New-old in Gujarati Philosophy by તુષાલ વરિયા books and stories PDF | નવા-જૂની

Featured Books
Categories
Share

નવા-જૂની

ભૂમિકા

બદલાવ, પરિવર્તન, અપડેશન, અનુકૂલન. આ શબ્દો કોઈપણ જીવનનાં મહત્વપૂર્ણ વળાંકે હોય જ. આજકાલ તો ઘણા લોકોની જીભ પર, પત્રકારોની કલમ પર, બુદ્ધિજીવીઓના લખાણોમાં જનરેશન ગેપ, ઓલ્ડ સ્કૂલ, સીટી-અર્બન લાઈફ વગેરે જેવા રૂપે ફરે છે, ઉછળે છે, મારા મતે વધુ દ્યુમિત થાય છે, ખોટો કે અપૂરતો અર્થઘટિત થાય છે. ઘણાં ક્ષેત્રોમાં બદલાવ, નવી-જૂની વ્યવસ્થા એ 'આકરી ચર્ચા' નો વિષય છે. આજે મૂળ તરફ જઈને સમજવાનો પ્રયત્ન કરવો છે, મૂળ તરફ જવાનો એટલા માટે કે જે કઈ અહીં લખાયું છે તેને સાર્વત્રિક રૂપે વધુમાં વધુ ક્ષેત્રોમાં લાગુ પાડીને એને સમજી શકાય, નિરાકરણ લાવી શકાય, ખાસ તો બચી શકાય. આશા છે કે આ સઘળો પ્રયાસ સમજનારને ઉપયોગી નીવડે અને એમના દ્વારા વધુ આગળ વિસ્તરે.

નવા જૂની

શબ્દાર્થ દ્વારા વિસંગતતા સર્જીને તેના સૂક્ષ્મ અર્થમાં ફેરફાર થયો હોય તેવા અનેક કિસ્સામાંનો આ એક કિસ્સો -શબ્દ- નવું અને જૂનું છે. ભૂલ એ થઈ ગઈ કે એને વિરોધી શબ્દ તરીકે ઓળખાવવામાં આવ્યાં. ઇતિહાસના જુદા જુદા તબક્કા દ્વારા તે બન્ને વચ્ચે કાલ્પનિક રેખાઓ દોરાઈ, અને બીજા અનેક પરિબળોએ એવો તે માહોલ સર્જી દીધો કે આજે કોઈ પરંપરા, વિષય, માન્યતા, ત્યાં સુધી કે અમુક હદે જીવનલય, શૈલી ને પણ નવું-જૂનું તરીકે અસરકારક રીતે અલગ કરી શકાય છે, જે એકંદરે બહુ ફાયદામાં નથી.

અહીં આપણે વાત કરવી છે જીવનશૈલી, લય કે પદ્ધતિની. જો કે આ સૌની પસંદગીની વાત છે છતાંય આ વિષયે સામાજિક, રાષ્ટ્રીય અને દુર્ભાગ્યે રાજનીતિક ઊંચાઈઓ પણ મેળવી લીધી છે. નવા અને જુના એમ બે વિભાગો બનાવી દેવાયા છે અને સત્યને હંમેશા બંને વચ્ચે રઝળતું-ફરતું રજૂ કરાય છે. આજની પેઢી - કાલની પેઢી, જૂની રીતિ, જુના રિવાજ ને આધુનિક રીતભાત... લગભગ આ બધું જ ઓછેવત્તે અંશે 'નવા-જૂનાં' ના વિષયનાં ખોટા અર્થઘટનને લીધે જ ઉદ્દભવ્યું છે.

