The effect of words in Gujarati Motivational Stories by Tr.Anita Patel books and stories PDF | શબ્દો ની અસર

Featured Books
Categories
Share

શબ્દો ની અસર

"શબ્દોની અસર."
-@nugami.
છાયા દરરોજ સવારે ચાલવા માટે જાય.એને ચાલવું ખૂબ જ ગમતું. ગમે તેવી ટાઢ હોય,ગમે તેવો તાપ હોય કે ગમે તેવો વરસાદ. જવાનું એટલે જવાનું.સગવડ કરી ને પણ જવાનું જ.
એ માનતી હતી કે,સવાર સવાર માં કુદરત ને જો આપણે માણીએ,તો આખો દિ' કુદરત આપણને સાચવે,એટલી શક્તિ છે આ પરોઢના ખોળામાં.
પ્રફુલ્લિત મન,હૈયે હેત રાખી ને એ ચાલતી.
ચાર રસ્તે સવાર માં વહેલા માત્ર એક કેબિન ખુલ્લી હોય.અને કેબિન ચલાવવા વાળા માસી એટલે અમી માસી. એમની આ કેબિન ગજરા ,ફૂલની ફોરમ થી પ્રફુલ્લિત રહેતી.
છાયા પાછા વળતાં સમયે દરરોજ એક ગજરો અને એક ગુલાબ નું ફૂલ લઈ જતી.
છાયા વાતોડી ભારે,એને બોલ્યા વગર ચાલે નહિ.
અમી માસી પાસે જાય એટલે એમના ખબર અંતર તો પૂછે જ,અને બે મિનિટ બેસી ને એમના ઘર ના દરેક વ્યક્તિ ના સમાચાર પૂછે.માટે, અમી માસી ને છાયા પર ભારે લાગણી.
વ્યક્તિ ને કંઇજ જોઈતું હોતું નથી. જ્યાં પૈસા કામ ના કરે ત્યાં લાગણી ના બે શબ્દો કામ કરી જાય છે.
દરરોજ ની જેમ છાયા પાછા વળતી વેળા એ અમી માસી ના કેબિન તરફ જઈ રહી હતી ત્યાં એણે જોયું કે,કેબિન બંધ છે. એને અચરજ થયું અને થોડી ચિંતા પણ.
એ વિચારવા લાગી કે, કેબિન બારેમાસ ખુલ્લી હોય છે,તો આજે બંધ કેમ છે?
એ અમી માસી વિશે વધારે નહોતી જાણતી,કે નહોતી ખબર કે એ ક્યાં રહે છે,એટલે ચિંતા કરવી પણ વ્યર્થ.થોડા દિવસ રાહ જોઈ પણ પછી છાયા થી રહેવાયું નહિ.એટલે એ કેબિન ની આજુબાજુ ની દુકાન માં સરનામું પૂછવા પ્રયત્ન કર્યો.અને સદભાગ્યે એને અમી માસી નું સરનામું મળી ગયું.
ઓફિસ થી સાંજે નીકળતી વખતે એણે એની ગાડી અમી માસી ના ઘર તરફ રવાના કરી. સાંજે ૭ વાગ્યા નો સમય હતો.
ગાડી માંથી ઉતરી ને અમી માસી ના ઘર નો દરવાજો ખખડાવ્યો.દરવાજા ને આંકડી નહોતી મારેલી,એટલે ખખડાવતા વેંત જ ખુલી ગયો.
અમી માસી ને ખાટલા માં પોઢેલ જોઈ,છાયાં એમની તરફ ધસી ગઈ અને એમને બાથ ભીડી લીધી.
અમી માસી પણ કંઇ જ બોલ્યા વિના એને બાથ ભીડી ને ફૂટી ફૂટી ને રોવા લાગ્યા.
વાતાવરણ થોડું હળવું થયું ત્યાર પછી રસોડા માં જઈ છાયા પાણી નો ગ્લાસ ભરી ને આવી અને માસી ને પાણી પીવડાવ્યું.
