sundari chapter 86 in Gujarati Fiction Stories by Siddharth Chhaya books and stories PDF | સુંદરી - પ્રકરણ ૮૬

Featured Books
Categories
Share

સુંદરી - પ્રકરણ ૮૬

છ્યાંશી

સુંદરીનું વરૂણનું નામ લેવાથી રૂમમાં સોપો પડી ગયો. પ્રમોદરાય અને જયરાજ ડઘાઈ ગયા અને એકબીજાની સામે જોવા લાગ્યા અને માલિની પણ એ જ અવસ્થામાં જયરાજની સામે જોવા લાગી.

સુંદરીને ખ્યાલ આવ્યો કે તેના મનમાં રહેલી અસમંજસનો ઉકેલ અચાનક જ તેના હોઠોના માર્ગે બહાર આવી ગયો છે અને અત્યારસુધી તે જે હકીકતનો સ્વિકાર કરતાં ડરતી હતી એ હકીકત તેણે ભલે ગુસ્સામાં પણ સ્વીકારી લીધી છે.

સુંદરીને અચાનક જ હળવાશનો અનુભવ થયો અને તેનું રોમેરોમ કોઈ અજાણી ઉત્તેજના અનુભવવા લાગ્યું, તે ધ્રુજી રહી હતી, તેનું શરીર ઢીલું પડવા લાગ્યું અને પરસેવો પણ થવા લાગ્યો. સુંદરીનો ગુસ્સો આપોઆપ પીગળવા લાગ્યો, પરંતુ તેની આંખમાં આંસુ આવવા લાગ્યા. સુંદરીને ખ્યાલ આવી ગયો કે આ આંસુ દુઃખના તો નથી જ અને હજી તેણે આ ચર્ચાને વિરામ આપવાનો બાકી છે આથી તેણે પોતાની ભાવનાઓ પર કાબુ મેળવવાના પ્રયાસો ચાલુ કરી દીધા અને તે પોતાની જગ્યા પરથી ઉભી થઇ.

“વરુણ? એ કોણ છે વળી?” સુંદરીએ આપેલા આઘાતની કળ વળતાં જ પ્રમોદરાય બોલ્યા.

“અચ્છા, અચ્છા, અચ્છા વરુણ... પેલો રોમિયો! મતલબ કે તે વખતે કોલેજમાં જે અફવા ફેલાઈ હતી એ સાચી હતી. સર આ બંનેનું ચક્કર છેલ્લા ત્રણ-સાડાત્રણ વર્ષથી ચાલે છે. વિચારો તો ખરા એક પ્રોફેસર અને વિદ્યાર્થી વચ્ચે પ્રેમ સબંધ? છી... છી... છી...દુનિયા શું કહેશે?” જયરાજે ફરીથી પ્રમોદરાયની ઉશ્કેરણી ચાલુ કરી.

“એ તારો સ્ટુડન્ટ છે? શરમ આવવી જોઈએ તને સુંદરી. મેં તને આવા સંસ્કાર તો નથી જ આપ્યાં. મને તો તે કોઈને મોઢું દેખાડવા લાયક પણ ન રાખ્યો.” પ્રમોદરાય ગુસ્સામાં ધ્રુજી રહ્યા હતા.

“એ વખતે પણ અમારું કોઈ ચક્કર નહોતું ચાલતું અને અત્યારે પણ નથી ચાલતું. પણ હા અમે એકબીજા પ્રત્યે પ્રેમની લાગણી જરૂર ધરાવીએ છીએ અને હજી અમારે એકબીજા સાથે તેનો એકરાર કરવાનો બાકી છે અને એ પણ બહુ જલ્દીથી થઇ જશે અને એ દિશા તરફ પહેલું પગલું પણ હું જ ઉઠાવીશ, આજે નહીં તો કાલે.

અને તમે દુનિયા શું કહેશે એની ચિંતા કરો જયરાજ ‘સર’? તમને એક પ્રોફેસર અને વિદ્યાર્થી વચ્ચેનો પ્રેમ સબંધ ગંદો લાગે છે પણ એક સિનીયર પ્રોફેસર પોતાની જુનિયર લેડી પ્રોફેસરને અહીં તહીં અડે એનાથી કોઈજ પ્રોબ્લેમ નથી, બરોબરને?” સુંદરીએ રોષથી જયરાજ સામે જોયું.

