Anant Safarna Sathi - 6 in Gujarati Fiction Stories by Sujal B. Patel books and stories PDF | અનંત સફરનાં સાથી - 6

Featured Books
Categories
Share

અનંત સફરનાં સાથી - 6

૬. સફર




રાહી અને રાધિકા રાતનાં આઠ વાગ્યે પોતાનો બધો સામાન લઈને હોલમાં આવી. મહાદેવભાઈ અને દાદી બંને સોફા પર બેઠાં હતાં. ગૌરીબેન કિચનમાંથી એક વાટકામાં દહીં અને ખાંડ લઈને આવ્યાં.
"જતાં પહેલાં મોઢું મીઠું કરી લે. તારું કોમ્પિટિશન હશે ત્યારે તો હું ત્યાં નહીં હોય. એટલે અત્યારે જ તને આશીર્વાદ અને શુભકામનાઓ આપી દઉં." ગૌરીબેને એક ચમચી ભરીને દહીં અને ખાંડ રાહીના મોં તરફ લંબાવીને કહ્યું. રાહી ચમચી મોંમાં મૂકીને સ્માઈલ કરવાં લાગી. ત્યાં અચાનક જ રાધિકા ગૌરીબેન સામે આવીને ઉભી રહી ગઈ.
"મને પણ દહીં અને ખાંડ ખવડાવ. માન્યું કે મારે કોઈ કોમ્પિટિશનમા પાર્ટીસિપેટ નથી કરવાનું. પણ હું દીદુનો તૈયારીમાં સાથ તો આપવાની જ છું. તો શુભકામનાઓની મારે પણ જરૂર છે." રાધિકાએ નખરાં કરતાં કહ્યું. ગૌરીબેને તેને પણ‌ દહીં અને ખાંડની ચમચી ભરીને મોંમાં મૂકી. રાધિકા દહીં અને ખાંડને ચોકલેટ સમજીને આંખો બંધ કરીને તેને મોજ સાથે ખાવાં લાગી. ખાવાની શોખીન રાધિકાનુ એક ચમચી દહીં ખાંડથી કંઈ નાં થયું. તો તેણે બીજી ચમચી જાતે જ ખાઈ લીધી. પછી બે ચમચીએ પણ કાંઈ નાં થતાં. તે ગૌરીબેનના હાથમાંથી આખી કટોરી લઈને ઉભાં ઉભાં જ ખાવાં લાગી.
"અરે બસ કર. હવે મોડું થાય છે. ચાલ જલ્દી. ટ્રેન છૂટી ગઈ. તો બીજી મળવી મુશ્કેલ છે." રાહીએ રાધિકાનો હાથ પકડી દરવાજા તરફ આગળ વધતાં કહ્યું.
રાધિકા દહીં ખાંડની કટોરી સાથે જ દરવાજા તરફ આગળ વધી રહી હતી. એ જોઈને બધાં હસવા લાગ્યાં. રાધિકાએ કારમાં બેસીને વિન્ડો ખોલીને દહીં ખાંડની કટોરી સાફ કર્યા પછી એ કટોરી ગૌરીબેનને આપી.
"પપ્પા, અત્યારે અમે કારમાં જ જઈએ છીએ. અમદાવાદ જંકશન પર પહોંચી જઈશું. પછી કાર્તિક આવીને કારને ઘરે મૂકી જશે." રાહીએ ડ્રાઈવર સીટ પર બેસતાં કહ્યું. મહાદેવભાઈએ બધી બેગ્સ પાછળની સીટ પર ગોઠવી દીધી. રાહી અને રાધિકા બધાંને બાય કહીને અમદાવાદ જંકશન તરફ આગળ વધી ગઈ.
રાહીએ અમદાવાદ જંકશન પહોંચીને કાર રોકી. રચના અને કાર્તિક ત્યાં ઉભાં એ બંનેની જ રાહ જોઈ રહ્યાં હતાં. રાહી કારમાંથી નીચે ઉતરી. પછી કાર્તિકે તેનો સામાન બહાર કાઢ્યો. નવ થઈ ગયાં હતાં. ટ્રેન આવવામાં બસ પિસ્તાળીસ મિનિટની જ વાર હતી. બધાંએ એક એક બેગ લીધી અને પ્લેટફોર્મ તરફ આગળ વધી ગયાં. રાધિકા તેનાં મોબાઈલમાં કંઈક કરી રહી હતી. રાહી રચના સાથે વાતોએ વળગી. તો રાધિકાએ કાર્તિકનો હાથ પકડી. તેને પોતાની તરફ ખેંચ્યો.
"અરે યાર, શું છે તારે?" કાર્તિકે પરેશાન અવાજે કહ્યું.
"સાંભળ, હું તો આજે જાઉં છું. પણ અહીં જે થાય એ બધી ખબર તારે મને પહોંચાડવાની છે. તારાં કારણે કોઈ પણ ગરબડ થઈ. તો ધ્યાન રાખજે તારી સ્વીટી આ જન્મમાં તો તને નહીં જ મળે. હું તારી કુંડળીમાં એવો ઘેરો મારીને બેસીશ કે સ્વીટી શું તેનાં પડછાયાને પણ તારી આજુબાજુ પણ ફરકવા નહીં દઉં." રાધિકાએ કાર્તિકનો કોલાર પકડીને કહ્યું.
કાર્તિક કંઈ કહે. એ પહેલાં જ ટ્રેન આવી ગઈ. તો રાહીએ કહ્યું, "રાધુ, જલ્દી ચાલ."
રાધિકા કાર્તિકનો કોલાર છોડીને સામાન સાથે ટ્રેન તરફ ભાગી. રચના અને કાર્તિકે બધો સામાન અંદર મૂક્યો. રાહી અને રાધિકા દરવાજે આવીને બંનેને હાથ હલાવી બાય કહેવા લાગી. ટ્રેનની વ્હિસલ વાગતાં એક છોકરી સામેની તરફથી દોડતી ટ્રેન તરફ જ આવી રહી હતી. ટ્રેન ધીમી ગતિએ ચાલતી થઈ. ત્યાં જ રાહીએ પોતાનો એક હાથ આગળ કર્યો. એ છોકરીએ પોતાનો હાથ રાહીના હાથમાં આપ્યો. એક ઝટકા સાથે એ છોકરીએ બેગ રાધિકા તરફ લંબાવ્યું.‌ રાધિકાએ બેગ પકડ્યું અને છોકરી રાહીનો હાથ પકડીને ટ્રેનની અંદર આવી. એ સાથે જ ટ્રેને તેની ગતિ પકડી લીધી.
"હાશ... બરાબર સમય પર પહોંચી." છોકરીએ લાંબો હાશકારો અનુભવ્યો.
"દીદુએ હેલ્પ નાં કરી હોત. તો આજે તારી ટ્રેન તો છૂટી જ જવાની હતી. અને આ તો પેલાં શાહરૂખ ખાનનાં DDLJ દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે મુવી જેવું થઈ ગયું. દીદુએ શાહરૂખ ખાન બનીને કાજોલ... મતલબ તારી ટ્રેન છૂટતાં બચાવી લીધી. " રાધિકાએ રાહીના બંને ખંભા પકડીને પેલી છોકરી સામે જોતાં કહ્યું.
"સાચે યાર, થેંક્સ. તમે હેલ્પ નાં કરી હોત. તો આજે ભાઈનાં લીધે મારી ટ્રેન છૂટી જ ગઈ હોત. બાય ધ વે, આઈ એમ તન્વી પટેલ ફ્રોમ મુંબઈ સીટી એન્ડ યુ??" તન્વીએ આભાર વ્યક્ત કરીને પોતાનો ઈન્ટ્રો આપતાં પૂછ્યું.
"આઈ એમ રાધિકા સિનોજા એન્ડ હીઝ માય સિસ્ટર રાહી સિનોજા ફ્રોમ અમદાવાદ સીટી." રાધિકાએ પોતાનો અને રાહીનો ઈન્ટ્રો આપતાં કહ્યું. તન્વીએ બંને સાથે શેક હેન્ડ કર્યું. પછી ત્રણેય પોતાની સીટ પર જવાં લાગી. સંયોગથી રાધિકા અને રાહીની સામેની સીટ જ તન્વીની હતી. તન્વીએ પોતાનું બેગ ઉપર મૂક્યું. પછી ત્રણેય પોતાની સીટ પર બેઠી.

