Pati Patni ane pret - 26 in Gujarati Horror Stories by Rakesh Thakkar books and stories PDF | પતિ પત્ની અને પ્રેત - ૨૬

Featured Books
Categories
Share

પતિ પત્ની અને પ્રેત - ૨૬

પતિ પત્ની અને પ્રેત

- રાકેશ ઠક્કર

પ્રકરણ-૨૬

નાગદા અને રેતાનો પહેલી વખત આમનો- સામનો થઇ રહ્યો ન હતો. અગાઉ જામગીરકાકા સાથે તે નાગદા પાસે લાવરું લેવા આવી હતી. ત્યારે રેતાને પાકી ખબર ન હતી કે નાગદા જ એના પતિ વિરેનને લઇ ગઇ છે. અને નાગદાને અંદાજ ન હતો કે જેના પતિને તે પોતાનો પતિ બનાવવા પ્રયત્ન કરી રહી છે એ જ આ રેતા છે. આજે બંને એ વાતથી અવગત હતી. નાગદાને ખબર પડી ગઇ હતી કે વિરેન રેતાનો પતિ છે. અને રેતાને પાકો વિશ્વાસ હતો કે વિરેન નાગદાને ત્યાં છે. અને એટલે જ રેતા વહેલી સવારે નાગદાને ઉંઘતી ઝડપવા માગતી હતી. રેતાને જામગીરે ઉંઘવા માટે એમને ત્યાં વ્યવસ્થા કરી આપી એ પછી તેને ઉંઘ જ આવતી ન હતી. વિરેનની યાદ સતત સતાવતી હતી. વિરેનનો ચહેરો તેની સામેથી દૂર થતો જ ન હતો. તેની જરાક આંખ મળી ત્યાં એક સપનું આવ્યું અને એમાં એણે જોયું કે જયના આવી છે. તેણે પતિ વિરેનને પાછો નહીં મળે એવી વાત કરી ત્યારે પોતે પણ દ્રઢ વિશ્વાસ વ્યક્ત કર્યો કે તે પતિને પાછો લઇને જ જશે. તું થાય તે કરી લેજે. અમે જન્મોજનમના બંધનમાં બંધાયેલા છે. માતાજી અમારું મિલન કરાવશે. ત્યારે જયનાના પ્રેતના હાથમાંથી એક પ્રકાશનો શેરડો નીકળ્યો અને શરીર પર પડ્યો. તેને લાગ્યું કે તે પથ્થર સમાન થઇ ગઇ છે. તેનામાં જીવ જ રહ્યો નથી. તેનું શરીર હલ્કું બની ગયું છે અને હવામાં ઉંચકાઇ રહ્યું છે.

તે ડરથી ચીસ પાડી બેઠી. તે બેઠી થઇ ગઇ. સારું થયું કે જામગીરકાકા ઘસઘસાટ ઉંઘતા હતા અને એમને પોતાની ચીસ સંભળાઇ નહીં. પછી તો ઉંઘ જ ઉડી ગઇ અને નક્કી કર્યું કે પોતે જયનાને ત્યાં પહોંચીને વિરેન ત્યાં છે એની ખાતરી કરીને જ ઝંપશે. જો એ ત્યાં હશે તો પાછો લઇને જ આવશે. તેણે માતાજીને પ્રાર્થના કરીને પોતાને સાથ આપવા વિનંતી કરી. જામગીરકાકાને જો કહેવા જાય તો એ કોઇ સંજોગોમાં એને જવા દે એમ ન હતા. રેતાએ ચોરીછૂપીથી ઘરમાંથી નીકળી જયનાના મકાનની વાટ પકડી.

સવાર થવાની વાર હતી. અંધારાનું સામ્રાજ્ય ચારે તરફ ફેલાયેલું હતું. જીવજંતુઓના ચિત્રવિચિત્ર અવાજો આવી રહ્યા હતા. તે પોતાના મોબાઇલની લાઇટના પ્રકાશમાં આગળ વધવા લાગી. તેને અગાઉ ગઇ હતી એટલે જયનાના મકાનનો અંદાજ હતો. પરંતુ અંધારામાં બધા રસ્તા સરખા જ દેખાતા હતા. તે ચિલ્વા ભગતના ઘર પાસે પહોંચી ગઇ. જોયું તો ભગત પૂજા કરી રહ્યા હતા. તે શ્લોક બોલીને અગ્નિકુંડમાં આહુતિ આપી રહ્યા હતા. રેતાને દૂરથી જોઇ ચિલ્વા ભગતને પહેલાં તો થયું કે નાગદા જ આવી છે. તેમણે બૂમ પાડી:"ઉભી રહે...એક કદમ પણ આ તરફ આવી છે તો બળીને ભસ્મ થઇ જશે. હવે તું અમારાથી બચીને જઇ શકશે નહીં..."

