Anant Safarna Sathi - 7 in Gujarati Fiction Stories by Sujal B. Patel books and stories PDF | અનંત સફરનાં સાથી - 7

Featured Books
Categories
Share

અનંત સફરનાં સાથી - 7

૭.સંજોગ કે સંકેત




વહેલી સવારે મિશ્રા નિવાસમાં ખૂબ જ ચહલપહલ મચી હતી. ઘરનાં ગાર્ડનમાં હલ્દીની રસમની તૈયારીઓ થઈ રહી હતી. આખાં ઘર અને ગાર્ડનને પીળાં ફૂલોથી સુશોભિત કરવામાં આવ્યું હતું. અંકિતાના મમ્મી પીળી બનારસી સાડી પહેરીને બધી તૈયારી જોઈ રહ્યાં હતાં. કોઈ વસ્તુની ખામી નાં રહે. એ અંગે વારેવારે બધાંને સચેત પણ કરી રહ્યાં હતાં. ત્યાં જ અંદરથી રાજુભાઈ સફેદ ચૂડીદાર અને પીળાં કુર્તામા સજ્જ થઈને આવ્યાં.
"શાને આટલી ચિંતા કરો છો. બધું બેસ્ટ જ થશે. આપણી લાડલી દિકરીનાં લગ્ન છે. કોઈ ખામી થોડી આવવાં દેશું." રાજુભાઈએ દામિનીબેનને ગાર્ડનમાં પડેલી એક ચેર પર બેસાડીને કહ્યું. દામિનીબેન ચારેતરફ એક નજર કરીને મુસ્કુરાઈ ઉઠ્યા.
અંકિતા પોતાનાં રૂમમાં તૈયાર થઈ રહી હતી. લીલો ઘેરદાર ઘાઘરો, પીળું નીચેથી ઝાલરવાળુ બ્લાઉઝ અને પીળાં ને લીલાં મિક્ષ કલરથી બનેલી ચુંદડીમા અંકિતા ખૂબ સુંદર લાગી રહી હતી. રૂમનાં ડ્રેસિંગ અરિસા સામે બેસીને તે પીળાં ફુલોના ઘરેણાં પહેરી રહી હતી. ત્યારે જ રાહી પીળો અને સફેદ ઘેરદાર ડ્રેસ પહેરીને તેણીનાં રૂમમાં આવી.
અંકિતાએ તેને જોઈને હળવું સ્મિત વેર્યું. ત્યાં જ પાછળ પાછળ રાધિકા અને તન્વી પણ આવી પહોંચી. તેમણે સાથે મળીને અંકિતાને તૈયાર કરવાનું શરૂ કર્યું. અંકિતાને પૂર્ણપણે તૈયાર કર્યા પછી રાહી તેને લઈને ગાર્ડન તરફ આગળ વધી. તે બંનેની પાછળ રાધિકા અને તન્વી પણ આવી.

અંકિતાને બાજોઠ પર બેસાડીને તેને હલ્દી લગાવીને રસમની ઉમંગભેર શરૂઆત કરવામાં આવી. તન્વીનો ટર્ન આવતાં જ તેણે અંકિતાના આખાં ચહેરા પર હલ્દીથી ફેસપેક લગાવી દીધો. તે હલ્દી લગાવીને પાછળ ફરી. ત્યાં જ અચાનક તેની સામે શુભમ આવી ગયો. તન્વીના બંને હાથ શુભમના ગાલ પર અને શુભમના બંને ગાલ હલ્દીના રંગે રંગાઈ ગયાં. ત્યાં મોજુદ બધાં લોકો આ દ્રશ્ય જોઈને હસવા લાગ્યાં.
તન્વીએ એક નજર બધાંની તરફ કરી. પછી તરત જ હાથ ધોવા માટે અંદરની તરફ ભાગી. તેનાં ગયાં પછી રાધિકા, રાહી અને શુભમે મળીને અંકિતાના હાથ-પગને આખાં પીળાં કરી મૂક્યાં. મોં પર ઓલરેડી કેટલી હલ્દી લાગેલી હતી. તોય ત્યાં પણ ઉપર ઉપર ફરી હલ્દી લગાવી દીધી. પછી બધાં અંકિતાને ગોરી માંથી પીળી કરીને હસવા લાગ્યાં.
"મારાં વગર જ રસમની શરૂઆત થઈ ગઈ." અચાનક જ પાછળથી કોઈનો અવાજ આવ્યો. બધાંએ પાછળ ફરીને જોયું. રાધિકાની તો તેને ત્યાં જોઈને આંખો ખુલ્લીની ખુલ્લી જ રહી ગઈ.
"અરે શ્યામ, આવ...આવ..પણ આટલું મોડું કેમ કર્યું??" રાજુભાઈએ શ્યામ પાસે જઈને તેનો હાથ પકડી તેને બધાંની વચ્ચે લાવતાં પૂછ્યું.
"અરે અંકલ, વાત નાં પૂછો. મારાં...." શ્યામ આગળ કંઈ બોલે. એ પહેલાં જ દામિનીબેને તેની વાત વચ્ચે જ કાપતાં કહ્યું, "વાતો પછી કરજો. પહેલાં આવીને રસમ પૂરી કરી લે."
શ્યામ અંકિતા બેઠી હતી. એ તરફ આગળ વધ્યો. તેણે પોતાનાં બંને હાથ હલ્દીના કટોરામા મૂકીને અંકિતા તરફ આગળ વધાર્યા. ત્યાં જ તેનાં ચહેરા પર એક સ્માઈલ આવી ગઈ. અંકિતા પહેલેથી જ આખી હલ્દીવાળી થઈ ગઈ હતી. એવામાં શ્યામ તેને ક્યાં હલ્દી લગાવે. એ વિચારવા લાગ્યો. પછી તેણે માત્ર અંકિતાના નાક પર એક આંગળી વડે હલ્દી લગાવીને એક મોટી સ્માઈલ આપી દીધી. અંકિતાએ પણ સામે એક મોટી સ્માઈલ આપી. જે તેનાં હલ્દી લાગેલાં ચહેરા પર પણ સુંદર લાગતી હતી.
શ્યામ રસમ પૂરી કરીને રાજુભાઈ સાથે વાતોએ વળગ્યો. ત્યાં અચાનક જ તેની નજર રાધિકા પર પડી. જે શ્યામને જ જોઈ રહી હતી. શ્યામે કંઈક યાદ કરીને મીઠું સ્મિત વેર્યું. રાધિકા આંખો ફેરવી ગઈ.

