Adhuri Navalkatha - 11 in Gujarati Classic Stories by Pankaj Rathod books and stories PDF | અધૂરી નવલકથા - પાર્ટ 11

Featured Books
Categories
Share

અધૂરી નવલકથા - પાર્ટ 11

નવ્યા પોતાની આપ વીતી કહી રહી. પહેલા તો એવું જ સામાન્ય ચાલતું હતું. પણ અચાનક નવ્યાના જીવનમાં મુસીબત આવી.
"આપણે કોઈ પર વિશ્વાસ રાખીએ જ્યારે તે આપણો વિશ્વાસ તોડે ત્યારે આપણને વિશ્વાસ પરથી ભરોસો ઉઠી જાય છે. ત્યાર બાદ આપણે કોઈ પર ભરોસો મુકતા પહેલા સો વાર વિચારીએ છીએ. વિશ્વાસ કમાવો અને ટકાવી રાખવો ખૂબ અઘરો છે. નાના સબંધ થી લહીને મોટા સબંધ સુધી એક વિશ્વાસની અદ્રશ્ય દોરી બાંધેલી હોય છે. કોઈ પણ કાર્ય, સબંધ કે પછી વ્યવસાય માં વિશ્વાસ રૂપી દોરી હોવી આવશ્યક છે. વિશ્વાસ એ સબંધ હોય કે વ્યવસાય તેમાં પ્રાણ પુરે છે. મેં પણ કોઈ પર વિશ્વાસ મુક્યો હતો. તે પણ કાચ માફક તૂટી ગયો. " નવ્યા બોલી રહી હતી.
"મારું મન વિચારોના મહાસાગર માં ડૂબી રહ્યું હતું. મને હજી પણ એ સમજમાં આવતું ન હતું કે આ કેવી રીતે શક્ય છે. હું ફક્ત ડૂબલિકેટ અજય સાથે જ વાત કરતી હતી. પણ અહીં કોઈ સંકેત નામના છોકરા સાથે મેં ખૂબ બધી વાતચીત કરી."

"આ સંકેત એ જ હતો જે સૌથી પહેલા ડૂબલિકેટ અજય સાથે તેની પણ ફ્રેન્ડરીકવેસ્ટ આવી હતી. ત્યારે મેં તેને અને ડૂબલિકેટ અજયને બ્લોક કર્યો હતો. પછી આગળ જતાં મેં ડૂબલિકેટ અજયને અનબ્લોક કરી તેની સાથે વાતચીત શરૂ કરી હતી. પણ મેં આજ સુધી કોઈ બીજા સાથે કોઈ પણ ચેટ કરી ન હતી તો પછી આ સંકેત સાથે મારી આઈડી પરથી કોણે વાતચીત કરી હશે."

"મેં ખૂબ વિચાર કર્યા બાદ એક નામ સામે આવ્યું. એ આરતીનું હતું. પણ મને તેની પર ભરોસો હતો. તે કદાપિ આવું ન કરે. તે મને ખ્યાલ હતો. પણ પરિણામ મારી સામે હતું. કોઈ સંકેત નામના વ્યક્તિ સાથે તે મારી આઈડીનો ઉપયોગ કરીને વાતચીત કરતી હતી. મને આરતી સારી લાગતી હતી. મને એમ હતું કે આ ઝેલ સમાન ઘરમાં એક આરતી જ મારા સારા માટે વિચાર કરતી હતી. પણ મારી ધારણા ખોટી હતી. તે મારો યુઝ કરતી હતી. મને ફોન આપવો એ પણ તેની એક યોજના હતી. અને હું પાગલ આને એક બેનનો પ્રેમ સમજી બેઠી. હાલ મને આરતી પર નફરત થવા લાગી હતી."
"કેવું છે ને આ દુનિયામાં જ્યાં સુધી લોકો આપણા કામમાં આવે ત્યાં સુધી આપણી નજરમાં તેનું માન સારું હોય છે. પણ તે જ વ્યક્તિ આપણો વિરોધ કરે અથવા આપણો ઉપયોગ કરે એટલે આપણે તેની ગણતરી ખરાબ લોકોમાં કરીયે છીએ."
"મેં હવે થોડું સમજીને કામ લીધું. આરતીને આ વિશે પૂછવાનું વિચાર્યું. મેં આરતી સાથે હાલ નહીં પણ રાતે વાત કરીશ એવું વિચારીને બીજા કામે લાગી ગઈ. પણ મને એ વાત નું જ્ઞાન થઈ ગયું હતું કે મુશ્કેલી નજીકમાં મારી સુધી પહોંચી જાશે. અને મેં તેની માટે પોતાને તૈયાર કરવાની શરૂઆત પણ કરી દીધી હતી."
"પૂરો દિવસ વીતી ગયો મારી બેસેની ધીરે ધીરે વધી રહી હતી. રાત્રે બધું કામ પતાવીને હું આરતીના રૂમ માં પહોંચી. આરતી કોઈ સાથે ચેટ કરી રહી હતી. આરતી સાથે મેં સીધી જ મારા ફોન પરથી સંકેત સાથે ચેટ થઈ હતી તે વિચે વાત કરી."
"આરતી પહેલા થોડી ગભરાય. તેણે ફોન બેડ પર મુક્યો. અને કહ્યું. " તો તમને એ વિશે ખ્યાલ આવી ગયો."

