સત્યાશી
“તને ખરેખર લાગે છે કે આ આઈડિયા કામમાં આવશે?” અરુણાબેને શંકા વ્યક્ત કરી.
“કેમ નહીં? વરુણ મારી વાત થોડી ટાળશે? તમે જો જો આપણે એક કાંકરે બે પક્ષીઓ મારીશું.” સુંદરી હસી રહી હતી.
“તને આટલો વિશ્વાસ છે તો પછી ભલે એમ કરીએ.” અરુણાબેને સુંદરીના ગાલ પર ટપલી મારી.
“પણ તમે મન્ડે મારી સાથે પ્રિન્સી સરની કેબિનમાં આવશોને? જો જો તે દિવસે આવવામાં મોડું ન કરતાં. જો આપણા કરતાં જયરાજ પહેલાં એમને મળી જશે તો તકલીફ ઉભી થઈ જશે.” સુંદરીએ અરુણાબેનને ચેતવ્યા.
“ના ના, હું સમયસર આવી જઈશ. આમ પણ સત્રનો પહેલો દિવસ છે એટલે મોડું તો અમસ્તુંય ન કરાય. એમાંય વાત મારી દિકરીના ભવિષ્યની છે, એટલે તો હું વધુ વહેલી આવી જઈશ. તું ચિંતા ન કર.” અરુણાબેને સુંદરીને ખાતરી આપી.
“બસ તો પછી અરુમા, હવે હું છું અને એ જયરાજ છે. એ સમજે છે શું એના મનમાં? એની સિનીયોરીટીના જોરે મને બ્લેકમેઈલ કરીને મારી સાથે લગ્ન કરશે? એ પણ પોતાની વાસના સંતોષવા? ક્યારેય નહીં.” સુંદરીની આંખોમાં ગુસ્સો દેખાઈ રહ્યો હતો.
“એમ જ થશે. પણ તું મને એ કહે તું વરુણને તારી લાગણી ક્યારે કહીશ? આપણા પ્લાન પહેલાં કે પછી?” અરુણાબેનને ઉત્કંઠા થઇ.
“જ્યારે આપણો પ્લાન અમલમાં આવી રહ્યો હશે ત્યારે. સમજી ગયાને?” સુંદરીએ આંખ મારી.
“સમજી ગઈ. બહુ હોંશિયાર થઇ ગઈ છે તું આજકાલ હોં?” અરુણાબેને સુંદરીનો ગાલ ખેંચ્યો.
“અરુમા જ્યારે અસ્તિત્વનો પ્રશ્ન આવેને, ત્યારે તમે હોવ કે હું આપોઆપ અક્કલ દોડવા માંડે છે. જોવો ને? પપ્પાને પણ મેં કેવા સમજાવી દીધા?” સુંદરીએ હસીને કહ્યું.
“અરે હા! પ્રમોદરાય આમ સાવ આટલી સરળતાથી માની ગયા? મને તો એ જ માનવામાં નથી આવતું.” અરુણાબેનના ચહેરા પર અવિશ્વાસ અને આશ્ચર્ય એક સરખાં દેખાઈ રહ્યાં હતાં.
“હા, અરુમા. પણ એની પાછળનું મુખ્ય કારણ મારી હોંશિયારી ન હતી. એની પાછળનું કારણ મને વરુણ તરફથી મળનારા સુખ અને પ્રેમ કરતાં વરુણ સેલિબ્રિટી બની ગયો છે અને પોતાનો થનારો જમાઈ એક આધેડ વયના પ્રોફેસર કરતાં એકદમ યુવાન હશે અને વળી પાછો સેલિબ્રિટી હશે, જે નજીકના ભવિષ્યમાં કરોડપતિ થશે એ કલ્પના વધુ જવાબદાર છે.” સુંદરીએ સ્મિત સાથે કહ્યું.