આધુનિક પેઢી પુરોગામી પેઢીના વિચાર, વર્તન અમુક હદ સુધી અપનાવી લેય છે, પરંતુ આ નવા જુના ની સીમા પછી નથી સ્વીકારી શકતાં કે નથી સ્વીકારતાં. આ વિશે વધુ એક ચર્ચા થઇ શકે છે. જનરેશન ગેપ એ તેનું બહુ લાડકું નામ છે. આ વિષય મોડર્ન સ્ટાઇલ, મોડર્ન ટેક્નોલોજી, કસ્ટમાઇઝ્ડ ફ્રીડમ જેવા મુદ્દાથી શોભિત થવાનો પ્રયત્ન કરે છે અને પેલી ગેરસમજણ કે ખોટા વિરોધાભાસી અર્થઘટનને લીધે દુર્ભાગ્યે તેનો વિરોધી વિષય ઓલ્ડ સ્કૂલ ઉદ્દભવ્યો છે, જેના પણ કેટલાક મુદ્દા છે, સોશિયલ કનેકટિંગ એન્ડ સિક્યોરિટી, સમાજિકતા, કૌટુંબિકતા, પરંપરાના ફાયદા વગેરે... જો કે સ્વાર્થની વાત આવે છે ત્યારે અમુક હદે મૂળ સ્વભાવમાં બન્ને વિષયો એકબીજાને સ્પર્શે છે. કઠણાઈ એ છે કે કાળના અખંડ પ્રવાહને મૃગજળની પાળથી અલગ કરવાનો પ્રયત્ન થયો છે. જેના અનેક ફાયદા-ગેરફાયદા સમાજનાં બુદ્ધિજીવીઓ જણાવી ગયા છે, જણાવતાં રહ્યાં છે ( અને કદાચ જણાવતા પણ રહેશે ).

તો વાત કરીએ આના શક્ય ઉપાયની. આના શક્ય ઉપાયની એક ખૂબ જ સુંદર, કુદરતી ઘટના, અભિક્રમ, વ્યવસ્થા કે અનુકૂળતા છે જે આ બે શબ્દ વ્યવસ્થા કે સ્થિતિને એકબીજા માટે સાર્થક, પૂરક અમે મર્મકારી બનાવે છે. આ એ વસ્તુ છે જે સમય અનુસાર નવા-જુના ને પ્રધાન્ય ન આપતા સાતત્ય અને ગુણવત્તાને પ્રધાન્ય આપે છે. હા, પુરોગામી વિષયોનો ઘણીવાર આરોપ રહે છે કે આ અભિક્રમ અનુગામી વિષયની તરફેણમાં રહે છે, જો કે તે હંમેશા સાચું નથી, અને જો હોય તો પણ તે તેની જ લાક્ષણિકતાઓમાંની એક લાક્ષણિકતા છે. અને આ વ્યવસ્થા છે : પરિવર્તન.

પરિવર્તનને સાર્થક, સદાકાળ પ્રસ્તુત, ઉપયુક્ત બનાવતું એક જ વાક્ય છે, તેને ગીતાવાક્ય કહો કે શિલાલેખ "પરિવર્તન સંસારનો નિયમ છે." આ શબ્દ વાંચતા જ હજારો મત મનમાં તૈયાર થઈ જાય છે. અને એમાંનો લગભગ સૌથી પ્રબળમાંનો એક, જે આગળ કહ્યો એમ, પુરોગામીઓનો એ જ આરોપ, કે પરિવર્તન અમારી તરફેણમાં નથી. જે હદ સુધી આ વાત સાચી છે ( જો કે તે હદ બહુ નાની છે ) તેની આગળની હદ માટે તો એટલું જ કહેવું કે આને જ પરિવર્તન કહે છે. ખરેખર તો પરિવર્તનના ખોટા કે મોટેભાગે અધૂરાં, અપૂરતા અર્થઘટનને કારણે જ આ સ્થિતિ ઉદભવે છે. પરિવર્તનની ઘટના એ નવા-જુના, પુરોગામી-અનુગામી સ્થિતિ, ખયાલો, ગુણો કે પદ્ધતિ- શૈલી કોઈપણને સાંકળીને વર્તમાનમાં, વર્તમાનને વધુ યોગ્ય બનાવનારી કુદરતી, ખૂબ જ કુદરતી ઘટના છે.

