભણવાની ઈચ્છા જાગ્રત થઈ. તેની મા પરણાવવાની જીદ લઈને બેઠી હતી. તેની ભાભી સંજના તેની ખાસ બહેનપણી સમાન હતી. તે બધી જ તેને રીતે સહકાર આપતી હતી. તેની ભાભીએ તેને કોલેજમાં મોકલવા બાબતે માલિનીના ભાઈને બધી વાત કરી સમજાવ્યા. ભાઈ અને ભાભીએ ભેગા મળી માતાને સમજાવી. માએ દીકરીને કેટલીક શરતોને આધિન રહીને ભણવા માટે મોકલવા તૈયાર થઈ.
માલિનીને ગામથી દૂર એવા સુરત શહેરની એક જાણીતી ઍન્જિનિયરિગ કોલેજમાં પ્રવેશ મળ્યો. આ સાથે તેને કોલેજની ગર્લ્સ હોસ્ટેલમાં રહેવા-જમવા માટેની વ્યવસ્થા પણ ગોઠવાઈ ગઈ. તેના ભાઈ તેને સામાન સાથે તેની હૉસ્ટેલમાં મૂકીને ગયા. હોસ્ટેલ અને કોલેજ એક જ કૅમ્પસમાં હોવાથી તેના ભાઈને ઘણો સંતોષ હતો. પોતે દરેક મહિને મળવા આવશે અને તેને જરુરી ખર્ચ પણ આપી જશે તેમ કહી તેના મોટાભાઈ માલિનીને ₹. 2000 આપી વિદાય થયા. આમ જ તે માલિનીને ₹2000 થી ₹ 3000 દરેક મહિને નિયમિત વાપરવા આપતા.
માલિનીનું ડ્રૉઇંગ શાળામાં ભણતી હતી ત્યારથી જ સારું હતું. અહીં તેનું ઍન્જિનિયરિંગ ડ્રૉઇંગ પણ ધણું સંદર રહેવા લાગ્યું. તેને ન તો કોઈ બહેનપણી હતી કે નહોતો કોઈ મિત્ર. તે કોઈ મોજશોખને પણ સ્થાન નહોતી આપતી. તે પોતાના ભણવામાં જ મગ્ન રહેતી. તેના મોટાભાઈ જ્યારે પણ અહીં મળવા માટે આવે ત્યારે તે પોતાની બહેન વિશેની બધી જ ભાળ મેળવી લેતા. માલિનીએ અહીં પોતાની એક આગવી ઓળખ ઊભી કરી રહી હતી. આ કેમ્પસમાં સૌ તેને એક હોશિયાર અને સુશીલ છોકરી તરીક ઓળખવા લાગ્યા હતા.
એક વખત માલિનીના મોટાભાઈ સાથે મયંક પણ હોસ્ટેલ આવ્યો હતો. આમ તો તે ખૂબ જ શંકાશીલ અને જુનવાણી સ્વભાવનો હતો. તે માલિની બાબતે પટાવાળાથી માંડીને હોસ્ટેલના રસોડા સુધી તપાસ કરવા ગયો. જો કે આમ કરવા જતાં તેને કંઈ મળ્યું જ નહીં, પણ તે હોસ્ટેલ સુપ્રિટેન્ડન્ટ માનસીબહેનના હાથમાં સપડાઈ ગયો. માલિનીના મોટાભાઈએ તેને છોડાવ્યો અને તેના બદલે માલિનીના ભાઈએ માફી માગી. જ્યારે માલિનીના મોટાભાઈએ તેને ધમકાવ્યો ત્યારે તે તેમના પર ગુસ્સે થયો. તેને માલિની ભણે તે બિલકુલ પસંદ ન હતું તો માલિનીને તેનો અણગડ સ્વભાવ પસંદ ન હતો. આમ આ એક કજોડું રચાતું હોવાનો આભાસ માલિનીને સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો.
