wait for latter in Gujarati Short Stories by Prashant Vaghani books and stories PDF | ટપાલની વાટે

Featured Books
Categories
Share

ટપાલની વાટે

ગોમના ચોરે ઉભેલા ગામના સરપંચ અને બીજા ચાર પાંચ લોકોએ દુરથી એક સાયકલ આવતી જોઇને કહ્યું, "ટપાલી આવતો જણાય છે, પણ આ નટુભાઈ નથી કોઈ બીજો જ ટપાલી છે નવો આવ્યો લાગે છે"

સાયકલ ઉપર પવન સાથે હવામાં લહેરાતા લાંબા વાળ વાળો એકદમ પતલા શરીર વાળો અને ગાલ તો જાણે ચંદ્ર પર દેખાતા ખાડા જ જોઈલો, ટપાલ ખાતાનો નવો જ યુનિફોર્મ અને પગમાં ફાટેલ જોડા,... ઉંમરે લગભગ 20- 21 વર્ષનો હશે.

સાયકલ ઉપર આવનાર ટપાલીએ ગામના ચોરે ઉભેલા લોકોને રામ રામ કારીને દરેક ટપાલી પૂછે તેવો એક સામાન્ય પ્રશ્ન પૂછ્યો.. ,"પ્રભા બેનનું ઘર ક્યાં આવ્યું જરા જણાવશો ?"

"આ સામે રહ્યું. દેશી નળિયાવાળુ, બહાર ભેંસ બાંધેલી છે તે" સરપંચે ઘર બતાવ્યું.
ત્યાં સરપંચની બાજુમાં ઉભેલો મગન બોલ્યો બાપુ આપણાં ગામમાં તો ચાર પ્રભા છે. આ.... મગન ને બોલતો અટકાવી સરપંચ બોલ્યા : "અરે ગાંડા આ પ્રભાનું સાતેક મહિના પહેલા જ મીરાપુરના પેલા ખીમાના છોકરા હમીર સાથે વેહવાળ કર્યું છે તો તે હમીરાનો જ પત્ર હોય પ્રભા માટે સમજ્યો, બીજીયું ને કોણ પત્ર લખે...એમ બોલી બધા હસવા લાગ્યા. . ટપાલી પણ બધું સમજી સાથે હસ્યો પછી સરપંચનો આભાર માની ટપાલીએ સરપંચે બતાવેલ ઘર પાસે જઇને બારણું ખખડાવ્યું.

અંદરથી એક કોયલ કંઠે કુમળી વયની છોકરીનો અવાજ આવ્યો. કોણ?

"ટપાલી.. તમારી ટપાલ લઈ આવ્યો છું."

એટલામાં તો કોઈ જાણે માત્ર ટપાલની વાટે જ જીવી રહ્યું હોય તે રીતે દોડી આવતું હોય તેમ ઝાંઝર જોરજોર થી ખનકવા લાગી એકી જાટકે ખાડાક કરીને દરવાજો ખુલ્યો. ટપાલીએ જોયું. એક 16 થી 17 વરસની ખૂબ જ સુંદર કન્યા હતી. સુકોમળ અને સપ્રમાણ શરીરના બાંધા વાળી, કાળા નાગ જેવો લાંબો ઘટાદાર ચોટલોને એક દમ લચીલી કમર ધરાવતી એક રૂપવન્તિ.. બસ એક આંખે અંધ હતી... જો તેની અંધ આંખ પર ધ્યાન ન આપીએ તો જાણે સ્વર્ગની અપ્સરા જ જોઈલો. ટપાલી તો એકી ટશે. તેને જોઈ જ રહ્યો.
"લાવો ભાઈ જલ્દી ટપાલ આપો, ચૂલા પર શાક મૂક્યું છે.. છોકરીનો અવાજ સાંભળી ટપાલી ભાનમાં આવ્યો ને આંખો ચોળી થેલા માંથી ટપાલ કાઢી.....

"પ્રભાબહેન મણીલાલ કોણ ? તમે જ છો ?"

"ના ભાઈ હું તો પ્રભાબેન હરિભાઈ." એટલું બોલતા બોલતા છોકરીની આંખોમાં ઝાંકળ બાજી ગઈ... બસ રડે એટલી જ વાર.

છ મહિના પહેલા પ્રભાને હમીર એકાંતમાં મળ્યા હતા. ત્યાર બાદ પ્રભાએ હમીરને દસેક પત્રો લખ્યા હતા. પણ હમીરનો એક પણ પત્ર કે પત્રનો જવાબ આજદિન સુધી નહિ આવેલો...ને હમીર પ્રભાને મળવા પણ નહિ આવેલો..

ટપાલી તો બેબાકળો બની ગયો શુ કરે શુ ના કરે કઈ સમજ ના પડી...સંવેદનશીલતાની ચરમસીમા જેવો આ બનાવ તેમણે નોકરીના પહેલા જ દિવસે જીંદગીમાં પહેલી જ વાર અનુભવ્યો. તે થોડું ઘણું સમજી ગયો .. પ્રભાના ચેહરા પર છવાયેલી ઘોર ઉદાસી અને આંખોમાં આવેલા આંસુનું કારણ તે જાણી ગયો અને કઈ જ બોલ્યા વગર ત્યાંથી નિકળી ગયો.. ગામમાં ટપાલો વહેંચી ઘરે ગયો

​ઘરે પહોંચી તરત જ કાગળ પેન લઈ બેસી ગયો.. સરપંચ સાથે થયેલી વાતમાં હમીરનું ગામ અને નામ તો તે જાણતો હતો. એ બધું ધ્યાને લઇ પ્રભા માટે હમીરના નામનો પ્રેમપત્ર લખી નાંખ્યો. અને પ્રભા બહેન હરિભાઈ નામની ટપાલ કરી તૈયાર ને બીજા દિવસે વહેલી સવારે ખૂબ જ ઉત્સાહભેર પ્રભાના ચહેરા પર સ્મિત જોવાના આશયથી પહોંચી ગયો એ પત્ર આપવા.

ગામને પાદર પહોંચ્યો ને ઘણા બધા લોકોનો જોર જોરથી રડવાનો અવાજ સાંભળ્યોને અવાજ પર ધ્યાન આપતા પ્રભાની ડેલી તરફ ગયો ને જોયું તો આખું ગામ પ્રભાની ડેલીએ ભેગું થયેલું. ને કોઈની નનામી કાઢવાની તૈયારી કરતું હતું. ત્યાં દૂર ઉભેલા એક ભાઈને ટપાલીએ પુછ્યું. "અહી શુ થયું છે કાકા?"

"હરિભાઈની છોકરીએ રાત્રે ફાંસો ખાધો"

આટલું સાંભળતા જ ટપાલીની આંખોમાંથી આંસુઓની ધાર થવા લાગી. એક અજાણ્યા સરનામાં પર અજાણ્યો પત્ર આપવા જવાથી હૃદય પર આવો ઘા વાગે કે શું હશે.. વિચારતો વિચારતો પ્રભા માટે લખેલો પ્રેમ પત્ર હૃદય સાથે લગાવી ત્યાં જ ઢળી પડ્યો....