"તને કેટલી વખત કહ્યું? મારી સામે આવીને આમ દરેક વખતે ઉભી ના થઈ જઈશ... મારા બનતા બધા જ કામ બગડી જાય છે." એક વ્યક્તિ જોરજોરથી આ બાબત બોલી રહી હતી.
એટલામાં સામે બીજી વ્યક્તિનો પણ એટલી જ તીવ્રતાથી અવાજ આવ્યો, "મેં કઈ બગાડ્યું નથી તમારું, આ મારો નહિ સરકારનો નિર્ણય છે. આમાં કોઈપણ રીતે મારો વાંક જ નથી. તો તમે શેના આટલા બુમબરાડા પાડી રહ્યા છો."
"આ તારું થોબડું... સવારમાં જે જુએ એનો આખો દિવસ ખરાબ જાય. કઈ રીતે કહી શકે તું, કે તારો કોઈ વાંક નથી...."
બુમાબુમ વધી રહી હતી, પણ ઝઘડો સુલજાવવા માટે આસપાસ કોઈ નહતું. સરકારના લોકડાઉનના ચક્કરમાં એ બે વ્યક્તિ એમના જૂનાગઢ નજીકના એક ફાર્મહાઉસમાં અટવાઈ ગયા હતા.
આ બે વ્યક્તિ કોઈ દુશ્મન નહતા, પણ કદાચ એનાથી ભયાનક જરૂર હતા. એ બંને પતિ-પત્ની હતા, સૌરભ અને તિથિ.
આમ તો બંનેના લગ્નને બે વર્ષનો સમય થઈ ગયો હતો. પણ એક રાત એ બંનેએ સાથે વિતાવી નહતી. સૌરભના પરિવારની ગણના ગર્ભશ્રીમંત પરિવારોમાં થતી હતી. એનો પરિવાર વર્ષોથી સોની તરીકે અમદાવાદના ખોખરા વિસ્તારમાં પોતાનો ઘરેણાનો શો-રૂમ ચલાવી રહ્યો હતો.
સામેપક્ષે તિથિનો પરિવાર એક હોલસેલ વેપારી તરીકેની છાપ ધરાવતો હતો. એમના એક્સપોર્ટ કરવામાં આવતા લેડીઝ ફેશનના કપડાની માંગ ભારતના ઘણા રાજ્યોમાં ખૂબ હતી. બંને જણાના પરિવારના વડીલો આમ તો વર્ષોથી એકબીજાના ખાસ મિત્ર હતા, પણ સૌરભ અને તિથિએ એકબીજાને વર્ષોથી જોયા જ નહતા.
તિથિ સૌરભના પરિવારમાં આવતી રહેતી, એની મસ્તી અને માસૂમિયતને કારણે એ સૌરભના માતા-પિતા, દાદા-દાદી, એના કાકા-કાકી અને પિતરાઈઓની પસંદીદા હતી. સૌરભ તો 15 વર્ષનો થયો કે ભણતર અને ગણતર માટે અમેરિકા ચાલ્યો ગયો હતો. 10 વર્ષ બાદ આવીને પણ એ પારિવારિક વેપારમાં ન પડ્યો અને પોતાનો નવો વેપાર ખોલ્યો. એણે પોતાના શોખ મુજબ એક રેસ્ટોરાંની શરૂઆત કરી.
એ પ્રથમ વખત તિથિને પોતાની જ રેસ્ટોરાંની ઓપનિંગ સેરેમનીમાં મળ્યો. અને પહેલી જ નજરે એને ક્યારેય કોઈથી ન થઈ હોય એવી નફરત તિથિ સાથે થઈ. કારણકે રેસ્ટોરાંમાં જતા જ તિથિની મસ્તીને કારણે એના હાથમાં રહેલો જ્યુસ સીધો જ સૌરભના કસ્ટમાઈઝ સૂટ પર પડ્યો અને એની સેરેમનીનું મુહૂર્ત પાછું ઠેલાયું. કપડાં એની ચોઇસ કરતા જે મળે એ પહેરવા પડ્યા. ફોટોગ્રાફમાં પણ એનો તિથિ પ્રત્યેનો ગુસ્સો સ્પષ્ટ દેખાઈ આવતો હતો. એ બાદ કેટલીય વખત તિથિએ એ માટે માફી માંગવાની કોશિશ તો કરી, પણ સૌરભે એની સામે જોયું જ નહીં.
આ બંને વચ્ચેની આવી તકરારને વડીલો પ્રેમનું પ્રથમ પગથિયું સમજી બેઠા. અને કેટલીક લાગણીસભર વાતો કરીને એ બંનેને લગ્ન માટે મજબૂર કરી દીધા.
જોકે આ લાગણીસભર વાતો એમને સાથે રહેવા મજબુર ન કરી શકી. તિથિ પોતાના પિયર અને સાસરી અમદાવાદથી દુર જૂનાગઢમાં જઈને વસી. તિથિના સાસરીપક્ષે જ્યારે વેપાર વધારવા માટે જૂનાગઢમાં એક આભૂષણની દુકાન ખોલવાની વાત કરી. ત્યારે એ તક એણે ઝડપી લીધી. અને સૌરભ સાથે ચર્ચા કર્યા વગર લગ્નના બીજા જ અઠવાડિયે એ જૂનાગઢ પહોંચી ગઈ. આ બધી જ વાતો દરમિયાન સૌરભ પોતાના ભાઈબંધના ઘરે જ કામનું બહાનુ બનાવીને રહ્યો.
