મેઘાણી વંદના
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતી વર્ષ ઉજવણી.
આખા દેશમાં આમજનતાની જીભે ગવાતું અને માત્ર યુવા હૈયાઓ જ નહિ,પણ આબાલવૃધ્ધ સહુના માટે જે ગીત અતિ પ્રિય બન્યું તે 'મન મોર બની થનગાટ કરે' કે જે હિન્દી ચલ ચિત્ર ‘રામલીલા’ માં ફિલ્માવવામાં આવ્યું તેના રચયિતા અને ‘રાટ્રીય શાયર’થી જેમને આપણે સહુ જાણીએ છીએ એવા અને રણજિતરામ સુવર્ણ ચંદ્રક તથા મહીડા જેવા ઉચ્ચ સાહિત્ય સન્માન મેળવેલ શ્રી ઝવેરચંદ મેઘાણીની ઉતમ સાહિત્ય યાત્રાને યાદ કરતાં આ વર્ષે તેમની 125મી જન્મજયંતી વર્ષ મેઘાણી સાહિત્ય ઉત્સવ તરીકે ઉજ્વવામાં આવી રહી છે,
સાહિત્ય યાત્રી, વિલાપી, તંત્રી વિરાટ, શાણો જેવા અનેક હુલામણા નામથી જાણીતા રાષ્ટ્રીય શાયર નું બહુમાન પામેલા, લોકકંઠના કવિ, લોકસાહિત્યના પાયાના અને અગ્રણી સંપાદક, સંશોધક એવા મેઘાણી કે જેમણે માત્ર ૩૦ વર્ષની ઉમરે રણજિતરામ સુવર્ણ ચંદ્રક(જે સહુથી નાની વયે મેળવનાર પ્રથમ સાહિત્યકાર ) મેળવેલ એવા તેઓ ઉત્તમ નવલકથા કાર, વાર્તા કાર, ચરિત્ર લેખક, અનુવાદક, વિવેચક અને પત્રકાર એમ બહુ ક્ષેત્રીય પ્રતિભા ધરાવતા હતા.
28 ઓગસ્ટ ૧૮૯૭ માં ચોટીલાગામમાં ( તા.સુરેન્દ્રનગર) ગુજરાત રાજ્ય જન્મેલા અને ૯ માર્ચ ૧૯૪૭ બોટાદ (તા.ભાવનગર) ખાતે હૃદય રોગને કારણે આ દુનિયામાંથી વિદાય લેનારા આ મહાન સાહિત્યકાર, આટલા ટૂંકા માત્ર ૫૦ વર્ષના આયુષ્ય માં ૨૫ જેટલા વર્ષનું લેખનકાર્ય કર્યું.જેમાં કવિતા, વાર્તા, નવલકથા,રેખાચિત્ર, નાટક, વિવેચન, અનુવાદ અને પત્રકારી લખાણોના 88 ઉપરાંત પુસ્તકો તેમણે આપ્યા તથા લોકસાહિત્યનું સંપાદન - સંશોધન કર્યું. ગાંધીજીએ મેઘાણી ને 'રાષ્ટ્રીય શાયર' તરીકે ગણાવ્યા છે. પણ તેમની મહત્વની ઓળખ તળ સૌરાષ્ટ્રી ભાષાના ખમીરની તથા લોક સાહિત્યની મૂલ્યવાન પરંપરાને ઊંચકીને સૌની સામે મૂકનાર શોધક સર્જક તરીકેની છે.
બગસરાનાં જૈન વણિક એવા પિતા કાળીદાસ પોલીસ ખાતામાં નોકરી કરતા. માતા ધોળીબાઈ ગૃહિણી હતા.પિતાની અલગ અલગ ગામમાં બદલી થતી રહેવાને કારણે તેમનો અભ્યાસ રાજકોટ, દાઠા,પાળીયાદ, બગસરા, અમરેલી વગેરે અલગ અલગ ગામોમાં થયો. 1916માં ભાવનગરનાં શામળદાસ મહાવિદ્યાલયમાંથી અંગ્રેજી અને સંસ્કૃતમાં સ્નાતક કર્યું. ત્યારબાદ 1917માં કલકત્તા સ્થિત જીવનલાલ લીમીટેડ નામની એક એલ્યુમિનીયમની કંપનીમાં કામે લાગ્યા. જેમાંથી તેમને ઈંગ્લેંડ જવાનું થયું. ૩ વર્ષ આ કંપનીમાં નોકરી કરી પછી સાહિત્યપ્રેમી એવા તેઓ વતનપ્રેમને કારણે કલકત્તાની કંપનીમાં મેનેજર ની નોકરી છોડીને બગસરા સ્થાયી થયા. ૧૯૨૨માં જેતપુર ના દમયંતીબેન સાથે તેમના લગ્ન થયા.