“ગમે તે હોય, તારા માર્ગનું સહુથી મોટું વિઘ્ન હટી ગયું એ જાણીને મને આનંદ થયો અને મનને શાંતિ પણ થઇ. મને તો એમ હતું કે જો તું વરુણના કિસ્સામાં આગળ વધીશ તો પ્રમોદરાય તને કાં તો ઘરમાં નહીં રહેવા દે અથવાતો તું ગુસ્સામાં આવીને ઘર છોડી દઈશ. પણ જે થાય તે સારા માટે થાય છે. ભલેને પ્રમોદરાયે વરુણના સેલિબ્રિટી સ્ટેટ્સને ધ્યાનમાં રાખીને તને હા પાડી હોય, પણ તારા માટે તો ફાયદાકારક જ છે ને? આપણે એમ વિચારવાનું, બીજું શું?” અરુણાબેને સુંદરીને સમજાવતાં કહ્યું.
“સબંધોમાં આમતો ફાયદો નુકશાન ન જોવાનું હોય, પણ મેં કહ્યું એમ જ્યારે અસ્તિત્વનો પ્રશ્ન આવી જાય પછી તો આપણો ફાયદો જ પહેલાં જોવાનો હોય.” સુંદરીએ અરુણાબેનને જવાબ આપ્યો.
“બહુ ડાહી થઇ ગઈ છે મારી દીકરી. અચ્છા, ખોટું ન લાગે તો એક પ્રશ્ન પૂછું? તને યોગ્ય લાગે તો જ જવાબ આપજે પાછી.” અરુણાબેને સુંદરીનો હાથ પોતાના હાથમાં લેતાં પૂછ્યું.
“દિકરી મા ના પ્રશ્નથી ખોટું લગાડે?” સુંદરીએ હેતથી ઉત્તર આપ્યો.
“તેં વરુણ સામે પ્રેમનો એકરાર કરવાનો નિર્ણય કાલે રાત્રે ઉભા થયેલા સંજોગોમાંથી છૂટવા માટે અચાનક જ નથી લીધો ને? વરુણ વિષે મેં પહેલાં પણ કહ્યું છે અને આજે પણ કહું છું. એના જેવો બીજો છોકરો કદાચ જ તને મળશે, એટલે જે હોય તે સ્પષ્ટ રહેજે, એની લાગણી સાથે અન્યાય કરવાનો તને બિલકુલ હક નથી.” અરુણાબેને એકદમ શાંતિથી કહ્યું.
“ના અરુમા. ગઈકાલે એ પરિસ્થિતિને લીધે મારા મનમાં એના પ્રત્યેની મારી લાગણીની જે કોઇપણ સાચી-ખોટી ગાંઠ હતી એ આપોઆપ ઉકેલાઈ ગઈ. મને અચાનક જ એવું લાગવા લાગ્યું કે વરુણ જ એ પુરુષ છે જે મને જીવાડી શકશે, મને પ્રેમ આપી શકશે. જયરાજ સરની વાસના વિષે તો તમે જાણો જ છો. કોઇપણ સ્ત્રીને પોતાનો જીવનસાથી જરાક અમથો પ્રેમ કરે એટલું જ જોઈતું હોય છે જ્યારે વરુણ તો કદાચ મારા પર દરરોજ પ્રેમનો વરસાદ કરશે.
તમને ખબર છે અરુમા? એ હજી પણ મારી આંખમાં આંખ નાખીને વાત કરતા શરમાય છે. એતો ઠીક, એનાથી મારું નામ પણ નથી બોલાતું. મેં બે-ત્રણ વાર કહ્યું કે વરુણ મારું નામ તો બોલો? ત્યારે એ બોલ્યા. જ્યારે તમે કોઈને ખૂબ પ્રેમ કરતાં હોવ અને એનો એકરાર ન થયો હોય ત્યારે એનું નામ પણ તમે તમારા સુધી જ રાખવા માંગતા હોવ છો જેથી એ જો બોલાઈ જાય તો તમે એને ગુમાવી બેસશો એવી બીક ન લાગે.
મને વિશ્વાસ થઇ ગયો છે અરુમા કે, વરુણ જ મારો યોગ્ય જીવનસાથી બની શકશે. મને ખૂબ ખુશ રાખશે. એની કેરિયર આગળ જરૂર વધશે અને એ સફળતાના શિખરને જરૂર સ્પર્શ કરશે એની હું પૂરતી ખાતરી રાખીશ, પરંતુ કદાચ જો એ ન પણ થાય તો પણ એનો મારા પ્રત્યેનો પ્રેમ જરાય ઓછો નહીં થાય.” સુંદરીએ છેલ્લું વાક્ય અરુણાબેનની બંને હથેળીઓ પકડી અને તેને દબાવીને કહ્યું.