ટ્રેન પ્લેટફોર્મ ક્યારની છોડી ચુકી હતી. ત્યાં જ તન્વીના મોબાઈલની રીંગ વાગી. "જીંદગી એક સફર હૈ સુહાના, જાને કલ ક્યાં હો કિસને જાના." ગીત વાગતાં જ તન્વીએ કોલ રિસીવ કરી કાને લગાવ્યો.
"ક્યાં છે તું?? હું ક્યારનો તને શોધું છું." સામેથી એક સખ્ત અવાજ સંભળાયો.
"હું તો ટ્રેનમાં બેસી પણ ગઈ. અને ટ્રેન ઉપડી પણ ગઈ. હજું થોડીવાર તમારી રાહ જોઈ હોત. તો ટ્રેન છૂટી પણ જાત. પછી..." તન્વી આગળ કંઈ બોલે. એ પહેલાં જ સામેથી થોડો નરમ અને ચિંતાજનક અવાજ તન્વીના કાને પડ્યો, "હાં.. હાં..ઠીક છે. પણ તારું ધ્યાન રાખજે. પહોંચતાની સાથે જ મને ફોન કરજે."
"ઓકે, તમે ચિંતા નાં કરો. અહીં મને બહું સારી બે ફ્રેન્ડ મળી ગઈ છે. તેણે જ મારી મદદ કરી. જેનાં લીધે મારી ટ્રેન છૂટતાં છૂટતાં રહી ગઈ." તન્વીએ શાંત સ્વરે કહ્યું.
"ઓકે, ટેક કેર." કહેતાં જ કોલ કટ થઈ ગયો. તન્વી મોબાઈલ હાથમાં રાખીને સ્માઈલ કરવાં લાગી.
"કોણ હતું?? પપ્પા કે..." રાધિકાએ હાથ વડે ઈશારો કરતાં પૂછ્યું.
"પપ્પા કે મમ્મી કોઈ નહીં. મારો ભાઈ હતો. જેનાં કારણે મારી ટ્રેન છૂટી જવાની હતી." તન્વીએ ફરી એ જ સ્માઈલ કરતાં કહ્યું.
"ઓહ, પણ તેનાં લીધે કેમ?" આખરે ક્યારની ચૂપ બેસેલી રાહીએ પૂછ્યું.
"અમે મુંબઈથી આવતાં હતાં. ત્યારે અચાનક જ તેમની એક વિડિયો કોલ મિટિંગ નક્કી થઈ. બસ એમાં જ ભાઈએ ખાસ્સો એવો સમય લઈ લીધો. એમાં અમે મોડાં પડ્યાં. આજે ટ્રેન છૂટી ગઈ હોત. તો ભાઈની એ સો કરોડની ડીલ વાળી મિટિંગના બદલે મને સો કલાકનું ભાષણ સાંભળવા મળતું. પપ્પા ભાઈની સાથે મારી પણ ક્લાસ લગાવી દેતાં." તન્વીએ ટ્રેન છૂટી ગઈ હોત તો શું થાત તેની કલ્પના કરતાં કહ્યું.
"આ પપ્પા લોકો એવાં જ હોય છે." રાધિકાએ મોઢું બગાડતાં કહ્યું. તો રાહીએ તેને કોણી મારીને ચૂપ રહેવા ઈશારો કર્યો. રાધિકા ફરી મોઢું બગાડીને ચૂપ થઈ ગઈ.
"મારાં પપ્પા એવાં બિલકુલ નથી. પણ આ તો તેનાં ખાસ ફ્રેન્ડની છોકરીનાં લગ્ન છે. જેમાં તે નાં જઈ શક્યાં. તો મને અને ભાઈને જવાં કહ્યું. બસ એટલે જ લગ્નમાં સમયસર નાં પહોંચીએ. તો પપ્પાને દુઃખ થાય. તો અમારા વાંકના લીધે તેમનું અમને થોડું ઘણું કહેવું તો બને જ." તન્વીએ તેની આખી સીટ ખાલી હોવાથી પગ ઉપર લઈને પલાંઠી વાળીને બેસતાં કહ્યું.
"તારે અને તારાં ભાઈને બંનેને જવાનું હતું. તો તું એકલી કેમ?" રાધિકાએ અચાનક જ પૂછ્યું.
"ભાઈને ટ્રેનમાં આવવું પસંદ નથી. આમ પણ અમદાવાદમાં તેમને થોડુંક કામ હતું.‌ તો એ પાછળથી આવશે." તન્વીએ મોબાઈલ મચેડતા કહ્યું.
"તો તું કોને ત્યાં લગ્નમાં જઈ રહી છે?" રાધિકાએ થોડી વાર પછી પૂછ્યું.
"મારાં પપ્પાના ફ્રેન્ડ છે. રાજુભાઈ મિશ્રા.. તેની દીકરી અંકિતાના લગ્નમાં જઈ રહી છું." તન્વીએ કહ્યું.
"વાઉ યાર...અમે પણ ત્યાં જ જઈએ છીએ." રાધિકાએ ઉછળીને કહ્યું.
"ઓહ... ગ્રેટ... હવે તો લગ્નમાં ધમાલ મચાવી દઈશું." તન્વીએ પણ ખુશ થતાં કહ્યું.
"યા...આમ પણ ગુજરાતીઓ અને એમાંય પટેલ હોય. ઉપરથી અમદાવાદી સાથે હોય. ત્યાં તો મોજ જ મોજ હોય." રાધિકાએ ગુજરાતી અને અમદાવાદી હોવાનો વટ પાડતાં કહ્યું.
રાધિકા અને તન્વી વચ્ચે વાતોનો સિલસિલો આગળ વધ્યો. જ્યાં બે છોકરીઓ ભેગી થાય. ત્યાં વાતોનો કોઈ અંત નાં હોય. આમ પણ રાધિકા તો હતી જ બોલકી. એમાં તન્વીને પણ ચૂપ રહેવું કંઈ ખાસ પસંદ હોય એવું લાગતું ન હતું. વાતોમાં ક્યારે રાતનો એક થઈ ગયો. કોઈને ખબર નાં પડી. હવે તન્વી અને રાધિકા બંનેને બગાસું આવતી હતી. જે તેની આંખોમાં રહેલી ઉંઘના અણસાર દર્શાવતી હતી. બંને ધીમે-ધીમે આંખો મીંચીને સૂઈ ગઈ.