"ચાલો છોકરીઓ, અંકિતાને પુલ એરિયા તરફ લઈ જાવ. ત્યાં બધી હલ્દી કાઢીને તેનાં રૂમમાં લઈ જાજો." દામિનીબેને રાહી અને રાધિકા તરફ જોઈને કહ્યું.
રાહી અને રાધિકા અંકિતાને પુલ તરફ લઈને આગળ વધી.
તન્વી હાથ ધોઈને બહાર આવી. બધાં પોતપોતાની રીતે વાતોમાં વ્યસ્ત હતાં. તન્વી ત્યાંથી જવાં લાગી. ત્યાં જ શુભમ તેની પાસે આવ્યો. તેનાં ચહેરા પર હજું પણ હલ્દી લાગેલી હતી.
"સોરી." તન્વીએ ચહેરા પર માફીના ભાવ લાવતાં કહ્યું.
"ઈટસ્ ઓકે, પર આપ યહાં??" શુભમે મિશ્રા નિવાસ તરફ નજર કરીને પૂછ્યું.
"અંકિતા મેરે પાપા કે દોસ્ત કી બેટી હૈ. પાપા ઉનકી શાદી મેં નાં આ શકે. ઈસ લિયે ઉન્હોંને મુજે ભેજા હૈ. લેકિન આપ યહાં કૈસે??"
"અંકિતા મેરી બહન જૈસી હૈ. વો જબ સે બનારસ સેટલ હુઈ. તબ સે હી હમ એક દુસરે કો જાનતે હૈ."
"ઓહ, અચ્છી બાત હૈ."
"હાં, બાય ધ વે, નાઈસ ટુ મિટ યુ વન્સ અગેઈન."
"સેમ ટુ યુ." તન્વીએ કહ્યું. ત્યાં એકાએક તેની નજર તેને જ ઈશારાથી બોલાવી રહેલાં દામિનીબેન તરફ પડી. તો એ આંગળી વડે એક મિનિટ એવો ઈશારો કરીને દામિનીબેન તરફ આગળ વધી ગઈ.
શુભમ જઈને રાજુભાઈ અને શ્યામ સાથે વાતો કરવા લાગ્યો. અચાનક જ શ્યામને કોઈકનો કોલ આવતાં તે વાત કરતો ઘરનાં મેઈન ગેટ તરફ જવા લાગ્યો. થોડીવાર વાત કર્યા પછી તેણે કોલ કટ કર્યો. તે ફરી ગાર્ડનમાં જતો હતો. ત્યારે જ તેને રાધિકાને બહારની તરફ આવતી જોઈ. રાધિકા પણ શ્યામને જોઈ ગઈ હતી. તે મનમાં એક સવાલ સાથે શ્યામ તરફ આગળ વધી.
"હાય, આપણી મુલાકાત અમદાવાદમાં નાં થઈને રેલવે સ્ટેશન અને બનારસમાં થશે. એવું વિચાર્યું ન હતું." રાધિકા શ્યામની સામે આવીને ઉભી રહી. તો શ્યામે કહ્યું.
"મતલબ?? તું અમદાવાદનો છે??" રાધિકાએ આશ્ચર્ય સાથે પૂછ્યું.
"હાં, તને પહેલી વખત પ્રહલાદ નગરમાં દબંગગીરી કરતાં જોઈ હતી. ખરેખર તું કમાલ છે. છોકરી હોવાં છતાંય કોઈથી ડરતી નથી. બધાં સામે કોઈને પણ ધમકાવી કાઢે છે. આઈ વોઝ ઈમ્પ્રેસ્ડ વિથ યૂ." શ્યામે રાધિકાના વખાણ કરતાં કહ્યું.
"થેંક્સ, બટ નો થેંકસ. મને કોઈ મારાં વખાણ કરે એ પસંદ નથી."
"આ થોડો જૂનો ડાયલોગ નથી!? આઈ મીન છોકરીઓનાં વખાણ કરો. તો એ એમ જ કહે કે કોઈ મારાં વખાણ કરે. એ મને પસંદ નથી. જો વખાણ નાં કરો. તો મોં ફુલાવીને બેસી જાય." શ્યામે થોડી એવી સ્માઈલ સાથે કહ્યું.
"તને છોકરીઓ વિશે બહું બધી જાણકારી છે. પણ ખેર મને કંઈ જાણવાની ઈચ્છા નથી." રાધિકાએ કહ્યું. અને તે ગાર્ડન તરફ આગળ વધી ગઈ.
"દબંગગીરી તો કરે જ છે. સાથે સાથે એટિટ્યૂડ પણ બહું છે." રાધિકાને જતી જોઈને શ્યામે કહ્યું. થોડે દૂર જઈને રાધિકાએ પાછળ ફરીને શ્યામ સામે જોયું. તો શ્યામનાં ચહેરા પર એકાએક જ સ્મિત આવી ગયું.

બપોરનો સમય થતાં બધાં મહેમાનો જમવા માટે ગયાં. ગાર્ડનમાં જ જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. શુભમ રાજુભાઈ સાથે બધી વ્યવસ્થા સંભાળી રહ્યો હતો. રાજુભાઈનુ મૂળ વતન રાજકોટ હતું. અહીં આવ્યાને બે વર્ષ જ થયાં હતાં. તો રાજુભાઈ અહીં બહું ઓછાં લોકોને ઓળખતાં હતાં. એટલે લગ્નમાં માત્ર અંગતના સગા અને બનારસના અમુક બિઝનેસને લગતાં મિત્રો જ સામેલ થયાં હતાં.
અંકિતાએ કપડાં ચેન્જ કરી લીધાં. પછી રાહી અંકિતા સાથે ગાર્ડનમાં આવી. બધાં જમી રહ્યાં હતાં. દામિનીબેને એ બંનેને પણ જમવા માટે આવવાં ઈશારો કર્યો. અંકિતા, રાહી, રાધિકા અને તન્વી પોતાની પ્લેટ લઈને પાસે પાસે જમવા બેઠી. ત્યાં અચાનક જ શ્યામ તેમની પાસે આવ્યો.
"મારે થોડું કામ છે. તો હાલ હું નીકળું છું. હવે કાલ સવારે સીધો મહેંદીના ફંકશનમા જ આવીશ." આવતાંની સાથે જ શ્યામે કહ્યું.
"ઓકે, પણ આજની જેમ લેટ નાં કરતો." અંકિતાએ લેટ શબ્દ પર ભાર આપતાં કહ્યું. શ્યામ ચાલતો થયો. ત્યાં જ અંકિતાએ તેને રોકતાં કહ્યું, "અરે, હું તને મારી ફ્રેન્ડસ્ સાથે મળાવતા તો ભૂલી જ ગઈ. આ રાહી અને રાધિકા છે. અમદાવાદથી આવી છે. કદાચ તું ઓળખતો હોઈશ."
"રાધુ આ પણ અમદાવાદનો જ છે." અંકિતાએ થોડું રોકાઈને રાધિકા સામે જોઈને કહ્યું.
"મુલાકાત થઈ છે. તો ઓળખાણ પણ વધી જ જાશે. બટ નાઉ આઈ એમ ગેટિંગ લેટ. સો, આઈ કેન ગો." શ્યામે કહ્યું. એ રાધિકા સામે એક તિરછી નજર કરીને જતો રહ્યો. રાધિકા તેને જતો જોઈ રહી. આ વખતે શ્યામનુ એવું કહેવું. રાધિકાને થોડું ખટક્યું. રાધિકાને જોતાં જ કોઈ પણ છોકરાં તેનાં કાયલ થઈ જતાં. એવામાં શ્યામ તેને થોડો અલગ લાગ્યો.