થોડી વાર બંને શાંત ,એકદમ શાંત.
થોડી વાર પછી અમીમાસી બોલ્યા,"કેમ છાયા,આજે આ તરફ?"
છાયા બોલી,"આ પ્રશ્ન તો મારે તમને કરવાનો છે, કેમ માસી,કેબિન ૧૫ દિવસ થી બંધ છે? કોઈ તકલીફ છે? અને ઘર પણ આમ સાવ સૂનું કેમ છે? ક્યાં ગયા બધા?"તમારી તબિયત પણ નરમ છે .તમે ઘણાં સમયથી જમ્યા નથી એવું લાગે છે? મને ખુલી ને વાત કરો,માસી."
અમી માસી હળવેક થી બોલ્યા,"મારો દીકરો છે ને આશિષ એણે દેવું કર્યું,અને એ દેવું ભરી ના શક્યો.અને ડર માં ને ડર માં એણે,મારી વહુએ અને મારા પૌત્ર એ આપઘાત કરી લીધો." બોલતા બોલતા ગળે ડૂમો બાઝી ગયો,અને ફરી રડી ઉઠ્યા.
છાયાએ ફરી બાથ ભીડી ને એમને સાંત્વના આપી અને કહ્યું," હિંમત રાખો,બધું જ સારું થઈ જશે." એમ કહી છાયા ઉભી થઇ અને બાથરૂમ માં થી પાણી ની ડોલ લાવી ને માસી સામે મૂકી .એમાંથી પાણી લઈ ને એમનું મોં સાફ કર્યું.વાળ સરખા કર્યા.એમને પાણી પીવડાવ્યું.અને કહ્યું," માસી,ચાલો મારી સાથે."
માસી છાયા ની સામે જોઈ ને બોલ્યા, મારે ક્યાંય નથી જવું. મારે હવે જીવવું જ નથી.હું કોના માટે જીવું ? મારો પરિવાર મેં ગુમાવ્યો.હું કોના આધારે જીવું?" આમ બોલી ને ફરી રડવા લાગ્યા.
છાયા એ આ દુઃખદ પરિસ્થિતિ ને આટોપવા બને એટલા પ્રયત્નો કર્યા.
છતાંય માસી માનતા નહોતા.
પછી છાયા બોલી ઉઠી," માસી,તમારી દીકરી હોય ને એ કહેત,કે મા ચાલ ને મારી સાથે,તો શું તમે ના જાત?"
મોટો નિસાસો નાખી ને માસી ઊભા થયા,અને કહ્યું,"ચાલ...."
છાયા એ બારણું બંધ કરી ને ગાડી માં માસી ને બેસાડ્યા.અને ઘરે ફોન કર્યો,"મારે આજે મોડું થશે,તમે જમી લેજો,અમે પછી જમીશું અને હા,એક ખાલી રૂમ છે એ સાફ કરી દેજો અને રહેવાની સગવડ એક જણ માટે કરી લેજો."
સામે થી કોઈક બોલ્યું," સારું બેટા."
ફોન મૂકી ને ગાડી ચાલુ કરી.
છાયા પરિસ્થિતિ માં પરિવર્તન લાવવા માસી ને કહ્યું," માસી, શું આમજ દુઃખી રહી ને જીવવાનું નક્કી કર્યું છે? સમય સાથે બધું બદલાય જશે.વધારે વિચારો નહિ.મૃત્યુ આપણા હાથમાં નથી."
ઊંડો ઘા હતો માસીના હૃદય પર પોતાના પરિવાર ને ગુમાવવાનો. હળવેક થી બોલ્યા," મારે નથી જીવવું."
છાયા આ ભારેભરખમ શબ્દો છેલ્લા બે કલાક થી સાંભળતી હતી.
હવે એ શબ્દો એના કાને વાગતા હતાં.