રાહી વિન્ડો તરફની સીટ પર બેઠી હતી. તે રાતનાં અંધારામાં પણ વિન્ડોની બહાર જોઈ રહી હતી. અચાનક જ તેણે બેગમાંથી ડાયરી કાઢી અને લખવાનું શરૂ કર્યું. લખતી વખતે ફરી તેનાં ચહેરાનાં હાવભાવ બદલાવા લાગ્યાં. પણ આ વખતે માત્ર ખુશી જ હતી. જે ક્યારેક વધું તો ક્યારેય ઓછી થઈ રહી હતી.

एक नए सफ़र की शुरुआत हो चुकी है
रहें है हम उस शहर में
जहां तुमसे मिलने की एक उम्मीद छिपी है।
वहां आकर, वहां के घाट पर बैठकर
तुम्हारा इंतज़ार करना है।
बस एक बार
मेरी तुम्हें ढूंढने की कोशिश कामयाब हो जाएं
तो मेरी हर खुशी तुम्हारे नाम करके
तेरा हर ग़म तुझसे चुराना है।
अब नहीं इंतज़ार होता
तुमसे मिलकर, मुझे तुम्हारा ही होकर रह जाना है।
क्यूंकि आज़ से
एक नए सफ़र की शुरुआत हो चुकी है।।