“એટલે? તું કહેવા શું માંગે છે?” સુંદરીની વાત સાંભળીને જયરાજ થોડો ખચકાયો.

“આપણા ડીપાર્ટમેન્ટની કેબિનમાં તમે મને કેટલી બધી વાર અણછાજતો સ્પર્શ કર્યો છે? હું ગણાવું? તારીખ સાથે?” સુંદરીની આંખ વધુ તીખી થઇ.

“એ તો એ તો... કેબિન નાની છે, એટલે કોઈવાર અજાણતા સ્પર્શ થઇ જાય.” જયરાજે પોતાનો બચાવ કરવાની કોશિશ કરી, પણ એ બચાવ નબળો હતો.

“સાડીમાંથી દેખાતાં પેટ પર આંગળીઓ અજાણતાં જ ફરવા લાગે? જ્યારે મારે કશું સમજવું હોય ત્યારે એ બુક કે પછી રજીસ્ટર એટલાં દુર રાખવા જરૂરી છે કે મારે તેને વાંચવા તમારી બાજુમાં ઉભા ઉભા ફરજીયાત ઝૂકવું પડે એટલે તમે તમારી કોણી અચાનક જ મારા સ્ત...” સુંદરી બોલી જ રહી હતી કે...

“બસ કર સુંદરી. જયરાજ તમે પ્લીઝ હમણાં અહીંથી જતા રહો. આ છોકરી એની લિમીટ પસાર કરી રહી છે. હું એને સમજાવી દઈશ. હું તમને થોડા દિવસ પછી કૉલ કરું એટલે આપણે ફરીથી મળીએ.” પ્રમોદરાયે પોતાને શરમ આવતાં સુંદરીની વાત કાપી અને જયરાજ અને માલિની સામે હાથ જોડ્યા.

“હું તમારા કૉલની રાહ જોઇશ. બધું સરળતાથી પતી જાય તો સારું. બાકી મારે આગળ શું કરવું એની મને ખબર છે સર.” જયરાજે પણ પ્રમોદરાય સામે હાથ જોડ્યા અને ગુસ્સામાં માલિની સાથે બહાર નીકળી ગયો.

“આ બધું શું છે સુંદરી? તને જરાય એમ નથી થતું કે તું તારા બાપનું જરાક સન્માન રાખે? જયરાજ તારો એચઓડી છે, તારું ભવિષ્ય એનાં હાથમાં છે. તે જોયુંને હમણાં જતાં જતાં એ શું કહી ગયો?” પ્રમોદરાય ગભરાઈને બોલ્યા.

“એમની મારા પ્રત્યેની વાસનાના અસંખ્ય દાખલાઓમાંથી ફક્ત બે જ ઉદાહરણ મેં આપ્યા એ સાંભળવા છતાં અને એ હમણાં જતાં જતાં જે ધમકી આપી ગયા એનો સાર જાણવા છતાં તમે મને એમની સાથે પરણવાનું કહો છો પપ્પા? બહુ બહુ તો મને કોલેજમાંથી કઢાવી નાખશેને? અમદાવાદમાં આ એકલીજ કોલેજ છે શું? બીજે નોકરી કરી લઈશ.” સુંદરીએ આત્મવિશ્વાસ સાથે કહ્યું.

“એટલું સરળ નથી. હું પણ પ્રોફેસર હતો, પ્રિન્સીપાલ હતો, એક વખત કોલેજમાંથી કાઢી મુકવામાં આવે તો પછી નોકરી મળવી ખૂબ અઘરી છે. નોકરીની વાત અત્યારે છોડ. તું એમ કોઈની પણ સાથે કેમ લગ્ન કરવાનો વિચાર પણ કેવી રીતે કરી શકે છે? જયરાજ મારો જાણીતો છે અને પેલો છોકરો? શું એનું નામ?” પ્રમોદરાય સોફા પર બેસતાં બેસતાં બોલ્યાં.

“એ છોકરો એટલે વરુણ. મારો તો જાણીતો છે પપ્પા.” સુંદરી પ્રમોદરાયની બાજુમાં બેઠી.

“પણ તારો સ્ટુડન્ટ? નહીં નહીં તોય તારાથી ચાર પાંચ વર્ષ નાનો હશે.” પ્રમોદરાય સુંદરી સામે જોઇને બોલ્યાં.

