"એકાંત."
-@nugami.
પરોઢની સુંદરતા અને પક્ષીઓ ના કલરવ સાથે રીટા પોતાની પથારી માંથી ઉભી થઈ.
રાબેતા મુજબ બધું જ કાર્ય કરી સોફા પર બેસીને તેની સામે ટેબલ હતું ત્યાં પગ લાંબા કરી હાથમાં કોફી ના કપ સાથે આરામથી કોફી ને પીતાં પીતાં ટીવી ના કાર્યક્રમ ને માણી રહી હતી.
2BHK માં રહેતી હતી,એ પણ એકલી.
ઘર માં બીજું કોઈ નહિ,જ્યાં જાય ત્યાં માત્ર પોતે જ.
કોઈ ની આશા નહિ, ને કોઈ નિરાશા નહિ.
બસ પોતાની મસ્તીમાં જ એ જીવતી.
Account ની સારી એવી નોકરી હતી,status પણ સારું એનું. ઓફિસ માં પણ એનું ઘણું માન.
આમ જોવા જઈએ તો,જ્યારે ઘરમાં વ્યક્તિ એકલી હોય ત્યારે મન પર ખૂબ જ નિયંત્રણ રાખવું પડે છે,કારણો ઘણાં છે માનસિકતા બગડી જવાના.
જ્યારે ઘરમાં અન્ય સભ્યો સાથે વ્યક્તિ રહે છે,ત્યારે એ બધાની સાથે જોડાયેલી રહે છે,એને એક ક્ષણની પણ નવરાશ નથી મળતી. મારી ભાષા માં કહું તો, મરવાની પણ નવરાશ નથી હોતી.
એટલી જવાબદારીઓ હોય છે.જેને પૂરી કરતા કરતા રાત્રે વ્યક્તિ થાકીને લોથપોથ થઈ જાય છે.એને કોઈ વિચાર પણ સ્પર્શી નથી શકતો.
અને આ બાજુ જ્યારે વ્યક્તિ એકલી હોય છે,ત્યારે વિચારોનું ટોળું એની સાથે જ હોય છે.
એ કામ ચોક્કસ કરે છે.પણ સાથે નવરાશ પણ એટલી જ હોય છે.
એ નવરાશ નો ઉપયોગ કેવો કરવો છે,કંઇ રીતે કરવો છે? એ વ્યક્તિના મન પર આધારિત છે.
મન વ્યક્તિ નો સૌથી મોટો મિત્ર પણ છે ,અને સૌથી મોટો શત્રુ પણ.વ્યક્તિ એનો જે રીતે ઉપયોગ કરશે,એ રીતે મન પરિવર્તિત થઈ ને વ્યક્તિ પાસે એ કાર્ય કરાવશે.
એકલો રહેતો વ્યક્તિ જો એકાંત અને એકલતા નો અર્થ સમજી જાય અને બંને ના ફાયદા ગેરફાયદા સમજી જાય ને તો એના જેટલું સુખી વ્યક્તિ કોઈ નથી.
ઘણાં ને જોયા હશે કહેતા,
" આના કરતાં એકલા હોઈએ એ સારું",
પણ જ્યારે એકલા રહેવાનો વારો આવે એટલે બધું જ હવામાં.
એકલું રહેવું કહેવા જેટલું સહેલું નથી.
પણ હા અઘરું પણ નથી,જો મન વ્યક્તિના કહ્યામાં રહે તો...
રીટા ઓફિસે જવા નીકળી , આખો દિવસ બધું કામ પતાવી ને પોતાના બોસની કેબિન માં ગઈ.
ત્યાં એના બોસ એટલે કે રવિભાઈ ને એણે કહ્યું," sir, હું થોડા દિવસની રજા પર જવા ઈચ્છું છું."
રવિભાઈ બોલ્યા," કેમ, રીટા કંઇ થયું છે?" કોઈ પ્રોબલેમ હોય તો કહે."
રીટા બોલી," sir, પ્રોબ્લેમ કંઇ નથી.બસ દરવખતની જેમ રજા જોઈએ છે."
રવિ ભાઈ બોલ્યા," સારું,તારું મન હોય ત્યારે પાછી આવી જાજે."
આ બનાવ પહેલી વાર નહોતો. આવું દર બે મહિને થતું. રીટા એમની દીકરી જેવી.