રાહીને હિંદી ભાષા પ્રત્યે એક અલગ જ લગાવ હતો. પહેલાં તો એ દેશની માતૃભાષા છે એટલે અને બીજું હવે બનારસમાં શિવને મળવાની ઉમ્મીદ જાગી. તો તેને હિંદી ભાષા પ્રત્યે વધું જ લગાવ થઈ ગયો. આખરે બનારસના લોકો હિન્દીભાષી જ તો છે. રાહી પણ એકવાર બનારસના રંગે રંગાઈને બનારસી બનવા માંગતી હતી.
રાહીએ લખીને ડાયરી ફરી બેગમાં મૂકી દીધી. પછી પોતે પણ આંખો બંધ કરીને સૂઈ ગઈ. સૂતે વખતે રાહીના ચહેરા પર ગજબની શાંતિ અને કંઈક મેળવવાની ઉમ્મીદ હતી. જે બંધ આંખોએ પણ તેનાં ચહેરા પર નજર આવી રહી હતી.
સવારનાં છેલ્લાં પ્રહરે તન્વીની આંખ ખુલી. તન્વીએ આળસ મરડીને વિન્ડોની બહાર નજર કરી. તે પહેલીવાર બનારસ જઈ રહી હતી.‌ તો તેને એકેય જગ્યાઓ વિશે કંઈ ખાસ ખબર ન હતી. રાધિકા અને રાહી હજું સૂતી હતી. થોડીવાર પછી રાધિકા પણ જાગી. ત્યાં જ એક સ્ટેશન પર ટ્રેન ઉભી રહી.
સ્ટેશન પર ચાની ટપરીવાળાને જોઈને રાધિકાએ તન્વી સામે જોતાં કહ્યું, "ચાલ, ચા પીએ."
તન્વી તો તરત જ ઉભી થઈ ગઈ. રાધિકા પણ ઉભી થઈ. ત્યાં જ તેની નજર હજું પણ સૂઈ રહેલી રાહી પર પડી. તેણે એક નજર રાહી પર કરી અને સ્માઈલ કરતી તન્વી સાથે ટ્રેનની નીચે ઉતરી ગઈ.
"રાહી ચા નહીં પીવે?" તન્વીએ ટ્રેનની નીચે ઉતરીને પૂછ્યું.
"દીદુ ચા પીવે છે. પણ દૂધવાળી નહીં. એ ગ્રીન ટી પીવે છે." રાધિકાએ આગળ ચાલતાં કહ્યું. તેની નજર પાછળ ચાલી આવતી તન્વી તરફ હતી. ત્યાં જ એ એક છોકરાં સાથે અથડાઈ ગઈ.
"સોરી... સોરી.." છોકરો બોલ્યો.
"ઈટસ્ ઓકે." રાધિકાએ છોકરાં તરફ ફરીને કહ્યું. "પણ જો આ જાણી જોઈને કર્યું હોય. તો નોટ ઓકે." છોકરાંને પોતાની સામે અલગ જ રીતે જોતાં જોઈને રાહી ફરી બોલી.
"જાણી જોઈને ન હતું."છોકરો થોડી સ્માઈલ કરતાં બોલ્યો. બ્લેક જેકેટ જેની અડધી ચેન ખુલ્લી હતી. કાળાં વાળ જેને જેલથી સેટ કર્યા હતાં. નાની ભૂરી કીકીઓ વાળી આંખો, જે કોઈને પણ ઘાયલ કરવાં કાફી હતી. પણ રાધિકાને એનાંથી કોઈ ફરક નાં પડ્યો. રાધિકાએ તેનાં હાથમાં બે ચાના કપ જોયાં. એ જોતાં રાધિકાનો ગુસ્સો થોડો ઓગળી ગયો.
ચાની ચસેડી રાધિકા તન્વી સાથે ચાની ટપરી તરફ આગળ વધી ગઈ. પેલો છોકરો પણ ટ્રેનની અંદર જતો રહ્યો. રાધિકાએ બે કપ ચાનો ઓર્ડર આપ્યો. પછી ત્યાં પડેલી બેન્ચ પર તન્વી સાથે બેસી ગઈ. માહોલમાં થોડી ગુલાબી ઠંડી પ્રસરેલી હતી. રાધિકા બંને હાથની હથેળીઓ એકબીજા સાથે ઘસતી ચાની રાહ જોઈ રહી હતી. ત્યાં જ એક નાનો છોકરો આવીને રાધિકા અને તન્વીને તેમની ચા આપી ગયો. ચા પ્રેમી રાધિકા પોતાનાં સુંવાળાં ગુલાબી હોંઠો સાથે ચાનો કપ લગાવીને ચા પીવા લાગી. તન્વી પણ એટલી જ ખુશીથી ચા પી રહી હતી.
"થોડું ગરમ પાણી મળશે?" રાધિકાએ ઉભાં થઈને ચા બનાવી રહેલાં ભાઈને પૂછ્યું.
તે ભાઈ રાધિકાને ઘૂરીને જોવાં લાગ્યાં. તો રાધિકાને અજીબ લાગ્યું. રાધિકાને મનમાં થયું. ગરમ પાણી માંગીને કોઈ ભૂલ તો નથી કરી ને?? રાધિકા ચા વાળાને એ રીતે જોતાં જોઈને અસમંજસમાં હતી. એ સમયે જ બીજું કોઈ પણ હતું. જે ટ્રેનના દરવાજા પાસે ઉભું રહીને રાધિકા જુએ નહીં એ રીતે રાધિકાને જોઈ રહ્યું હતું. ત્યાં જ તન્વી ઉઠીને તેની પાસે આવી.
"આ મને આમ કેમ જુએ છે?" રાધિકાએ તન્વીને પૂછ્યું.
"તે શું કહ્યું એમને?" તન્વીએ સામે સવાલ કર્યો.
"થોડું ગરમ પાણી મળશે? એમ પૂછ્યું."
"પાગલ, અહીં બધાં હિન્દીભાષી છે. તેમને ગુજરાતી નહીં સમજાય. હવે થોડાં દિવસો સુધી હિન્દી બોલવાની આદત પાડી લે." કહેતાં તન્વી હસવા લાગી. પછી ચા બનાવી રહેલાં ભાઈ તરફ આગળ વધીને પૂછ્યું, "ભૈયા, થોડાં ગર્મ પાની મિલેગા?"
એ ભાઈએ તરત જ પાણી ગરમ કરી આપ્યું. રાધિકા બર્થમા જઈને રાહીનો ગ્રીન ટીનો કપ લઈને આવી. ચા વાળા ભાઈએ એમાં પાણી ઠાલવી આપ્યું. તો રાધિકા તન્વી સાથે ફરી બર્થની અંદર આવી ગઈ. ત્યાં સુધીમાં રાહી ઉઠી ગઈ હતી.
"આ લ્યો દીદુ, તમારું ગરમ પાણી ટી બેગ કાઢીને ગ્રીન ટી પી લો." રાધિકાએ રાહીને ગરમ પાણીનો કપ આપતાં કહ્યું.
રોજ સવારે ગૌરીબેન રાહીને ગ્રીન ટી આપવા આવતાં. આજે રાધિકાએ રાહી માટે એટલું વિચાર્યું. એ જાણીને રાહીને ખુશી થઈ. મારી બહેન મોટી થઈ રહી છે. એમ વિચારતાં રાહીએ ગરમ પાણીનાં કપમાં ટી બેગ મૂકી.

ટ્રેન થોડીવાર પછી ફરી શરૂ થઈ ગઈ. રાહી વિન્ડોની બહાર જોતી ગ્રીન ટી પીવા લાગી. તન્વી રાહીને ગ્રીન ટી પીતી જોઈને કંઈક વિચારી રહી હતી. ત્યાં એકાએક જ રાહીની નજર તન્વી પર પડી.
"આમ શું જુએ છે?" તન્વીને એ રીતે જોતાં જોઈને રાહીએ પૂછ્યું.
"એ જ કે તમને લોકોને આ ગ્રીન ટી કેવી રીતે પીવી ગમે??" તન્વીએ પોતાનાં મનમાં ચાલી રહેલી વાત જણાવી.
"તમને મતલબ?? તારાં ઘરમાં પણ કોઈ ગ્રીન ટી પીવે છે??" રાહીએ સવાલ કર્યો.
"નાં, મારાં ઘરમાં તો બધાં ચા પ્રેમી જ છે. સૌથી મોટો ચા પ્રેમી તો મારો ભાઈ છે. તેની સવાર તો કડક મીઠી મસાલેદાર ચા વગર થાય જ નહીં." તન્વીએ તેનાં ભાઈને યાદ કરતાં કહ્યું.
"ઓહ." કહેતાં રાહીએ તેની ગ્રીન ટી પર ધ્યાન આપ્યું.
"તે એ તો જણાવ્યું જ નહીં. તું મુંબઈમાં રહે છે. તો ત્યાંથી અહીં આવીને બનારસની ટ્રેન પકડી. એવું કેમ કર્યું??" અચાનક જ રાધિકાએ નવો સવાલ પૂછ્યો.
"ભાઈને અમદાવાદ કામ હતું. આમ પણ મારાં નાના નાની અમદાવાદ રહે છે. તો એવું વિચાર્યું કે તેને પણ એ બહાને મળી લઈશું. આમ પણ ભાઈનો અમદાવાદ સાથે કંઈક જુદો જ સંબંધ છે." તન્વીએ કંઈક વિચારતાં કહ્યું.
"મતલબ??" રાધિકાએ ઉત્સુકતા સાથે પૂછ્યું.
"એ બહું લાંબી કહાની છે. ભાઈની ઈચ્છા રહી તો બનારસના ઘાટ પર બેસીને તેનાં જ મોંઢે બધું સાંભળીશું." તન્વીએ ચહેરા પર થોડી ખુશી સાથે કહ્યું.