હલ્દીની રસમ પૂરી થતાં જ બધાં મહેમાનો જવાં લાગ્યાં. રાહીએ તેનાં રૂમમાં જઈને તેનાં બેગમાથી એક બોક્સ કાઢ્યું. તે લઈને રાહી અંકિતાના રૂમમાં ગઈ. અંકિતા કાલની રસમ માટે કપડાં અને જ્વેલરી તૈયાર કરી રહી હતી. રાહીએ તેનાં રૂમમાં આવીને બોક્સ તેનાં હાથમાં સોંપી દીધું.
"મારો લહેંગો છે?" બોક્સ હાથમાં લઈને અંકિતાએ ચહેરા પર મોટી સ્માઈલ સાથે પૂછ્યું. રાહીએ જવાબમાં આંખો બંધ કરી સ્માઈલ સાથે ડોક હલાવી દીધી.
અંકિતા બેડ પર બેસીને લહેંગો જોવાં લાગી. લાલ ચટાકેદાર લહેંગામા સોનેરી તારનુ કરેલું ભરતકામ, સફેદ કલરનાં મોતી અને ઘાઘરાની સાઈડમાં લટકતાં અંકિતા અને અભિનવના નામનાં લટકણિયાં એ બધું જોઈને અંકિતાની ખુશીનો પાર નાં રહ્યો.
"વાઉ, ધિઝ ઈઝ સો બ્યૂટીફૂલ." અચાનક જ દરવાજે ઉભી લહેંગો જોઈ રહેલી તન્વી બોલી. સાથે રાધિકા પણ હતી. તે પણ આજે જ લહેંગો જોઈ રહી હતી. જેને જોઈને થતી ખુશી તેનાં ચહેરા પર દેખાતી હતી.
તન્વી અંદર જઈને અંકિતાના હાથમાં રહેલો લહેંગો નિરખી નિરખીને જોવાં લાગી. રાધિકા એક આંગળી અને અંગૂઠો ભેગો કરીને લહેંગો સુંદર છે. એવો ઈશારો રાહીને કરવાં લાગી. પોતાની નખરાળી નાની બહેન તરફથી ગ્રીન સિગ્નલ મળી જતાં રાહીની ચિંતા પણ હળવી થઈ. તે ફેશન ડિઝાઈનર હતી. પણ અંકિતા માટે લહેંગો બનાવતી વખતે તેનાં મનમાં હજાર સવાલ ઉભાં થયાં હતાં. જેનાં જવાબ રૂપે રાધિકાએ ઈશારો કરી દીધો હતો.
"યાર, આ તો ખરેખર બહું સુંદર છે.‌ તે મને અત્યાર સુધી લહેંગો નાં બતાવ્યો. આટલું સસ્પેન્સ જાળવી રાખ્યું. એ બધાં ઈંતેજારના ફળ સ્વરૂપે આ લહેંગો જોઈને એ ઇંતેજાર પણ ઓછો હતો. એવું લાગે છે." તન્વીએ ખુશી જાહેર કરતાં કહ્યું.
"લહેંગો શાં માટે બ્યૂટીફૂલ નાં હોય. લહેંગો બનાવ્યો છે કોણે!? ધ ટોપ ફેમશ ફેશન ડિઝાઈનર રાહી સિનોજાએ...યસ, આ લહેંગો મારી દીદુએ બનાવ્યો છે." રાધિકા તેની દીદુના વખાણ કરતાં બોલી.
રાધિકાની વાત સાંભળીને તન્વી અવાક્ બનીને રાહી સામે જોવાં લાગી. તેને પોતાની આંખો પર વિશ્વાસ ન હતો આવી રહ્યો કે તે અમદાવાદની ટોપ ફેમશ ફેશન ડિઝાઈનર સામે ઉભી હતી. તેણે રાહી વિશે ઘણું સાંભળ્યું હતું.‌ એક ફ્રેન્ડ પાસે રાહીએ ડિઝાઈન કરેલાં કપડાં પણ જોયાં હતાં. પણ તન્વી આ રીતે ક્યારેક રાહીને મળશે. એ વાત તન્વીએ ક્યારેય વિચારી પણ ન હતી.
"યાર, આટલું લાંબુ સફર એક સાથે કર્યું. છતાંય મને આ વાતની જાણ નાં થઈ." તન્વીએ આશ્ચર્યના ભાવ સાથે કહ્યું.
"મારી દીદુને પોતાનાં જ વખાણ કરવાં પસંદ નથી. તો તેને જ્યાં સુધી કોઈ પૂછે નહીં. ત્યાં સુધી એ પોતાનાં વિશે કાંઈ નાં કહે." રાધિકાએ કહ્યું.
રાધિકા અને તન્વી ફરી પોતાની વાતોમાં વ્યસ્ત થઈ ગઈ. અંકિતા પણ પોતાનાં કામમાં લાગી ગઈ. રાહી બસ જરૂર પૂરતી જ વાતો કરતી હતી. તે આવી ત્યારથી જ કામથી કામ પૂરતી વાત જ કરતી.
"અંકિતા દીદી, બહાર અંકલ આપકો બુલા રહે હૈ." અચાનક જ શુભમે આવીને કહ્યું.
શુભમને જોઈને તન્વી બસ તેને જોતી જ રહી.‌ હવે તેનાં ગાલ પહેલાં જેવાં નોર્મલ હતાં. તેણે હલ્દી સાફ કરી લીધી હતી. તેનાં ચહેરા પર એક હાસ્ય રમતું હતું. એક નિર્દોષ હાસ્ય...જેને જોઈને તન્વી તેની સામે જોવાથી ખુદને રોકી શકતી ન‌ હતી. અંકિતા શુભમ સાથે બહાર ગઈ. તન્વી અને રાધિકા પણ તેની પાછળ પાછળ જતી રહી. રાહી પોતાનાં રૂમમાં આવીને વિન્ડો સામે ઉભી રહી ગઈ. ત્યાંથી ગાર્ડન અને પુલ દેખાતું હતું. રાહી તેને જોવામાં વ્યસ્ત થઈ ગઈ. અચાનક જ કંઈક આવતાં તે બેગમાથી ડાયરી કાઢીને તેમાં કંઈક ટપકાવવા લાગી. ફરી એ જ ખુશી રાહીના ચહેરા પર નજર આવી.