રેતાએ તરત જ પોતાની ઓળખ આપી દીધી:"..ભગતજી...ભગતજી...હું રેતા છું..."

"રેતા? તું આટલી સવારે કેમ નીકળી છે?" ભગતને નવાઇ લાગી.

"ભગત, હવે હું વધારે સમય વિરેન વિના રહી શકું એમ નથી. હું નાગદા પાસે વિરેનને છોડાવવા જઇ રહી છું...."

"રેતા, એની પાસે જવામાં જોખમ છે. હવે સવાર થઇ રહી છે એટલે તેની શક્તિઓ ઓછી હશે પણ તને હાનિ પહોંચાડી શકે છે. એને ત્યાં વિરેન છે એવું પાકું હજુ સાબિત થયું નથી. હું શક્તિઓ મેળવી રહ્યો છું. આપણે વિરેનને ચોક્કસ છોડાવીશું તું ઉતાવળ ના કરીશ..." ભગતે રેતાને સમજાવવાનો પ્રયત્ન કર્યો.

રેતાએ ભગતની કોઇ વાત માની નહીં. તે નાગદા પાસે જવાની જીદે ચઢી ગઇ. આખરે ભગતે એને સંમતિ આપી અને કહ્યું કે તારું મંગળસૂત્ર આગળ રાખજે. એ તારું કંઇ બગાડી શકશે નહીં. આ ભસ્મ પણ સાથે લઇ જા..." પછી અગ્નિકુંડમાં હાથ નાખી બાજુમાં પડેલી ભસ્મ હાથમાં લઇ મંત્ર બોલ્યા અને એ ભસ્મ રેતાને આપીને કહ્યું:"એના ઘરની ફરતે વાડ છે. એને ઓળંગવાનું સરળ નથી. વાડની સાંકળ પર આ ભસ્મ નાખજે. એ ખૂલી જશે. તું સાવધાનીથી એની પાસે જજે. એને ખુલ્લો પડકાર આપજે. એ શું કહે છે એ પછી મને કહેજે...અને હા, જો જામગીરકાકા તને શોધતા અહીં આવશે તો હું એમને રાહ જોવાનું કહી સમજાવીશ. અમે તને શોધવા નીકળીશું નહીં. જા સફળતા મેળવ..."

ચિલ્વા ભગત તેના માથા પર હાથ મૂકી બોલ્યા પછી "બોલો બમ બમ બમ... બલા ભાગે રમ રમ" કહેતાં સાધનામાં લાગી ગયા.

ત્યાંથી નીકળીને ભગતે બતાવેલા રસ્તે નાગદાના ઘર પાસે આવી હતી. નાગદાના મકાનની ફરતેની વાડનો ઝટકો અગાઉ તે અનુભવી ચૂકી હતી. નાગદાનું પ્રેત ગમે તે જગ્યાએથી હુમલો કરી શકે એમ હતું. તેણે ભગતે આપેલી ભસ્મને વાડના દરવાજાની સાંકળ પર નાખી અને એ ખૂલી ગઇ. તે ઝડપથી અંદર પ્રવેશીને મકાનનો મુખ્ય દરવાજો ખખડાવવા લાગી. પોતાનામાં રહેલી હિંમતને વધારતી હોય એમ તેણે જોરજોરથી દરવાજો ખખડાવ્યો.

તેને કલ્પના ન હતી કે જયના તેની સામે હશે અને વિરેનને પણ જોઇ શકશે. રેતા કોઇ જંગ ખેલવા આવી હોય એમ આંખોમાં ખુમારી હતી. જયનાની આંખોમાં અગન જવાળાઓ હોય એવો ગુસ્સો હતો. રેતાને થયું કે જયનાને વિરેન વિશે પૂછું... ત્યાં તેની પાછળ જ વિરેન આવીને ઉભો હતો. તેના માથા પર ઇજા થઇ હોય એવું લાગતું હતું. તે વિરેનને જોઇને ખુશીથી ઝૂમી ઉઠી અને "સાયબા..." કહી એને મળવા અંદર જવા લાગી. ત્યાં નાગદાએ વચ્ચે હાથ મૂકી દીધો.