સફર બહું લાંબુ હતું. તો રાહીએ ગ્રીન ટી પીને કાનમાં હેડફોન લગાવીને ગીતો સાંભળવાનું શરૂ કર્યું. રાધિકા અને તન્વી નોન સ્ટોપ વાતો કર્યે જતી હતી. બંનેને થોડાં જ સમયમાં એકબીજા સાથે સારું ફાવી ગયું હતું. સવારે કોઈએ નાસ્તો કર્યો ન હતો. એટલે બપોર થતાં જ રાધિકાને ભૂખ લાગી.
રાહીએ ઘરેથી લાવેલા ગૌરીબેનના હાથનાં ખાખરા અને બીજો સૂકો નાસ્તો કાઢ્યો. તન્વીએ પણ પોતે લાવેલો નાસ્તો કાઢ્યો. ત્રણેયે મળીને નાસ્તો કર્યો. પછી ફરી તન્વી અને રાધિકાની વાતો શરૂ થઈ. રાહી લેપટોપ ખોલીને તેમાં કામ કરવાં લાગી.
રાતે મોડાં સુધી જાગવાથી રાધિકા અને તન્વીને વાતો કરતાં કરતાં ઉંઘ આવવાં લાગી. તન્વી સીટ સાથે માથું ટેકવીને અને રાધિકા રાહીના ખંભે માથું ટેકવીને સૂઈ ગઈ. અચાનક જ સ્ટેશન પર ટ્રેન ઉભી રહી. તન્વી પોતાની સીટમાં એકલી જ હતી. અચાનક એક છોકરો આવીને તેની પાસે બેઠો. બીજી બધી સીટ આખી ભરેલી હતી. તો રાહી તેને ત્યાં બેસવાની નાં ન પાડી શકી. તન્વી અને રાધિકા આરામથી સૂતી હતી.
તન્વીની જ્યારે આંખ ખુલી. ત્યારે તેણે આળસ મરડવા હાથ ફેલાવ્યા. તો બીજી તરફ બેઠેલાં છોકરાંને તન્વીનો હાથ લાગ્યો. તેનાં મોઢામાંથી એક હળવી ચીસ નીકળી ગઈ, "આહ.."
તન્વીએ સરખી આંખો ખોલીને બાજુમાં નજર કરી. તે એકીટશે એ છોકરાંને જોવાં લાગી. ઉંઘના કારણે તન્વીની આંખો સરખી ખુલી રહી ન હતી. તેણે આંખો ચોળીને ફરી એ છોકરાંને નિરખીને જોયો.
ગોળ ભીનાં વાને ચહેરો, સરખાં ઓળેલા વાળ, થોડી મોટી આંખો, સહેજ વધારેલી સેટ કરેલી દાઢી, ગળામાં સોનાનો ચેઈન, હાથમાં એક બેગ, કાનમાં ઈયરફોન સાથે એ છોકરો તન્વીના એ રીતે પોતાને વારંવાર જોવાથી તન્વીની સામે જ જોઈ રહ્યો હતો. ત્યારે જ રાધિકા પણ જાગી. તે પણ એ છોકરાંને અચાનક ત્યાં જોઈને હેરાન હતી. આટલાં સફરમાં એ ત્રણેય એકલી જ હતી. એવામાં અચાનક એ છોકરો આવ્યો. જેની તેમને ખબર પણ ન હતી. તો નવાઈ લાગવી વ્યાજબી હતું.
રાધિકા ઘડીક રાહી તો ઘડીક એ છોકરાં સામે જોઈ રહી હતી. રાહીએ નીચેથી તન્વીનો પગ દબાવ્યો. તેણે એક હળવી આહ સાથે રાહી સામે જોયું. છોકરો કંઈ સમજી નાં શક્યો. તે મોબાઈલ મચેડવા લાગ્યો. તન્વી અને રાધિકા હાથનાં ઈશારે રાહીને છોકરો ક્યારે આવ્યો? એવું પૂછવા લાગી. તો રાહી કંઈ જવાબ આપ્યા વગર જ લેપટોપમાં કામ કરવાં લાગી.
તન્વી અને રાધિકા હવે વાત કરી શકે એમ ન હતી. કોઈ અજાણ્યો છોકરો તેમની પાસે બેઠો હોય. એવામાં કોઈ પણ વાત ખુલીને કરવી થોડું અજીબ લાગે. રાધિકા અને તન્વી એકબીજાને જોતી ચૂપ બેઠી હતી. બંનેની એવી હાલત જોઈને રાહીને મનમાં જ હસવું આવતું હતું.

