Bhayank safar (afrikana jangaloni) - 28 in Gujarati Fiction Stories by જીગર _અનામી રાઇટર books and stories PDF | ભયાનક સફર (આફ્રિકાના જંગલોની) - 28

Featured Books
Categories
Share

ભયાનક સફર (આફ્રિકાના જંગલોની) - 28

વરસાદનું આગમન.
રોબર્ટ અને મેરીએ ઝાડના થડમાં આવેલી બખોલમાં આસરો લીધો.
**********************




દિવસ ખાસ્સો ચડી ગયો હતો. વાતાવરણ ખુશનુમા હતું. ઉનાળો પુરો થઈને હવે ચોમાસાની ઋતુ શરૂ થવાની હતી. એટલે વાતાવરણમાં થોડાંક ફેરફારો થયા હતા. આકાશમાં વાદળાઓની અવર-જવર વધી હતી. રોબર્ટ અને મેરીએ જ્વાળામુખી પહાડમાંથી નીકળીને જંગલ તરફ વહી રહેલા ઝરણાનું પાણી પીધા પછી કાળા જ્વાળામુખીની વિરુદ્ધ દિશાની વાટ પકડી હતી.


"આપણું આવનારું બાળક કેટલું ભાગ્યશાળી હશે. નહિ મેરી.' રોબર્ટે ચાલી રહેલી મેરીને બન્ને હાથે ઊંચકી લેતા કહ્યું.


"કેમ ? રોબર્ટ શું કહેવા માંગતો હતો એ મેરીને સમજાયું નહિ એટલે એણે રોબર્ટને પૂછ્યું.


"ભાગ્યશાળી જ હોય ને.! એને જંગલમાં જન્મવાનું સૌભાગ્ય સાંપડવાનું છે.' રોબર્ટ ધીમું હસતા બોલ્યો.

"જંગલમાં જન્મ થવો એ વળી એનું સૌભાગ્ય કહેવાય.!' મેરી રોબર્ટની વાત મજાકમાં ઉડાવતા બોલી.


"હા બહુ મોટુ સૌભાગ્ય કહેવાય કારણ કે બહાદુર હોય એને જ જંગલમાં જન્મવાનું સૌભાગ્ય સાંપડે.' રોબર્ટ ગુમાનભર્યા અવાજે બોલ્યો.


"તો પછી આપણું જે બાળક થશે એ બહુજ બહાદુર હશે એમ ને.' અંગુઠા અને એક આંગળી વચ્ચે રોબર્ટનું નાક પકડીને આમતેમ હલાવી હસી પડતા મેરી બોલી.


"હા..હા. બહાદુર જ થશે કેમ તને કંઈ શંકા છે આ બાબતે.!!' આમ કહીને રોબર્ટ હસી પડ્યો. રોબર્ટની પાછળ મેરી પણ નાના બાળકની જેમ ખીલખીલાટ હસી પડી. રોબર્ટે હસતી મેરીને નીચે ઉતારી એના હોઠ ઉપર ચુંબન કરી લીધું.


જંગલ ગાઢ બનતું જતું હતું. મધ્યાહનનો સમય થઈ ચુક્યો હતો. વાતાવરણ વાદળછાયું હતું એટલે વાતાવરણમાં વધારે ગરમીનું પ્રમાણ નહિવત હતું. ધીમે ધીમે વાદળાઓ પૂર્વ દિશા તરફ જામી રહ્યા હતા. વરસાદ આવવાની સંભાવનાઓ વધી રહી હતી.


"રોબર્ટ આજે વરસાદ જરૂર પડશે.' મેરી પૂર્વ દિશામાં જામી રહેલા વાદળો તરફ જોતા બોલી.


"હા આ વાદળાઓ જામી રહ્યા છે એના ઉપરથી મને પણ એવું જ લાગી રહ્યું છે.' રોબર્ટ વાદળાઓ તરફ જોઈએ તારણ કાઢતા બોલ્યો.


"વરસાદ પડવા માંડ્યો તો આપણે જઈશું ક્યાં ? મને તો વીજળીની બહુજ બીક લાગે છે.' મેરી ચિંતિત અવાજે બોલી.


"અરે યાર.. વીજળીથી કંઈ બીવાનું હોય.' મેરીની વાત સાંભળીને રોબર્ટ હસી પડતા બોલ્યો.


"મને તો બહુજ બીક લાગે કેવા કડાકા-ભડાકાઓ થતાં હોય છે.' મેરી ફરીથી ડરેલા અવાજે બોલી.


"ચાલ હવે ડર્યા વગર જલ્દી નહિતર પછી વરસાદ ચાલુ થઈ ગયો તો ક્યાં જઈશું.' રોબર્ટ મેરીનો હાથ પકડતા બોલ્યો અને ઝડપથી ચાલવા લાગ્યો.


