VEDH BHARAM - 45 in Gujarati Fiction Stories by hiren bhatt books and stories PDF | વેધ ભરમ - 45

Featured Books
  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

Categories
Share

વેધ ભરમ - 45

રિષભે ફોટા પાછળ રહેલુ કાર્ડ ખોલ્યુ અને વાંચ્યુ એ સાથે જ તેના મોઢામાંથી ગાળ નીકળી ગઇ અને તે બોલ્યો “ઓહ માય ગોડ આ તારીખ હું કેમ ભુલી ગયો. આટલા વર્ષોથી આ તારીખ મને યાદ રહેતી અને બરાબર આજ વર્ષે હું કેમ ભુલી ગયો.” તેણે કાર્ડને ફરીથી ધ્યાનથી વાંચ્યુ . કાર્ડ અનેરીના માસીએ તેને આપ્યુ હતુ. ત્યારબાદ રિષભે કાર્ડને ફરીથી તેની જગ્યા પર મૂકી દીધુ. થોડીવાર બાદ અનેરી આવી એટલે રિષભે કહ્યું “ઓકે આપણે ક્યાં અવધમા જ જમવા જઇશું?”

અનેરીએ કહ્યું તને જ્યાં ગમે ત્યાં મને તો બધે જ ચાલશે. આ સાંભળી રિષભે કહ્યું “ઓકે તો ચાલ તુ ઘર લોક કરીને નીચે આવ. હું ત્યાં તારી રાહ જોવ છું.” ત્યારબાદ રિષભ નીચે ગયો અને એક ફોન કર્યો. ફોન પૂરો કર્યો ત્યાં અનેરી આવી ગઇ એટલે બંને જીપમાં બેઠા.

રિષભ અને અનેરી દશ મિનિટ પછી અવધમાં બેઠા હતા. રિષભે અનેરીને કહ્યું “આજે તુ ખૂબ સુંદર દેખાય છે.” આ સાંભળી અનેરીએ સ્મિત આપ્યુ પણ તે કંઇ બોલી નહીં. ત્યારબાદ રિષભે કહ્યું “તુ બેસ હું એક જ મિનિટમાં આવુ છું.” આમ કહી રિષભ રિસેપ્શન પર ગયો અને બે મિનિટ પછી પાછો આવીને બેસી ગયો.

અનેરીને થોડી નવાઇ લાગી પણ તેણે કંઇ પૂછ્યુ નહીં.

“કેવી રહી તારી જુનાગઢની ટુર?” અનેરીએ પૂછ્યું.

“મજા આવી. ગૌતમ અને કપિલ મળેલા. ઘણા સમય પછી જુના મિત્રો મળ્યા એટલે મજા આવી.” રિષભે જવાબ આપ્યો.

“ગૌતમને મારી વાત કરેલી?” અનેરીએ પૂછ્યું.

“હા, કરેલી.” રિષભે ટૂંકમાં જવાબ આપ્યો.

“મને ગાળો દેતો હશે ને?” અનેરીએ રિષભના ચહેરા પરના ભાવ જોઇને કહ્યું.

“ના, તે તો મારા પર ગુસ્સે થઇ ગયો હતો.” રિષભે કહ્યું.

“તે તારો સાચો મિત્ર છે એટલે ગુસ્સે થવાનો તેનો હક છે. કોઇ પણ મિત્ર આ સમયે ગુસ્સે થાય જ. જે છોકરીએ તને છોડી દીધો. તુ તેને કઇ જ ના કહે તો મિત્ર ગુસ્સે થાય જ ને.” અનેરીએ કહ્યું.

રિષભ જવાબ આપવા જતો હતો ત્યાં વેઇટર આવ્યો તેના હાથમાં એક બોકસ હતુ. વેઇટરે આવી બોક્સ ખોલ્યુ એ સાથે જ અનેરી ચોંકી ગઇ. તે બોક્સમાં કેક હતી જેના પર લખ્યુ હતુ ”HAPPY BIRTHDAY ANERI”. આ જોઇ અનેરી બોલી “તો તને મારો બર્થ ડે યાદ હતો એમને?”

