ઓઢણી.
આજની સવાર જાણે પીળી ઓઢણી ને સોનેરી ઝરીબોડૅર મૂકીને ગૌરીના હૈયાને પોંખવા આવી ચડી છે. ગૌરી પોતાના આંગણામાં ઊભી ઊભી દૂર સુધી ખીલેલી હરિયાળી સમા જાણે લીલી ઓઢણી ઓઢીને લહેરાતાં ખેતરને નિહાળી ને મનમાં જ મુસકાતી આકાશ ને ધરતી ને એક કરતી એ ક્ષિતિજ ને નીરખી રહી છે.આજે એના જીવનરૂપી બાગમાં ફરીથી જાણે ગુલમહોર નાં ફૂલો નો ગુલદસ્તો ખીલી ઊઠ્યો છે.
ગૌરીના લગ્ન સાત મહિના પહેલાં જ વસંતરાય નાં દીકરા દલપત સાથે થયા હતા. વસંતરાય ના ઘરની નજીક જ ગૌરીના પિતા રામભાઇ નું ખેતર હતું . એટલે ગૌરી રોજ ખેતરે એના બાપુ માટે ભાત લઈને જાય. ને વસંતરાય રોજ એને જતાં આવતા જોતાં હતાં. બાજુના ગામની છે એવી ખબર વસંતરાય ને પડી એટલે એતો બાજુના ગામમાં જઈ ચડ્યા એક દિવસ. ને રામભાઇ નું ઘર ગોતતા પહોંચી ગયા એમના ઘરે. રામભાઇ એ ઘણી આગતાસ્વાગતા કરી વસંતરાય ની. પછી આવવાનું કારણ પુછ્યું.
વસંતરાયે કીધું કે હું તમારી દીકરી નો હાથ મારા દલપત માટે માંગવા આવ્યો છું. એક જ દીકરો છે, ને એની માં તો ઈ ત્રણ વર્ષ નો હતોને ત્યારે જ ભગવાન નાં ધામમાં જતી રહી છે, ને ત્યારથી બસ હું જ એની મા છું ને હું જ એનો બાપ પણ. તમારી દીકરી ને હું રોજ ખેતરે જતાં જોતો હતો ,તો મને દીકરી બહુજ ઠરેલ અને ડાહી , કામઢી લાગી ને વિચાર આવ્યો કે મારા દલપત માટે મારે આવી જ છોકરી જોઈએ છે. અને હું અહીં એનું માંગું લઈને આવ્યો છું.
રામભાઈ તો રાજી રાજી થઇ ગયા ને તરતજ ગૌરીની માં ને વાત કરી અને બેઉએ આ માંગું સહર્ષ સ્વીકારી લીધું ને આગલા મહિને જ બેઉ નાં લગ્ન લેવાયા. ગૌરીએ ઘણાં અરમાનો થી દલપત નાં નામની ઓઢણી ઓઢી ને પોતાના એ મનોરથો ને પૂરાં કરવા હૈયામાં કાંઈ કેટલાય ઓરતા લઈને સાસરે આવી. સસરા પિતા સમાન છે એટલે ગૌરી ને દીકરી ની જેમ જ સાચવે છે. ને દલપત તો એટલો બધો ખુશ છે કે એને તો જાણે ગૌરીનાં રૂપે સાક્ષાત પાર્વતી મળી છે. સૌ સાથે મળીને ખુશીથી જીવે છે. હવે વસંતરાય પણ ખેતરે જ આખો દિવસ રોકાઈ જાય છે, ને રાત્રે જ ઘરે આવે ને વાળું પાણી કરીને ફળિયામાં ખાટલો ઢાળીને સૂઈ જાય. ગૌરી એમનું બહું ધ્યાન રાખતી હતી.
સમય વીતતો જાય છે. ને એક દિવસગ ગૌરી સાંજે વાસીદું કરતી હતી ને ખેતરે થી સમાચાર આવ્યા કે દલપત ને કાળોતરો કરડી ગયો છે ને હાથમાંથી વાસણ પટકતાં જ ગૌરીએ ખેતર ભણી દોટ મૂકી, વસંતરાય પણ ત્યાં જ હતાં , બાજુવાળા મોંઘીકાકી એ જલ્દીથી વૈદ્ય ને બોલાવી લાવ્યા. પણ ઝેર આખા શરીરમાં ફેલાઈ ગયું હતું ને દલપતનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું.
ગૌરી ઊપર તો જાણે આભ તૂટી પડ્યું .વસંતરાય નાં હાથપગ જ જાણે ભાંગી પડ્યા. અને હવે ધીરે ધીરે આજ જીવન છે એમ સમજીને ગૌરી જીવતી રહે છે ને સસરા ની સેવા કરતી રહે છે. ને એક દિવસ અચાનક જ વસંતરાય એક છોકરા ને પોતાની સાથે ઘરે લઈને આવે છે, ને એની પાછળ ગૌરીનાં બા બાપુ પણ આવે છે. ગૌરી તો એ છોકરાને જોતાં જ ઠરી ગઈ ! એ કાંઈ સમજે એ પહેલાં જ વસંતરાય બોલી ઊઠ્યા કે,
“ બેટા આ દેવરાજ છે, ને અમે તારા લગ્ન એની સાથે કરવા માંગીએ છીએ. “
ગૌરી બોલી, “ ના ના બાપુ હું લગ્ન નહીં કરું , બસ મારે તો હવે તમારી દીકરી બનીને સેવા કરીને જ જિંદગી પૂરી કરવી છે.”
વસંતરાય બોલ્યા , “ જો તું મારી દીકરી છે ને તો મારી વાત માની જા. અમને ખબર પડી છે કે તું અને દેવરાજ એકબીજાને ખૂબજ પ્રેમ કરતાં હતાં, પણ દેવરાજ ને બીજા ગામ કમાવા માટે જવું પડ્યું હતું. ને તું એની જ રાહે લગ્ન કરવાની હા નોતી પાડતી, પણ તારા બાપુની જીદથી તે મારા દલપત સાથે લગ્ન કરી લીધાં હતાં. “
હવે દલપત નથી, તો તું જ મારી દીકરી છે ને મેં ને રામભાઈ એ પણ નક્કી કર્યું છે કે હવે તને દેવરાજ સાથે પરણાવી દેવી.
અને આજે દેવરાજ ની ઓઢણી ઓઢવા માટે ગૌરીનું હૈયું થનગની ઊઠ્યું છે. આજે એને વર્ષો ની તપસ્યા પછી એનાં જ પ્રિયતમની બાહોમાં સમાઈ જવું છે ને વર્ષો વર્ષની તરસ છીપાવીને એનાં હૈયામાં સ્નેહ ની સરિતા બનીને વહેતું રહેવું છે.
એટલે જ આજે આ સોનેરી કિનારી વાળી ઓઢણી જાણે એને એનો દેવરાજ ઓઢાડીને લીલી ઓઢણી ઓઢેલી ધરતી માં બેઉનાં પ્રેમ રૂપી ,ધરતી ને આકાશ ની એક થયેલી. ક્ષિતિજ રેખામાં સમાઈ જવા માટે જ લેવા આવી રહ્યો છે ને ગૌરીનું હૈયું પણ ગુલમહોર ની જેમ મહોરી ઊઠે છે.
અંતે એને એના વાલમ ની ઓઢણી ઓઢીને મહાલવાનો અવસર સાંપડ્યો ખરો. ને બે હૈયાનો સાચો પ્રેમ મહોરી ઊઠ્યો.
દીપિકા ચાવડા
‘ તાપસી ‘