નાનપણથી જ ઝવેરચંદ ગુજરાતી સાહિત્યનું ધણું ચિંતન કરતા. કલકત્તા રહ્યા પછી તેઓ બંગાળી સાહિત્યનાં પરિચયમાં આવ્યા. બગસરામાં સ્થાયી થયા બાદ તેમણે રાણપુરથી પ્રકાશિત થતા 'સૌરાષ્ટ્ર ' નામનાં છાપામાં લેખન ની શરૂઆત કરી. ૧૯૨૨ થી ૧૯૩૫ સુધી 'સૌરાષ્ટ્ર'માં તંત્રી તરીકે રહ્યા. જે દરમિયાન તેમણે 'કુરબાનીની કથાઓ' ની રચના કરી, જે તેમનું પહેલું પ્રકાશિત પુસ્તક રહ્યું.ત્યાર બાદ 'સૌરાષ્ટ્રની રસધાર' નું સંકલન કર્યુ તથા બંગાળી સાહિત્યમાંથી ભાષાંતર કરવાની પણ શરુઆત કરી. કવિતા લેખનમાં તેમણે 1926માં 'વેણીનાં ફૂલ' થી પગલા માંડ્યા.1928માં લોકસાહિત્યમાં તેમનાં યોગદાન બદલ 'રણજિતરામ સુવર્ણચંદ્રક' આપવામાં આવ્યું. તેમનાં સંગ્રામ ગીતોનાં સંગ્રહ 'સિંધૂડો' એ ભારતનાં યુવાનોને પ્રેરિત કર્યા હતા.જેના કારણે ૧૯૩૦માં ઝવેરચંદને બે વર્ષ માટે જેલમાં રહેવું પડ્યું હતું. આ સમય દરમિયાન તેમણે ગાંધીજીની ગોળમેજી પરિષદ માટેની લન્ડન મુલાકાત ઉપર 'ઝેર નો કટોરો' કાવ્યની રચના કરી હતી. ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય શાયરના બિરુદથી નવાજ્યા હતાં. તેમણે' ફુલછાબ ' નામનાં છાપામાં લઘુકથાઓ લખવાનું શરૂ કર્યું હતું. 1933માં પત્ની દમયંતીબેન નું અવસાન થતા તેઓ ૧૯૩૪માં બગસરા છોડી, મુંબઈ સ્થાઈ થયા.
મુંબઈમાં તેમનાં લગ્ન ચિત્રદેવી સાથે થયા.મુંબઈમાં મેઘાણીએ ' જન્મભૂમિ' નામનાં છાપામાં કલમ અને કિતાબ નાં નામે લેખ લખવાની તથા સ્વતંત્ર નવલકથાઓ લખવાની શરુઆત કરી. ૧૯૩૬ થી ૧૯૪૫ સુધી તેઓએ ફુલછાબનાં સંપાદકની ભૂમિકા ભજવી. જે દરમ્યાન ૧૯૪૨માં 'મરેલાનાં રૂધિર' નામની પોતાની પુસ્તિકા પ્રકાશિત કરી. ૧૯૪૬માં તેમની પુસ્તક 'માણસાઈના દીવા' કે જેમાં લોકસેવક રવિશંકર મહારાજની અનુભવ કથાઓનું વાર્તા રૂપે નિરૂપણ કર્યું છે,તેને 'મહીડાં પારિતોષિક' થી સન્માનવામાં આવ્યું હતું. અને તે જ વર્ષે તેમને ગુજરાતી સાહિત્ય પરિષદનાં સાહિત્ય વિભાગનાં વડા તરીકે નીમવામાં આવ્યા.
મેઘાણી તેમના લોકસાહિત્યમાં સૌરાષ્ટ્રની ધિંગી ધરાના તળપદી બોલીની તેજસ્વિતા અને તાકાત પ્રગટાવી શક્યા છે. તેમની સાહિત્ય યાત્રામાં મેઘાણીએ ચાર નાટક ગ્રંથ, સાત નવલિકા સંગ્રહ, તેર નવલકથા, છ ઇતિહાસ, તેર જીવનચરિત્રની રચના કરી હતી. જેમાં તુલસીક્યારો, સોરઠ તારા વહેતા પાણી - નવલકથા તો કાવ્ય સંગ્રહ - યુગવંદના ઉપરાંત અન્ય સાહિત્ય કંકાવટી, અપરાધી જ્યારે સોરઠી બહારવટિયા, સૌરાષ્ટ્રની રસધાર જેવા લોક સાહિત્ય સંપાદનો વગેરે તેમનું નોંધપાત્ર સર્જન છે.
