હદ તો સરહદને હોય, સ્નેહ તો અનહદ હોય
જેના જીવનમાં સ્નેહનો સાક્ષાત્કાર થયો હોય તેનામાં સારપ અને મધુરપ પળે પળે પ્રતિબિંબિત થાય છે. સ્નેહસભર વ્યક્તિ સારી હોય છે અને સારી જ રહે છે. જીવનમાં ચિંતા તો એ વ્યક્તિને છે કે બોલે છે કઈ, કરે છે કઈ, દેખાય છે કઈ અને હોય છે કઈ !!! સ્નેહના સાથી સત્ય, પ્રેમ અને કરુણા છે. સ્નેહથી અમી ભરેલી નજર, અધર ઉપર મધુર વાણી અને સકારાત્મક અભિગમ સદૈવ માનવીના દિલોદિમાગ ઉપર રહે છે. સરહદની સીમા સાચવવી પડે કે તેનું રક્ષણ કરવું પડે, જ્યારે સ્નેહ, પ્રેમ અને લાગણી ની કોઈ સીમા, કોઈ સરહદ કે કોઈ મર્યાદા હોતી નથી. સ્નેહથી સૌમ્યતા, સૌજન્યતા અને સમર્પિતતા નું વાતાવરણ ઉભુ થાય છે. સુમેળ, સદવિચાર અને સદભાવથી સ્નેહનું પ્રાગટ્ય થાય છે. સ્નેહ પારિવારિક પ્રસન્નતાને નિખારવા નું કાર્ય કરે છે અને દુઃખમય પ્રસંગોને વિસારવા નું કાર્ય સ્નેહ કરે છે. વિકટ સમયમાં સ્નેહનો લેપ માનવીને ચંદન સમી શીતળતા પ્રદાન કરે છે.
સાચા વ્યક્તિને શોધવા સાચું દિલ જોઈએ દિમાગ નહી કારણકે દિમાગમાં વિવિધ તર્ક ને સ્થાન છે જ્યારે દિલમાં કેવળ પ્રેમભાવ ઉપસ્થિત હોય છે. મજબૂર માણસને સ્નેહ અર્પિત કરવાથી મજબૂત બને છે. સ્નેહથી સંવાદનું દ્વાર ખૂલે છે અને વિવાદનું સમાપન થાય છે.
મિત્રો, જીવનમાં એવી વ્યક્તિ ના શોધશો કે જે તમારા બધા પ્રશ્નો, સમસ્યા અને મુશ્કેલી દૂર કરી દે પરંતુ એવી વ્યક્તિને ઓળખી લેજો કે જે વિકટ સમયમાં આપની સાથે ચટ્ટાન ની જેમ ઉભો રહે અને તણાવયુક્ત વાતાવરણમાંથી તણાવમુક્ત વાતાવરણમાં લાવી દે.
લાગણી એ માણસની અંદર રહેલા માણસનું સરનામું છે માટે યોગ્ય સમયે યોગ્ય માણસની કદર કરતા શીખવું ખૂબ જરૂરી છે. હયાતીમાં અને સન્મુખ કરેલી કદર તથા સન્માન જ લેખે લાગે. સ્મરણ અને યાદો મા કરેલી સદભાવના એટલી અસરકારક હોતી નથી. માનવીને પરખવા કરતા સમજવા નો પ્રયાસ તમને તેની વધુ નજદીક લાવશે. મનને સરહદની સંકુચિત સીમા મા બાંધી ના રાખશો. અપાર અને અગાધ સ્નેહ ને ઉદારતાપૂર્વક વહેતો રાખજો અને વહેંચતા રહેજો. સ્નેહ માનવીના એક - મેક ના મન સુધી પહોંચવાનો સરળ માર્ગ છે. સ્નેહ પ્રાપ્તિ માટેની સચોટ પંક્તિ.........
"માટી તણું સગપણ રાખવું,
વાતમાં થોડું ગળપણ રાખવું,
કરો ટીકા બીજાની તો ભલે,
સામે ચોક્કસ દર્પણ રાખવું."
મિત્રો, હંમેશા સુંદર પ્રાર્થના સ્નેહની અનુભૂતિ માટે કરવી.
હે પ્રભુ,
મને મળેલ દુઃખ કોઈને ના મળે, અને મને મળેલ સુખ સૌને મળે.
અકારણ બોલાયેલા આકરા વેણ માનવીને સ્નેહથી વિમુખ કરી દે છે. એનાથી અમૂલ્ય જીવનનો સમય વેડફાઈ જાય છે અને અવિશ્વાસની દીવાલ ઊભી થઈ જાય છે
.
