Sardar Singh Rana in Gujarati Biography by Tr. Mrs. Snehal Jani books and stories PDF | સરદારસિંહ રાણા

Featured Books
Categories
Share

સરદારસિંહ રાણા

ધારાવાહિક:- આપણાં મહાનુભાવો
લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની


ચાલો, મહાનુભાવોની મુલાકાત આગળ વધારીએ. આજે મળીએ ક્રાંતિવીરોનાં મુકુટમણી તરીકે ઓળખાતા સરદારસિંહ રાણાને કે જેમણે વિદેશની ધરતી પર રહીને પણ દેશને આઝાદી અપાવવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો.

તેમનો જન્મ 11 એપ્રિલ 1870નાં રોજ, હિંદુતિથી મુજબ રામનવમીનાં દિવસે સુરેન્દ્રનગરના લીંબડી તાલુકાના કંથારિયા ગામે થયો હતો. તેમનાં પિતાનું નામ રવાજી રાણા અને માતાનું નામ ફૂલજીબા હતું. તેમણે પ્રાથમિક શિક્ષણ કંથારિયા અને ધ્રાંગધ્રામાં મેળવ્યું હતું. વધુ અભ્યાસ માટે તેઓ રાજકોટની આલ્ફ્રેડ સ્કૂલમાં દાખલ થયા. મહાત્મા ગાંધી તેમનાં સહાધ્યાયી હતા. ગાંધીજી રાણાને વ્હાલથી 'સદુભા' કહેતા હતા. બંને ખૂબ જ સારા મિત્રો હતા.

ત્યારબાદ ઉચ્ચ અભ્યાસ માટે મુંબઈ અને પુના ગયા. પુનાની ફરગ્યુસન કૉલેજમાં ભણતા ભણતા જ એમનાં જીવનમાં મોટો વળાંક આવ્યો. 1895માં પૂનામાં યોજાયેલા ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ અધિવેશનમાં ભાગ લીધો ત્યારે તેમની મુલાકાત લોકમાન્ય તિલક અને સુરેન્દ્રનાથ બેનર્જી સાથે થઈ. અહીંથી તેમનામાં ક્રાંતિકારી બનવાના બીજ રોપાયા.

ત્યારબાદ લંડન જઈ તેઓ બેરિસ્ટર બન્યા. લાઠીનાં એક રાજવી પરિવારે તેમને લંડન જવામાં મદદ કરી હતી. ત્યાં તેઓ શ્યામજીકૃષ્ણ વર્મા અને ભીખાઈજી કામાનાં સંપર્કમાં આવ્યા. લંડનમાં તેમણે ઈન્ડિયા હાઉસની સ્થાપના કરી. 1899માં તેઓ પેરિસ ગયા. પેરિસનાં વિશ્વ પ્રદર્શનમાં ખંભાતના ઝવેરી ઝવેરચંદ ઉત્તમચંદનાં અનુવાદક બન્યા હતા. તેઓ મોતીના ઝવેરાતમાં નિષ્ણાત બન્યાં અને તેનો વ્યવસાય શરુ કર્યો.

ઈ. સ. 1905માં રાણા હોમરૂલ સોસાયટીના સ્થાપક સભ્ય બન્યા. ત્યારબાદ તેમણે ભીખાઈજી કામા અને મૂંચેરશાહ ગોદરેજ સાથે મળીને પેરિસ ઈન્ડિયન સોસાયટીની સ્થાપના કરી. 1920માં તેઓ ફ્રાન્સ પાછા ગયા. 1931માં તેમની જર્મન પત્નીનું કેન્સરથી મૃત્યુ થયું. ત્યારબાદ તેમનાં પુત્રનું પણ થોડા સમયમાં મૃત્યુ થયું હતું. ઈ. સ. 1947માં તેમનાં પુત્રના અસ્થિ વિસર્જન માટે તેઓ હરિદ્વાર આવ્યા હતા અને 1948માં તેઓ પાછા ફર્યા.

ભારતના રાષ્ટ્રધ્વજની સૌથી પહેલી ડિઝાઈન રાણાજી અને કામાજી એ જ બનાવી હતી. કરનલ વાઈલીની હત્યા કરવા માટે મદનલાલ ધીંગરાએ જે પિસ્તોલ વાપરી હતી તે રાણાજીની જ હતી. ઈ. સ. 1905માં બ્રિટિશ સરકારે તેમનાં ભારત પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો હતો.