"મેં કહ્યું તું આને મારા ફોન પરથી મેસેજ કર છો પણ મેં આ વ્યક્તિને બ્લોક કર્યો હતો."
"હા પણ મેં તેને અનબ્લોક કરી નાખ્યો."
"પણ કેમ."
"તે છોકરો સારો છે."
"વાત સારા ખરાબ ની નથી. વાત છે મને જણાવ્યા વિના તું આ વ્યક્તિ સાથે મારી આઈડી પરથી વાત કર છો એ છે."
"કેમ તને જણાવું જરૂરી છે."
"હા, કારણ કે ફોન મારો છે. આઈડી મારી છે. કાલે જ્યારે બધાને જાણ થાશે ત્યારે નામ મારું આવશે."
"ફક્ત આઈડી તારી છે. ફોન તો મારા પૈસાનો છે. મેં ફક્ત તને વાપરવા આપ્યો છે. તેના બદલામાં તારી આઈડીનો હું થોડો ઉપયોગ કરું છું."
"મને તારી સાથે આવી અપેક્ષા ન હતી. તે મારો વિશ્વાસ તોડ્યો છે." હું રડતા લાગી. પણ આરતીને કશો ફર્ક ન પડ્યો.
"વિશ્વાસ જાય તેલ પીવા એક વાત સમજ અહીં કોઈ સારા કે ખરાબ નથી. બધા પોતાના મતલબ થી મતલબ રાખે છે. આમ પણ સારું થયું કે તને જાણ થઈ ગઈ. હું તને આ વિશે કહેવાની જ હતી." આજે આરતીનો અસલી સહેરો મારી સમક્ષ આવ્યો. હું તેને એક સારી બેન માનતી હતી. પણ તેણે મારો વિશ્વાસ, લાગણી બધું જ એક ઝાટકે તોડી નાખ્યું.
"આ સંકેત સાથે છેલ્લા બે મહિનાથી તારી આઈડીનો ઉપયોગ કરીને વાત કરું છું." આરતીએ આ કેવી રીતે શરૂ થયું તે વિશે વિગતે વાત કરતા કહ્યું. " મને એ ખ્યાલ આવી ગયો હતો તે એક કરોડ પતિ પરિવાર માંથી બિલોનગ કરે છે. તે તને પ્રેમ કરવા લાગ્યો છે."
આ સાંભળીને મને પહેલા એક ઝટકો લાગ્યો. મને એમ હતું કે આરતી આ સંકેત નામના વ્યક્તિ સાથે સબંધ હશે. પણ એવું ન હતું. તે સંકેત મને પ્રેમ કરતો હતો. આરતી પણ જાણે હું જ હોવ એવી રીતે સંકેત સાથે વાત કરતી હતી. સંકેત ને એમ હતું કે તેની સાથે વાત કરનાર વ્યક્તિ હું છું પણ અહીં હિકીકત જુદી હતી. મારા સ્થાને આરતી સંકેત સાથે વાત કરી રહી હતી. આ વાત થી સંકેત બેખબર હતો.
"મેં તેની સાથે નવ્યા બનીને આજ સુધી વાત કરતી રહી." આરતીએ આગળ કહેવાનું શરૂ કર્યું. "મેં તેની સાથે ઘણી વખત ભાગી જવાની વાત ઉછાળી. ત્યારે તેણે બિન્દાસ તેની પાસે આવી જવાનું કહ્યું. તેના ફેમેલી સ્વતંત્ર છે. તેના મોટા ભાઈએ ભાગીને જ લગ્ન કર્યા છે. અને હાલ તે બધા સુખેથી રહે છે."