છ મહિનામાં માલિનીએ કોલેજ તથા હોસ્ટેલમાં એક આગવી ઓળખ ઊભી કરી લીધી. તેના નામની ચર્ચા આ કેમ્પસ છોડી કોલેજના બીજે છેડે આવેલી બૉયઝ હોસ્ટેલમાં પણ થવા લાગી હતી. માલિની એટલી સુંદર હતી કે તે કોઈ મેકઅપ ન કરે તો પણ આકર્ષક લાગતી. તેના હોઠ પર સદા સ્મિત ફરકતું રહેતું. તે જ્યારે હસતી ત્યારે તેના ગાલે ખંજન પડતું.
એક વખત એવું બન્યું કે કોલેજની લાયબ્રેરીમાં તે પોતે એક પુસ્તક શોધી રહી હતી. એને જે પુસ્તકની તેને જરૂરિયાત હતી તે તેને મળતું ન હતું એટલે તે લાયબ્રેરિયનને મળી. તેમણે રજિસ્ટરમાં જોયું તો કોઈ બીજા વર્ષનો છોકરો તે લઈ ગયો હતો. તે નિરાશ વદને ત્યાં બેઠી હતી. એજ સમયે એક છોકરો તેના ટેબલ પાસે આવીને બેઠો. તેને માલિનીના ચહેરા પર ઉપસેલા ભાવ પરથી લાગ્યું કે તે ઘણી જ ચિંતાગ્રસ્ત છે. એટલે તેણે નમ્રતાપૂર્વક કહ્યું, "મેડમ, હું માધવ દેસાઈ આ કોલેજના જ બીજા વરસમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી છું. આપ આ કોલેજમાં નવા આવ્યા છો. આપને કોઈ પ્રોબ્લેમ છે? હું મદદ કરી શકું." માલિનીએ માધવની આ વાતનો ખાસ કોઈ પ્રતિભાવ ન આપ્યો કે તેના તરફ ધ્યાન પણ ન દીધું.
માધવ પોતાની બેગમાંથી એક પુસ્તક અને નોટ કાઢીને પુસ્તકમાંથી કેટલીક નોંધ નોટમાં કરતો હતો. આ સમયે માલિનીની નજર માધવના હાથમાં રહેલા પુસ્તક પર પડી. તેને જે પુસ્તકની જરૂર છે તે પુસ્તક તો માધવ પાસે હતું. તે અવઢવમાં પડી ગઈ. તેણે વિચાર કર્યો હવે આ છોકરા સાથે તો બોલવું જ પડે ! અંતે તેણે ટેબલ પર આંગળીથી આવાજ કર્યો અને માધવનું ધ્યાન પોતાના તરફ દોરીને કહ્યું, "માધવ, હું આ પુસ્તક લાયબ્રેરીમાં ક્યારની શોધતી હતી. જો આપને વાંધો ન હોય તો મને આજનો દિવસ માટે આપી શકો. મારું પ્રોજેક્ટ પેપર તૈયાર કરીને કાલે હું આપને પુસ્તક પરત કરીશ. માધવે તે પુસ્તક માલિનીને આપ્યું. આ પુસ્તક લીઈ બેગમાં મૂકી માલિની આછેરા સ્મિત સાથે માધવને Thanks કહીને હોસ્ટેલ ચાલી જાય ગઈ
બીજા દિવસે લાયબ્રેરીમાં માધવ આવીને બેઠો જ હતો... એટલામાં તો માલિની પણ આવી અને માધવને ચોપડી પરત કરી દીધી અને માધવનો ફરીથી આભાર માન્યો. માધવે તેને કોઈ પણ કામ હોય તો તે નિઃસંકોચ કહેવા જણાવે છે. આ સમયે માલિની પણ પોતાની ઓળખ આપતાં જણાવે છે કે, "હું માલિની દવે આ કોલેજની પ્રથમ વર્ષની સ્ટુડન્ટ. તમે તો મારા સિનિયર ગણાવ. હું જરૂર પડ્યે જરૂર આપની મદદ મેળવતી રહીશ."