એનું અહીં આવવાનું કારણ સૌરભ પોતે પણ હતો. લગ્નની રાત્રે જ સૌરભે તિથિને કહી દીધું હતું કે એ કોઈ બીજી છોકરીને પ્રેમ કરે છે. આથી તિથિ એનાથી દૂર રહે એ જ વધુ યોગ્ય છે. આ બાબત સાંભળી તિથિને ખૂબ તકલીફ થઈ પણ પરિવારને આ બાબત જણાવવામાં એને સંકોચ થયો. જે લોકોએ એને એટલો પ્રેમ આપ્યો છે એમને આવી બાબત જણાવી કઈ રીતે શકે? એમ માની એ પણ સૌરભથી દુર રહેવા રાજી થઈ ગઈ. એણે અહીંથી સૌરભને કોન્ટેકટ કરવાના અને પોતાનો આ સબંધ બચાવવાના પ્રયત્નો કર્યા. પણ એ સફળ ન થઈ શકી.
આ બે વર્ષમાં તિથિના મનમાં સૌરભ માટે ખૂબ કડવાહટ આવી ગઈ હતી. એને એમ જ લાગતું કે એના જ કારણે એને પોતાના જ પરિવારથી અલગ રહેવું પડે છે. જો એણે આ બાબતને લઈને પરિવાર સમક્ષ પહેલેથી જ ચોખવટ કરી હોત તો કદાચ એને આ બધું ભોગવવું ન પડ્યું હોત.
બંને જણ અહીં ગિરનારના ફાર્મહાઉસમાં ભવિષ્યના આયોજન માટે ભેગા થયા હતા. એમના મતે જો હવે શાંતિપૂર્વક જીવન જીવવું હોય તો એમને એકબીજાથી અલગ થઈ જવું જોઈએ.
આ બાબત જોકે સૌરભે સુચવી હતી, પણ એમાં તિથિનો પૂરો સહકાર હતો. ઘરવાળા પાસે આ બાબત છુપાવી સૌરભ પોતાના બધા જ કામ એક દિવસ માટે પડતા મૂકી 22 માર્ચે જૂનાગઢ એના પરિવારના ફાર્મહાઉસ પર પહોંચ્યો. તિથિ શહેરમાં રહેતી હતી અને આ ફાર્મહાઉસ પરબવાવડીના રસ્તે પડતું હતું. એ બંને એમના છૂટાછેડાની કાર્યવાહી કોર્ટ સુધી ન પહોંચે ત્યાં સુધી આ બાબત કોઈને જણાવવાની ઈચ્છા રાખતા નહતા. આ જ કારણ હતું કે કોઈની જાણ વગર એ અહીં મળ્યા.
સવારે જ્યારે સૌરભ નીકળવાનો હતો ત્યારે એના પિતાએ એને સ્વૈચ્છીક બંધની બાબત જણાવી. પણ સૌરભે એને ગંભીરતાથી ન લીધી. આ એક દિવસની જ વાત છે, જેટલી જલ્દી એ તિથિથી અલગ થાય એ જ યોગ્ય છે એમ એણે માન્યું. એ માત્ર પોતાની સાથે પોતાના એક જોડ કપડાં અને મોબાઈલનું ચાર્જર લઈને એક વોલવો બસમાં અમદાવાદથી જૂનાગઢ માટે સવારે 3 વાગ્યે નીકળી ગયો. એ જાતે ડ્રાઇવિંગ કરી પોતાને થાક લગાડવા માંગતો નહતો. અહીં તિથિ પણ પોતાની દુકાનમાં વ્યસ્ત હોઈ બંધની બાબત જાણતી નહતી. તિથિ 11 વાગ્યે ફાર્મહાઉસ પર પહોંચી અને બપોરે એક વાગ્યે સૌરભ પણ પહોંચી ગયો.
એ બંને સામે આવ્યા તો કોઈ લાગણી કે મીઠાશ વગર સીધા જ કામની બાબત પર આવી ગયા. છૂટાછેડાના કાગળની ટર્મ વાંચવામાં અને એમાં તિથિ અનુસાર કેટલીક બાબતો મૂકાવામાં જ આખો દિવસ ગયો. તિથિ પોતાની સાથે બહારથી થોડોક નાસ્તો લેતી આવી હતી. જે એમને અહીં કામ લાગ્યો. ત્યાં જ અલગ-અલગ રૂમમાં રાત પસાર કરી જેવી 23 માર્ચની સવાર થઈ કે તિથિ અને સૌરભના ફોન પર અઢળક મેસેજ આવીને પડ્યા હતા. એ બંનેએ આ બધા મેસેજ જોવાના શરૂ કર્યા. એ એમના પરિવાર, મિત્રો અને સ્ટાફ તરફથી હતા. ત્યારે એમને ખ્યાલ આવ્યો કે ભારતમાં 21 દિવસની તાળાબંધી જાહેર થઈ ચૂકી છે. સૌરભ માટે અમદાવાદનો રસ્તો બંધ થઈ ચૂકયો હતો. એણે ફોન કરવાના અઢળક પ્રયાસો કર્યા, પણ અહીં નેટવર્કનો સખત અભાવ હતો. રાત્રે કોઈક સમયે નેટવર્ક પકડાયું હશે કે આ મેસેજ એ બંને સુધી પહોંચી શક્યા. શુ કરવું એ ન સમજાતા સૌરભ તિથિ પર બુમો પાડવા લાગ્યો હતો.
