hathi mere sathi in Gujarati Film Reviews by Rakesh Thakkar books and stories PDF | હાથી મેરે સાથી

Featured Books
Categories
Share

હાથી મેરે સાથી

હાથી મેરે સાથી

-રાકેશ ઠક્કર

રાજેશ ખન્ના-તનૂજાની ફિલ્મ 'હાથી મેરે સાથી'(૧૯૭૧) ગીત-સંગીત સહિત અનેક બાબતે ઉલ્લેખનીય ફિલ્મ બની રહી હતી. મૂંગા પ્રાણીઓને પડદા ઉપર શાનદાર રીતે બતાવવાનો આવો પ્રયોગ પહેલાં થયો ન હતો. નવાઇની વાત એ છે કે તમિલમાં નિષ્ફળ રહેલી ફિલ્મ 'દેવા ચેયલ' પરથી નિર્દેશક એમ.એ. તિરુમુગમે હિન્દીમાં 'હાથી મેરે સાથી' બનાવી હતી. ફિલ્મને હિન્દીમાં એટલી સફળતા મળી કે કોઇ દક્ષિણ ભારતીય નિર્માતા દ્વારા હિન્દીમાં બનેલી સૌથી સફળ વ્યવસાયિક ફિલ્મ ગણવામાં આવી. એમાં કમાલ કોઇ એક વ્યક્તિનો ન હતો. આનંદ બક્ષીના ગીતો, લક્ષ્મીકાંત-પ્યારેલાલનું સંગીત, રાજેશ ખન્ના-તનુજા સાથે કે.એન. સિંહ, મદન પુરી વગેરેનો દમદાર અભિનય અને પહેલી વખત સાથે કામ કરતી લેખક જોડી સલીમ-જાવેદનો પણ મોટો ફાળો હતો. સલીમ-જાવેદની જોડીએ એક તમિલ ફ્લોપ ફિલ્મ પરથી 'હાથી મેરે સાથી'ની વાર્તા માટે એવી દમદાર પટકથા લખી કે એની સફળતા પછી એના પરથી જ નિર્દેશક એમ.એ. તિરુમુગમે ફરી તમિલમાં 'નલ્લા નેરમ' નામથી રીમેક બનાવી. તે એવી હિટ રહી કે તમિલનાડુમાં સતત એકસો દિવસ સુધી ચાલી હતી.

લક્ષ્મીકાંત- પ્યારેલાલના સંગીતવાળી 'હાથી મેરે સાથી' માં કુલ છ ગીત છે. એ બધાં જ લોકપ્રિય થયા છે. ત્યારે એ વાત પર ઓછા લોકોનું ધ્યાન ગયું હશે કે છમાંથી પાંચ ગીત કિશોરકુમારના અવાજમાં છે. અને એક જ મોહમ્મદ રફીના સ્વરમાં છે. એની પાછળ એક કહાની છે. મોહમ્મદ રફીએ ગાયેલું એ એક ગીત આખી ફિલ્મ પર છવાઇ ગયું. કિશોરકુમારે ગાયેલા પાંચ ગીતો 'ચલ ચલ ચલ મેરે સાથી', 'દિલબર જાની', 'મેહરબાનોં કદરદાનોં', 'સુન જા આ ઠંડી હવા' અને 'ધક ધક કૈસે ચલતી હૈ ગાડી' પણ લોકપ્રિય રહ્યા છે. છઠ્ઠું ગીત 'નફરત કી દુનિયા કો છોડ કે, પ્યાર કી દુનિયા મેં, ખુશ રહના મેરે યાર' એમણે ગાવાનો પ્રયત્ન કર્યો હતો ત્યારે સંગીતકારની અપેક્ષા મુજબ એમાં દર્દના ભાવ આવી શકતાં ન હતા. આ ગીતમાં જે દર્દ આવવું જોઇએ એ સંગીતકાર પ્યારેલાલને કિશોરદાના અવાજમાં અનુભવાતું ન હતું. અસલમાં આ ગીતના શબ્દો પરથી જ પહેલાં ફિલ્મનું નામ 'પ્યાર કી દુનિયા' રાખવામાં આવ્યું હતું. પરંતુ હાથીની વાર્તા હોવાથી 'હાથી મેરે સાથી' કરવામાં આવ્યું.

કિશોરદાએ ઘણી વખત ગીતને ગાઇ જોયું. પ્યારેલાલને એમના અવાજમાં જે જોઇતું હતું એ મળતું ન હતું. અંતે પ્યારેલાલ ફિલ્મમાં ગીત રાખવાના પક્ષમાં ન હતા. તેમણે ફિલ્મમાંથી આ ગીત કાઢી નાખવાનું સૂચન કર્યું. પરંતુ સંગીતકાર બેલડીના લક્ષ્મીકાંતજી, નિર્દેશક તિરુમુગમ અને અભિનેતા રાજેશ ખન્ના 'નફરત કી દુનિયા કો છોડ કે' ગીત રાખવા માગતા હતા. તેઓ તેને ફિલ્મનું મોટું ગીત માનતા હતા. ગીતકાર આનંદ બક્ષીનું કહેવું હતું કે આ ગીત ફિલ્મની આત્મા છે. એને છોડી ના શકાય. કહેવાય છે કે ખુદ કિશોરકુમારે પછી આ ગીત મોહમ્મદ રફીના અવાજમાં રેકોર્ડ કરવાનું સૂચન કર્યું. કિશોરદાનું માનવું હતું કે મોહમ્મદ રફી આ ગીતને યોગ્ય રીતે ગાઇને પૂરો ન્યાય આપી શકશે. આખરે આ એક ગીત માટે મોહમ્મદ રફીનો સંપર્ક કરવામાં આવ્યો. તેમણે તરત જ હા પાડી દીધી. મોહમ્મદ રફીએ એવું ના વિચાર્યું કે બધાં ગીતો અન્ય ગાયકે ગાયા છે તો એક ગીત હું શા માટે ગાઉં? તેમણે બહુ દિલથી ગીત ગાયું. અને ગીતને એવા દર્દ સાથે ગાયું કે રાજેશ ખન્નાના અભિનય સાથે તેને સાંભળીને દર્શકોની આંખો ભીની થઇ ગઇ. ફિલ્મમાં ક્લાઇમેક્સ વખતે આ 'નફરત કી દુનિયા કો છોડ કે' ગીતનો ઉપયોગ કરવામાં આવ્યો. એમાં રાજેશ ખન્નાનો બેમિસાલ અભિનય છે. ગીતના 'ઇક જાનવર કી જાન આજ ઇન્સાનોંને લી હૈ.....ચૂપ ક્યૂં હૈ સંસાર...' શબ્દોમાં મોહમ્મદ રફીના અવાજનું દર્દ વધારે સ્પર્શી જાય એવું છે.