માધલ આ કોલેજનો જ બીજા વર્ષમાં અભ્યાસ કરતો Topper વિદ્યાર્થી છે. તે ઘણી બધી શૈક્ષણિક તેમજ અભ્યાસેતર પ્રવૃત્તિઓમાં પણ કોલેજમાં ખૂબ આગળ પડતો ભાગ લેતો હતો. માલિની તેનાથી પ્રભાવિત થતી જાય છે, પણ તેને એક ડંખે છે કે તે પોતે એક વિવાહિતા છે અને તે પણ એક આઠ જ ચોપડી સુધી ભણેલાની. માધવ માલિનીને કોલેજની કૅન્ટિનમાં જઈ એક કૉફી માટે પ્રપોઝ કરે છે, તે પોતે માધવનો વિરોધ નથી કરી શકતી. બંને કેન્ટિનમાં ગયા તેમજ કૉફી પીને છુટા પડ્યા. આમ માધવ સાથેના જરૂરી મિલન મેળાપમાં જ માલિનીનું પ્રથમ વર્ષ પૂર્ણ થઈ ગયું. માધવ અને માલિની પોતપોતાના ક્લાસમાં Toppers રહ્યા. રજાઓ પડતાં જ બંને પોતપોતાના ગામ ચાલ્યાં ગયાં.
ઘેર આવ્યા બાદ માલિનીનું પરિણામ જોઈ ઘરના તેમજ ગામના લોકો ખૂબ જ ખુશ થયા. આ ગામમાં માલિની જ એવી છોકરી હતી જે એન્જિનિયરિંગની કોલેજમાં ભણતી હતી. જો કે માલિનીના માનસપટ પર હવે માધવની એક અનોખી છબી અંકિત થતી જતી હતી. તેના દિલમાં માધવ માટે એક અનેરો ભાવ અને આકર્ષણ ઉત્પન્ન થઈ રહ્યું હતું. પરંતુ આ સમયે તે આ બાબત કંઈ વ્યક્ત થવા દેવા ઈચ્છતી ન હતી.
કોલેજનું નવું સત્ર ચાલુ થતાં તે બીજ વર્ષમાં અને માધવ ત્રીજા વર્ષમાં. બંને મળે ખરા પણ ફરવા કરતાં ભણવામાં વધું ધ્યાન આપે. તેમની મુલાકાતો તો માત્ર લાયબ્રેરી અને કૉફી પીવા પૂરતી મર્યાદિત રહેતી હતી. માલિની અને માધવ બંનએ પોતાની બધી જ વાતોથી એકબીજાને વાકેફ કર્યા હતા. માધવ ત્રીજુ અને ચોથું વર્ષ પૂર્ણ કર્યા પછી પોતાનો પરદેશ જઈને આગળ ભણવાનો અને ત્યાં જ સ્થાયી થવાનો પ્લાન વિગતે માલિનીને સમજાવ્યો. માલિનીનું દિલ હવે માધવને જ ઝંખતું હતું અને બંડ પોકારતું હતું. તેને માધવમાં જ પોતાને લાયક જીવનસાથીનાં દર્શન થતાં જણાવા લાગ્યાં. આથી જ તેણે માધવે કરેલા GF તરીકેના પ્રપોઝનો સ્વીકાર કર્યો.
આ જ અરસા દરમિયાન માલિનીનો જેની સાથે વિવાહ નક્કી થયો હતો તે મયંકનું સર્પદંશથી મૃત્યું થયાના સમાચાર માલિનીને પણ મળ્યા.મૃત્યુંના આ સમાચાર જાણી તેના મોટાભાઈ અને ભાભી મયંકના માતા-પિતાને મળ્યા અને આશ્વાસન આપી, ખેદ પણ વ્યક્ત કર્યો હતો. મયંકના માતા-પિતાએ મયંકનો માલિની સાથેનો વિવાહ ફોક થયેલો જાહેર કરતાં કહ્યું હતું કે, "માલિનીને તમે ઈચ્છો ત્યાં પરણાવી શકો છો. જો કે તે ભણે છે તે જોતાં હવે તેને યોગ્ય મૂરતિયો આપણા સમાજમાં મળે તેવી શક્યતા ઓછી છે."