રાધિકા, તન્વી અને અંકિતા બધાં બહાર હોલમાં બેઠાં હતાં. શુભમ બહાર હલ્દીની રસમ પૂરી થતાં બધી વસ્તુઓ એકઠી કરી રહ્યો હતો. જરૂરી વસ્તુઓ રાખી બીજી વસ્તુઓ એક તરફ મૂકી રહ્યો હતો. કામ પૂરું થતાં જ તે ઘડિયાળ તરફ નજર કરીને જતો રહ્યો. સાંજના પાંચ થઈ ગયાં હતાં. તેને ગંગા આરતીમાં જવાનો સમય થઈ ગયો હતો.
"અરે ઓ મિશ્રાઈન, કલ કે લિયે મહેંદી મંગવાઈ યા નહીં." ભાવેશભાઈએ કિચનમાં કામ કરી રહેલાં દામિનીબેનને અવાજ લગાવ્યો. તેમનાં મોંઢે મિશ્રાઈન અને હિંદી ભાષા સાંભળીને તન્વી હસવા લાગી.
"વાઉ અંકલ, ક્યા બાત હૈ. તમે તો બનારસના રંગે રંગાવા લાગ્યાં. મિશ્રાઈન....અચ્છા હૈ." તન્વીએ ભાવેશભાઈની છેડતી કરતાં ઠહાકા લગાવીને હસતાં કહ્યું. ત્યાં જ દામિનીબેન કિચનમાંથી બહાર આવ્યાં.
"હાં, બધી તૈયારી થઈ ગઈ છે. બસ તમારી લાડલીને સમજાવી દેજો. એ કોઈ નખરાં નાં કરે." બહાર આવતાં જ દામિનીબેને કહ્યું.
"મોમ, આ જ તો નખરાં કરવાનો સમય છે. એકવાર હું જતી રહીશ. પછી તમને મારી બહું યાદ આવશે." અંકિતાએ કહ્યું.‌ તેની વાત સાંભળીને દામિનીબેન સહિત રાજુભાઇની આંખો પણ નમ થઈ ગઈ. વાતાવરણ થોડું તંગ થઈ ગયું.
"અરે આન્ટી, અંકિતા બનારસમાં જ તો રહેવાની છે. તમે ગમે ત્યારે તેને મળી શકશો." તન્વીએ વાતાવરણ હળવું કરવાં કહ્યું. બધાં ફરી કામમાં વ્યસ્ત થઈ ગયાં.
રાતે ડિનર કરીને બધાં પોતપોતાનાં રૂમમાં જતાં રહ્યાં. બીજાં દિવસે સવારે મહેંદી અને રાતે સંગીતનો કાર્યક્રમ હતો. તો ફરી એક દિવસ તૈયારીઓમાં અને રસમોમા જવાનો હતો. તો બધાંએ થોડો આરામ કરવાનું યોગ્ય સમજ્યું.

રાધિકા અને તન્વીને અત્યારમા ઉંઘ આવતી ન હતી. રાતનાં નવ થયાં હતાં. તે બંને સામે સામે અહીંથી તહીં ચક્કર લગાવી રહી હતી. ત્યાં અચાનક જ રાહીએ બંનેનાં હાથ પકડીને બંનેને પોતાની સામે ઉભી રાખી.
"આ શું કરો છો તમે બંને??" રાહીએ બંને હાથનાં ઈશારે પૂછ્યું.
"ઉંઘ નથી આવતી. કંઈક એવું કરો ને કે આજની રાત બની જાય." રાધિકાએ બેડ પર ચડીને‌‌ હાથથી મુવમેન્ટ કરતાં કહ્યું.
"નો... લગ્ન અને રિસેપ્શન પૂરું નાં થાય. ત્યાં સુધી કંઈ નહીં. હું એવો કોઈ ચાન્સ લેવાં નથી માંગતી." રાહીએ ચોખ્ખા શબ્દોમાં નાં પાડતાં કહ્યું.
રાધિકા શું કરવાનું કહેતી હતી. અને રાહી શેની નાં પાડી રહી હતી. એ તન્વીની કંઈ સમજમાં નાં આવ્યું. પણ રાહી અને રાધિકા બંને એકબીજાની વાત સમજી ગઈ હતી. તો રાધિકા મોં ફુલાવીને બેસી ગઈ.
"તું કાંઈ પણ કરી લે. અહીં તારી મનમાની નહીં ચાલે." રાહીએ લેપટોપ લઈને ચેર પર બેસતાં કહ્યું.
"દિદુ, ધિઝ ઈઝ નોટ ફેઅર, અમદાવાદમાં પણ નાં અને અહીં પણ નાં." રાધિકાએ મોઢું લટકાવીને કહ્યું.
"હવે તું ચૂપચાપ સુવે છે કે હું પપ્પાને કોલ કરીને તારી શિકાયત કરું." રાહીએ થોડાં સખ્ત અવાજે કહ્યું.
મહાદેવભાઈનુ નામ પડતાં જ રાધિકા ચાદર ઓઢીને સૂઈ ગઈ. તન્વી હજું પણ રાહી અને રાધિકા વચ્ચેની વાતો સમજવાની કોશિશ કરી રહી હતી. પણ એ કંઈ નાં સમજી શકી. તો એ પણ સૂઈ ગઈ. રાહી લેપટોપ પર પોતાનું કામ કરવાં લાગી.
રાતનાં અગિયાર વાગ્યા સુધી કામ કર્યા પછી રાહી પણ સૂઈ ગઈ. આજે તેને તરત જ સૂતાની સાથે જ ઉંઘ આવી ગઈ. તેનું કામ અહીં આવ્યાં પછી પણ પૂરું થયું ન હતું. છતાંય અહીં આવ્યાં પછી તેનાં ચહેરા અને મન પર ગજબની શાંતિ છવાયેલી રહેતી. એ શાંતિના ચાલતાં જ તે ગાઢ નિદ્રામાં સરી પડી.