ઘણીવાર ધ્યાનથી જોઈએ તો ખબર પડે કે નવા- જુના વચ્ચે આ મતભેદ, લડાઈ છે જ કેમ ? મૂળ તો વર્તમાન માટે જ ને. અને આખરે તો જુના અસ્તિત્વને પણ મહદઅંશે લાભકારી છે. જૂની વ્યવસ્થામાં જે ફેરફાર આણવાના છે તે જ નવી વ્યવસ્થા છે. આનો વિરોધ કે અપનાવવામાં ખચકાટ તો એવું જ થયું કે કોઈ રાજ્યમાં ( થોડા ઇતિહાસ માં પાછળ જઈને સમજવું ) કોઈ બીજું સામંત રાજ્ય એક થવા માગતું હોય ત્યારે ત્યાંના સામંતને રાજા માનીને વિરોધ કરવો. વધુ સરળ રીતે કહીએ કે જોવા જઈએ તો ખરેખર પરિવર્તન માનવ પ્રકૃતિ ( મૂળે તો પ્રકૃતિ જ ને ! ) માટે ક્યારેય સરળ સ્વીકારણીય રહ્યું નથી, જરા ઊહાપોહ તો થાય જ. પરંતુ જે નવા ફેરફારો આવી રહ્યાં છે, જે ખરેખર જુની વ્યવસ્થામાં લાગુ પાડવા જેવા છે તેનો એક નવી જ વ્યવસ્થા તરીકે વિરોધ કરવો કે સ્વીકાર ન કરવો એ તો પરિવર્તનનું ખોટું અર્થઘટન જ થયું. નવી વ્યવસ્થા એ પણ સમજવું જ રહ્યું કે નવી વ્યવસ્થા એ ક્યારેય સંપૂર્ણ નવી નથી, જુના પાયા પર જ ચણી શકાય એવી એ ઇમારત છે. નવી વ્યવસ્થા, પેઢીએ ટકવા માટે જુના અભિગમોનો સહારો લેવો જ રહ્યો. આ બે વચ્ચેનું ખોટું અર્થઘટન ટાળીએ તો ઘણી મોટી ક્રાંતિ સર્જાય એમ છે.

હવે, પરિવર્તન માટે પણ ઘણાં મત મતાંતરો થાય છે. પરિવર્તન માટે થોડા સમાનાર્થી, સમકક્ષી શબ્દો જોઈએ... બદલાવ, અપડેટ ( અપડેશન ), અનુકૂલન વગેરે. ઘણાં આક્ષેપો એ તરફ થાય છે કે પરિવર્તન જૂની વ્યવસ્થાની કક્ષા જાળવી શકતું નથી. જો કે એ પરિવર્તનની લાક્ષણિકતાના દાયરામાં આવતું પણ નથી. હવે પરિવર્તનનાં એ સમકક્ષી શબ્દો પર નજર કરો. પરિવર્તન સારા-નરસા, નબળું સ્તર- ઉચ્ચ સ્તર વચ્ચેની માત્રા પર ઈશારો કરતું જ નથી, એના માટે લગભગ છે પણ નહિ. આ બધા શબ્દોની અનુરૂપ ઘટનાઓ જુઓ, એ ક્યારે બને છે ? જ્યારે જૂની વ્યવસ્થા દ્વારા ( સ્તરની વાત જવા દો ) સાતત્ય કે મૂળ લાક્ષણિકતા કે ક્યારેક અસ્તિત્વ પર પ્રશ્ન ઉભો થાય ત્યારે જ અને આ ત્રણેય પાસા જૂની વ્યવસ્થાની એ 'ગુણવત્તા' કે 'સ્તર' કરતા ક્યાંય વધુ મહત્વનાં છે. એક વાત ગાંઠ બાંધી લો કે, " પરિવર્તન સમયની માંગ છે, જરૂરિયાત છે, નિયમ છે અને ખુદ અપરિવર્તનીય ઘટના છે. " આ ગૂઢ ( કે સરળ ) વાક્ય જ આજનું હૃદય છે અને એ જ આપણે સાબિત કરવાનું છે, સાર્થક અને સ્વીકારવાનું છે.