આ સાંભળી રિષભ ઊભો થઇ ગયો અને બોલ્યો “હેપી બર્થ ડે અનેરી.” અનેરી પણ એકદમ ખુશીમાં બોલી થેંક્યુ. ત્યારબાદ બંનેએ કેક કાપી અને પછી જમવાનો ઓર્ડર આપી વાતો કરવા લાગ્યા.

“તો તને મારો બર્થ ડે યાદ હતો એમ ને? મને તો એમ કે તુ ભૂલી ગયો છે.” અનેરીએ ફરીથી પૂછ્યું.

“ના, ખોટુ નહીં બોલુ. તારા ઘરે આવ્યો ત્યાં સુધી યાદ નહોતો પણ તારા ઘરે મે તારા માસીએ આપેલુ બર્થ ડે કાર્ડ જોયુ તેના પરથી મને યાદ આવ્યુ.” આ સાંભળી અનેરીના હાવભાવ બદલાઇ ગયા. થોડીવાર તે કંઇ બોલી નહીં. ત્યાં વેઇટર ઓર્ડર લઇને આવ્યો અને બંને જમવા લાગ્યા. ત્યારબાદ બંને ઘણીબધી વાતો કરી. વાતો ખૂબ લાંબી ચાલી. રિષભ જ્યારે તેના કવાર્ટર પર પહોંચ્યો ત્યારે બાર થવા આવ્યા હતા.

બીજા દિવસે રિષભે બધા આરોપીને કોર્ટમાં હાજર કર્યા. અને શિવાની શ્રેયા અને કબીરની રીમાન્ડ લંબાવવા માટે જોરદાર દલીલ કરી પણ સામેનો વકીલ એટલો પ્રભાવશાળી હતો કે કોર્ટે પોલીસની રીમાન્ડ લંબાવવાની અરજી નામંજુર કરી દીધી. આ જોઇ રિષભને ખૂબ જ ગુસ્સો આવી ગયો. તેની પાસે રીમાન્ડ લંબાવવા માટેના પૂરતા કારણો હતા છતા અરજી કોર્ટે મંજુર કરી નહીં. અત્યારે તેને રાતે અનેરીએ કહેલા વાક્યો યાદ આવી ગયા. રાત્રે તે બંને ચર્ચા કરતા હતા ત્યારે અનેરીએ તેને કહ્યું હતું “તુ ભલે ગમે તેટલી મહેનત કરે પણ પૈસાથી બધુ જ ખરીદી શકાય છે. કાલે તારી અરજી પણ ના મંજુર થઇ શકે છે.” અત્યારે અનેરીની વાત એકદમ સાચી પડી હતી. અત્યારે હવે તેની મહેનત પર પાણી ફરી વળ્યુ હતુ પણ રિષભ એમ જલદી હિંમત હારે તેવી માણસમાં ન હતો. તેણે તરત જ પ્રેશ કોન્ફરન્સ બોલાવી અને કબીરે આપેલુ બયાન જાહેર કરી દીધુ જેથી કબીર સમાજની નજરમાં વિલન બની જાય. આ કરતી વખતે તેને ખબર હતી કે આ કામ કરવાથી તેના ઉપરી તેના પર ગુસ્સે થશે. પણ રિષભ સામ દામ દંડ ભેદ કોઇ પણ રીતે આ કેસમાં પરીણામ મેળવવા માંગતો હતો. જો કે કોર્ટે બધાજ આરોપીને શહેર છોડવાની મનાઇ કરી હતી અને પોલીસ જ્યારે પણ પૂછપરછ માટે બોલાવે ત્યારે હાજર થઇ જવાનુ કહ્યું હતુ એટલે રિષભ ધારે ત્યારે કોઇને પણ પૂછપરછ માટે બોલાવી શકે એમ હતો. પણ હવે રિષભ કંઇક જુદુ જ વિચારતો હતો. કોર્ટ પરથી સ્ટેશન પહોંચી રિષભે હેમલ અને અભય સાથે ઘણી લાંબી ચર્ચા કરી. આજથી હવે તે લોકો કાયદા જાળવવા માટે કાયદાની હદ રેખાનું ઉલંઘન કરવાના હતા. ઘણી લાંબી ચર્ચાને અંતે કામની વહેંચણી થઇ અને પછી બધા છુટા પડ્યા.