રવિ ભાઈ રીટા ને કોઈ પણ કારણ પૂછયા વગર રજા આપી દેતાં.રવિભાઈ એ રીટાને પોતાની નજર સમક્ષ મોટી થતાં જોઈ છે અને એની માનસિકતા થી પણ સારી રીતે પરિચિત હતા.
એમણે જ રીટા ને આ માર્ગ સુઝવાડ્યો હતો.રીટા ના જીવન નાં દરેક ઉતાર ચઢાવ એમણે જોયા હતાં.રીટાને એકલતાથી એકાંત તરફ આ રવિભાઈ જ લઈ ગયા.
રીટા દર બે મહિને રજા લઈ ને બહાર જવા નીકળી જતી.એની રજા ૫,૭,૧૦,૧૨ દિવસ ની પણ થઈ જતી.કંઇ નક્કી નહિ.
રવિભાઈ જાણતા હતા કે વ્યક્તિ પૈસા કમાઈ લેશે પણ , માનસિક રીતે તૂટેલી વ્યક્તિ જીવશે કંઇ રીતે?એ વિચારી ને રજા આપી દેતાં.
ઘરે જઈને રીટા જમી,અને આરામ કરવા બેડરૂમ માં ગઈ.
ફોન હાથમાં લીધો ને આ વખતે ગિરનાર જવા ટિકિટ બુક કરાવી.
સવારે ઉઠી ને તૈયાર થઈને એ ગિરનાર જવા નીકળી ગઈ.
ત્યાં પહોંચી ને એક રૂમ બુક કરાવી લીધો કુલ ૧૦ દિવસ માટે.
આરામ કરી સવારે ઉઠી કોફી અને નાસ્તો પતાવી ને ગિરનાર ચઢવા તૈયાર થઈ.
ગિરનારની ટોચ પર ચઢી ગઈ અને ઊંડો શ્વાસ લઈને બોલી,"હાશ, ઈશ્વર તારું સૌંદર્ય હું પૂરેપૂરું માણીશ.
તારે મને આ ૧૦ દિવસ સાચવવાની છે."
કંઇ ખબર પડી? શારીરિક તંદુરસ્તી કરતાં,પૈસા કરતાં,બધી જ સગવડો કરતાં વધુ જરૂરી છે માનસિક તંદુરસ્તી.
રીટા આમતો એકલી જ છે.પણ ઘરમાં એ એકલતા અનુભવે છે.અને જ્યારે આ રીતે દર બે મહિને કુદરતના ખોળે જાય છે,ત્યારે એકાંત.
વ્યક્તિ એકલી રહેતી હોય એટલે એને પૂરેપૂરું એકાંત મળે જ,એ વાત ખોટી છે.
વ્યક્તિ એકલી હોય છે ત્યારે માત્ર એની સાથે એકલતા હોય છે.
પણ જ્યારે એ એકલી રહીને પણ કુદરત ને સાથે રાખીને પોતાનું મનગમતું કાર્ય કરે છે. ફરવાનું,ગાવાનું,આવા અનેક કાર્ય છે અને એ કાર્ય થી આર્થિક ઉપાર્જન તો નથી થતું પણ માનસિક સ્થિત ખૂબ જ સુંદર બને છે અને વ્યક્તિના મન ની સ્થિતિ ડામાડોળ નથી થતી. અને વ્યક્તિ ને પોતાના એકલા હોવાનો આભાસ પણ થતો નથી અને એના મનગમતા કાર્ય સાથે એને એકાંત મળી રહે છે.
એકાંત વ્યક્તિને પ્રગતિ તરફ લઈ જાય છે.જ્યારે એકલતા માં વ્યક્તિ માનસિક ખોખલી થઈ જાય છે.
એકલા હોઈએ ત્યારે મન પર વિચારો નું શાસન ચાલવા દેવું એટલે એકલતા નો અનુભવ થાય છે. અને જ્યારે મન પર વ્યક્તિ નું નિયંત્રણ હોવું એટલે એકાંત નો અનુભવ .....
જ્યારે પણ એવું લાગે કે એકલતા હાવી થાય છે,ત્યારે એકાંત ને શોધવા પ્રયત્ન કરવો જોઈએ.
ચોક્કસથી કુદરત મળી રહેશે.
-@nugami.
.