મિત્રો, આપસૌના વાણી, વર્તન અને વ્યવહારમાં અસીમ સ્નેહ અનરાધાર વરસ્યા કરે તેવી પ્રભુ પ્રાર્થના અને શુભેચ્છા.
We believe that faith in God gives meaning and purpose to the human life.
આપણે સદૈવ માનીએ છીએ કે પ્રભુ પ્રત્યેની શ્રદ્ધા માનવ જીવન ને અર્થપૂર્ણ અને સહેતુક બનાવે છે. જીવનમાં શૂન્ય એટલે એકલતા અને એક એટલે આત્મ વિશ્વાસ. ક્રિકેટની રમતમાં બેટ્સમેન માટે શૂન્ય ની કોઈ કિંમત નહી પરંતુ એક રન થાય એટલે શતક ના આત્મવિશ્વાસ નું પ્રાગટ્ય થાય. દુનિયામાં બધીજ ચીજ કીમતી છે પરંતુ તેનો ખ્યાલ તે મેળવ્યા પહેલા અને તેને ખોઈ દીધા પછી જ આવે છે તે એક વાસ્તવિકતા છે. માટે જીવનમાં પરિપક્વતાની ખાસ જરૂર છે, જેનાથી નાનામાં નાની વાતોને સમજી શકો અને મોટી સફળતા મેળવી શકો.જીવનયાત્રામાં માલિકીપણા નો બોજો પજવે છે, ઉપાધિ અને સમસ્યા ને આમંત્રણ આપે છે. સમજવાની એ જરૂર છે કે આ લોક મા આપણૅ માલિક નથી પરંતુ ટ્રસ્ટી છીયે, રાહી છીયે અને પ્રવાસી છીએ. આગમનની સાથે ગમન નક્કી જ છે. માલિકી હકથી અહંકાર અને અંધકારનો જન્મ થાય છે.
મિત્રો, અભાવ નો અહેસાસ ત્યારેજ થાયછે જ્યારે પોતાનું દુઃખ અને બીજાના સુખના વિચારો સતત માનસપટ ઉપર ઘૂમરાયા કરે છે. હંમેશા ઈચ્છા રાખીએ છીએ કે આવતીકાલથી સારું કામ કરીશું, પરંતુ આવતીકાલ કયારેય આવતી નથી. રોજ આજ.. જ હોય છે. માટે આજ ને અને વર્તમાનને ઓળખતા શીખો. આજ થી જ તથા અબ ઘડીથી જ સત્કાર્ય નો શુભારંભ કરો તો ચોક્કસ ઈશ્વર સાથે રહેશે તેમજ તેનો રાજીપો રહેશે જીવનમાં સફળતા મેળવવા આપણે સ્વયં ને બદલવાને બદલે પરિસ્થિતિને બદલવાની કોશિશ કરીએ છીએ અને નિષ્ફળતા હાથ લાગે ત્યારે નિરાશા પ્રાપ્ત થાય છે. માટે સ્વયં ને પ્રકાશિત કરી સમર્થ બનવાની આવશ્યકતા છે. પ્રભુ પ્રાર્થના બળ પ્રદાન કરે છે. સમય શીખવાડે છે. ધીરજથી ધાર્યું થાય છે. જીવનમાં શૂન્યાવકાશ સમો ખાલીપો દૂર કરવા જીવનમાં પ્રેમ, લાગણી અને સ્નેહનું વાવેતર કરવું પડે, તો જ આત્મવિશ્વાસ રૂપી દીપનું પ્રાગટ્ય થાય. જીવનમાં પાછળ જોવાથી અનુભવના બોધપાઠ નું દર્શન થાય છે અને આગળ જોવાથી વિકાસની વાટ દેખાય છે. જીવનનું કડવું સત્ય એ છે કે એક હકારાત્મક વાત જીવનપરિવર્તન લાવી દે છે અને એક નકારાત્મક વાત જીવનને નર્ક બનાવી દે છે. જીવનમાં દુઃખ કરતા મારો પ્રભુ મોટો છે અને વિકટ પરિસ્થિતિમાં મારો પ્રભુ મારી નિકટ છે તે સોચ જીવન ને સુખ સાગરની અનુભૂતિ કરાવશે.
મિત્રો, ઉત્તમ માંથી સર્વોત્તમ અને શ્રેષ્ઠ માંથી સર્વશ્રેષ્ઠ બનવાનું પ્રભુ કૃપાથી આપણા સૌના હાથમાં છે.
આપ સૌ પરિવારજનો ને પ્રભુ હાથે, સાથે અને માથે રહી ને જીવન નૈયા પાર કરાવે તેવી પ્રભુ પ્રાર્થના.....
સ્નેહ નો સરવાળો કરતા રહીશું તો એક દિવસ ગુણાકાર થવા માંડશે...
આશિષ શાહ
9825219458