એ બોલી ઉઠી," સારું ચાલો, આપણે બંને મરવા જઈએ.અને મરી જઈએ એટલે બધી પળોજણ જાય.અને પાર આવે."
આ સાંભળી માસી બોલ્યા," અરે એવું ના બોલ, સો વરસ ની થા મારા દીકરા તું."

છાયા બોલી," મારું જીવન કિંમતી છે તો શું તમારું નથી? પરિવાર ગુમાવ્યા નો રંજ છે.પોતે એકલા પડી ગયા એનું દુઃખ છે.બધું જ છે.પણ આ દુઃખ તમારા જીવન કરતાં તો મોટું હોઈ જ ના શકે,ખરું ને?"

"કોઈ પણ દુઃખ વ્યક્તિ ના પોતાના જીવન થી વધુ મોટુ હોતું નથી અને વ્યક્તિ એ દુઃખને વધુ મોટું ના કરે એમાં જ એ સુખી છે.કહેવાય છે ને કે રાજા રામ ને પણ દુઃખ આવી પડ્યું હતું, આપણે તો માટી ના પૂતળા.....
અને પેલી બુદ્ધ ભગવાન વાળી વાત સાંભળી હતી માસી તમે? એક સ્ત્રી જાય છે એમની પાસે અને કહે છે કે,"મારા દીકરા ને તમે જીવિત કરી દો?" સાંભળી હશે ને?
બુદ્ધ ભગવાને એને સુંદર જવાબ આપ્યો હતો,"કે જેના ઘરે કોઈ મૃત્યુ ના થયું હોય ત્યાં જઈ ને એ ઘરના ચોખા લઈ આવ.
એ સ્ત્રી ઘર ઘર ભટકે છે.પણ એને એવું કોઈ ઘર નથી મળતું,કે જ્યાં કોઈ અમર હોય,કે કોઈ નું મૃત્યુ ના થયું હોય."
છાયાને આ વાતચીતથી પરિસ્થિતિ થોડી કાબૂ માં આવતી હોય એવું લાગતું હતું.
ત્યાર પછી છાયા બોલી," મૃત્યુ એ સત્ય છે એ બધા જ જાણે છે.પણ સ્વીકારે છે કેટલા? અને જે સ્વીકારે છે,એને જીવન નો કોઈ મોહ નથી હોતો, એ વ્યક્તિ માત્ર જીવન જીવી જાણે છે,કોઈ પણ ફરિયાદ વગર.કારણ કે એ જાણે છે,કુદરત થી મોટું કોઈ નથી.રંક ને રાય કરી નાખે અને રાય ને રંક .કહેવાય છે ને," હરી કરે એ ખરી".
માસી માથું ધુણાવ્યું ને કહ્યું," હા,બેટા હરીનાં હાથ માં છે એ ક્યારેય પોતાના માથે નઈ લે કે મે એને માર્યો એ હંમેશા વ્યક્તિ ને પોતાની પાસે કોઈ ને કોઈ બહાનાથી બોલાવી લે છે."
છાયા ગાડી ઊભી રાખી અને બોલી," માસી,અહીઁ બરફ નો ગોળો ખૂબ જ સારો મળે છે. ચાખશું?"
માસી ખચકાટ સાથે બોલ્યા," તું ખાઈ લે બેટા,મારી ઈચ્છા નથી."
છાયા બોલી," સારું તો જવા દઈએ બીજું શું? તમને તો બસ તમારી જ પડી છે. મને ગમે કે ના ગમે તમને શું મતલબ?"
પછી માસી બોલ્યા," સારું હવે ,આવું બોલ મા.દરવાજો ખોલ ગાડી નો."
બંને જણ ગોળો લીધો અને વાતો કરતાં કરતાં ખાધો.
માસી ના મન માં જે ભાર હતો એ થોડો દૂર થયો.
છાયા બોલી," માસી,આજે મારા ઘરે આવી જાઓ,તમને સારું લાગશે."