તિથિ પણ ખૂબ ગુસ્સે હતી, પણ તેમ છતાં એણે મગજ શાંત કર્યું. એની પાસે એની ટવેરા હતી. એટલે એ તરત ચાવી લઈને એના ઘરે શહેરમાં જવા નીકળી. સૌરભ એની સામે મોક પ્રેક્ષક બની જોઈ રહ્યો. તિથિએ માત્ર ડ્રાઇવિંગ સીટ પર બેઠા એક જ વખત એની સામે જોયું અને એને આવવા અંગે પૂછ્યું. તો એ તરત તૈયાર થઈ ગયો. અહીં એકલા રહેવા કરતા જૂનાગઢ જઈને કોઈ રસ્તો નીકળશે, એમ સમજી એ પેસેન્જર સીટમાં બેસી ગયો. પરંતુ અહીંથી પાંચ કિલોમીટર આગળ જતાં જ પોલીસની ચેકપોસ્ટ આવી અને એ લોકોએ એ બંનેને અહીંથી ન નીકળવા દીધા. તિથિ અને સૌરભ બંનેએ જાતજાતના બહાના બતાવ્યા. સામાનની ખોટ, નેટવર્કની ખોટ.. પણ છેલ્લે પરબવાવડી મંદિર ટ્રસ્ટ દ્વારા એમને સામાનની પૂરતી કરવામાં આવી અને એ બંનેએ ફાર્મહાઉસ પર પાછું આવવું પડ્યું.
બંનેનો એક કલાક પણ ઝઘડા વગર ગયો નહિ. જાતજાતના મહેણાં-ટોણા વચ્ચે માંડ એક દિવસ પસાર થયો. બીજા દિવસે બંને એકબીજા સાથે બોલ્યા નહિ. પોતાનું ખાવાનું પણ જાતે બનાવી લેવા લાગ્યા. એમના સદનસીબે આ ફાર્મહાઉસમાં સૌરભના પિતાએ બે ભરેલા ગેસના બાટલા મુકાવી રાખ્યા હતા. એ જ દિવસે એ બંનેએ પોતાના પરિવારને અહીં સાથે હોવાના મેસેજ મોકલી દીધા હતા. જેથી નેટવર્ક આવતા મેસેજ સેન્ડ થઈ જાય.
નેટવર્ક વગર ચાર્જરનો મતલબ નહતો. સુમિતનો દિવસ બહાર નેટવર્ક માટે આંટા મારવામાં જતો અને તિથિ સમય પસાર કરવા ફાર્મહાઉસના રૂમ સાફ કરી લેતી.
આજે એને આ જગ્યા ખૂબ નાની લાગી. નીચે 2 બેડરૂમ એક વિશાળ બેઠકખંડ, એક રસોડું અને ઉપર પાંચ રૂમ બધાની સફાઈ એણે 5 દિવસમાં પતાવી. બંધ ઘરનું ફર્નિચર સાફ કરવામાં કેટલી વાર થાય? હવે બહારના કોટનો વારો હતો. પાછળ એક મોટુ 50×50નું વિશાળ મેદાન હતું. છતાં અહીં કેરટેકરના અભાવે જાળવણી થઈ નહતી. અને ઝાડી-ઝાંખરા ઊગી ગયા હતા. બીજા પાંચ દિવસમાં એનો વારો આવ્યો અને તિથિએ એ જગ્યાને ખૂબ સરસ બનાવી દીધી. શક્ય હોય એટલા ફૂલ, ફળો તેમજ શાકભાજીના છોડ પણ આસપાસના ખેડૂતો પાસેથી લઈને વાવ્યા. આંગણું ખુલ્લું હતું, એમાં કઈ શક્ય નહતું. એટલે એ એમ જ રહેવા દીધું એણે.
આ બાજુ સુમિત પણ રોજ પોતાની અગિયાર નંબરની બસ દ્વારા ઘરની ચારે તરફના 4-4 કિલોમીટર માપી ચુક્યો હતો. ક્યાંક નેટવર્ક પકડાય એ આશામાં...
દસ દિવસ બાદ એક સાંજે...
સુમિત આજે નિરાશ થઈને ઘરે પાછો આવ્યો અને ઓટલે બેઠો, એ ખૂબ દુઃખી હતો. એનું જાણે સર્વસ્વ લૂંટાઈ ગયું હતું નેટવર્ક ન મળવાથી.
એને આમ દુઃખી જોઈ તિથિને પણ ખૂબ ખરાબ લાગ્યું. એ એની નજીક આવી અને બોલી, "એક વખત ધાબે જઈને જોયું???"
સૌરભ એની સામે ગુસ્સામાં જોવા લાગ્યો અને બોલ્યો, "ધાબુ? તને કઈ રીતે ખબર? આટલા દિવસથી મને આમ હેરાન જુએ છે તો પહેલા નથી કહેવાતું???"
"સામાન્ય રીતે લોકો સૌથી પહેલા એ જ તપાસે. મેં પણ બીજા જ દિવસે ધાબે જઈ નેટવર્ક ચેક કર્યો. પણ તમારી અંદર કદાચ સા.બુ.નો અભાવ છે. ખેર પહેલા કહ્યું હોત તો તમને પરેશાન જોવાની આટલી મજા કઈ રીતે લેત??" એ હસતા-હસતા બોલી.
