વિશ્વ પૃથ્વી દિવસ
પૃથ્વીના ગુણગાન અને તેની પૂજા વેદોમાં કરવામાં આવે છે. ઋગવેદ ઉપરાંત અથવૅવેદના બારમાં મંડળના ભૂમિક સૂકતમાં પૃથ્વીની ઉત્પતિ વિશે બતાવ્યુ છે. બ્રહ્મા અને વિશ્વકર્મા વગેરે દેવતાઓને કારણે પૃથ્વી પ્રગટ થઈ. આ સૂકતમાં પૃથ્વીને માતા અને મનુષ્યને સંતાન તરીકે નિરૂપયા છે. આ સૂકતમાં 63 મંત્રોમાં પૃથ્વીની વિશેષતા અને તેના પ્રત્યે મનુષ્યોના કર્તવ્યોનો મહિમા બતાવ્યો છે. જે રીતે પૃથ્વી માતા મનુષ્યોને પોતાના સંતાન સમજી તેનું લાલન પાલન કરે છે તેમ માતાની રક્ષા કરવી એ પણ સંતાનનું કર્તવ્ય છે. એવી જ રીતે બીજા એક સૂકતમાં પૃથ્વીની ઉત્પતિ વિશે સમજાવ્યુ છે કે જ્યારે વિષ્વકર્માએ અંતરિક્ષમાં હવન કર્યુ ત્યારે પૃથ્વી અને તેમા છુપાયલા ભોજય પદાર્થ પ્રગટ થઈ ગયા જેનાથી ધરતી પર રહેનારા લોકોનું પાલન પોષણ થઈ શકે. ભગવાન વિશ્વકર્મા એ જ્યારે હવન કર્યુ ત્યારે બ્રહ્મા, વિષ્ણુ વગેરે દેવતા પ્રગટ થયા અને બધા દેવતાઓમાંથી શક્તિનો અંશ કાઢયો અને એક શક્તિ પુંજ બની
ગયું અને એજ શકિત પુંજ ધરતીના રૂપમાં બદલાઈ ગયું. વેદોમાં પૃથ્વીને પવિત્ર બતાવી છે. શતપથ બ્રાહ્મણમાં જણાવ્યુ છે કે દેવતા જે સોમરસનું પાન કરે છે તે સોમલતા ઔષધિમાંથી બને છે તે ઔષધિ દુર્લભ અને પવિત્ર ઔષધિ છે જે ધરતી પર જ ઉગે છે. અથવૅવેદમાં બતાવ્યુ છે કે ભગવાન વિષ્ણુએ જેનાપર પરાક્રમી કાર્ય કર્યુ અને ઈન્દ્રદેવે જેના દ્વારા દુષ્ટ શત્રુઓને મારી તેમને પોતાના આધિન કર્યા તે પૃથ્વી માતાની જેમ પોતાના પુત્રોનું પાલન પોષણ કરે છે તો પૃથ્વીને સાચવવી એ આપણી ફરજ છે.
દુનિયાભરમાં 22 એપ્રિલ ‘વલ્ડ અર્થ ડે’ તરીકે ઉજવવામાં આવે છે. 1970 થી દર વર્ષે 22 એપ્રિલનાં દિવસે પૃથ્વી દિવસ ઉજવવો એ અમેરિકી સીનેટર ગેલાર્ડ નેલ્સનનાં મગજની ઉપજ છે. દર વર્ષે 192 થી વધુ દેશો આ ઉજવણીમાં જોડાય છે. પ્રખ્યાત ફિલ્મ અને ટેલિવિઝન અભિનેતા એડી આલ્બર્ટે અર્થ ડે નિર્માણમાં મહત્વપુર્ણ ભુમિકા ભજવી છે. માનવામાં આવે છે કે પૃથ્વી દિવસ એડી આલ્બર્ટનાં જન્મદિવસ 22 એપ્રિલ 1970 પછી ઉજવવામાં આવે છે. દરેક દિવસ પૃથ્વી દિવસ માનીને તેના બચાવ માટે કંઈ ને કંઈ કરતા રહેવું જોઈએ.પૃથ્વી દિવસની ઉજવણી પાછળનો હેતુ એજ છે કે લોકો પૃથ્વી અને પર્યાવરણને બચાવવા જાગૃત થાય. 22 એપ્રિલ પસંદ કરવા પાછળનો વૈજ્ઞાનિક અને પર્યાવરણ સબંધી મહત્વ એ છે કે તે દિવસ ઉતર ગોળાર્ધના વસંત અને દક્ષિણ ગોળાર્ધના પાનખરના પ્રતીક તરીકે મનાવવામાં આવે છે.
22 એપ્રિલ 1970 થી પૃથ્વી દિવસ મનાવવાનું મુખ્ય કારણ એ પણ છે કે લોકો કુદરતી સ્ત્રોતોનો વિવેક્પુર્ણ ઉપયોગ કેરે અને હવા, પાણી, જમીન તથા અવાજનું પ્રદૂષણ ઘટાડે તે માટે સૌને જાગૃત કરવા. હવા,પાણી, વનસ્પતિ, ખનીજ તેલ જેવા કુદરતી સ્ત્રોતોના બેફામ ઉપયોગના કારણે આજે વિશ્વમાં શુધ્ધ હવા, શુધ્ધ પાણી જેવા સ્ત્રોતોની તંગી વર્તાઈ રહી છે. જળવાયુ પરિવર્તનનાં કારણે પૃથ્વી માટે કેટલાક નવા પ્રશ્ન ઉભા કર્યા છે. જળવાયુ ચક્ર્નું સંકટ ખાદ્યાન્ન ઉત્પાદન પર પડી રહ્યુ છે. આ વિકટ સમસ્યાનાં કારણેઆજનો ખેડૂત એ નક્કીજ નથી કરી શક્તો કે ક્યારે કયો પાક ઉગાડવો અને કયારે વાવણી કે કાપણી કરવી. આ ખાદ્યાન્ન ઉત્પાદનની અસરનાં કારણે ખાદ્ય સંકટની સૌથી વધુ અસર વિકાસશીલ દેશોમાં થાય છે.આવા સમયે પર્યાવરણ બચાવવનાં સામૂયિક પ્રયત્નો માટે આપણે સૌ કટિબધ્ધ બનીએ તો આપણનેજ લાભ છે.
22 એપ્રિલ 2021નાં રોજ પૃથ્વી દિવસની 51મી વર્ષગાઠ પ્રસંગે આપણે પૃથ્વીને બચાવવા સંકલ્પ લઈએ કે જો ધરતીને પવિત્ર અને માનું રૂપ માનતા હોઈએ તો તેનાથી મળનારા પદાર્થોને વ્યર્થ ન જવા દેવા,પ્રદુષણ અને ગંદકી અટકાવવા,વધુને વધુ વૃક્ષો વાવવા,વિજળી બચાવવી,પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવો,પાણીનો દુરુપયોગ ટાળવો,વન્યજીવો વન્યસંપતિનું સરંક્ષણ કરવું,જંતુનાશક દવાઓ અને રાસાયણિક ખાતરનો ઉપયોગ ટાળવો,પ્રાકૃતિક સંપદાનો ઉપયોગ ટાળવો,ભુમિનું ખનન અટકાવવું,સજીવ ખેતી તરફ વધુને વધુ દ્યાન કેન્દ્રિત કરવું,ભુગર્ભ જળનો વેડફાટ અટકાવવો. આવા જુદા જુદા પ્રયત્નોથી આપણે ધરતીનાં કર્જને થોડુ ગણુ ઉતારી શકીએ.