માસી ને પણ કોઈક ના આધાર ની જરૂર હતી.અને ખરા સમયે છાયા એ એમને પગદંડી આપી.
બંને જણ વાતો કરતા કરતાં ઘરે પહોંચ્યા.અને ત્યાં કિશોર કાકા અને વિમળા માસી બંને રાહ જોતા બેઠા હતાં.
છાયા એમને જોઈ ને બોલી," કાકા ,વિમળા માસી તમે જમી લીધું ને?"
કાકા બોલ્યા," બેટા ,તારા વગર અમારા ગળે થી કોળિયો કેવી રીતે ઉતરે? હવે તું આવી ગઈ છે ને,બધા સાથે જમીએ."
છાયા એ અમી માસી સાથે ઓળખાણ કરાવી,અને કહ્યું,"સારું ચાલો જમવાનું પીરસો.અમે ફ્રેશ થઈ ને આવીએ."
અમી માસી ને લઈ ને છાયા રૂમ માં ગઈ ને પહેરવા કપડાં આપ્યા અને બંને ફ્રેશ થઈ ને હૉલ માં જમવા આવી પહોંચ્યા.
એક બાજુ કાકા,અને વિમળા માસી.અને બીજી બાજુ અમી માસી ને છાયા.
અમી માસી ને આ રીતે બધા સાથે જમતા જોઈ ને સારું લાગ્યું.મન હળવું લાગ્યું.
અને એ બોલી ઉઠ્યા," છાયા,આ કોણ છે બંને?"
છાયા બોલી," આ બંનેથી મારે કોઈ સંબંધ નથી.છતાંય મને તેઓ એમની દીકરી ની જેમ જ સાચવે છે.અને મારા ઘર ને પણ.આ બંને જણ મને ફૂટપાથ પર લોહી થી લથપથ હાલત માં મળ્યા હતા,એમના દીકરા એ ઘર માંથી રાતોરાત કાઢી મૂક્યા હતા.ઊંઘવા માટે કોઈ જગ્યા નહોતી.અને ફૂટપાથ પર ઊંઘતા હતા,ત્યાં એક બાઈક વાળા ની સાથે અકસ્માત થઈ ગયો હતો.એ દિવસે મારે ઘણું કામ હતું ,તો ઓફિસે થી આવતા મોડું થઈ ગયું.એમને એવી હાલત માં જોઈ ને મારો જીવ ના ચાલ્યો,તો દવાખાને લઈ ગઈ.ત્યાં એમને બે દિવસ દાખલ રાખ્યા.ત્યાંથી રજા મળવાની હતી.માટે હું બધી પ્રક્રિયા પૂર્ણ કરવા ગઈ,ત્યાં આ બંને ને વાત કરતાં સાંભળી ગઈ,એ લોકો પણ જીવવા નહોતા માંગતા.પછી મેં હિંમત કરી ને એમને મારા ઘરે લઈ આવી.અને આજે જુઓ આપણે બધા સાથે બેસી ને સરસ સાત્વિક ભોજન કરીએ છીએ."
છાયા અમી માસી નો હાથ પકડી ને બોલી," માસી,ચિંતા ના કરો ,હું છું ને......"
શબ્દો ની પકડ હંમેશા મજબૂત હોવી જોઈએ.શબ્દો માં ખોખલાપણું એટલે લાગણીઓ માં ઓટ...
"હું છું ને..." આ શબ્દો છાયા ના મોં માંથી સરતા જ અમી માસીને એમના હૃદય નાં કોઈ એક ખૂણે જીવવાનું કોઈ કારણ મળી ગયું હોય એવું લાગ્યું.
શબ્દોમાં એટલી તાકાત છે,કે એ ખરાબ ને સારી અને સારી ને ખરાબ પરિસ્થિતિ માં પરિવર્તિત કરી શકે છે.
માટે ,જેમ બને એમ કોઈ ના જીવવાનું કારણ બનવું..... મારણ નું નહિ.
-@nugami.