નાગદાને પોતાનું કામ અધુરું રહ્યું એનો ગુસ્સો હતો. સામે રેતાને જોઇ તેનો ગુસ્સો વધારે ભડકી ઉઠયો. તેને થયું કે પોતાની શક્તિથી રેતાને અહીં જ પતાવી દઉં. તેણે નરવીરનો વિચાર કરીને પોતાના ગુસ્સા પર કાબૂ રાખ્યો. જો નરવીરને ખબર પડી જાય કે પોતે સામાન્ય સ્ત્રી નથી પણ કોઇનું પ્રેત છે તો એ મને પત્ની માનવાનો ઇન્કાર કરી દેશે. મારી આટલા સમયની મહેનત પર પાણી ફરી વળશે. રેતા ઘરના દરવાજા સુધી આવી ગઇ છે, એનો મતલબ છે કે એ પણ કોઇ રીતે તૈયાર થઇને આવી છે. તે વાડના દરવાજાને પસાર કરીને ઘર સુધી આવી ગઇ છે. હવે અંદર આવીને એના પતિને ઓળખી જશે અને નરવીરની યાદશક્તિ પાછી આવી જશે તો મારું કામ મુશ્કેલ બની જશે. નાગદા વિચારવા લાગી. રેતાને શારિરીક નુકસાન પહોંચાડી શકાય એમ નથી પણ માનસિક રીતે પરેશાન કરી શકાશે..

એ વિચારતી હતી ત્યાં સુધીમાં નરવીર તેની એકદમ પાછળ આવીને ઉભો રહી ગયો. અને બોલ્યો:"નાગદા, આ કોણ છે? અને મને સાયબો કેમ કહે છે?"

નાગદાએ પોતાની કેટલીક શક્તિઓને કામે લગાડી હસીને કહ્યું:"પ્રિયવર, તમે આને ઓળખતા નથી."

વિરેન કંઇક યાદ કરવાનો પ્રયત્ન કરવા લાગ્યો. નાગદાએ પોતાની આંખથી રેતાની આંખમાં એવી રીતે જોયું કે રેતાનું મગજ ચક્કર ખાવા લાગ્યું. તેને થોડીવાર માટે આંખે અંધારા આવી ગયા. તે સહેજ સ્વસ્થ થઇ અને પોતાના માથાના મગજના ભાગ પર વલૂરવા લાગી. આ તકનો લાભ લઇ નાગદાએ નરવીરને કહ્યું:"પ્રિયવર, આ એક પાગલ સ્ત્રી છે. જે પોતાના સાયબાની શોધમાં ઠેરઠેર ભટકી રહી છે. કોઇપણ પુરુષને તે પોતાનો સાયબો કહેવા લાગે છે..."

"હા, મને યાદ આવ્યું. બે દિવસ પહેલાં કોઇ સ્ત્રી પોતાના સાયબા માટે ગીત ગાતી ફરતી હતી. એ આ જ પાગલ હશે..."

રેતાનું મગજ એના કાબૂ બહાર જતું રહ્યું. તે ગાંડાની જેમ હસવા લાગી અને વાળ પીંખવા લાગી. તે શા માટે આવી હતી એનું ભાન જ ના રહ્યું.

નાગદાને થયું કે તે પોતાના હાથથી રેતાનું ગળું પકડી ઉંચકીને દૂર ફેંકી દે. પણ આમ કરવાથી નરવીરને મારી શક્તિઓ દેખાશે. અચાનક સૂરજના પહેલા કિરણો પડ્યા. એમાં રેતાનું મંગળસૂત્ર ચમકી ઉઠ્યું. મંગળસૂત્ર પરથી પરિવર્તિત થતા સૂર્યના કિરણો નાગદાની આંખ પર પડ્યા અને તે ગભરાઇ ગઇ. મંગળસૂત્રની આસપાસ કોઇ વર્તુળ રચાવા લાગ્યું. તેનો પ્રભાવ ખમી શકે એમ ન હતી. નાગદા ચેતી ગઇ. રેતાને એક હળવો ધક્કો મારીને ચાલી જવા કહ્યું અને દરવાજો બંધ કરી દીધો.

નાગદાના ધક્કાથી રેતા જમીન પર પટકાઇ. તેના હાથ અને માથામાં વાગ્યું. એનું એને કોઇ દર્દ અનુભવાતું ન હતું. તે ફરી વાળ પીંખતી હસવા લાગી અને બહાર નીકળી કોઇ ધ્યેય અને દિશા વગર ચાલવા લાગી.

વધુ સત્તાવીસમા પ્રકરણમાં...