પૂર્વ દિશા તરફનું આકાશ સંપૂર્ણપણે વાદળાઓથી ઘેરાઈ ગયું હતું. કાળા ડિબાંગ વાદળાઓ જોતાં એવું લાગી રહ્યું હતું કે હમણાં જ વરસાદ તૂટી પડશે. મેરી અને રોબર્ટ ઝડપથી આગળ વધી રહ્યા હતા. એ બન્ને ઝડપથી એટલે માટે ચાલી રહ્યા હતા કારણ કે વરસાદ ચાલુ થાય એના પહેલા એમને બન્નેને આવા વરસાદમાં રક્ષણ મળી રહે એવા આશ્રયસ્થાન સુધી પહોંચવાનું હતું.


સુસવાટા પાડતો જોરદાર પવન ફૂંકાવા માંડ્યો હતો. વાદળાઓનું સામ્રાજ્ય હવે પુરા આકાશમાં ફેલાઈ ચૂક્યું હતું. ધીમો વરસાદ પણ ચાલુ થઈ ચુક્યો હતો.


"મેરી દોડ જલ્દી.. પેલી તરફ જો મોટા ઝાડના થડમાં મોટી બખોલ છે એમાં આપણને બન્નેને વરસાદ સામે રક્ષણ મળી રહેશે.' મેરીનો હાથ ખેંચતો રોબર્ટ બોલ્યો. અને પછી એ મેરીનો હાથ પકડીને જે તરફ ઝાડના થડમાં બખોલ હતી એ તરફ ઝડપથી દોડવા લાગ્યો.


"હાશ હવે ચિંતા નહિ. હવે મને વીજળીની બીક નહિ લાગે.' બખોલમાં પેસતા મેરી બોલી. મેરીની પાછળ રોબર્ટ પણ ઝડપથી બખોલમાં ઘૂસી ગયો.


ધીમો ઝરમર પડી રહેલો વરસાદ હવે ધીમે-ધીમે જોર પકડવા માંડ્યો. થોડીકવારમાં તો આકાશ અને ધરતી વીજળીના કડાકાઓથી ધ્રુજી ઉઠ્યા. મુશળધાર વરસાદ ચાલુ થઈ ગયો. મેરી વીજળીના કડાકાના ડરથી બખોલમાં પણ રોબર્ટની છાતીમાં મોઢું છુપાવીને રોબર્ટના શરીર ફરતે પોતાના બંન્ને હાથ વીંટાળીને ઉભી હતી. રોબર્ટ પોતાનો એક હાથ મેરીની પીઠ ઉપર ફેરવતો બખોલની બહારના કુદરતના રોદ્ર સ્વરૂપને નિહાળી રહ્યો.


**********************************




ખીણમાં પડેલા હાથીઓના હાડપિંજરો.
***********************



ગર્ગ અને એનાથી સાથીદારો ભલે રોબર્ટ અને મેરીથી છુટા પડ્યા.પણ તેઓ જે જંગલ એરિયામાં હતા એના આજુબાજુના એરિયામાં જ રોબર્ટ અને મેરી પણ હતા. હાથીઓવાળું જંગલ અને રોબર્ટ અને મેરી જે જંગલમાં ભટકી રહ્યા હતા એમની વચ્ચે ફક્ત વીસ-પચીસ માઈલનો જ ફર્ક હતો. હાથીઓવાળા જંગલમાં પણ આજે ધોધમાર વરસાદ પડ્યો હતો.


"એલિસ થોંડુક સાચવીને ચાલ.' લપસી પડતી એલિસનો હાથ પકડતા ગર્ગ બોલ્યો.


વરસાદના કારણે અમૂક જાગ્યાએ જમીન ખુબ જ લપસણી બની હતી. એલિસ હમણાં લપસી પડી હોત જો સમયસર ગર્ગે એનો હાથ પકડ્યો ન હોત તો. ગર્ગે હાથ પકડ્યો એટલે એલિસ વહાલભરી નજરે ગર્ગ સામે જોઈ રહી. એલિસની આંખોમાં આભારસૂચક ભાવો છવાયેલા હતા.


"આપણે હાથીનો શિકાર કરી લેવાનો હતો. ખબર નહિ હાથીઓના હાડપિંજર તો ક્યારે મળશે.' માર્ટિન કંટાળેલા અવાજે બોલ્યો.


"તારામાં દયા જેવી કંઈ વસ્તુ છે.!! માર્ટિનની વાત સાંભળીને ગુસ્સે ભરાયેલી એલિસ બોલી ઉઠી.