“બસ તો બેટા, ફતેહ કરો! મારા આશિર્વાદ તમારા બંને સાથે છે. હા હજી બધાં જ વિઘ્નો પાર નથી પડ્યાં પણ એનો રસ્તો પણ તારી હિંમત અને એના પ્રેમને લીધે એની મેળે નીકળી આવશે. ભગવાન તમને બંનેને સુખી રાખે અને કાયમ આનંદમાં રાખે.” અરુણાબેને પોતાનો જમણો હાથ સુંદરીના માથે મુકીને અત્યંત સ્નેહથી કહ્યું.
“મારે જે જોઈતું હતું એ મને મળી ગયું, મારા અરુમાના આશિર્વાદ.” સુંદરીએ આટલું કહ્યું અને બેઠાબેઠા જ અરુણાબેનને ભેટી પડી.
==::==
“વાત થાય છે કે નહીં અમારી ભાભી સાથે?” સોનલબા ઉત્સાહમાં હતા.
સોનલબા અને કૃણાલ, સોનલબાને ઘેરે વરુણ સાથે ફોન પર વાત કરી રહ્યા હતા, ફોનનું સ્પિકર ઓન હતું.
“કાલે રાત્રે જ વાત થઇ.” વરુણે શરમાઈને જવાબ આપ્યો.
“ઓ હો! જુઓ તો ખરા મારો ભાઈ કેટલો શરમાય છે?” સોનલબાએ મશ્કરી કરી.
“આજે આપણે મેચ જીત્યા તો એના કોન્ગ્રેચ્યુલેશન્સ એમણે આપ્યાં કે નહીં?” કૃણાલે પ્રશ્ન કર્યો.
“હમણાં જ મેસેજ આવ્યો. જીત બદલ અભિનંદન, પણ તમે રમ્યાં હોત તો આનંદ બમણો હોત.” વરુણ બોલ્યો, હજી પણ એ શરમાઈ રહ્યો હતો.
“કયા બાત, કયા બાત! તો પછી તે શું જવાબ આપ્યો?” કૃણાલે ફરીથી પ્રશ્ન કર્યો.
“કશું નહીં બસ એક સ્માઈલી મોકલ્યું.” વરુણે જવાબ આપ્યો.
“સાવ ઘોઘા જેવો છે. થેન્ક્સ કે એવું કશુંક કહેવાયને?” કૃણાલે ગુસ્સે થઈને કહ્યું.
“તને જાણે બહુ અનુભવ હોય.” વરુણે સામે છાશિયું કર્યું.
“કૃણાલભાઈ અનુભવી નથી પણ એ અત્યારે કોઈના પ્રેમમાં નથીને એટલે તને સાચી સલાહ આપી રહ્યા છે ભઈલા. એમનું ધ્યાન યોગ્ય જગ્યાએ જ છે, ભઈલા.” સોનલબાએ હસીને કહ્યું.
“ચલ એ છોડ. આજે તો વાત કરવાનોને?” કૃણાલના સવાલ પૂરા નહોતા થઇ રહ્યા.
“ના. આજે શું કામ વાત કરવાની?” વરુણને નવાઈ લાગી.
“હે ભગવાન, આ છોકરાનું શું કરવું? મેં તને તે દિવસે પણ કહ્યું હતું કે છોકરી ક્યારેય પહેલ નહીં જ કરે. તો પણ?” હવે સોનલબા પણ ગુસ્સામાં હતાં.
“મારો વિચાર છે કે પરમદિવસની મેચની ફાઈનલ ઈલેવન નક્કી થઇ જાય અને હું એમાં હોઉં તો કાલે રાત્રે કૉલ કરીને એમને એ ગૂડ ન્યૂઝ આપું.” વરુણે પોતાની યોજના કહી.
“હમમ... એ પણ સાચું. પણ આજે ખાલી ચેટ તો કરજે?” કૃણાલે સલાહ આપી.
“શું લાગે છે ભઈલા? પરમદિવસે તને રમાડશે? અમે બધાં એક શ્વાસે તને ઇન્ડિયા તરફથી રમતો જોવાની રાહ જોઈ રહ્યા છીએ.” સોનલબાએ મુદ્દાની વાત કરી.