"તું એમ કહે છો કે હું તેની સાથે ભાગીને લગ્ન કરું. પણ તું એના સહેરા સામે તો જો લગભગ તે મારાથી દસ વર્ષ મોટો હશે. પૈસા પાછળ કોઈ દાનવ જેવા દેખાતા છોકરા સાથે લગ્ન હું નથી કરવાની."
"દાનવ નથી એ." આરતીએ કહ્યું.
"મેં તારી અને સંકેત ની ચેટ વાંચી છે. તે કેવા શબ્દ પ્રયોગ કરે છે તેના પરથી તો એવુ જ લાગે છે કે તે કોઈ સારા ઘરનો વ્યક્તિ નથી. હું તે સંકેત સાથે લગ્ન કરવા ઇચ્છતી નથી. અને બીજી વાત તું મારા માટે કોઈ છોકરાની શોધ ન કરીશ તો વધારે સારું છે. આમ પણ મારે જેવો જોઈએ એવો છોકરો મને મળી ગયો છે . હું હવે તેની સાથે આગળ શું કરવું તે વિચે વિચાર કરું છું."
"તું અજય ની વાત કરે છો. શું તે કરોડપતિ છે?" આરતીએ કહ્યું.
"કરોડપતિ ની મને ખબર નથી પણ તે દિલનો ખૂબ સારો છે. તે મારું જીવનભર સાથ આપશે તેનો મને પૂરેપૂરો ભરોસો છે." નવ્યા આ વાક્ય બોલતી વખતે થોડી દુઃખી થઈ ગઈ.
નવ્યા સાથે પણ મારી સાથે થયું હતું તેવું જ થયું. મારી આઈડીનો ઉપયોગ કરીને કોઈએ નવ્યા સાથે પ્રેમ લીલા રચી. જ્યારે નવ્યાની જ બહેને નવ્યાની આઈડી નો ઉપયોગ કરીને એક રમત રમી. જેમ બધી બાજુથી નવ્યા નું જ નુકશાન હતું. મને હવે નવ્યા ની સ્થિતિ સમજાય રહી હતી. તે ભીડ ભરી દુનિયામાં કેટલી એકલી હતી તે તો ફક્ત તે જ જાણતી હતી.
જ્યારે નવ્યા એ મને પહેલા કહ્યું કે ફેસબુકના પ્રેમના કારણે ભાગી હતી. પણ નહીં તે એક વિશ્વાસ ના સબંધ સાથે ભાગી હતી. ડૂબલિકેટ અજય સાથે તેનો એક વિશ્વાસ હતો. પણ તે વિશ્વાસ પણ અહીં મારી પાસે આવીને તૂટ્યો હતો. પહેલા તેનો વિશ્વાસ આરતીએ તોડ્યો. ત્યાર બાદ ડૂબલિકેટ અજયે તોડ્યો. આટલી બધી તૂટી ગઈ છતાં પણ તે કોઈ સાથે પોતાની ફીલિંગ ચેર કરી શકે તેવું તેની પાસે કોઈ ન હતું.
આમાં થોડી ભૂલ મારી પણ હતી. મેં મારી આઈડીનો સાવચેતીથી મારા માટે સિક્યોર રાખી હોત તો આજે અહીં નવ્યા મારી સામે ન બેઠી હોત. નવ્યા સાથે જે થયું તે ખૂબ ખોટું થયું હતું. પણ મેં હવે નવ્યા નો સાથ આપવાનો વિચાર કરી લીધો હતો. મને ખ્યાલ ન હતો કે હું કેવી રીતે નવ્યા ની મદદ કરીશ. પણ એક વાત પાક્કી હતી કે આજથી નવ્યા એકલી ન હતી હું તેની સાથે હતો.
(વધુ આવતા અંકમાં)