"તું..." એકદમ સૌરભની આંખોમાં ગુસ્સો ઉતરી આવ્યો.
"સંભાળીને મિ. સૌરભ સોની. મને ગુસ્સે આવ્યો તો તમે ધાબે નહિ જઈ શકો..." તિથિ એ જ અદામાં બોલી.
"મતલબ...." આ બોલતા તો સૌરભ સીડી તરફ જવા લાગ્યો.
"અરે... અરે... મિ. સોની... ચાવીઓ તો લેતા જાઓ. નહિતર પાછું નીચે ઉતરવું પડશે." આમ બોલી તિથિ જોરથી હસવા લાગી.
સૌરાભ એની પાસે આવ્યો અને ચાવીઓ વિશે પૂછવા લાગ્યો, ત્યાં જ તિથિએ એક બાબત કહી, "સોરી અને પ્લીઝ બોલો...."
"સોરી અને પ્લીઝ. એ પણ તને? મોઢું જોયું છે અરીસામાં. કોઈ ચકલુય ન ફરકે તારી પાસે..."
તિથિ હસવા લાગી અને બોલી, "અરે વાહ, ફોરેન રિટર્ન મિ. સૌરભ મારી સાથે રહેતા ગામડાની ભાષા શીખી ગયા. સરસ. એ છોડો, બીજા પ્રશ્નનો જવાબ આપું. હા જોયું છે. બહુ જ સુંદર છું. મારો બી.એફ પણ એ જ કહે છે."
સૌરભ પોતાની એક ભ્રમર ઊંચી કરી બોલ્યો, "બી.એફ..???"
"હા બી.એફ. બોયફ્રેન્ડ. જેમ તમારી જી.એફ. છે એમ મારો બી.એફ. છે."
આ સાંભળી સૌરભનો ચહેરો ઉતરી ગયો. એ મુખ્ય વાતથી ભટકીને તિથિને પૂછવા લાગ્યો, "ક્યારથી બનાવ્યો આ બી.એફ.?"
"અહીં આવીને..." તરત તિથિ સ્વસ્થ થઈને બોલી, "બસ હવે. મારી બાબતમાં માથા ન મારો. સોરી અને પ્લીઝ બોલો. મારી પર બુમાબુમ કરવા માટે."
સૌરભ ખૂબ ગુસ્સામાં હતો. આગળની કોઈપણ વાત એણે ટાળી અને મોટા અવાજે બોલ્યો, "સોરી તિથિ.... પ્લીઝ મને ચાવી આપ..."
"અરે... અરે.... આટલી બુમ પાડવાની જરૂર નથી. હું જોડે જ ઉભી છું."
"મને તારી આ ટ્રિકનો ખ્યાલ છે. ધીમેથી બોલું તો તું મને વધારે હેરાન કરત. એટલે એક જ વખતમાં પૂરું કર્યું." આમ કહ્યું કે તિથિએ પોતાના કુરતાના સાઇડ પોકેટમાંથી ચાવી નીકાળી અને સૌરભને આપી.
ઉપર જઈને સૌરભ નેટવર્ક મળતા એટલો ગાંડો થઈ ગયો કે 6 વાગ્યાનો ધાબે ચઢેલો 10 વાગ્યે નીચે આવ્યો. જો કે એને હવે ખાવાનું બનાવવાની ચિંતા થઈ રહી હતી. પણ નીચે આવ્યો ત્યારે તિથિએ રસોડા પર ખીચડી બનાવીને મુકેલી હતી. એ જ એણે ખાધી. અને એનો ટેસ્ટ પણ ખૂબ સારો લાગ્યો. તિથિ તો સુઈ જ ગઈ હતી. સૌરભ પણ સુઈ ગયો.
બીજા દિવસે સૌરભે દાળભાત બનાવી તિથિને એની ખીચડીનો બદલો વાળી દીધો. અહીં મોટેભાગે દાળભાત અને ખીચડીથી જ કામ ચલાવવું પડતું હતું. એ સિવાય ક્યારેક વળી આસપાસના ગામમાંથી દૂધ અને શાકભાજી આવે તો આ બંનેની પાર્ટી થઈ જાય.
જોકે એ દિવસ પછી સૌરભે ધાબાની ચાવી પોતાની જ પાસે રાખી અને તિથિના ઘણી વખત 'પ્લીઝ' કહેવા છતાં આ ચાવી એને મળી નહિ. એ બંને એકબીજા સાથે ખૂબ ઓછી વાતો કરતા. પણ સૌરભને તિથિને જોઈને જ ખૂબ ગુસ્સો આવતો.
આમનેઆમ બીજા દસ દિવસ પસાર થયા. એક દિવસ ધાબેથી સૌરભનો મોટો અવાજ છેક નીચે તિથિને સંભળાઈ રહ્યો હતો. એ ઉપર ગઈ અને ધાબાનો દરવાજો ખખડાવ્યો. સૌરભ ફોન પર હતો, એણે દરવાજો ખોલ્યો અને ફરી ગુસ્સામાં વાત કરવા લાગ્યો.
એનો ફોન પૂરો થતાં જ તિથિએ એને પૂછ્યું, "શુ થયું?"
"તું જા.. મારુ મગજ ખરાબ છે. અહીં આવી છે તો તારા બી.એફ. સાથે વાત કર. મને ડિસ્ટર્બ કરવાની હિંમત ન કરીશ."