બીજા દિવસે સવારે રિષભ જ્યારે સુતો હતો ત્યારે સુરતના એક છેડે કંઇક જુદી જ ઘટના આકાર લઇ રહી હતી. સુરતની નજીક આવેલ સુવાલી બીચ એક એવો બીચ છે જ્યાં લોકો દરીયાની મજા લેવા આવે છે. ડુમસ પાસે દરીયો ગંદો છે. દરીયા કાઠે દારુની બોટલ અને બીજા કચરા હોય છે. ડૂમસના દરીયાનુ પાણી પણ ચોખ્ખુ નથી હોતુ. જ્યારે સુવાલીના દરીયા કાંઠા પર એટલી ગંદકી નથી હોતી અને દરીયાનુ પાણી પણ ચોખ્ખુ હોય છે. સુવાલીના દરીયા કાંઠે પરીવાર સાથે લોકો ફરવા આવે છે. સુવાલીનો દરીયા કાંઠો ઓછો જાણીતો હોવાથી ત્યાં કોઇ લારી કે દુકાન નથી આવેલી. ત્યાં જેણે પણ જવુ હોય તેણે પોતાનુ વાહન કરીને જવુ પડે છે અને સાથે નાસ્તા કે જમવાનુ લઇ જવુ પડે છે. જો કે આ દરીયા કાઠે બપોર પછી જ માણસો દેખાય છે. આજે આ જ સુવાલીના બીચ પર વહેલી સવારે એક કાર આવીને ઊભી રહી અને તેમાંથી બે માણસ નીચે ઉતર્યા. બંને માણસે આજુબાજુ કોઇ છે નહીં તે જોયુ અને પછી કારમાંથી એક માણસને ઉંચકીને બહાર કાઢ્યો અને દરીયા કાઠે સુવડાવ્યો. ફરીથી પેલા બંને માણસો કારમા બેઠા અને કાર જે રસ્તે આવી હતી તે જ રસ્તે જતી રહી. પેલો ત્રીજો માણસ ત્યાં જ દરીયા કાઠે પડ્યો હતો. તે જીવતો હોવા છતા એક લાશની જેમ ત્યાં પડ્યો હતો. તે બેભાન હતો. આમને આમ તે માણસ બે ત્રણ કલાક સુધી બેભાન અવસ્થામાં એમજ પડ્યો રહ્યો. દરીયાના મોજા તેના પગ સાથે અથડાઇને પાછા ફરતા હતા. આ બધાથી અજાણ તે માણસ તો બેભાન અવસ્થામાં પડ્યો હતો.. ધીમે ધીમે સમય પસાર થતા સૂર્ય ઊગ્યો અને ગરમી વધવા લાગી. ચારેક કલાક બાદ તે માણસ સળવળ્યો. તે માણસ જાણે મોતના મુખમાંથી પાછો ફર્યો હોય તેમ ધીમે ધીમે તેના શરીરમાં સળવળાટ થયો અને તેની આંખો ખુલી. આંખો પર સીધા જ સુર્ય પ્રકાશના કિરણો અથડાયા એ સાથે જ આંખો ફરીથી બંધ થઇ ગઇ. તે થોડીવાર ફરીથી આંખો બંધ કરીને પડ્યો રહ્યો. તે પરિસ્થિતી સમજવાની કોશિસ કરતો હતો. પણ તેનુ મગજ હજુ કામ કરતુ નહોતુ. સુર્યના કિરણો જોઇ તેને અચાનક કંઇક યાદ આવ્યુ અને તે ઝટકા સાથે બેઠો થઇ ગયો. આંખો ખોલીને તેણે આજુબાજુનુ દ્રશ્ય જોયુ. જાણે તેને આંખો પર વિશ્વાસ ન આવતો હોય તેમ તે આંખો ચોળી અને ફરીથી આજુબાજુ જોયુ. તે થોડીવાર એજ સ્થિતીમાં બેઠો રહ્યો. ધીમે ધીમે તેને આજુબાજુની પરિસ્થિતિ સમજાઇ. તે ઊભો થયો અને દરીયા તરફ આગળ વધ્યો. દરીયામા થોડો અંદર જઇ તેણે દરીયાનુ પાણી મોઢા પર છાટ્યું. પાણી શરીર પર પડવાથી થોડી શરીરમાં થોડી ચેતના આવી. તેણે મોઢા પર હાથ ફેરવ્યો એ સાથે જ તેની મહિનાથી વધેલી ડાઢીનો સ્પર્શ થયો. ડાઢીનો સ્પર્ષ થતા જ તેને જુની યાદો તાજી થઇ ગઇ, પણ તરત જ યાદોને પાછળ હડસેલી તેણે પોતાના ખીસ્સા પર હાથ ફેરવ્યો. ખીસ્સામાં કોઇક વસ્તુનો સ્પર્શ થતા તેણે વસ્તુ ખીસ્સામાંથી બહાર કાઢી. તે વસ્તુ મોબાઇલ હતી. બીજા ખીસ્સામાંથી પણ તેણે થોડી વસ્તુ કાઢી. જેમા રુપીયાની થપ્પી અને એક ડેબીટ કાર્ડ હતુ. આ ડેબીટ કાર્ડ તેનુ પોતાનુ જ હતુ. તેને હજુ સુધી સમજાતુ નહોતુ કે તેની સાથે આ શુ થઇ રહ્યુ છે. તેણે આજુબાજુ જોયુ અને કંઇક વિચાર કર્યો. ત્યાં તેના સેલફોનમાં રીંગ વાગી. તે કોલ ઉપાડવો કે નહી તેની અવઢવમાં એમ જ ઊભો રહ્યો. થોડીવાર રીંગ વાગીને મોબાઇલ બંધ થઇ ગયો. રીંગ બંધ થતા તે રાહત અનુભવી પણ ત્યાં ફરીથી મોબાઇલની રીંગ વાગવાનુ ચાલુ થયુ. તેણે એકાદ રીંગ વાગી પછી કોલ રીસિવ કર્યો. સામે છેડેથી એક અવાજ આવ્યો. આ અવાજ તેણે છેલા ત્રણ ચાર વર્ષમાં ફોન પર એક બે વાર સાંભળેલો હતો. આ અવાજ તે ક્યારેય ભુલી શકે એમ નહોતો. સામે છેડેથી માણસે કહ્યું “સોરી, મિત્ર તારી સાથે જે થયુ તેમા મારી કોઇ પર્સનલ દુશ્મની નહોતી પણ તારા કોઇ દુશ્મને જ અમને કામ સોંપ્યુ હતુ. કદાચ તને અત્યારે મારા પર ખૂબ ગુસ્સો આવતો હશે પણ અમને જેણે કામ સોપ્યુ હતુ તેના વિશે તુ જાણીશ તો અમારા પરનો ગુસ્સો ગાયબ થઇ જશે.”