વાતાવરણ ધીરે-ધીરે બોરિંગ થવા લાગ્યું હતું. છોકરો ઈયરફોન કાનમાંથી કાઢીને સીટ સાથે માથું ટેકવીને આંખો બંધ કરીને બેઠો હતો. "હાશ..હવે આ બંને બનારસ આવ્યાં સુધી કંઈ નહીં બોલે." રાહી મનોમન જ બોલી. ત્યાં અચાનક જ મોબાઇલની રિંગ વાગી. 'રંગ મેં ભંગ યા ભંગ મેં રંગ બનારસિયા...હાયે બનારસિયા' ગીતનો અવાજ કાને પડતાં જ છોકરાએ કોલ રિસીવ કરી મોબાઈલ કાને લગાવ્યો. બે મિનીટ વાત કરીને છોકરાએ હસતાં મોંએ મોબાઈલ ફરી ખિસ્સામાં મૂકી દીધો.
તન્વી અને રાધિકા બનારસ ગીતની રિંગ ટોન સાંભળીને ફરી એ છોકરાં સામે જોવાં લાગી. ત્યાં જ છોકરાએ જ વાતની શરૂઆત કરતાં કહ્યું, "વો ક્યા હૈ ના હમ બનારસ સે હૈ. ઈસ લિયે હમને યે ગાના અપને મોબાઈલ કી રિંગ ટોન મેં રખા હૈ. હમે હમારા બનારસ બહુત હી પ્યારા હૈ."
"તો આપને વો હી પ્યાર સબ કે સામને જતાને કે લિયે બનારસ કો અપની રિંગ ટોન બના લી." તન્વીએ મજાક કરતાં કહ્યું.
"અરે નાહી, પ્યાર જતાયા થોડી ના જાતા હૈ. વો તો અપને આપ હી સબકો દિખ જાતા હૈ. વૈસે ભી હમને અપની નહીં અપને મોબાઈલ કી રિંગ ટોન મેં બનારસ કા ગીત રખા હૈ. બાકી હમારા બનારસ ઔર વહાં કે લોગો કા તો દિલ હી ઈતના બડા હૈ કિ ઉનકે લિયે બડી સે બડી જગહ ભી કમ પડ સકતી હૈ." છોકરાએ અમુક શબ્દોમાં જ બનારસના અને ત્યાંનાં લોકોનાં એટલાં વખાણ કરી દીધાં. કે રાધિકા અને રાહીની બનારસને જોવાની તલબ પહેલાં કરતાં પણ વધી ગઈ.
રાહી પણ છોકરાંની વાતો સાંભળીને કામ ભુલીને તેની વાતો અને બનારસની ખુબસુરતીમાં ખોવાઈ ગઈ. એ ત્રણેય પહેલીવાર બનારસ જતી હતી. એમાંય ત્યાં જ રહેતાં વ્યક્તિ પાસેથી ત્યાંની સુંદરતા વિશે સાંભળીને રાહીને જલ્દી ત્યાં પહોંચવાની તલબ જાગી ગઈ.
છોકરાએ વાતની શરૂઆત શું કરી. રાધિકા અને તન્વી તો ફરી તેની સાથે વાતોએ જ વળગી પડી. છોકરાએ બનારસના ઘાટ, બનારસની ચાટ, ત્યાંની ચા, ત્યાંના લોકો, ભાષા, મંદિરો બધાનું વર્ણન રાહી, રાધિકા અને તન્વી સામે કરી દીધું.
"બસ...બસ... બધું અત્યારે જ સાંભળી લઈશું. તો બનારસ જઈને બધું જોવાની તલબ વધી જશે. તો જે કામે આવ્યાં છીએ. એ કામ તો રહી જ જાશે." રાધિકાએ ઉતાવળાં અવાજે કહ્યું. એ સાથે જ પેલાં છોકરાં સહિત બધાં હસવા લાગ્યાં. રાધિકાએ ગુજરાતીમાં કહ્યું. તો છોકરો વધું કંઈ નાં સમજી શક્યો. પણ રાહી અને તન્વીને હસતી જોઈને એણે પણ હસી કાઢ્યું.
"બાય ધ વે, આપને અપના નામ નહીં બતાયા." તન્વીએ અચાનક જ કહ્યું.
"હમારા નામ શુભમ હૈ. ઔર આપ સબ કા??" શુભમે પૂછ્યું.
"મૈં તન્વી, યે રાધિકા ઔર યે ઈસકી સિસ્ટર રાહી. મૈં મુંબઈ સે હૂં ઔર યે દોનોં અહમદાબાદ સે હૈ." તન્વીએ બધાં અંગે જણાવતાં કહ્યું.
શુભમ સાથે થોડી વાતો કર્યા પછી બનારસ અંગે જાણ્યાં પછી રાહી, રાધિકા અને તન્વી શુભમ સાથે સહજ રીતે વાતો કરવા લાગી હતી. તન્વી તો કંઈક વધારે પડતી જ સહજ થઈ રહી હતી. એ જોઈને રાધિકાએ તન્વીને નીચેથી પગ મારીને શુભમ તરફ જોઈ નેણ ઉંચા નચાવીને બધું શું ચાલી રહ્યું છે? એમ પૂછ્યું. તો તન્વીએ સામે પગ મારીને પોતાનાં હોંઠો પર આંગળી મૂકીને ચૂપ રહેવાનો ઈશારો કર્યો. ત્યાં જ શુભમના મોબાઈલની રિંગ ફરી વાગી. બનારસિયાનુ ગીત ફરી વાગતાં તન્વીના ચહેરા પર સ્માઈલ આવી ગઈ. શુભમે ફરી બે મિનિટ જેવી વાત કરીને કોલ કટ કરી નાખ્યો.
"વો હમારી અમ્મા... મતલબ મમ્મી કા કોલ થા. હમ બનારસ પહોંચે યા નહીં. યહી જાનને કે લિયે બાર બાર ફોન કર રહી હૈ." શુભમે કહ્યું.
તન્વીએ ડોકું હલાવી શુભમની વાત સ્વીકારી. રાતનાં આઠ થઈ ગયાં હતાં. થોડી જ કલાકોમાં બનારસ રેલ્વે સ્ટેશન આવવાનું હતું. રાહી હવે વિન્ડો બહાર નજર કરીને એકીટશે પાછળ છૂટતાં રસ્તાને નિહાળી રહી હતી. તેને જે જગ્યાએ પહોંચવાનું હતું. એમાં બસ ગણતરીની કલાકો જ બચી હતી. તેનાં દિલમાં એક અલગ જ ખુશી ઉમળકો લઈ રહી હતી. ટ્રેન તેની ગતિથી આગળ વધી રહી હતી. રાહીના દિલની ધડકન વધી ગઈ હતી.
તન્વી, શુભમ અને રાધિકા પણ ઘણાં સમયથી મૌન હતાં. શુભમ કોઈ કામથી ઉજ્જૈન ગયો હતો. પાંચ દિવસ પછી તે ફરી બનારસ જઈ રહ્યો હતો. રોજ અસ્સી ઘાટ પર થતી ગંગા આરતીમાં હાજરી આપતાં શુભમે આ પાંચ દિવસ ગંગા આરતીને બહું યાદ કરી હતી. તે આંખો બંધ કરીને મનોમન જ એ નઝારો યાદ કરી રહ્યો હતો. ગંગાજીનું પાણી, અસ્સી ઘાટ પર લોકોની આરતીમાં શામેલ થવા એકઠી થયેલી ભીડ, ચોતરફ રોશની, ઘાટ પર હાથમાં પિતળનુ સ્ટેપથી બનેલું દીવાનું સ્ટેન્ડ પકડી તેમાં અનેકો દીવાની જ્યોત પ્રગટાવી લાઈનમાં ઉભાં કેટલાંય પુજારી જ્યારે શંખનાદ સાથે આરતી કરતાં ત્યારે હવામાં ગુંજી રહેલો એ શંખનાદ શુભમના કાનમાં ગુંજી ઉઠ્યો. ત્યાં અચાનક જ ટ્રેન સ્ટેશન પર ઉભી રહી.