નિલકંઠ વિલા
અમદાવાદ

મહાદેવભાઈ અને ગૌરીબેન તેમનાં રૂમમાં બેઠાં હતાં. ગૌરીબેનનો ચહેરો થોડો તંગ નજર આવતો હતો. જ્યારે મહાદેવભાઈ એકદમ શાંત હતાં.‌ તેમનાં ચહેરા પરની આટલી શાંતિ જ કોઈને પણ ડરાવી દેવાં સક્ષમ હતી.
"તમે આ ખોટું કરી રહ્યાં છો. આટલો મોટો નિર્ણય તમે આ રીતે નાં લઈ શકો." ગૌરીબેન ચિંતાગ્રસ્ત અવાજે બોલ્યાં.
"મેં બહું વિચારીને જ આ નિર્ણય લીધો છે.‌ આમાં જ બધાંની ભલાઈ છે." મહાદેવભાઈએ એ જ શાંત અવાજે કહ્યું.
"આમાં કોઈની ભલાઈ નથી. આનાથી બધું વેરવિખેર થઈ જાશે. જ્યારે તમને આ વાત સમજાશે. ત્યારે બહું મોડું થઈ ગયું હશે. પછી તમે ધારો તો પણ કંઈ ઠીક નહીં કરી શકો." ગૌરીબેને ફરી એ જ ચિંતિત સ્વરે કહ્યું.
"મેં હજાર વખત વિચારીને આ નિર્ણય લીધો છે." મહાદેવભાઈએ ફરી એ જ શાંત અવાજે કહ્યું.
"પણ..." ગૌરીબેન કંઈ બોલે. એ પહેલાં જ મહાદેવભાઈ તેમની વાત વચ્ચે જ કાપતાં બોલ્યાં, "હવે આ વાતને અહીં જ ખતમ કરો. હવે બધી વાત હું કહીશ. ત્યારે જ કરવામાં આવશે. ત્યાં સુધી આ વાતને ભૂલી જાઓ. અને મને વચન આપો કે હું નાં કહું ત્યાં સુધી આ વાત કોઈને નાં કરતાં." મહાદેવભાઈએ શાંત પણ સખ્ત અવાજે કહ્યું.
ગૌરીબેન એકીટશે મહાદેવભાઈ અને વચન માટે લંબાયેલો તેમનો હાથ જોવાં લાગ્યાં. નાં છૂટકે ગૌરીબેને તેમને વચન આપવું જ પડ્યું. વચન લઈને મહાદેવભાઈ ચાદર ઓઢીને સૂઈ ગયાં. ગૌરીબેનની આંખમાંથી એક આંસુ સરી પડ્યું.
ગૌરીબેન રૂમનો દરવાજો ખોલીને બહાર નીકળીને હોલમાં આવીને સોફાની ચેર પર બેસી ગયાં. તેમણે કંઈક વિચારીને ટેબલ પર પડેલો ફોન ઉઠાવી રાધિકાનો નંબર ડાયલ કર્યો. અનાયાસે જ સામે દિવાલ પર લટકતી ઘડિયાળ તરફ નજર જતાં તેમણે ફોન ફરી ટેબલ પર મૂકી દીધો. રાતનાં બાર વાગ્યે તેમને રાધિકાને ફોન કરવું યોગ્ય નાં લાગ્યું.

ગૌરીબેન એક ચિંતા અને આંખમાં આંસું સાથે બહાર હોલમાં બેઠાં હતાં. એ સમયે અચાનક દાદીના રૂમનો દરવાજો ખુલ્યો. ગૌરીબેને પોતાનાં ગાલ પરથી આંસુ સાફ કરી લીધાં. દાદીમા આટલી રાતે ગૌરીબેનને એકલાં હોલમાં બેઠેલાં જોઈને તેમની પાસે ગયાં.
"શું થયું?? આટલી રાતે આમ એકલાં કેમ અહીં બેઠાં છો?" દાદીએ ગૌરીબેનના ખંભે હાથ મૂકીને પૂછ્યું.
"કંઈ નહીં. બસ એમ જ." ગૌરીબેને પોતાની ચિંતા છુપાવતા કહ્યું. પણ તેમની ચિંતા એટલી હદ સુધી હતી કે એ તેમનાં અવાજમાં ઝલકતી હતી. જે એંશી વર્ષની ઉંમર વટાવી ચુકેલા દાદી સારી રીતે સમજી ગયાં.
"મહાદેવે ફરી કંઈ કર્યું??" દાદીએ શાંત સ્વરે પૂછ્યું.
ગૌરીબેન થોડીવાર દાદીના કરચલીઓ વાળાં ચહેરાને નિરખીને જોઈ રહ્યાં. ત્યાં જ તેમની ચિંતા આંસુ બનીને તેમની આંખોમાંથી તેમનાં ગાલ પર વહેવા લાગી. આખરે આંસુનો બંધ તૂટી ગયો. તે દાદીને ભેટીને રડવા લાગ્યાં. દાદીએ થોડીવાર તેમને રડવા દીધાં. પછી ફરી ચેર પર બેસાડીને ડાઇનિંગ ટેબલ પરથી પાણીનો ગ્લાસ લઈને ગૌરીબેનને આપ્યો. ગૌરીબેને પરાણે તેમાંથી એક ઘૂંટ પાણી પીધું.
"હવે કહો શું થયું?" દાદીએ ફરી એકવાર પૂછ્યું.
"તેમણે રા...." ગૌરીબેન અચાનક જ કહેતાં કહેતાં અટકી ગયાં. તેમને મહાદેવભાઈને આપેલું વચન યાદ આવી ગયું. જેણે તેમને દાદી સામે વાત કરતાં રોકી લીધાં.
"ઓહ, તો તેણે તને વચને પણ બાંધી લીધી છે. ખેર, કોઈ વાંધો નહીં. પણ કોઈ મદદની જરૂર હોય. તો મને જણાવજો. વાત જાણ્યાં વગર પણ મદદ તો કરી જ શકું." દાદીએ કરચલીઓ વાળાં ચહેરાં પર હળવું સ્મિત લાવતાં કહ્યું. જેનાં લીધે એ ચહેરા પર બહું બધી કરચલીઓ પડી ગઈ. તેમણે ફરી એકવાર ગૌરીબેનના માથે હાથ મૂક્યો. પછી તે પોતાનાં રૂમમાં જતાં રહ્યાં.
ગૌરીબેન થોડીવાર હોલમાં જ બેઠાં રહ્યાં. તેમની આંખોમાંથી ઉંઘ જાણે ગાયબ હતી. તેમનાં મન પર ચિંતાના વાદળો ઘેરાયા હતાં. જે ક્યારે અનેક દુઃખો અને તકલીફોની વર્ષા કરે. એ કોઈ જાણતું ન હતું. ગૌરીબેન કમને ઉભાં થયાં. પરાણે પગને જોર આપીને સીડીઓ તરફ પગ ઉપાડ્યા. આજે ઘરની એ થોડી એવી સીડીઓ તેમને મોટો પહાડ ચડવા જેવી લાગી રહી હતી.