આ માણસ અત્યારે કંઇ વિચારી શકે એવી માનસિક પરિસ્થિતિમાં નહોતો એટલે સામેવાળાએ વધુ વાત ન કરતા છેલ્લે કહ્યું “જો મિત્ર મારી તને સલાહ છે કે કોઇનો પણ વિશ્વાસ કરતો નહીં. તારી પાસે પૈસા છે અને કાર્ડ પણ છે. કોઇ હોટલમાં જઇને રહેજે. જ્યારે તુ થોડો રીલેક્ષ થઇ જઇશ ત્યારે આપણે ફરી વાત કરીશુ.” આટલુ બોલીને સામેથી ફોન કટ કરી નાખ્યો.

“હવે શું કરવુ? ક્યા જવુ? કઇ રીતે જવુ ના વિચાર કરતો તે માણસ દરીયાની સામેના રસ્તા તરફ ચાલવા લાગ્યો. અહીં ક્યાંય કોઇ વાહન મળી શકે એમ નથી તે વાત તેને સમજાઇ ગઇ હતી. આજે તે ઘણા સમયે બહાર નીકળ્યો હતો એટલે આ રીતે ચાલવામાં પણ તેને આનંદ આવતો હતો. તે વિચારોમા ને વિચારોમા ચાલવા લાગ્યો. આમ તો આ પહેલા અહી આવી ગયો હતો પણ છેલ્લા ત્રણ વર્ષ જેણે એક જ ઓરડામા કાઢ્યા હોય અને પછી અચાનક એક સવારે ખુલ્લુ આકાશ અને સામે દરીયો બતાવવામાં આવે તો તેની દશા કેવી થાય. અત્યારે એવી જ દશા આ માણસની હતી. તે ઘણુ ચાલ્યો પછી તેને સમજાયુ કે આ જગ્યા તો જાણીતી છે. આ સમજાતા તે ઊભો રહ્યો અને આજુબાજુ જોવા લાગ્યો. થોડીવાર જોયા પછી તેને સમજાયુ કે આ રસ્તો સુવાલી બીચ તરફ જાય છે. તો તો પછી તે જે બીચ પર પડ્યો હતો તે સુવાલી બીચ હતો. અહીં મને કેમ મૂકી ગયા? અરે એ તો ઠિક પણ આમ અચાનક મને કેમ છોડી મૂકવામા આવ્યો? સાચે જ હું મુક્ત થઇ ગયો છુ કે પછી આ એક સ્વપ્ન છે? આવા તો કેટલાય વિચારો તેના મગજમાં આવીને જતા રહ્યા. જેમ અચાનક તેને કેદ કરી દેવામાં આવ્યો હતો એજ રીતે આજે અચાનક તેને મુક્ત કરી દેવામાં આવ્યો હતો. ત્રણ વર્ષ સતત એક જ ઓરડામાં રહીને જેવા તેવા માણસની તો ડગરી છટકી જાય પણ આ માણસ ટકી ગયો હતો. ઘણીવાર તેને આત્મહત્યા કરવાનો વિચાર આવતો હતો. પણ તેને ખબર હતી કે આખા ઓરડામાં બધીજ દિવાલો પર સી.સી ટીવી કેમેરા ગોઠવેલા છે. તેને આત્મહત્યા કરતો દેખશે કે તરત જ પેલો ગેસ ઓરડામાં આવવા લાગશે. આહ કેટલો ભયાનક ગેસ હતો. દર મહિને એકાદ વાર તેના ઓરડામાં તે ગેસ આવતો. તે ગેસ એટલો ભયાનક હતો કે ગળુ રુંધાવા લાગતુ. અને થોડી મિનિટોમાં તે બે ભાન થઇ જતો. તે જ્યારે પણ પાછો ભાનમાં આવતો અને જોતો તો તેને સમજાતુ કે તેના રુમની સાફ સફાઇ થઇ ગઇ છે અને તેની પણ ડાઢી વાળ બધુ સાફ થઇ ગયુ છે. આ લોકો જે પણ હતા તે તેને મારવા માંગતા નહોતા. અરે તે લોકો તો તેનો ખ્યાલ રાખવા માંગતા હતા. તેનુ મનપસંદ ભોજન જ તેને જમવામાં મળતુ. તેના ગમા અણગમા પણ તે લોકો જાણતા હતા. આ યાદ આવતા જ તેને હમણા થોડીવાર પહેલા આવેલા ફોનના શબ્દ યાદ આવી ગયા? સામેથી જે માણસ હતી તેણે તેને ચોખ્ખા શબ્દોમાં કહ્યુ હતુ કે કોઇનો પણ વિશ્વાસ નહી કરતો. તેનો મતલબ તો એ જ થાય કે આની પાછળ કોઇ નજીકનુ જ માણસ સામેલ હતુ. કોણ છે તે? આ યાદ આવતા જ તેના જડબા ભીંસાયા અને હાથની મુઠ્ઠીઓ વળી ગઇ તેની આંખમાં લાલ દોરા ઉપસી આવ્યા. તે ગુસ્સામાને ગુસ્સામાં ચાલવા લાગ્યો. તે થોડો આગળ ગયો ત્યાં તેને એક રીક્ષા આવતી દેખાઇ. તેણે રિક્ષા ઊભી રાખવા માટે હાથ ઊંચો કર્યો પણ તે રિક્ષા તો તેની પાસેથી પસાર થઇ ગઇ. ફરીથી તે આગળ ચાલવા લાગ્યો. થોડીવાર બાદ તેની પાછળથી એક રીક્ષા આવતી દેખાઇ. આ એજ રિક્ષા હતી જે તેને સામે મળી હતી. આ વખતે તેણે ફરીથી હાથ ઉંચો કર્યો. રિક્ષા તેની પાસે આવીને ઊભી રહી એટલે તે માણસએ કહ્યું “જિન્જર હોટલ પીપલોદ લઇ લો.” એમ કહી તે રિક્ષામાં બેસી ગયો.