વારાણસી (બનારસ) રેલ્વે સ્ટેશન
સમય રાતનાં : ૧૦:૪૫


રાહીએ ટ્રેન ઉભી રહી એટલે બહારની તરફ નજર કરી. બધાં ટ્રેનમાંથી નીચે ઉતરી રહ્યાં હતાં. રાહીએ આંખોમાં એક ચમક સાથે પોતાનું બેગ લીધું. રાધિકા અને તન્વી પણ શુભમ સાથે ટ્રેનની નીચે ઉતરી. બનારસની ધરતી પર પગ પડતાં જ રાહીને જાણે પાંખો આવી ગઈ. બનારસ આવવાં પાછળ માત્ર શિવને શોધવો અને અંકિતાના લગ્નમાં સામેલ થવું. એ એક માત્ર કારણ જ ન હતું. બનારસ જોવું એ રાહીનુ વર્ષો જૂનું સપનું હતું. જે આજે સાકાર થયું હતું.
અમદાવાદ, બુટિક, પરિવાર અને અમુક જિમ્મેદારીઓ વચ્ચે ઘેરાયેલી રાહીને ખુદનાં માટે બહું ઓછો સમય મળતો. પણ હવે જ્યાં સુધી તે બનારસ હતી. ત્યાં સુધી બધો સમય રાહીનો ખુદનો હતો.
રાહીએ બનારસ પ્લેટફોર્મ પર પગ મૂકતાંની સાથે જ બે હાથ ઉંચા કરીને એક અંગડાઈ લીધી. સતત ઓગણત્રીસ કલાકનું સફર સરખું જમ્યાં અને ન્હાયા વગર જ ખેડ્યાં પછી શરીરમાં થોડી સુસ્તી હતી. પણ અહીંની ગુલાબી ઠંડીએ મન અને દિલ બંને પ્રફુલ્લિત કરી દીધાં હતાં.
"ચાય પીઓગે આપ લોગ?" સ્ટેશનની બહાર નીકળીને ચાની ટપરી જોતાં જ શુભમે પૂછ્યું.
"મુજે તો સબ ચલેગા." તન્વીએ શુભમ તરફ જોતાં કહ્યું.
"મારે પણ." કહેતાં રાધિકા પણ તન્વી સાથે ચાની દુકાન તરફ આગળ વધી ગઈ.
"અરે દીદુ, તમે નહીં આવો?" રાધિકાએ થોડું આગળ ચાલીને પાછળ ઉભેલી રાહી તરફ ફરીને પૂછ્યું.
"નહીં, તમે લોકો જાવ." રાહીએ કહ્યું. રાહી આમ પણ ચા નાં પીતી. તો રાધિકા તન્વી અને શુભમ સાથે જ આગળ વધી ગઈ. તેમનાં ગયાં પછી રાહીએ અંકિતાને કોલ કર્યો. તે તેની ઘરેથી કોઈને સ્ટેશન પર લેવાં મોકલવાની હતી. તો કોઈ આવવાનું છે કે નહીં. એ જાણવાં રાહીએ તેણીનો નંબર ડાયલ કરી મોબાઈલ કાને લગાવ્યો. ત્યાં જ પાછળથી કોઈએ રાહીના ખંભે હાથ મૂક્યો. રાહીએ પાછળ ફરીને જોયું. પાછળ એક મોટી ઉંમરના અંકલ ઉભાં હતાં. તેમણે રાહી સામે સ્માઈલ કરતાં પૂછ્યું, "રાહી સિનોજા?? અંકિતાની ફ્રેન્ડ??"
"હાં, પણ...તમે??" રાહીએ સામે સવાલ કર્યો.
"અરે હું રાજુ મિશ્રા. અંકિતાના પપ્પા.." રાજુભાઈએ આંખોમાં એક ચમક સાથે કહ્યું.
"ઓહ, નમસ્તે અંકલ." રાહીએ હાથ જોડતાં કહ્યું.
રાહીએ અંકિતા સિવાય તેનાં પરિવારમાંથી કોઈને જોયાં ન હતાં. બંનેની વાત મોબાઈલ પર જ થતી. જેમાં રાહીએ માત્ર અંકિતાના મમ્મી સાથે જ ક્યારેક વાત કરી હતી. વિડિયો કોલ વખતે અંકિતા એકલી જ રહેતી. તો રાહી અંકિતા સિવાય કોઈને પર્સનલી ઓળખતી ન હતી. આમ પણ દોસ્તી અને પ્રેમ પરિવાર અને સ્ટેટ્સ જોઈને નથી થતાં. તો રાહીએ અંકિતા સિવાય ક્યારેય કોઈ વિશે જાણવાનું મહત્વ રાખ્યું પણ ન હતું.
"તું એકલી જ આવી છે?? તારી બહેન પણ સાથે આવવાની હતી ને." રાજુભાઈએ આજુબાજુ નજર દોડાવતાં પૂછ્યું. રાહીએ અંકિતાને રાધિકા પણ સાથે આવવાની છે. એ અંગે જણાવ્યું હતું. તો રાજુભાઈ પણ બંને બહેનો આવવાની છે. એમ સમજીને જ આવ્યાં હતાં.
"એ પણ આવી છે. એ તન્વી સાથે અહીં થોડે દૂર જ ચા પીવા ગઈ છે." રાહીએ સામે સડક તરફ નજર કરતાં કહ્યું.
તન્વી નામ સાંભળીને રાજુભાઈ ચમક્યાં. તેમણે સામેથી આવી રહેલી તન્વીને જોતાં જ કહ્યું, "ઓહ, તો તન્વી પણ તમારી સાથે જ હતી."
"હાં, અંકલ. અમારી મુલાકાત ટ્રેનમાં જ થઈ ગઈ." તન્વીએ આવીને રાજુભાઈને ભેટીને કહ્યું. તન્વી રાજુભાઈ માટે દીકરી સમાન જ હતી. તેમણે અંકિતા અને તન્વીમા ક્યારેય કોઈ ફરક રાખ્યો ન હતો.
"તો ચાલો હવે ઘરે જઈએ." કાલે સવારે હલ્દીની રસમ પણ છે. તમે પણ લાંબુ સફર કરીને થાકી ગયા હશો." રાજુભાઈએ કહ્યું. પછી બધાં કાર તરફ આગળ વધી ગયાં. બધી બેગ્સ કારની ડિકીમા ગોઠવીને તન્વી, રાધિકા અને રાહી કારની અંદર બેઠી. રાજુભાઈએ ડ્રાઈવર સીટ પર બેસીને કાર સડક પર આગળ ચલાવી.
"તમારી સાથે તો શુભમ પણ હતો ને. એ ક્યાં??" અચાનક જ યાદ આવતાં રાહીએ પૂછ્યું.
"તેને તેનો ફ્રેન્ડ લેવાં આવ્યો. તો એ ત્યાંથી જ જતો રહ્યો." તન્વીએ જવાબ આપ્યો.
રાજુભાઈનુ ધ્યાન કાર ડ્રાઈવ કરવામાં હતું. રાહી વિન્ડોની બહાર નજર કરીને બનારસની ખુબસુરતી જોઈ રહી હતી. બધી દુકાનો પર લાગેલી લાઈટો, પાક્કી સડકો, ક્યાંક ક્યાંક તંગ ગલીઓ આ બધું જોતાં રાહી ખુશ થતી હતી. થોડી જ ક્ષણો બનારસમાં વિતાવીને રાહીના ચહેરા પર સ્માઈલ આવી ગઈ હતી. જાણે તે બધું ભૂલીને અહીંના રંગે રંગાવા લાગી હતી.