“સાત વર્ષ. અમારી વચ્ચે સાત વર્ષનો ફેર છે.” સુંદરી હવે પૂરેપૂરા આત્મવિશ્વાસ સાથે બોલી રહી હતી, જાણેકે એને ખ્યાલ આવી ગયો હતો કે તે આ પરિસ્થતિને કેવી રીતે સંભાળશે.

“સાત વર્ષ? ઉંમરનો આટલો મોટો તફાવત? નહીં ચાલે તમારો સંસાર. વાતેવાતે મતભેદ થશે અને મનભેદ પણ અને સ્ત્રી કરતાં પુરુષ નાનો હોય તો એ લગ્ન અકુદરતી કહેવાય.” પ્રમોદરાયે મક્કમતાથી પોતાની દલીલ રજુ કરી.

“અકુદરતી? યાદ છે પપ્પા? હજી થોડા જ મહિના અગાઉ જયરાજ સર સાથે લગ્ન કરવા મને રાજી કરતી વખતે તમેજ મને કહ્યું હતું કે જીવન જીવવા માટે ઉંમરનો બાધ ન જોવાય. જે વ્યક્તિ જીવનભર આપણી સંભાળ રાખવા માટે તૈયાર હોય એ પછી આપણાથી ગમે તેટલી નાની કે મોટી હોય, એ આપણી જ હોય? યાદ છે? જયરાજ સર મારાથી બાર-પંદર નહીં પણ પુરા બાવીસ વર્ષ મોટા છે, મેં તપાસ કરી છે.

પપ્પા જરા વિચારો, જયરાજ સર સાથે લગ્ન કરું તો તમને ઉંમરનો બાધ નથી જ્યારે એ મારાથી બમણાથી પણ વધુ ઉંમરના છે અને મને તેમના પ્રત્યે પ્રેમ તો શું સન્માનની લાગણી પણ નથી, ઉલટું એમણે મારી સાથે જે હરકતો કરી છે એને લીધે મને તો એમનાથી નફરત થઇ ગઈ છે.

જ્યારે વરુણ મારાથી સાત વર્ષ જ નાનો છે, એટલીસ્ટ મારી જ જનરેશનનો તો છે? મને મનોમન ખૂબ પ્રેમ કરે છે. એના હ્રદયમાં મારા માટે ભારોભાર સન્માન છે. એની સાથે ભલે હું સતત સંપર્કમાં નથી રહી, પણ મારી સાથે ફોન પર વાત કરવી હોય તો પણ પહેલાં મેસેજ કરીને મારી મંજૂરી લે છે. ખબર નહીં કેમ પપ્પા, મને એ ખૂબ ગમવા લાગ્યો છે. એની એક એક વાત મને સાચી લાગે છે. મને લાગે છે કે જો મારું જીવન કોઈ સંભાળી શકશે તો એ જ છે.” સુંદરીએ પ્રમોદરાયનો હાથ પોતાના હાથમાં લઈને દબાવ્યો.

“એ છે કોણ? શું કરે છે?” સુંદરીનો આત્મવિશ્વાસ જોઇને પ્રમોદરાય કદાચ પોતાના જીવનમાં પહેલીવાર પોતાના નક્કી કરેલા વલણમાં ઢીલા પડ્યા.

“ક્રિકેટર છે પપ્પા. વરુણ ભટ્ટ, યાદ છે આ વખતે આઈપીએલનો પ્લેયર ઓફ ધ યર? એ વરુણ.” સુંદરીના ચહેરા પર લાંબુ સ્મિત આવી ગયું.

“શું? એ વરુણ? પેલો મુંબઈ ઇન્ડિયન્સ તરફથી રમ્યો હતો એ નવોસવો પ્લેયર?” સુંદરીનો ખુલાસો સાંભળીને પ્રમોદરાયની આંખો પહોળી થઇ ગઈ.

“હા, પપ્પા એ જ વરુણ ભટ્ટ અને અત્યારે એ શ્રીલંકા ગયો છે. જો બધું સમુસૂતરું પાર પડ્યું તો કદાચ ઇન્ડિયા તરફથી એને રમવાની તક મળશે.” સુંદરીએ પોતાની આંખો ઉંચી નીચી કરીને કહ્યું.