“સાહેબ તેના માટે તમારે સ્પેશિયલ ભાડૂ આપવુ પડશે.” રિક્ષાવાળાએ ચોખવટ કરતા કહ્યું.

“હા વાંધો નહીં.” તે માણસે એકદમ શાંતિથી કહ્યું.

તે માણસના હાલચાલ જોઇને રિક્ષાવાળાને તેનુ ભાડુ મળશે કે નહીં તે શંકા જાગી પણ તે કંઇ બોલ્યો નહીં અને રીક્ષા આગળ જવા દીધી.

તે માણસ જીંજર હોટલમાં દાખલ થયો અને તેણે હોટલમાં એક રુમ બુક કરાવ્યો. આ બુકીંગના પૈસા તેણે રોકડા ન આપતા તેના કાર્ડમાંથી ચુકવ્યા. આજ તેની ભૂલ હતી. આ કાર્ડમાંથી જેવુ પેમેન્ટ થયુ એ સાથે જ કાર્ડના માલિકના મોબાઇલમાં મેસેજ આવ્યો. આ મેસેજ જોઇ કાર્ડના માલીકના ચહેરા પર એક સ્મિત આવી ગયુ. તરતજ કાર્ડના માલીકે એક ફોન જોડ્યો અને કહ્યું “હોટલ જીંજરમાં કાર્ડ સ્વાઇપ થયુ છે.” પછી સામેથી જે કહેવાયુ તે સાંભળી ફોન કટ કરી નાખ્યો.

----------*************------------**********---------------********-------------

મિત્રો આ મારી ત્રીજી સસ્પેન્સ થ્રિલર નોવેલ છે. આ પહેલાની મારી બે નોવેલ “21મી સદીનું વેર” અને “વિષાદ યોગ” પણ સસ્પેન્સ થ્રિલર નોવેલ હતી. જો તમે આ નોવેલ હજુ સુધી ના વાંચી હોય તો તે તમે માતૃભારતી પરથી વાંચી શકો છો.

મીત્રો આ નોવેલ તમને કેવી લાગી? તેનો પ્રતિભાવ મને મારા નીચે આપેલા વોટ્સએપ નંબર પર જરુરથી મોકલી આપશો. તમારા પ્રતિભાવ અને સલાહ સૂચન મારી નોવેલને વધુ સારી બનાવવા માટેની પ્રેરણા પૂરી પાડે છે. જો તમને આ નોવેલ ગમી હોય તો તમારા સ્નેહી મીત્રોને તે વાંચવા માટે ભલામણ કરજો.

--------------------*****************------------***************--------------------------

HIREN K BHATT

MOBILE NO:-9426429160

EMAIL ID:-HIRENAMI.JND@GMAIL.COM