તિથિ ખૂબ લાચાર લાગી રહી હતી. એણે દબાયેલા અવાજમાં જ કહ્યું, "મારો કોઈ બી.એફ. નથી. હું મસ્તી કરતી હતી." એની સામે જોઈને, "હવે કહેશો શુ થયું છે?"
સૌરભ એની સામે એકીટશે જોઈ રહ્યો, એના મનમાં કોઈ અજાણ્યો ભાવ પ્રગટ થયો અને એ બોલ્યો, "મારી એક રેસ્ટોરાંનો એક વેઈટર જે કચ્છનો હતો. લોકડાઉન થયુ અને એમાં જ એની પાસે પૈસા ખૂટયા. એટલે એ એના વતન જઈ રહ્યો હતો. એ અને એનો પરિવાર ચાલતા જતા હતા. અને અચાનક એક રાત્રે ટ્રકની બ્રેક ફેઈલ થતા એ ટ્રક ત્યાં ચાલનાર બધા લોકો પર ફરી વળ્યો. એમાં એનો પરિવાર પણ હતો. આ રીતે એક્સિડન્ટમાં એ બધાની મોત થઈ ગઈ." આમ કહી એ નીચે જ બેસી ગયો. એવું લાગી રહ્યું હતું જાણે એને આ બાબતથી ખૂબ ઠેસ પહોંચી છે. એક વેઈટરના મૃત્યુથી એને આઘાત લાગ્યો છે. તિથિએ સૌરભનો આ ભાગ પ્રથમ વખત જ જોયો.
તિથિ એની નજીક ગઈ અને એના ખભા પર હાથ મૂકીને બોલી, "જુઓ, જે થઈ ગયું એને તો હવે કોઈ બદલી શકે નહીં. પણ તમારે આગળ પણ વિચારવું જ પડશે ને..."
સૌરભે એની સામે જોયું અને બોલ્યો, "હા જાણું છું, આગળ વધવાનો મતલબ. એ જ ને કે એની મોતને ભૂલી જઉં. ખબર છે મને બધા આવા જ લોકો મળે છે જેમનામાં ભાવનાઓની ખોટ જ હોય છે. એક આખો પરિવાર - એ મૃત્યુ પામ્યો છે. હું મારા સ્ટાફને ક્યારેય મારાથી નીચે નથી સમજતો. એ બધાને કારણે મારી રેસ્ટોરાં આટલી પ્રખ્યાત છે. હું એમના યોગદાનને કઈ રીતે ભૂલી શકું! અમે બધા સાથે મસ્તી કરતા, સાથે કામ કરતા. એ બધા મને મારા મિત્ર સમાન જ લાગ્યા છે. જો મને પહેલા એમની પરિસ્થિતિ અંગે ખ્યાલ હોત તો મેં કાંઈક વ્યવસ્થા ચોક્કસ કરી હોત. પણ જવા દે તારા જેવી વ્યક્તિને આવી લાગણીસભર વાતો નહિ સમજાય. મને એકલો મૂકી દે...." આમ કહી સૌરભે તિથિનો હાથ ઝાટકી દીધો અને એ ત્યાંથી ઉભો થઈ ગયો. એ ધાબાની પાળી પાસે જઈને ઉભો રહી ગયો.
તિથિ આ બાબત સાંભળી ત્યાંથી ઉભી થઈ અને દરવાજા તરફ ગઈ. દરવાજો પકડતા એ પાછી ફરી અને બોલી, "આગળ વધવાનો જે મતલબ તમે સમજ્યા એ મારા મનમાં નહતો. હું તો તમારા બીજા સ્ટાફ માટે કંઈક કરવાની વાત તમને કરી રહી હતી."
સૌરભ આ બાબત સાંભળી ચમકીને પાછળ ફર્યો પણ તિથિ ત્યાંથી નીચે જઈ ચુકી હતી. સૌરભ તરત નીચે આવ્યો. તિથિ બેઠકરૂમના સોફા પર બેઠી હતી. ત્યાં જઈને એની સામે બેસતા સૌરભે પૂછ્યું, "તો તારી પાસે શુ ઉપાય છે? આ સમસ્યાનો...."
તિથિ સહજ થઈને બોલી, "જુઓ, તમે એમ જ પૈસા આપશો તો કદાચ એમને સ્વીકારવામાં ખચકાટ થશે. તમારી પાસે પૈસા છે એનાથી તમે આગળના કેટલાય વર્ષો આરામથી જીવી શકો છો. પણ અત્યારે એ પૈસા કેટલાય લોકોના જીવન બચાવી શકે છે. બસ આપણે એ જ કરીશું, જેથી તમારો સ્ટાફ પણ સચવાય અને એક યોગ્ય દિશામાં કામ પણ થઈ શકે."
"મને કંઈ જ સમજ નથી આવી રહ્યું કે તું શું કહેવા માંગે છે?" બંને હાથ એના ઘૂંટણ પર મૂકી સોફા પરથી આગળ નમી સૌરભ પોતાના પ્રશ્નો તિથિ સામે મૂકી રહ્યો હતો.