માર્ટિન તો બિચારો એલિસનું એક વાક્ય સાંભળીને ચૂપ થઈ ગયો. અને નીચું મોઢું કરીને ચાલવા લાગ્યો.


"જંગલમાં જે બાજુએ ખીણપ્રદેશ જેવું હોયતરફ આપણે હાથીદાંતની શોધ કરવી જોઈએ કારણ કે અમૂકવાર ખીણ પાસેના રસ્તે ચાલતા હાથીઓ ખીણમાં ગબડી પડવાના કારણે મૃત્યુ પામતા હોય છે.એટલે મારા માનવા મુજબ ખીણ પ્રદેશ પાસેથી આપણને હાથી દાંત સારા એવા પ્રમાણમાં મળી રહેશે.' પગરખાં નીચે ચોંટેલી માટીને ઉભા વૃક્ષના થડ સાથે ઘસીને સાફ કરતા ભાષાશાસ્ત્રી એન્થોલી બોલ્યા.


"હા તમારી વાતમાં મને તથ્ય લાગી રહ્યું છે. અહીંયા થોડેક દૂરખીણપ્રદેશ છે. અને અમે એ ખીણ પાસેથી ઘણીવાર પસાર થયા છીએ પણ ક્યારેય એ ખીણમાં અમે જોયું નથી.' એન્થોલીની વાત સાંભળીને માયરા બોલી.


"એનો મતલબ એવો થાય છે કે તમે પહેલા પણ હાથીદાંતની શોધ માટે આ જંગલ આવી ચુક્યા છો. સાચું ને ? હસીને એન્થોલીએ માયરાને પૂછ્યું.


"હંહ.. હા ઘણીવાર પણ દરેક વખતે અમને નિષ્ફળતા મળી છે.' માયરા બોલી. એના અવાજમાં વિષાદ છવાયેલો હતો.


"જે થયું એ થયું પણ હવે ખીણ કઈ બાજુએ છે ? આપણે હવે એ તરફ આગળ વધીએ.!' જ્હોન વચ્ચે બોલ્યો.


"આપણે જઈએ એ જ દિશામાં છે. અને હવે ચાલવામાં બધા થોડીક ઝડપ રાખો એટલે અંધારું થાય એ પહેલા આપણે ખીણપ્રદેશ સુધી પહોંચી શકીએ.' માયરાએ બધાને સમજાવતા કહ્યું.


માયરાની વાત સાંભળ્યા બાદ બધા ઝડપથી આગળ વધવા લાગ્યા. વરસાદ પડ્યો હતો એટલે જમીન ભીંજાઈ ગઈ હતી. અને આ જમીન પણ માટીવાળી હતી. એટલે જમીન ભીંજાવાના કારણે ચીકણી અને લપસણી બની ગઈ હતી. જો ચાલવામાં સાવચેતી રાખવામાં ના આવે તો લપસી પડાય એવું હતું.


એલિસને લપસી પડવાનો ભય વધારે હતો એટલે એણે બાજુમાં ચાલી રહેલા ગર્ગનો હાથ પકડી લીધો હતો. એલિસના કુમળા હાથોનો સ્પર્શ થતાં જ ગર્ગનું તો અંગેઅંગ રોમાંચિત થઈ ઉઠ્યું હતું. એલિસે ગર્ગનો હાથ પકડ્યો એટલે માર્ટિન ગર્ગ તરફ ઈર્ષાભરી નજરે જોઈ રહ્યો હતો. જ્હોન અને એન્થોલી આ જોઈને મનમાં જ મલકાઈ રહ્યા હતા.


એકાદ કલાક ચાલ્યા ત્યારે બધા માટીની બનેલી ઊંચી ટેકરીઓ પાસે આવી પહોંચ્યા. આ ટેકરીઓ ઉપર હરિયાળી મન મૂકીને ખીલી ઉઠી હતી. અને પાછો આજે વરસાદ પડ્યો એટલે ટેકરીઓ ઉપરની લીલોતરી અલગ જ અંદાજમાં ખીલી ઉઠી હતી. આ ટેકરીઓની બાજુમાં જ ખીણ પ્રદેશ હતો. બધા ખીણ પ્રદેશ તરફ આગળ વધવા લાગ્યા.


"હા.. એન્થોલી તમારી વાત સાચી હતી. જુઓ ખીણમાં રહ્યા હાડપિંજરો.' સૌથી આગળ ચાલતો જ્હોન ખીણમાં ડોકિયું કરતા બોલી ઉઠ્યો.


બધા દોડતા ખીણ પાસે આવી ગયા. અને ખીણમાં જોવા લાગ્યા. અંદર જોયું તો ઘણાબધા હાથીઓના કંકાલ સ્વરૂપમાં હાડપિંજરો આમતેમ પડ્યા હતા.


(ક્રમશ)