રાણા પોલેન્ડ, તુર્કીસ્તાન વગેરે દેશોમાં ફરીને બૉમ્બ બનાવવાની પદ્ધતિ શીખી લાવ્યા. આઝાદી માટે શસ્ત્રો જરૂરી હતાં. તેમણે સેનાપતિ બાપટ તેમજ મિર્ઝા અબ્બાસને આ પદ્ધતિ શીખવાડી અને ભારત મોકલ્યા, કે જેથી તેઓ ત્યાં બીજા ક્રાંતિકારીઓને બૉમ્બ બનાવતા શીખવી શકે. અંગ્રેજ સરકારે રાણા વિરૂદ્ધ વોરંટ કાઢ્યું પરંતુ તેઓ ફ્રેન્ચ નાગરિક હોવાથી પકડી શકાયા નહીં.

પ્રથમ વિશ્વયુદ્ધ વખતે ફ્રાન્સ અને બ્રિટન મિત્રો બન્યાં. આથી બ્રિટનના દબાણને લીધે રાણાની ધરપકડ થઈ અને તેમને મધ્ય અમેરિકામાં પનામા પાસેના માર્ટનીક ટાપુ પર દેશનિકાલ કરાયા. થોડા સમય પછી ગમે તેમ કરીને તેઓ પાછા ફ્રાન્સ આવી ગયા. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જર્મનીએ ફ્રાન્સ પર હુમલો કર્યો, અને રાણાજીએ ફ્રાન્સની તરફેણમાં ધરપકડ વહોરી. નાઝીઓ તેમને પકડીને લઈ ગયા અને તેમનાં નિયમ પ્રમાણે કેદી તરીકે રાણાને ગેસ ચેમ્બરમાં કેદ કરી લીધા. પરંતુ એમનાં નસીબમાં દેશસેવા લખી હતી એટલે તે સમયે નેતાજી સુભાષ ત્યાં ગયા હતા. તેમનાં ભાષણોનાં પ્રભાવથી તેમણે રાણાજીને છોડાવ્યા. આમ, રાણાજીએ મરવાનું પસંદ કર્યું પણ ફ્રાન્સ સરકાર સાથે ગદ્દરિ ન કરી. આથી જ ફ્રાન્સ સરકારે એમને 'ફ્રેન્ચ લિજીયન ઑફ ઓનર'નું સન્માન આપ્યું.

મદનમોહન માલવિયાજી, બનારસ હિંદુ યુનિવર્સીટી સ્થાપવા માટે ફાળો લેવા પેરિસ ગયા હતાં. ત્યાંના ભારતીયોએ માલવિયાજીને 28 લાખ રૂપિયા આપ્યાં હતાં, જેમાં 5 લાખ રૂપિયા માત્ર રાણાજીએ જ આપ્યાં હતાં.

ભારત આઝાદ થયા પછી ઈ. સ. 1947માં એક ખાસ પ્લેન તેમને ભારત પાછા લાવવા માટે પેરિસ મોકલવામાં આવ્યું હતું. ફ્રાન્સની સરકારે ત્યાંના સર્વોચ્ચ એવોર્ડ 'ચેવેલિયર' થી તેમનું સન્માન કર્યું હતું. વીર સાવરકરનો કેસ પણ આંતર રાષ્ટ્રીય સ્તરે સરદારસિંહ જ લડ્યા હતા.

ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે રાણા પ્રતાપ, છત્રપતિ શિવાજી અને બાદશાહ અકબરનાં નામ પર ત્રણ શિષ્યવૃત્તિ ચાલુ કરી હતી. વીર સાવરકર પણ આમાંના જ એક વિદ્યાર્થી હતા. સ્વતંત્રતા બાદ ભારતની પ્રથમ સંસદના 60 સાંસદો આ શિષ્યવૃત્તિ થકી વિદેશમાં ભણ્યા હતા.

ઈ. સ. 1955માં તેમની તબિયત બગડતા તેઓ પોતાનો ધંધો બંધ કરી ભારત પાછા ફર્યા. ત્યારબાદ તેમને લકવાનો હુમલો થયો હતો. 25 મે 1957નાં રોજ વેરાવળનાં સરકીટ હાઉસમાં તેમનું મૃત્યુ થયું.

સરદારસિંહ રાણાના પ્રપૌત્ર અને પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણાએ સરદારસિંહના જીવન પર આધારિત વેબસાઈટ તૈયાર કરી છે. જેનું ઉદ્ઘાટન સંઘ પ્રમુખ શ્રી મોહન ભાગવત દ્વારા 2018માં કરવામાં આવ્યું હતું.

ડૉક્ટર શરદ ઠાકરનું પુસ્તક સિંહપુરુષ, શ્રી વિષ્ણુ પંડ્યાનું પુસ્તક ઉત્તીષ્ઠ ગુજરાત, અને સ્વામી સચ્ચિદાનંદનાં પુસ્તક શહીદોની ક્રાંતિગાથાઓમાં પણ સરદારસિંહ રાણાની ચર્ચા કરવામાં આવી છે.

વાંચવા બદલ આભાર.🙏
- સ્નેહલ જાની