તેમના કવિત્વનો ઉચ્ચતમ પરિચય તેમના કાવ્યોમાં ખાસ નાનકડી કન્યાની શૂરવીરતા સભર કાવ્ય - ચારણ કન્યા, ઉપરાંત ફુલ માળ,કોડિયું, છેલ્લી પ્રાર્થના,માં - રવીન્દ્રનાથ ટાગોર, શૌર્યગીત : ખમ્મા ખમ્મા લખ વાર,મન મોર બની થનગાટ કરે,તો ગાંધી બાપુ માટે ખાસ લખાયેલું કાવ્ય - છેલ્લો કટોરો, આગે કદમ આગે કદમ આગે કદમ! માં જોવા મળે છે. જે બધા જ કાવ્યો ખૂબ લોકપ્રિય રહેવા સાથે ગુજરાતી ભાષાના અભ્યાસક્રમમાં અતિ પ્રિય કવિતાઓ તરીકે શાળા મહા શાળાઓમાં હોંશે હોંશે સહુ વિદ્યાર્થીઓ ભણે છે, સાથે એમાંથી પ્રેરણા પણ મેળવે છે. જેમાંથી 'મન મોર બની થનગાટ કરે' એ હિન્દી ચલ ચિત્ર ' રામલીલા ' માં ફિલ્માવવામાં આવતા તે આખા દેશમાં આમજનતાની જીભે ગવાતું અતિ પ્રિય ગીત બની ધૂમ મચાવી રહ્યું છે.
ટપાલ વિભાગ દ્વારા ૧૪ સપ્ટેમ્બર 1919ના રોજ ઝવેરચંદ મેઘાણીના માનમાં ટપાલ ટિકીટ બહાર પાડવામાં આવી હતી.
મેઘાણીના લોક સાહિત્યની કેટલાક પંક્તિઓ જે ખૂબ જ પ્રેરણાદાયી છે જે આમજીવનમાં સતત વપરાય છે:
“ ઘટમા ઘોડા થનગને, આતમ વીંઝે પાંખ, અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ.
નથી જાયું અમારે પંથ શી આફત ખડી છે ખબર છે એટલી કે માતની હાકલ પડી છે.”
“ધીમે ધીમે વૃદ્ધિ પામી વૃદ્ધ થા, કાં પછી સર્વસ્વ ત્યાગી તું બુદ્ધ થા,
સ્નાન હો ઘરમાં કે પછી હો ગંગા તટે,
છે શરત એક જ કે તું ભીતરથી શુધ્ધ થા.”
“અપમાનિત, અપયશવતી તુ તોય માતેમા,
પર્વત પરાજિત લથડતી તું તોય મા તે મા”
“ છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ,
સાગર પીનારા અંજલિ નવ ઢોળજો બાપુ.”
“દુનિયાના વીરોનાં લીલા બલિદાનોમાં ભભક્યો કસુંબીનો રંગ
સાગરને પાળે સ્વાધીનતાની કબરોમાં મહેક્યો કસુંબીનો રંગ.”
“રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે ,
કેસરવરણી સમરસેવિકા કોમલ સેજ બિછાવે,
ઘાયલ મરતાં મરતાં રે માતની આઝાદી ગાવે,
કો’ની વનિતા, કો’ની માતા,કો’ની ભગિનીઓ ટોળે વળતી.”
મેઘાણીના તમામ સાહિત્ય લોકમિલાપ ટ્રષ્ટ ભાવનગર દ્વારા સંપાદિત કરી સંગ્રહિત કરવામાં આવ્યા છે. આ વર્ષે માર્ચ 2021 માં મેઘાણીની 125મી જન્મ જયંતિ પ્રસંગે એમના 4 પુસ્તકો ઘટાડેલા દરે આપવાની લોક મિલાપ ટ્રસ્ટ ભાવનગરની યોજના છે. મેઘાણી સાહિત્યના ઉતમ 4 પુસ્તકો દરિયાપાર ના બહારવટિયા,સોરઠને તીરે તીરે ,સોરઠી ગીત કથાઓ તથા સૌરાષ્ટ્ર ના ખંડેરોમાં 500 પાનાનાં આ 4 પુસ્તકોનો સંપુટ એની છાપેલી કિમત રૂ. 410 ને બદલે 290 રૂ.માં ઘરે બેઠા સંપર્ક (0278)2566402 અથવા 873491 8888 પર સંપર્ક કરી ઘરે બેઠા મેળવી શકશે એવું વ્યવસ્થાપક શ્રી ગોપાલભાઈ મેઘાણીની યાદીમાં જણાવાયું છે.
અંતમાં, મેઘાણી પ્રિય એવા કોઈ એમના સાહિત્ય પ્રેમીએ ખૂબ સરસ શ્રધ્ધાન્જલી આપતા લખ્યું છે કે,
“તારી કવિતા તણા પીધેલ હશે જેણે પાણી
લાખો સરોવર લાગશે એને મોળા મેઘાણી !!”
અતુલ્ય એવો આપણો ભાવિ પ્રાચીન સાહિત્ય વારસો વાંચીએ વાંચવીએ અને જાળવવા પ્રયત્ન કરીએ એ જ એમને સાચા શ્રદ્ધા સુમન....રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીને સવાસોમી જન્મજયંતી વર્ષે કોટિ કોટિ વંદન.