બનારસ
ભોજુવીર, મિશ્રા નિવાસ
સમય: સવારનાં ૦૯:૦૦

વહેલી સવારે અંકિતાની મહેંદીની રસમની તૈયારીઓ ચાલી રહી હતી. બધાંનાં ચહેરાં પર ખુશી છવાયેલી હતી. બધાં લીલા રંગનાં કપડાં પહેરીને તૈયારી કરી રહ્યાં હતાં. અંકિતા પણ લીલાં રંગનાં લહેંગામા સજ્જ થઈને બહાર હોલમાં આવી.‌ જ્યાં મહેંદીની રસમ થવાની હતી. અંકિતા તેનાં માટે બનેલાં એક નાનાં એવાં સ્ટેજ પર જઈને બેઠી.
મિશ્રા નિવાસના ગાર્ડનમાં સંગીતની તૈયારી ચાલી રહી હતી. ચેર અને સ્ટેજ ગોઠવવાં માટે ડેકોરેશન માટેની ટીમ આવી હતી. મહેમાનો મહેંદીની રસમ માટે આવવાં લાગ્યાં હતાં. તેમનાં માટે જમવાની વ્યવસ્થા પુલ એરિયામાં કરવામાં આવી હતી.
અંકિતા બધી તૈયારીઓ જોતી બેઠી હતી. ત્યાં જ તન્વી લીલાં ઘેરદાર ડ્રેસ અને રાધિકા લીલાં સ્લીવલેસ ડ્રેસ અને નીચે ધોતીમા સજ્જ થઈને આવી. તે એવાં કપડાં બહું ઓછાં પહેરતી. પણ એમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. અંકિતા એક આંગળી અને અંગુઠો જોડીને ડાબી આંખ મીંચીને બંને સુંદર લાગી રહી છે. એવું કહેવા લાગી. ત્યાં જ તન્વી અને રાધિકા અલગ અલગ દિશામાં થોડી દૂર થઈ. તો પાછળ ઉભેલી રાહી દેખાઈ.
લીલો ઘેરદાર લહેંગો, આંખોમાં ઘેરાં કાળાં રંગનું કાજલ, ગળામાં સફેદ મોતીનો ચપોચપ નેકલેસ, કાનમાં તેને મેચિંગ ઝુમખા, એક હાથમાં વોચ અને એક હાથમાં થોડી એવી કાચની લીલી બંગડીઓ, હોંઠો પર હલ્કા ગુલાબી રંગની લિપસ્ટિક અને છૂટાં નીચેથી થોડાં કર્લી કરેલાં વાળમાં રાહી ખૂબ સુંદર લાગી રહી હતી. તેની સામે તો અંકિતા પણ આજે ફીકી નજર આવતી હતી.
"હાયે...આજે તો કેટલાં આ ખુબસુરતીના કાયલ અને તારી આંખોથી ઘાયલ થશે. તેનું નક્કી જ નથી. પણ મારાં લગ્નનાં દિવસે બધું અટેન્શન મને લેવાં દેજે. મતલબ તે દિવસે આટલી તૈયાર નાં થતી‌." અંકિતા રાહીના વખાણ કરીને એક આંખ મીંચીને મજાક કરતાં બોલી.
"ખરેખર નાની ગુડિયા જેવી લાગે છે." દામિનીબેને પોતાની આંખનાં ખૂણેથી કાજલ લઈને રાહીના કાન પાછળ ટપકું કરતાં કહ્યું.
રાહી આજે પહેલીવાર આ રીતે તૈયાર થઈ હતી. એ પણ રાધિકાની જીદ્દના કારણે..! બધાં મહેમાનો આવી ગયાં હતાં. રસમ શરૂ થઈ ગઈ. મહેંદી મૂકવાં આવેલી બે છોકરીઓ અંકિતાના હાથમાં મહેંદી મૂકવાં લાગી. શુભમ અને શ્યામ પણ આવી ગયાં. રાધિકા અને તન્વીએ અત્યારથી ડાન્સ કરીને સંગીતની પણ શરૂઆત કરી દીધી. દામિનીબેનને પણ સાથે ડાન્સ કરાવ્યો.
અંકિતાને મહેંદી મુકાઈ ગયાં પછી તન્વી અને રાધિકાએ પણ મહેંદી મુકાવી. અંદર મહેંદીની રસમ ચાલી રહી હતી. તેને ઘરનાં ગેટની બહાર ઉભું કોઈ જોઈ રહ્યું હતું. એ વાતની જાણ કોઈને ન હતી. બધાંને મહેંદી મુકાઈ ગઈ. પણ રાહી મહેંદી લગાવવાની નાં પાડી રહી હતી.
"આવું નાં ચાલે. મારાં લગ્નમાં તું મહેંદી નાં મૂકે. એ મને નહીં ગમે." અંકિતા રાહીને મનાવી રહી હતી.
"હાં દીદુ, બધાંએ મૂકી છે. તમે પણ થોડી એવી તો મૂકી જ શકો." રાધિકાએ કહ્યું.
અંકિતા અને રાધિકાએ ગુજરાતીમાં શું કહ્યું. એ તો મહેંદી મૂકવાં આવેલી બનારસની છોકરીઓ સમજી નાં શકી. પણ આખરે તેમણે એમની હરકતો પરથી અંદાજ લગાવીને એમની વાતોમાં સૂર પુરાવતા કહ્યું, "લગા લો ના દીદી. શાયદ યહાં આજ આપકો આપકે સપનો કા રાજકુમાર ભી મિલ જાયે. ઔર ફિર મહેંદી તો લડકી કી ખુબસુરતી કા એક હિસ્સા હી હૈ. આપ તો હૈ હી ખુબસુરત તો ક્યાં પતા યે મહેંદી સે આપકે હાથોં મેં ચઢા લાલ રંગ આપકી ખુબસુરતી મેં ચાર ચાંદ ઔર જીવન મેં પ્યાર કા લાલ રંગ ભર દે."
"મેરી દીદુ અપને સપને કા રાજકુમાર ઢૂંઢને હી તો આઈ હૈ યહાં. અબ તો દીદુ જરૂર મહેંદી લગવાયેગી." રાધિકાએ રાહીને અંકિતા પાસે બેસાડતાં કહ્યું.
"યહાં તો હર ગલી મેં પ્યાર કી હવા ચલતી હૈ ઔર હર ઘાટ પર પ્યાર હી પ્યાર બહતા હૈ. પ્યાર કરનેવાલો કો કિસી ના કિસી ગલી યા ઘાટ પર અપના પ્યાર મિલ હી જાતા હૈ. ઈન્હે ભી મિલ હી જાયેગા." છોકરીએ કહ્યું. અને રાહીના હાથમાં મહેંદી મૂકવાં લાગી.