“અરે! એની બોલિંગ અને બેટિંગનો તો હું પણ ફેન છું. શું ક્રિકેટર છે! તને ખબર છે? મુંબઈ ઇન્ડિયન્સ માટે જે મેચ ખૂબ ઈમ્પોર્ટન્ટ હતી એમાં એને રમાડ્યો અચાનક જ, કારણકે ટીમના ત્રણથી ચાર પ્લેયર્સ ઇન્જર્ડ હતા. જો એ મેચ મુંબઈ ઇન્ડિયન્સ હારી ગઈ હોત તો આઈપીએલમાંથી બહાર નીકળી જાત.

છેતાલીસ પર છ હતી અને આ વરુણ બેટિંગમાં આવ્યો હતો અને પછી જે ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ કર્યો છે એણે કે એકસો નેવું રનનો ટાર્ગેટ એક ઓવર બાકી હતી ને એચીવ કરી લીધો. એણે એકલાએ અઠ્યાશી રન બનાવેલા.” પ્રમોદરાયના ચહેરા પર અને શબ્દોમાં વરુણ પ્રત્યેનો અહોભાવ સ્પષ્ટપણે છલકાઈ રહ્યો હતો.

“હા, પપ્પા હા એ જ વરુણ ભટ્ટ.” સુંદરીના ચહેરા પર સ્મિત ટકી રહ્યું.

“એ વરુણને તું મારો જમાઈ બનાવવા માંગે છે?” હવે પ્રમોદરાયે પોતે જે માની રહ્યા છે એ સાચું છે કે નહીં એ નક્કી કરવા સુંદરીની હથેળી દબાવી અને એની આંખમાં આંખ પરોવીને પૂછ્યું.

“કદાચ. હજી અમે બંને એકબીજા માટે સ્પષ્ટ નથી. પહેલાં તો હું રાહ જોવા માંગતી હતી, પણ આજે જે થયું એ પછી હવે એ શ્રીલંકાથી આવી જાય એટલે હું એને વાત કરવાનું વિચારું છું. વાત કરું ને પપ્પા?” હવે સુંદરી જાણી ગઈ હતી કે પ્રમોદરાય વરુણના ફેન હોવાથી બરોબર તેની આભામાં આવી ગયા છે.

“હા, ચોક્કસ કર. એનું ફેમિલી? એમને તો કોઈ વાંધો...” પ્રમોદરાયે પ્રશ્ન કર્યો.

“બહુ સારા લોકો છે. હું એકજ વાર એને ઘરે ગઈ છું. એના પપ્પા ઇન્કમટેક્સ કમિશનર છે. મમ્મી હોમમેકર છે અને એક નાની પણ સ્વિટ બહેન છે, હવે તો કદાચ કોલેજમાં આવી ગઈ હશે. એમને કોઈ વાંધો હશે કે નહીં એ તો વરુણ જ કહી શકે, પણ મને વિશ્વાસ છે કે એવું કશું હશે તો અમે મેનેજ કરી લઈશું.” સુંદરીએ વરુણના પરિવારનો ટૂંકો પરિચય આપ્યો.

“તો તો સારું. પણ જયરાજનું શું કરીશું? એ તો તને ધમકી આપીને ગયો છે.” પ્રમોદરાયે ચિંતા વ્યક્ત કરી.

“પહેલાં તમે મને કહો પપ્પા કે તમે મારા વરુણ વિષેના નિર્ણય બાબતે મારી સાથે છો ને? જો તમે મારી સાથે હશો તો એ જયરાજને તો હું પહોંચી વળીશ. જો હજી પણ તમને મને એની સાથે પરણાવવાની એક ટકો પણ ઈચ્છા હશે તો...” સુંદરીનું વાક્ય અધૂરું જ રહ્યું.

“ના, ના બેટા. કોઇપણ બાપ પોતાના સંતાનનું ભવિષ્ય ઉજળું રહે એની જ ચિંતા કરે ને? વરુણની વાત કરીને તે મને નિશ્ચિંત બનાવી દીધો છે. હું તારી સાથે જ છું. પણ જયરાજના ડંખની કોઈ દવા તો જોઇશેને?” પ્રમોદરાય સુંદરી સામે જોઇને બોલ્યાં.

“દવા છે પપ્પા. મને સોમવારે કોલેજે તો જવા દો, એને એવો તે ભરાવી દઈશ કે...” સુંદરીને અચાનક જ કોઈ આઈડિયા આવી ગયો હોય એમ તે નિશ્ચિંત બની ગઈ, એની આંખોમાં જબરો વિશ્વાસ દેખાઈ રહ્યો હતો.

==:: પ્રકરણ ૮૬ સમાપ્ત ::==