આ વાત જાણી ત્યારે તેના દિલમાં એક બાજુ ખુશી હતી તો બીજી બાજુ ગમ. તેને હવે માધવ સાથે એક થવાનું સ્વપ્ન સાકાર થતું લાગી રહ્યું હતું. તે હવે કોઈ પણ ભોગે માધવને પોતાનો બનાવવા ઈચ્છતી હતી. માધવના દિલમાં પણ માલિની તેના જીવનની આરાધ્યા તરીકેનું સ્થાન પામી ચૂકી હતી. એક દિવસ કેન્ટિનના એક ખૂણે કૉફી પીવા બેઠેલા માધવે તેની સામે બેઠેલી માલિનીને પોતાની જીવનસંગીની બનવા પ્રપોઝ કર્યું તો માલિનીએ પોતાની આંખો ઝૂકાવી દીધી. ત્યાર પછી માલિનીએ સામેથી માધવના કૉફી મગને હાથમાં લઈ કૉફીનો એક ઘૂટ ભરીને પીને પાછો મૂકી માધવ સામે આછેરું સ્મિત કરી ફરીથી આંખો ઝૂકાવી સહમતી દર્શાવે છે. તો સામે પક્ષે માધવ પણ માલિનીના કૉફી મગને હાથમાં લઈ તિરછી નજરે માલિનીને જોતાં જોતાં કૉફીનો એક ઘૂટ ભરી લે છે. આ વાતે બંને ખૂબ જ આનંદસહ રોમાંચ અનુભવે છે.
માલિની રજાઓમાં ઘેર જાય છે ત્યારે પોતાની આ ગુપ્તવાત તેની ભાભી સંજનાને શરમાતી નજરે જણવે છે. આમ જ એક વખત માલિનીના મોટાભાઈ કોલેજમાં તેને મળવા આવ્યા ત્યારે તેની ભાભી પણ આવ્યાં હતાં. મોટાભાઈ ભાભીને માલિની પાસે મૂકીને શહેરમાં કામ અર્થે ચાલ્યા ગયા. બંને માધવ બાબતે વાતો કરે છે. આ દરમિયાન માલિની તેની ભાભીની મુલાકાત માધવ સાથે કરાવે છે. સંજના માધવ સાથે ઘણી વાતો કરે છે. માલિનીની ભાભી તેની લાડકી એવી નણંદની પસંદ પર વારી જાય છે. તો માધવે પણ પોતાની માતાને પોતે એક માલિની નામની તેની કોલેજની કન્યાને પસંદ કરે છે એવું જણાવી દીધું હોય છે.
હવે માલિની ત્રીજા વર્ષમાં અને માધવ કોલેજના છેલ્લા વર્ષમાં છે. કોલેજમાં તેઓ પોતાનું Topperનું સ્થાન જાળવી રાખે છે. આ વર્ષેના કોલેજના વાર્ષિક દિવસ પ્રસંગે યોજાયેલા મનોરંજન કાર્યક્રમમાં માધવ અને માલિનીએ હીર -રાંઝા નામના નાટકમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમને માણવા માલિનીના ભાઈ તથા ભાભી તેમજ માધવના પપ્પા હરેશભાઈ તથા મમ્મી અમીષાબહેન પણ હાજર હતાં. નાટક સરસ રીતે ભજવાયું અને હાજર સૌ આફરિન હતા. ઈનામ વિતરણ સમારંભમાં આ નાટકને શ્રેષ્ઠ સ્થાન મળ્યું તથા માલિની અને માધવની જોડી અવ્વલ રહી.
ભોજન સમારંભના સમયે માધવ તેના પપ્પાને માલિનીના મોટાભાઈની ઓળખ માટે તેમની પાસે લઈને ગયો. તે બંનેએ એકબીજાનો પરિચય મેળવ્યો. બ્રાહ્મણ પરિવાર હોવાને નાતે તેઓ એકબીજા સાથે પ્રેમથી મળ્યા અને ફરીથી મળવા માટે વિચારણા કરી.