"ઑકે, તો સાંભળો અત્યારે લોકડાઉન છે. ઘણા લોકો આ જ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. તમારો એ વેઈટર જ નહિ, ઘણા લોકો જીવન-મરણ વચ્ચે વલખા મારી રહ્યા છે. તો જો તમે તમારા સ્ટાફ પાસે જ આ બધાના જમવાની વ્યવસ્થા કરાવો તો કદાચ ઘણા-બધા એ અકાળ મોતથી બચી જશે અને સ્ટાફ પણ બચશે. એમપણ એ લોકો કઈ છપ્પન ભોગના લાલચી નથી. એમને તો પુરી-શાક મળી જાય તો પણ ઈશ્વરનો પાડ માનશે." આગળ વિચારતા તિથિ બોલી, "અને એમાં તમે તમારા ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર લોકોને પૈસા ડોનેટ કરવા અંગેના મેસેજ પણ મૂકી શકે છે. એમ પણ તમારા પાર્ટી લવર દોસ્તો અને 1300 ફોલોવર આ બહાને કંઈક તો સારું કામ કરે..."
સૌરભ ચોંક્યો, "તને કઈ રીતે ખબર? મતલબ તું પણ મને ફોલો કરે છે... હે..ને.."
"બસ હો. મારી એક દોસ્તે જણાવ્યું. પોતાને વધુ અગત્યતા આપવાની જરૂર નથી. મુદ્દાની વાત વિચારો. આ બધામાં ન પડો..."
આ વિચાર જોકે સૌરભને તરત ગળે ઉતર્યો નહિ, એણે વિચારવા માટે સમય માંગ્યો. બીજા જ દિવસે સવારે એણે એક ખબર તિથિને આપી.
એણે જણાવ્યું, "તિથિ, તારો આઈડિયા સારો હતો. અને કામ કઈ રીતે કરવું એના આયોજનમાં મારી આખી રાત ગઈ પણ હવે બધું જ સેટલ થઈ ગયું છે. કાલથી જ એ કાર્ય શરુ થઈ જશે."
"ઑકે, અને જમવાનું વહેંચશે કોણ?"
"મારો જ સ્ટાફ કદાચ..."
તરત તિથિ ગુસ્સે થઈને બોલી, "હા અને એમને જો કોરોના થશે તો તમે શું કરશો?"
એનો ગુસ્સો જોઈ સૌરભ ચોંકી ગયો, એ થોથવાવા લાગ્યો. એનો આ ખચકાટ જોઈને તિથિ શાંતિથી બોલી, "જુઓ, સરકાર આ માટે ઘણું કામ કરી રહી છે. મને લાગે છે કે તમે શહેરના કોર્પોરેશનને સંપર્ક કરો એટલે કામ થઈ જશે."
"પણ હું હજુ કોઈ અધિકારીના સંપર્કમાં એટલો નથી કે કોઈ મારી મદદ કરી શકે!" સૌરભ વિચારવા લાગ્યો.
"ઑકે.. લેટ મી ટેક ધ ચાર્જ નાઉ.." એમ કહી તરત તિથિ ધાબા પર ગઈ. જ્યારથી સૌરભને તિથિના બી.એફ. ન હોવાની જાણ થઈ ત્યારથી એણે ધાબુ ખુલ્લું રાખ્યું હતું. તિથિની પાછળ સૌરભ પણ એની વાત સાંભળવા પાછળ ગયો.
"હેલો રિશી, ડુ યુ હેવ સમ ટાઈમ? વોના ટોક.."
સામેથી શુ જવાબ આવ્યો એ તો સૌરભ ન જાણી શક્યો. પણ રિશી નામ સાંભળી એને અજબની બળતરા થવા લાગી. છેવટે પાંચ મિનિટ પછી ફોન મુકાયો અને તિથિએ સૌરભ સામે જોઈને કહ્યું, "ડન..."
બીજું કંઈ જ ન પૂછતાં સૌરભે સીધું જ પૂછ્યું, "આ રિશી કોણ છે?"
"ઓહો, ગર્લફ્રેન્ડ રાખવાવાળા પતિદેવ મારા એક મિત્રથી બળવા લાગ્યા. સરસ...." એમ કહી તિથિ હસવા લાગી.
તરત સૌરભે એનો હાથ પકડ્યો અને એને પોતાની નજીક લાવી દીધી. આ પરિસ્થિતિથી તિથિ ડઘાઈ ગઈ. અને એનું હસવાનું રોકાઈ ગયું. એને અચાનક એક જાતની ગભરામણ થવા લાગી. તરત એ હાથ છોડાવી દૂર જતી રહી. એણે ખૂબ ઓછા શબ્દોમાં જવાબ આપ્યો, "રિશી એક કાઉન્સીલરનો છોકરો છે. અને એ ઘણા એન.જી.ઓ. સાથે સંકળાયેલો છે. એ એના કેટલાક માણસોને કાલે અગિયાર વાગ્યે રેસ્ટોરાંમાં મોકલશે. અને એ ખાવાનું જરૂરતમંદ વ્યક્તિ પાસે પહોંચાડશે." સાથે શરમાતા એ આગળનું વાક્ય બોલી, "એ જાણે છે કે મારા લગ્ન થઈ ગયા છે...."
આમ કહી એ સીધી નીચે જતી રહી. એ શરમથી પાણી-પાણી થઈ ગઈ હતી. એના ગાલ લાલ થઈ ગયા હતા. જે સૌરભે જોઈ લીધા હતા. ઘણી છોકરીઓ સાથે ફ્રેન્ડશિપ ધરાવતો સૌરભ પહેલી વખત કોઈને આટલું શરમાતા જોઈ રહ્યો હતો. અને એ પણ માત્ર પોતાના સ્પર્શથી. એ મનોમન મલકાઈ રહ્યો હતો.