અંકિતાને મહેંદી મૂકાઈ ગઈ હતી. તો એ રાધિકા અને તન્વી સાથે ગીતનાં તાલે ડાન્સ કરી રહી હતી. શ્યામ રાધિકાને તો શુભમ તન્વીને નાચતી જોઈ રહ્યાં હતાં. પણ એ બધાંથી બેખબર તન્વી અને રાધિકા મહેંદી ફંકશન પૂરી રીતે એન્જોય કરી રહી હતી.
બપોર થતાં જ બધાં મહેમાનો જમવા માટે બહારની તરફ જવા લાગ્યાં. જ્યાં પુલ એરિયામાં જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યાં બધી તૈયારીઓ થઈ ગઈ હતી. બધાં પોતપોતાની પ્લેટ લઈને જમવા લાગ્યાં. અંકિતા પણ રાધિકા અને તન્વી સાથે બહાર આવી ગઈ. તેમની મહેંદી સુકાઈ ગઈ હતી. એટલે રાધિકા અને તન્વી તો જાતે જ મહેંદી બચાવતા જમવા લાગી. અંકિતાને દામિનીબેન જમાડવા લાગ્યાં.
રાહી હવે હોલમાં એકલી જ વધી હતી. બપોરનાં બે થઈ ગયાં હતાં. તેને પણ ભૂખ લાગી હતી. પણ મહેંદી મૂકવાનું હજું ચાલું જ હતું. આખરે આંગળીઓ પરની મહેંદી પૂરી થતાં રાહીને નિરાંત થઈ. પણ મહેંદી હજું લીલી હતી. તે જેમતેમ કરીને હાથ લહેંગાને સ્પર્શે નહીં. એમ ઉભી થઈ. ત્યાં જ એક નાની એવી પિન વડે ખંભે ટેકવી રાખેલો દુપટ્ટો પિન ખુલી જતાં સરકીને નીચે ફર્શ પર પડી ગયો. રાહી ઝૂકીને દુપટ્ટો લેવાં મથવા લાગી. પણ તેનાં લાંબા વાળ આગળ આવી જવાથી એ કોશિશ પણ નાકામયાબ રહી. પગ વડે ઉંચો કરવાં જતાં ઘેરદાર ઘાઘરો મુશ્કેલી ઉભી કરી રહ્યો હતો. હાથમાં મહેંદી સુકાઈ ન હતી. આખરે પરેશાન થઈને રાહી મદદ માટે રાધિકાને બોલાવવા દરવાજા તરફ આગળ વધી. તેની નજર વારેવારે પાછળ પડેલાં દુપટ્ટા તરફ જતી હતી. એમ જ રાહી આગળ વધી રહી હતી. ત્યાં જ દરવાજા પાસે પહોંચતા કોઈ સાથે અથડાઈ ગઈ.
રાહીના બંને હાથ સામે ઉભેલાં છોકરાનાં સફેદ શર્ટ પર છપાઈ ગયાં. સફેદ શર્ટ પર લીલાં રંગની કોટીમા ઉભો એ છોકરો પોતાનાં શર્ટ પર લાગેલી મહેંદી જોઈ રહ્યો હતો. કોટી ઓપન હોવાથી રાહીના હાથની છાપ પ્રોપર રીતે સફેદ શર્ટ પર લાગી ગઈ હતી. રાહી ઘડીક હાથ તો ઘડીક એ છોકરાંને જોઈ રહી હતી. તેણે ઘરની અંદર પણ આંખો આડે કાળાં ચશ્માં લગાવી રાખ્યાં હતાં.
"આઈ એમ સો સોરી." રાહી તેનાં શર્ટ પરથી પોતાનાં હાથ લઈને બોલી.
"ઈટસ્ ઓકે." છોકરાએ આંખો પરથી ચશ્માં હટાવતા કોઈ પણ પ્રકારનાં ભાવ વગર કહ્યું.
રાહીને પોતાની હાલતનુ ભાન થતાં તેની નજર દુપટ્ટા પર જતી રહી. છોકરાએ એક નજર રાહી તરફ કરી. પછી તરત જ દુપટ્ટો લેવાં આગળ વધી ગયો. તેણે દુપટ્ટો લાવીને રાહી આગળ હાથ લંબાવ્યો. પણ રાહીએ મહેંદી લાગેલાં હાથ છોકરાંને બતાવ્યાં. જેમાંની થોડી મહેંદી છોકરાનાં શર્ટ પર લાગી જતાં ડિઝાઈન આછી પાતળી જ દેખાઈ રહી હતી. છોકરાએ કોઈ પણ પ્રકારનાં ભાવ વગર દુપટ્ટો રાહીના ખંભે રાખી દીધો.
"થેંક્સ" રાહીએ કહ્યું. પણ છોકરાએ કોઈ પ્રતિક્રિયા નાં આપી. તેણે પોતાનું બેગ લીધું. અને અંદર જતો રહ્યો. રાહી બધાં પાસે બહાર આવી.
"દીદુ, લાગી ગઈ મહેંદી. ચાલો હું તમને મારાં સાથે જમાડી દવ." રાધિકાએ રાહીનો હાથ પકડીને ચેર પર બેસાડી. રાધિકા પ્લેટ લાવીને રાહીને જમાડવા લાગી. ત્યાં જ અંકિતાની નજર તેની હાથની હથેળીઓ પર પડી.
"અરે રાહી આ શું?? આ મહેંદી ખરાબ કેવી રીતે થઈ ગઈ??" અંકિતાએ પૂછ્યું.
"ભાઈઈઈ.." રાહી કંઈ કહે. એ પહેલાં જ તન્વી ભાઈ બોલતી ઉભી થઈ. સામેથી એ જ છોકરો આવી રહ્યો હતો. જે થોડીવાર પહેલાં રાહી સાથે અથડાયો હતો. તે આવીને બધાં સામે ઉભો રહ્યો.
"રાહી, રાધિકા મીટ માય બ્રધર શિવાંશ. ટોપ બિઝનેસમેન ઈન મુંબઈ સીટી." તન્વી બંને હાથ શિવાંશ તરફ કરીને રાહી અને રાધિકા સામે જોઈને બોલી. રાધિકાના હાથમાં મહેંદી મૂકેલી હતી. તો તેણે શેક હેન્ડ કરવાને બદલે હાથ હલાવીને હાય કહ્યું.
"આ તન્વીનો ભાઈ છે. લાગતું જ નથી આ આટલી સારી અને મળતાવડા સ્વભાવની તન્વીનો ભાઈ હોય. એટિટ્યૂડ‌ તો કુટી કુટીને ભરેલો છે આનામાં. ઈટસ્ ઓકે તો જાણે એવી રીતે કહ્યું કે મેં જબરદસ્તી કહેવા માટે કહ્યું હોય." રાહી શિવાંશને જોતાં મનોમન જ બોલી ઉઠી.
"તો રાહીની મહેંદી અહીં ખરાબ થઈ છે." અંકિતા શિવાંશના શર્ટ પર છપાયેલી રાહીના હાથની હથેળીઓના નિશાન જોઈને બોલી. શિવાંશ શર્ટ ચેન્જ કર્યા વગર જ આવી ગયો હતો. તેનું ભાન તેને અત્યારે થયું. તે તરત જ શર્ટ ચેન્જ કરવાં જતો રહ્યો. અંકિતા રાહી સામે જોઈને હસવા લાગી.