“ખબર નહીં બેનબા. જો પરમદિવસની મેચ જીતી જઈશું તો આપણે સિરીઝ પણ જીતી જઈશું તો ત્રીજી મેચમાં બેચ સ્ટ્રેન્થ ટેસ્ટ કરવા મને તક આપી શકે, નહીં તો હરી હરી!” વરુણે નિશ્વાસ નાખ્યો.
“ના એ મેચ આપણે જરૂર જીતીશું. તું ચિંતા ન કર. તું આ સિરીઝમાં જરૂર રમીશ.” સોનલબાએ વરુણને વિશ્વાસ અપાવવાની કોશિશ કરી.
“એ તો એમ પણ કહે છે કે હું આ સિરીઝમાં મહત્ત્વનું યોગદાન આપીને ટીમને જીતાડીશ. એટલે જો પરમદિવસે જીતી જઈશું તો સિરીઝ જીતવામાં હું ધૂળ મહત્ત્વનું પ્રદાન આપી શકીશ?” વરુણે ફરીથી નિરાશા વ્યક્ત કરી.
“જો ભઈલા, ટિમ જીતે એ કાયમ વધુ મહત્ત્વ ધરાવે છે, રાઈટ? પણ મને વિશ્વાસ છે કે ભાભીનું પ્રીડીક્શન સાચું પડશે. તું ખાલી પ્રેક્ટિસમાં ધ્યાન આપ અને બી પોઝિટીવ ઓકે?” સોનલબાએ વરુણને મક્કમતાથી કહ્યું.
“એની ચિંતા ન કરો બેનબા. મને રમવા મળશે કે નહીં એની મને જરાય ચિંતા નથી. હજી આખી કેરિયર પડી છે, એએએએક મિનીટ!” વરુણે અચાનક જ વાત અટકાવી.
“શું થયું?” સોનલબા અને કૃણાલ બંને એક સાથે બોલી પડ્યા.
થોડીવાર વરુણ તરફથી કોઈજ જવાબ ન આવ્યો એટલે બંને એકબીજા સામે જોવા માંડ્યા.
“એમનો મેસેજ છે.” વરુણના અવાજમાં ફરીથી શરમ પ્રવેશી.
“ઓહો.... એમનો? એમનો એટલે કેમનો?” સોનલબાએ વરુણની મસ્તી શરુ કરી.
“તું તો લ્યા પરણેલી સ્ત્રી પોતાના વરનું નામ લેતે શરમાય એમ ભાભીનું નામ લેતા શરમાય છે.” કૃણાલે પણ વરુણની મશ્કરી કરી.
“પ્રેમમાં પડ એકવાર પછી ખબર પડશે તને.” વરુણે ખોટેખોટો ગુસ્સો કર્યો.
“શું લખે છે મારી ભાભી?” સોનલબાએ પૂછ્યું.
“હાઈ, કેમ છો?” બસ એટલુંજ.
“તો કહી દે ને કે તમારા પ્રેમમાં છું?” સોનલબા આટલું કહીને ખડખડાટ હસી પડ્યા.
“તો કહેશે કે શ્રીલંકામાં જ રહી જજે પાછો આવતો જ નહીં.” વરુણ પણ હસ્યો.
“બેનબા આઈ થીંક આપણે વરુણને હવે જવા દેવો જોઈએ. બાય વરુણીયા!” કૃણાલે સજેશન આપ્યું.
“એમને કૉલ પર ખાસ વાત કરવી છે. બીજો મેસેજ આવ્યો” વરુણ ફરીથી શરમાયો.
“શું વાત છે? ખાસ વાત? લાગે છે એમનાથી રહેવાતું નથી તારો અવાજ સાંભળ્યા વગર. કાલે પણ વાત કરી અને આજે પણ? કૃણાલભાઈની વાત સાચી છે. ચલ ભઈલા, તું ભાભી સાથે વાત કર, આપણે પછી વાત કરીશું. બાય અને પરમદિવસ માટે ઓલ ધ બેસ્ટ!” સોનલબાએ વરુણને છૂટો કરતાં કૉલ કટ કર્યો.
કૉલ કટ થતાં જ વરુણે સુંદરીનો નંબર એની હોટલના રૂમના ફોન પરથી ડાયલ કર્યો.
==:: પ્રકરણ ૮૭ સમાપ્ત ::==