શરૂઆતના 21 દિવસ બંને માટે ખૂબ મુશ્કેલ રહ્યા હતા. બંને જાણે એકબીજાના જીવ લેવા તરસી ગયા હતા. પણ દિવસો પસાર થતા અને ઘણી વસ્તુઓના અભાવને કારણે એ બંને એકબીજા સાથે જીવતા શીખી ગયા. ઈન્ટરનેટ અને ટી.વી. આ અભાવમાં મુખ્ય હતા. સૌરભ જાતે ખૂબ સરસ ખાવાનું બનાવતો, પણ જ્યારે તિથિ બનાવે ત્યારે એનું પેટ ખરેખર ભરાતું. એને ખૂબ તૃપ્તિ મળતી.
જ્યારે 21 દિવસ પુરા થયા ત્યારે બીજા 19 દિવસનું લોકડાઉન જાહેર થયું અને આ બાબતથી સૌરભ મનોમન ખૂબ ખુશ થયો. શરૂઆતના 21 દિવસની જેમ આ દિવસો એટલા મુશ્કેલ ન રહ્યા. એ બંનેનો સમય એકબીજા સાથે વાતો કરવામાં અને જાતજાતની એક્ટિવિટી કરવામાં પસાર થવા લાગ્યો. સૌરભ એની જિમ અને યોગા ટ્રેઇનિંગ તિથિને આપતો. સામેપક્ષે તિથિ પણ એને ટાઈક્વૉન્ડો શીખવાડતી. એ સાથે જ બંને જણ જાતજાતના ડાન્સ સ્ટેપ કરતા. અને આસપાસ શક્ય એટલું રખડતા. સાથે ગાર્ડનિંગ કરતા. સાથે ઘરનું કામ અને જમવાનું બનાવતા. એ બંને 2 વર્ષમાં જેટલું નજીક આવી શક્યા નહતા. એના કરતાં વધુ નજીક લોકડાઉનના સમયમાં આવી ગયા. છૂટાછેડાની વાત તો ક્યારની ભુલાઈ ગઈ હતી.
સૌરભે પોતાના રેસ્ટોરાં, સ્ટાફ અને અન્ય લોકો માટે જે કર્યું હતું. એના બધે વખાણ થઈ રહ્યા હતા. ઘણા લોકોએ એની માટે સોશિયલ મીડિયામાં કેટલાક મેમ્સ અને પેજીસ પણ બનાવ્યા. એના ફોલોવરમાં ખૂબ વધારો થઈ ગયો હતો.
ધીમે-ધીમે સરકારે મે મહિનાના અંતમાં અનલોકની જાહેરાત કરી અને સૌરભ થોડોક દુઃખી થયો. તિથિનો પણ એ જ હાલ હતો. છેવટે 1 જૂને સૌરભ તિથિને મુકવા એની ગાડીમાં જૂનાગઢના ઘરે ગયો. અને બંને જણ આ વખતે હાથ મિલાવી છુટા પડ્યા.
ઘરે આવ્યા બાદ બંનેને ચેન નહતું. પણ પહેલ કોણ કરે? પ્રશ્ન ત્યાં આવીને અટકી જતો. ફોન કરવો કે ન કરવો? એની ગડમથલમાં દિવસ જતો. ક્યારેક સૌરભ પોતાના ફોનમાં તિથિના છુપાઈને લીધેલા ફોટા જોઈ લેતો. તો તિથિ પણ એ જ કરતી. સોશિયલ મીડિયામાં એને ફોલો કરી એના વિશેની જાણકારી મેળવતી રહેતી. એકબીજાને ફોન કરવાની હિંમત હજુ એમનામાં આવી નહતી.
અનલોક બાદ કેટલીક ગુજરાતી ન્યૂઝ ચેનલોએ સૌરભનો ઈન્ટરવ્યૂ લેવા માટે એનો સંપર્ક કર્યો. સૌરભ એ માટે તૈયાર થયો. એણે તિથિને પરિવાર સાથે મળવાના બહાને અમદાવાદ બોલાવી. તિથિના પહોંચતા જ એ એને લઈને સીધો જ ચેનલના સ્ટુડિયોમાં પહોંચ્યો.
ત્યાં એણે તિથિને પોતાની બાજુનું સ્થાન આપ્યું. તિથિ આ બાબતથી ચોંકી ગઈ. એણે પોતાના બધા જ કામનો શ્રેય તિથિને આપી દીધો. અને એ પછી મોટાભાગના જ્વાબોમાં પણ એણે માત્ર તિથિનું જ નામ લીધું.
એ લોકો જેવા બહાર નીકળ્યા કે સૌરભ પોતાની ગાડી લઈને આવ્યો અને તિથિને એમાં બેસાડી.
થોડેક દૂર પહોંચ્યા પછી તિથિએ સૌરભ સામે જોઈને પૂછ્યું, "તમને નથી લાગતું કે તમે આજે જે કર્યું એ ખોટું કર્યું છે..."
"તને એવું કેમ લાગે છે?" સૌરભે એની સામે જોઇને પૂછ્યું.
