" રીજુલ, જો આ મારો બેડરૂમ, બે બેડરૂમ, હૉલ, કિચનનો નાનો એવો આ ફ્લેટ છે. અહીં તું મારી સાથે આરામથી રહી શકે છે. તાત્કાલિક તારે ઘર શોધવાની કોઈ જરૂર નથી તું પહેલાં તારી જોબમાં સેટલ થઈ જા પછી હું તને ઘર શોધી આપીશ." રીજુલની બેસ્ટ ફ્રેન્ડ કાશ્વી હસતાં હસતાં બોલી રહી હતી અને પોતાને માટે અને રીજુલ માટે કોફી બનાવી રહી હતી.
રીજુલ અને કાશ્વી બંને બાળપણથી જ બેસ્ટ ફ્રેન્ડ હતાં. કાશ્વીના લગ્ન થયે એક વર્ષ પૂરું થયું હતું. રીજુલને રોમિલ નામના છોકરા સાથે લવ હતો. રોમિલ ખૂબજ સુખી-સંપન્ન ઘરનો દિકરો હતો. રીજુલની ઘરની પરિસ્થિતિ એટલી બધી સારી ન હતી તેથી રોમિલના ઘરનાં સભ્યો રોમિલના લગ્ન રીજુલ સાથે કરી આપવા તૈયાર ન હતા.
પરંતુ રોમિલ રીજુલ સાથે લગ્ન કરવા માટે મક્કમ હતો તેથી ન છૂટકે તેના મમ્મી-પપ્પા બંનેના લગ્ન કરી આપવા માટે તૈયાર થયા હતા.
ધામ-ધૂમથી બંનેના એંગેજમેન્ટ કરવામાં આવ્યા. રીજુલના ઘરની પરિસ્થિતિ પહેલેથી જ નાજુક હતી એટલે રીજુલ એક પ્રાઈવેટ કંપનીમાં જોબ કરતી હતી. રોમિલ સાથે એન્ગેજમેન્ટ થયા પછી રોમિલના ઘરનાને રીજુલ જોબ કરે તે પણ પસંદ ન હતું તેથી રીજુલે જોબ પણ છોડી દીધી હતી.
રીજુલ અને રોમિલ ખૂબજ પ્રેમથી સાથે રહેતા હતા પરંતુ રોમિલના ઘરનાને હજી પણ રોમિલના લગ્ન તેમની પસંદગીની અને તેમની જ્ઞાતિની છોકરી સાથે જ કરવાની ઈચ્છા હતી. અને કુદરતનું કરવું રોમિલ અને રીજુલ બંને બાઈક ઉપર ઘરે આવતાં હતાં ને...રોમિલના બાઈકનો એક્સિડન્ટ થઈ ગયો. રોમિલને ખૂબજ વાગ્યું હતું,તેના બંને પગ કામ કરતા બંધ થઈ ગયા હતા, રીજુલને પણ વાગ્યું હતું પણ ખૂબજ ઓછું વાગ્યું હતું તેથી તેને થોડા સમયમાં જ સારુ થઈ ગયું.
ડોક્ટરના કહેવા પ્રમાણે રોમિલને સારું થશે તે પહેલાની જેમ ચાલતો થઈ જશે પણ સમય લાગશે. રોમિલના ઘરના બધા જ એકસિડન્ટ થવા પાછળ રીજુલ જવાબદાર છે તેમજ કહેતા હતા રીજુલે રોમિલની ખૂબજ સેવા કરી હતી પરંતુ હવે રીજુલ આ ઘરમાં આવે તે જ રોમિલનાિ મમ્મી પપ્પાને પસંદ ન હતું તેથી તેમણે એક દિવસ રીજુલનું અપમાન કરીને તેને આ ઘરમાંથી કાઢી મૂકી અને ફરી ક્યારેય આ ઘરમાં પગ નહી મુકવા અને રોમિલનો કોન્ટેક્ટ નહીં કરવા કહ્યું.
રીજુલની સાથે આ બધું બની ગયું તેથી રીજુલ ખૂબજ ભાંગી પડી હતી થોડા દિવસો તો તેને શું કરવું તેની જ સમજણ પડતી ન હતી, પણ હવે હકીકતને સ્વિકાર્યા વગર છૂટકો પણ નહતો રીજુલની મમ્મીએ તેને ફરીથી જોબ જોઈન્ટ કરવા માટે સમજાવી... પણ આ જુની યાદોને છોડીને રીજુલ ક્યાંક દૂર ચાલી જવા ઈચ્છતી હતી, આ સીટીમાં રહેવા જ માંગતી ન હતી તેથી તેણે બીજી સિટીમાં જોબ માટે એપ્લાય કર્યું.
અને તેને બેંગ્લોરમાં જોબ મળી પણ ગઈ. બેંગ્લોરમાં તેની બેસ્ટ ફ્રેન્ડ કાશ્વી રહેતી હતી તેનો રીજુલે કોન્ટેક કર્યો. કાશ્વીએ રીજુલને ખૂબજ સાથ આપ્યો અને પોતાની લાઈફ નવેસરથી શરૂ કરવા માટે ખૂબજ સમજાવી અને કહ્યું કે, " આ ઘર તારું જ છે, તારી ઈચ્છા હોય ત્યાં સુધી તું અહીં અમારી સાથે રહી શકે છે. અને હમણાં તો તું જોબમાં બરાબર સેટલ ન થાય ત્યાં સુધી તારે અહીં જ રહેવાનું છે. જરા પણ ચિંતા કરીશ નહિ હું અને તારા જીજુ, અમે બંને હર હંમેશ તારી સાથે જ છીએ...
અને રીજુલ આજે ઘણાં બધાં દિવસો પછી શાંતિનો અનુભવ કરી રહી હતી. તેના ખરાબ સમયમાં તેને કાશ્વીએ જે પ્રેમ અને હૂંફ આપ્યા તેની જ તેને જરૂર હતી. મિત્ર હો તો કાશ્વી જેવી....
~ જસ્મીના શાહ 'જસ્મીન' દહેગામ
D-6/2/21