માધવ કોલેજમાં 87.78 % સાથે પ્રથમ આવ્યો. તેના આ પરિણામના આધારે તેને કેનેડના ટોરન્ટોમાં આવેલી Humber Collegeના ઈન્ફરમેશન ટેકનોલોજીના વિભાગમાં ઍડમિશન પણ મળી ગયું. હવે માલિની પણ છેલ્લા વરસમાં હતી અને તે પણ માધવ પાસે જવા અને ભણવા ઈચ્છે છે તેવી તેની ભાભીને વાત કરી. માધવનાં માતાજી અમીષાબહેને પણ માધવના પિતાજીને, માધવ માલિનીને પસંદ કરે છે તેવી વાત જણાવી દીધી.
માધવના પિતાજી માલિનીના ભાઈ-ભાભી અને માતાજીને સુરત આવવા નિમંત્રણ મોકલ્યું. કેટલીક આનાકાની બાદ તેઓ સુરત આવ્યા. બંને પરિવારો વચ્ચે થતી વઃતોનો ઉકેલ માલિનીની ભાભી જ લાવી દેતાં હતાં આમ ભાભીની હોશિયારી અને ભાઈની સમજદારીને કારણે માલિની અને માધવના વિવાહ વિના વિધ્ને પાર પડ્યો. માલિનીની માતા પણ આ સંબંધથી ઘણા રાજી થાય છે. માધવના કૅનેડા જતા પહેલાં તે બંનેનાં લગ્ન પણ લેવાઈ ગયાં. માધવે કૅનેડા પહોંચીને પોતાના ભણવા સાથે પાર્ટ ટાઈમ જોબ પણ કરી દીધી. માધવના પિતાએ માલિની પાસે પાસપોર્ટ તથા અભ્યાસ માટે તેમજ સ્ટુડન્ટ વીઝા માટે તથા લોન માટે ફાઈલ તૈયાર કરાવવાની શરૂઆત કરી દીધી. કોલેજના દરેક વર્ષના પરિણામમાં માલિની પણ Topperમાં જ હોવાથી તેની ફાઈલ મોકલતાં જ તેને Master diggri કોર્સમાં તે જ કોલેજમાં એડમીશન મળી જાય ગયું. આમ તે પણ પોતાનું સ્વપ્ન સાકાર કરવા પરદેશના માર્ગે રવાના થવા તૈયાર થઈ. આનો સૌથી વધુ આનંદ માલિનીની ભાભીને હતો.
મુંબઈ ના એરપોર્ટ પરથી ડાયરેકટ કેનેડા જતું વિમાન ઉડાન ભરવા આગળ વધી દોડીને ઉચકાચ છે ત્યા જ ડોરબેલ વાગતાં માલિની ચમકીને સ્વપ્નમાંથી બહાર આવે છે. દરવાજો ખોલે છે તો દ્વાર પર તે માધવને ઊભેલો નિહાળી રહી છે. તે માધવની નજરમાં નજર મેળવી બહાવરી બની તેને એકધારી નિહાળ્યા જ કરે છે.
માધવ જેવો ઘરમાં પ્રવેશે કરે છે કે તરત દરવાજો બંધ કરી અંદર આવી માધવને વેલીની જેમ વીંટળાય છે. તે માધવ પર પોતાની ભીંસ વધારતી જાય છે તો તેના શ્વાસ પણ ઝડપ પકડે છે. માધવ પોતે પણ હવે પોતાને કાબૂમાં રાખી શકે તેમ નથી. તે તેને પોતાની બહોમાં સમાવી બેડ રૂમમાં લઈ ગયો. આશિયાનમાં ચારે બાજુ શ્વાસોચ્છવાસનો ગુંજારવ વહેતો હતો તો બહાર આછેરી બરફ વર્ષા ધરતીના કણોને ભીંજવી તેના રોમ રોમને દ્રવિત કરી રહી હતી.
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
મહેન્દ્ર રમણભાઈ અમીન, 'મૃદુ'
સુરત - 395006
માત્ર વૉટસ ઍપ (No Phone) : 87804 20985.
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