"હા લાગે છે. તમારી ગર્લફ્રેન્ડને ખરાબ લાગશે, એ જો આ ઈન્ટરવ્યૂ જોશે તો.... અને એમ પણ આપણા છૂટાછેડા થવાના છે. આપણી સહી થઈ ગઈ છે પેપર પર...." તિથિએ એક નિસાસો નાખતા કહ્યું.
સૌરભે એની સામે જોયું, અને ત્યારબાદ ડેસ્ક પર નજર કરી. ત્યાંથી કેટલાક કાગળનો કચરો ઉઠાવ્યો અને એ લઈ તિથિ તરફ હાથ લંબાવ્યો, "ઓહ મતલબ આ પેપર..."
તિથિએ એ કચરો હાથમાં લીધો. આ કચરો બીજું કંઈ નહીં પણ એમના છૂટાછેડાના પેપર જ હતા. તિથિએ પ્રશ્નાર્થ નજરે સૌરભ સામે જોયું. સૌરભે જવાબ આપ્યો, "મારી કોઈ ગર્લફ્રેન્ડ નથી. એક હતી પણ એ અમેરિકામાં રહી ગઈ. અમારી વચ્ચે એવી લાગણી ન બંધાઈ. અહીં આવ્યો કે તારી સાથે જબરદસ્તી લગ્ન કરાવી દીધા. અને મેં તને મારાથી દૂર રાખવા એ બાબત કહી દીધી. તારી પ્રથમ છબી મારા મનમાં ખૂબ નકારાત્મક અસર કરી ગઈ. જેમાંથી બહાર નીકળતા મને બે વર્ષ અને લોકડાઉનનો સમય લાગ્યો. જો કદાચ એ ન થયું હોત તો હું તને ગુમાવી બેઠો હોત. પણ કદાચ જે થાય એ સારા માટે જ થાય છે. ત્યાંથી આવ્યા બાદ વિચારવામાં ખૂબ સમય બરબાદ કર્યો. પણ આ જ યોગ્ય સમય છે એમ સમજી જીવનના આ મહત્વપૂર્ણ પડાવમાં તને અહીં જ બોલાવી એ બાબત તને જતાવી દીધી. હવે તને જે પ્રોબ્લેમ હોય મારાથી, એ તું મને કહી શકે છે!"
તિથિને હજુ કઈ સમજમાં આવી રહ્યું નહતું. એ માત્ર સૌરભ સામે જ જોઈ રહી હતી. એવામાં સૌરભ તિથિનો હાથ લઈ એના મો પાસે લઈ ગયો અને એની પર એક હળવું ચુંબન કર્યું. તિથિ શરમાઈ ગઈ અને હાથ એમ જ રહેવા દઈ એણે પોતાનો ચહેરો બારી તરફ કરી દીધો. સૌરભ પણ આ જોઈ મુસ્કુરાવા લાગ્યો. એણે તરત ગાડી જૂનાગઢના રસ્તે લઈ લીધી.
આ જોઈને તિથિએ કહ્યું, "ઑકે, બસ બહુ થયું. મિ. સોની તમે મને પ્રપોઝ નથી કર્યું, તો હું આમ કોઈપણની સાથે ક્યાંય નહીં આવું..."
"કોઈપણ... હમ્મ... અચ્છા એવું. તને નથી લાગતું કે આપણે એ બાબતમાં મોડા છીએ. પહેલા પ્રપોઝ પછી લગ્ન થાય. અહીં તો લગ્નને 2 વર્ષ થઈ ગયા છે."
"તો શું થયું! મને એક ઑફિશિયલ પ્રપોઝલ જોઈએ..."
એ બન્ને આખા રસ્તે આ મીઠા ઝઘડામાં વ્યસ્ત રહ્યા, જૂનાગઢ ક્યારે આવી ગયું એનો એ બંનેને ખ્યાલ જ ન આવ્યો.
(મિત્રો આપણા જીવનની ગાડી પણ કંઈક આમ જ ચાલતી રહે છે. મનપસંદ વ્યક્તિ સાથે હોય તો રસ્તો ક્યારે કપાઈ જાય એ ખ્યાલ જ નથી આવતો! ઘણા લોકો 2020ને એક ખરાબ વર્ષ, બરબાદ વર્ષ, એક મનહુસ સમય તરીકે ગણાવશે. મારી માન્યતા એમાં અલગ નથી. હા એમાં અલગ નજરીયો જરૂર છે. આ એ વર્ષ છે, જેમાં આપણે પરિવારને સમય આપતા શીખ્યા. માનવતાની કદર કરતા શીખ્યા. જાનવરોની પણ જિંદગી છે એ સમજાયું. ઘણા સગાઓને ગુમાવ્યા અને ઘણા પોતાના લોકોને મેળવ્યા. ક્યાંક આંસુની નદીઓ વહી, ક્યાંક ખુશીઓનો સાગર છલકાયો. જીવનજરૂરી વસ્તુ કરતા દારૂ પાછળ લોકોએ વધુ ખર્ચ કર્યો. અને અંતે આપણી અંદર ઘણા છૂપા ટેલેન્ટ પણ બહાર આવ્યા. આપણે ઘણી સારી પરિસ્થિતિમાં છીએ, એમના કરતા જેઓએ માત્ર પૈસાના અભાવને કારણે જીવ ગુમાવ્યો. તો બસ ભગવાનનો આભાર માનો અને જ્યારે-જ્યારે આવું કોઈ જરૂરતમંદ તમારી સમક્ષ આવે તો એને ખાલી હાથે ન મોકલશો.)