રાજુભાઈની ઓડી કાર ભોજુવીરના ૩૦૦૦ સ્કવેર ફીટમા પ્રસરેલા લગભગ બે કરોડ ઉપરની કિંમત ધરાવતાં 5BHK વિલાની સામે આવીને ઉભી રહી. રાહી, રાધિકા અને તન્વી કારમાંથી ઉતરીને પોતાનો સામાન લઈને ઘરનાં મેઈન ગેટ સામે ઉભી રહી. રાજુભાઈ પોતાની કાર પાર્ક કરીને એ ત્રણેયની સામે આવ્યાં. તેમનો ઇશારો મળતાં જ બધાં સાથે અંદર ગયાં.
અંકિતા તેમની રાહ જોતી હજું પણ જાગતી હતી. રાજુભાઈએ જેવી બેલ વગાડી. અંકિતાએ દરવાજો ખોલ્યો. દરવાજે માત્ર રાધિકા અને તન્વી જ ઉભી હતી. રાહીને નાં જોઈને અંકિતા આમતેમ નજર ફેરવવા લાગી.
"કોને શોધે છે?? અમે બંને તો તારી સામે છીએ." તન્વીએ પણ અંકિતાની જેમ આજુબાજુ નજર કરતાં કહ્યું.
"રાહી...એ ક્યાં??" અંકિતાએ પોતાનાં મનની વ્યથા દર્શાવતા પૂછ્યું.
"એ...તો...તેને કંઈક કામ આવી ગયું. તો અમારી સાથે આવી જ નથી." રાધિકાએ વાતને લંબાવતા કહ્યું. અંકિતાનું મોં લટકી ગયું. 'પણ તેણે તો કહ્યું હતું. એ આવી રહી છે." મનમાં જ એવું વિચારતી અંકિતા અંદરની તરફ ફરીને જવાં લાગી. ત્યાં જ પાછળથી આવીને કોઈ તેને વળગી પડ્યું. અંકિતાએ તરત જ પાછળ ફરીને જોયું. તેની સામે રાહી ઉભી હતી.
"રાહી..." ચિલ્લાઈને અંકિતા રાહીને ભેટી પડી.
"બદમાશ, તમે બંનેએ તો મને ડરાવી જ દીધી." અંકિતાએ રાધિકા અને તન્વીના ખંભે એક એક ટપલી મારતાં કહ્યું. બંનેએ પોતાનાં કાન પકડી લીધાં.
"અરે પાગલ, અહીં આવવાં માટે તો કેવાં કેવાં જુગાડ કર્યા છે. તો હું જ નાં આવું. એવું બને ક્યારેય." રાહીએ અંકીતાના બંને ખંભા પકડીને કહ્યું.
"જુગાડ??" રાજુભાઈએ રાહીની વાતનો એક શબ્દ પકડીને રાહી સામે જોયું.‌ અંકિતા રાહી સામે રાહી રાધિકા સામે અને તન્વી વારાફરતી બધાં સામે જોવાં લાગી. થોડીવાર પૂરતાં બધાં ચૂપ થઈ ગયાં.
"અરે અંકલ, એ તો દીદુએ અહીં એક ફેશન ડિઝાઈનિંગના કોમ્પિટિશનમા પાર્ટીસિપેટ પણ કર્યું છે. તો તેની તૈયારી પણ કરવી પડી. એટલે દીદુ તે જુગાડની જ વાત કરે છે." અચાનક જ રાધિકાએ વાતને અલગ જ રીતે દર્શાવતાં ખોટું બોલીને કહ્યું. રાધિકા અને રાહી ઘરેથી માત્ર ફેશન ડિઝાઈનિંગના કોમ્પિટિશનનુ કહીને જ આવી છે. એ વાત તે બંને સિવાય અંકિતા જ હકીકત જાણતી હતી.
"હવે રૂમમાં જઈને સૂઈ જાવ. સવારે બહું બધાં કામ છે. તમારે લોકોએ મસ્તી પણ કરવાની છે. તો આરામ પણ કરશો પડશે ને. ત્યારે જ તો ચાર દિવસ ધૂમ મચાવી શકશો." અચાનક જ દામિની મિશ્રાએ પોતાનાં રૂમમાંથી બહાર આવીને ઘરનો દરવાજો બંધ કરીને કહ્યું.
રાહી અને રાધિકાએ દામિનીને નમસ્તે કહ્યું. તન્વી તેમને ગળે મળી. પછી અંકિતા રાહી, રાધિકા અને તન્વીને લઈને ગેસ્ટ રૂમ તરફ આગળ વધી. ત્રણેયને ગેસ્ટ રૂમ સુધી મૂકીને ગુડ નાઈટ કહીને અંકિતા તેનાં રૂમમાં જતી રહી.
રાતનાં સાડા બાર થઈ ગયાં હતાં. ઉંઘ તો બહું આવતી હતી. પણ લાંબુ સફર કર્યા પછી રાહીને નાહ્યાં વગર સૂવાની ઈચ્છા નાં થઈ. તે બેગમાથી પોતાનાં કપડાં કાઢીને બાથરૂમ તરફ આગળ વધી. તન્વી પણ પોતાનાં કપડાં કાઢવાં લાગી. રાધિકા તો તરત જ બેડ પર ઢળી પડી. તેને તરત જ ઉંઘ આવી ગઈ.





(ક્રમશઃ)



_સુજલ બી.પટેલ