પરિવર્તન એ સારા-નરસાની કે સ્તરની માત્રાને આધારે નથી થતું, એ તો એનાથી ક્યાંય પર છે. એ તો પરિવર્તનનો વિષય જ નથી. ખરેખર તો પરિવર્તન નવા-જુના સાથે પણ ઓછો સંબંધ ધરાવે છે. હા ખૂબ ઓછો, એટલો ઓછો કે પરિવર્તન માટે નવા-જૂનાં-આ વિષય- માત્ર એક આધાર છે, પ્રક્રિયા સ્થળ છે - અસ્તિત્વ માટે, ભવિષ્ય માટે. અને આ જ પરિવર્તનનું કારણ, રહસ્ય કે જરૂરિયાત છે. જી હા, પરિવર્તન ના તો જૂનું તોડવા માટે થાય છે, ના તો માત્ર એ નવું સર્જવા માટે છે. એ તો વિકાસ અને સમયક્રમને અનુસરવા, ભવિષ્ય માટે છે, સાતત્ય માટે થાય છે, ટકી રહેવા- ટકાવી રાખવા છે. ઘરમાં ઓછાડની બદલીથી લઈને સૃષ્ટિના પ્રાણીઓનાં ઉદવિકાસને સમજશો તો આ જ વાત હાથ લાગશે. પરિવર્તન સંસારનો નિયમ એટલા માટે છે કે પરિવર્તન સંસારને અસ્તિત્વ બક્ષે છે, સાતત્યતા બક્ષે છે. પરિવર્તન સંસારનો નિયમ એટલા માટે છે કારણ કે એના દ્વારા જ સંસાર છે અને રહેશે. આમ, સંસાર જ એક પરિવર્તન છે.

હું અને તમે, આ પરિવર્તન, આ સંસારની ઘટનાનાં ખૂબ જ સૂક્ષ્મ ભાગનાં સાક્ષી બનવા આવ્યા છીએ. એ જ આપણી નિયતિ છે. આ પરિવર્તન દરેક સ્તરે અસ્તિત્વ ધરાવે છે, એ પછી આપણી હેર સ્ટાઇલ ભલે હોય કે માનસિકતા, જીવનપદ્ધતિ કે આ સઘળું બ્રહ્માંડ કેમ ન હોય. આવી પવિત્ર ( હા, પવિત્ર ), સનાતન પ્રક્રિયાને માત્ર જુના-નવા જેવા વિષયને આધારે મુલવવી અને એને ન સ્વીકારવી એ આપણું ઘણું ખોટું અને અપૂરતું, અપૂર્ણ અર્થઘટન છે. જો કે પરિવર્તનની ઘટનાને, પ્રક્રિયાને આથી કોઈ જ ફરક પડતો નથી, પરંતુ એક મહત્વપૂર્ણ જીવન, અર્થપૂર્ણ જીવન જીવવા માટે આપણે એ સમજવું, સ્વીકારવું અને ખાસ તો જરૂરી છે કે એને સહજ બનાવવું.

આ સમગ્ર ચર્ચાને કોઈપણ ક્ષેત્રમાં લાગુ પાડીને ચકાસી શકાય છે. એના માટે જુના પાસા અને નવા પાસાને સમજવા રહ્યાં અને ખાસ તો સાતત્ય, અસ્તિત્વ, ભવિષ્યને ધ્યાનમાં લેવું રહ્યું. આનાથી જનરેશન ગેપ અને બીજા ઘણા વિષયોને સમજી શકાશે. ખાસ ઈચ્છા ને પ્રયત્ન તો એવો જ છે કે આ આભાસી સર્જી દેવાયેલી અનિયમિતતા, ગેરસમજણ કે 'સમસ્યા' ને ઓગાળી દેવાય. આખરે તો જીવન સ્વયં પણ પરિવર્તન જ છે ને. વિચારી જુઓ.

📒 શૂન્યની આરપાર
✍🏻 તુષાલ ઘ વરિયા 'મુંજાલ''