"દીદુ ચાલો હું તમારી મહેંદીને સરખી કરી આપું." રાધિકાએ રાહીનો હાથ પકડી તેને અંદર લઈ જતાં કહ્યું. અંકિતા અને તન્વી પણ તે બંનેની પાછળ પાછળ ગઈ. રાધિકા રાહીને લાકડાંના સ્ટૂલ પર બેસાડીને મહેંદીનો કોન લઈ આવી. રાધિકાએ રાહીનો જમણો હાથ પોતાનાં હાથમાં લીધો. ત્યાં જ તે રાહીનો હાથ એકીટશે જોતી રહી ગઈ. રાધિકા મહેંદી લગાવી નથી રહી. એ જોઈને અંકિતા અને તન્વી ત્યાં આવી પહોંચી.
"આમ શું જુએ છે?? મહેંદી લગાવ ને." અંકિતાએ આવીને કહ્યું. રાધિકાએ રાહીનો હાથ અંકિતા અને તન્વીને બતાવ્યો. તે બંનેની પણ હાથ જોઈને આંખો ફાટી ગઈ.
"અરે, આ શું થઈ ગયું??" તન્વી અચાનક જ જોરથી બોલી પડી. ક્યારની કોઈક વિચારોમાં ખોવાયેલી રાહી તેનો અવાજ સાંભળી ચમકી ઉઠી.
"શું થયું??" રાહીએ આશ્ચર્ય સાથે પૂછ્યું.
"દીદુ, તમારાં હાથમાં તો એક નામ છપાઈ ગયું છે." રાધિકાએ નેણ સંકોચીને કહ્યું.
"કોનું??" કહેતાં રાહી પોતાની હથેળી જોવાં લાગી.
"મારાં ભાઈ શિવાંશનુ." તન્વી એકાએક બોલી ગઈ.
રાહી પોતાનાં હાથમાં શિવાંશનુ નામ જોઈને દંગ રહી ગઈ. આ બધું ક્યારે થયું? કેવી રીતે થયું? તેની સમજમાં કંઈ નાં આવ્યું.
હોલમાં બેઠેલી રાહી પોતાનાં હાથની હથેળીમાં છપાયેલું શિવાંશનુ નામ જોઈ રહી હતી. તો બીજી તરફ શિવાંશ પોતાનો શર્ટ કાઢીને અરીસા સામે ઉભો રહી બીજો શર્ટ પહેરતો પહેરતો અટકી ગયો. એકાએક જ તેની નજર ડોકમાં રહેલાં ચેઈન પર પડી. જેમાં તેનાં જ નામનું પેન્ડન્ટ લટકી રહ્યું હતું. જેનાં પર મહેંદી લાગેલી હતી. શિવાંશ ચેઈન કાઢીને બાથરૂમમાં જઈને વોશબેઝિન સામે ઉભો તેને સાફ કરવાં લાગ્યો.
રાહીની હથેળીમાં એ જ પેન્ડન્ટની છાપ પડી ગઈ હતી. રાહી એકીટશે તેને જોઈ રહી હતી. ત્યાં જ અંકિતા હસી પડી. તો રાહીની નજર અંકિતા પર પડી.
"હવે તું કેમ આમ હસે છે??" રાહીએ થોડો ગુસ્સો કરતાં પૂછ્યું.
"એક નામ જ તો છે. તેને આમ શું જોઈ રહી છે. જાણે હીરાની ખાણ હોય." અંકિતાએ એકદમ શાંત સ્વરે કહ્યું. પણ રાહી કાંઈ સમજી નાં શકી.
"રાધુ, તું બધી ડિઝાઈન સરખી કરી દે. નામ ભલે એમ જ રહ્યું.‌ તેની સાથે છેડછાડ કરવાની કોઈ જરૂર નથી. કદાચ મહાદેવને પણ આ જ મંજૂર હશે. નામ સાથે કોઈ છેડછાડ કરી. તો આખી મહેંદી ખરાબ થઈ જાશે." અંકિતાએ ફરી કહ્યું.
રાધિકા મહેંદી સરખી કરવાં લાગી. પણ આ રીતે શિવાંશનુ નામ પોતાનાં હાથની હથેળીમાં રાખવું રાહીને યોગ્ય નાં લાગ્યું. અચાનક જ તેને કંઈક યાદ આવતાં. તેનો ચહેરો ગંભીર થઈ ગયો. રાધિકાએ બંને હથેળીઓની મહેંદી સરખી કરી આપી. તો રાહી તરત જ ઉઠીને રૂમમાં જતી રહી. જે થઈ રહ્યું હતું. એ કોઈ સંજોગ હતો કે મહાદેવનો કોઈ સંકેત!! એ કોઈની સમજમાં નાં આવ્યું.




(ક્રમશઃ)


_સુજલ બી.પટેલ