-: મૃગયા :-
. DIPAKCHITNIS(DMC)
…………………………………………………………………………………
દિગ્દર્શક મૃણાલ સેનના ચિત્ર ‘મૃગયા‘ ને વર્ષ ૧૯૭૭ માં શ્રેષ્ઠ રાષ્ટ્રીય ચિત્ર કરીકે સ્વણઁકમલ પ્રાપ્ત થયેલ. આ ચિત્રપટના મુખ્ય નાયક તરીકે મિથુન ચક્રવર્તી ને શ્રેષ્ઠ અભિનેતા તરીકે નો એવોર્ડ મળેલ હતો.
મૃણાલ સેન સામાજિક અને આર્થિક અસમાનતાની સાથે સાથે રાજકીય શોષણ સામે માથું ઉચકનાર સર્જક છે. ફિલ્મનું માધ્યમ સમાજ જાગૃતિ માટે છે. એવું ધ્યેય ધરાવનારા ફિલ્મ સર્જકોમાં મૃણાલ સેનનું સ્થાન અગ્ર હરોળમાં છે.
‘મૃગયા‘ માં સામાજિક અને રાજકીય શોષણ સામે અવાજ ઉઠાવતાં સંથાલ આદિવાસીઓના સંતાપ અને સંઘર્ષની કથા છે. સંથાલ પરગણામાં તાડડાંગા નામનું એક ગામ છે. તે વિસ્તારના આદિવાસીઓનો ઉદ્યમ, તેમની અસહાયતા અને તેમના અને અજ્ઞાનની વાતો વણી લઈને ‘મૃગયા‘ નું નિર્માણ થયું છે. ‘મૃગયા‘ એટલે કે શિકાર સામાન્ય રીતે પૌરાણિક-મધ્યકાલીન યુગમાં રાજા-મહારાજાઓ પશુ-પંખીનો શિકાર કરે તે મૃગિયા કહેવાતી.
મૂળ કથા ઓરિસ્સાના લેખક ભગવતીચરણ પાણિગ્રહીની છે. અંગ્રેજ અમલદારો, જમીનદારો ને શાહુકારો પદ્દદલિત પ્રજા પર જે જુલમો કરે છે તેની દાસ્તાન આ મૂવીમાં રજૂ કરવામાં આવેલ છે. છેવટે તેમાંથી ક્રાંતિ કેવી રીતે જન્મે છે તેની પરાકાષ્ઠાએ પહોંચતી ગૂંથણી છે.
ગામના મુખીનો દીકરો તાંબાવણીઁ જુવાન છે. કે અચૂક નિશાનબાજ છે. તેની નિશાનબાજી પર એક અંગ્રેજ અમલદાર ખુશ છે. બીજી તરફ ખંધો અને વાસનાભૂખ્યો શાહુકાર એકદિવસ એ નિશાનેબાજ યુવાનની પત્નીનો ‘શિકાર‘ કરવાની બીજી ગોઠવે છે. ભલો તેમ છતાં ભડવીર આ યુવાન આથી એવો છંછેડાય છે કે તે શાહુકારનો જ શિકાર કરી નાંખે છે અને જેને ફાંસીની સજા થાય છે.
જંગલી જાનવરો મહામહેનતે કરેલી ખેંચીને ખતમ કરી નાંખે છે. બીજી તરફથી જમીનદાર પોતાનો હિસ્સો ઝૂંટવી જાય છે. ત્રીજી તરફથી શાહુકાર પોતાના લેણા પૈસાના બદલામાં પાક ઉઠાવી જાય છે. આ સ્થિતિ માં ખેતી કરનારા ગરીબ પરિશ્રમીઓના હાથમાં શું આવે છે ? – માત્ર ને માત્ર ભૂખ અને લાચારી.
આ દુદઁશા સામે પડકાર ફેંકવા થોડાંક લોકો જંગલોમાં છુપાઇને સરકાર સામે હિંસક આંદોલન ચલાવી રહેલ હોય છે. પેલો નિશાનેબાજ છોકરો ફાંસીએ કે ચડે છે. પોતાની પત્નીની લાજ લૂંટનારને ખતમ કરવા માટે પણ પોતાની પાછળ એક પ્રશ્ન મૂક્યો જાય છે કે જંગલી જાનવરને પણ સારા કહેવડાવે એવા માનવીનો શિકાર કરવામાં ખોટું શું છે ? એ નરપશુઓ સમાજને વધારે ખેદાનમેદાન કરે છે. તેમને શું રોકી ન શકે ? પણ હતાશાવાદ, અનાચાર ને અત્યાચાર ના આ ઘોર અંધકાર પછી એક દિવસ નવચેતના નો સૂરજ ઉગશે. એવો આશાવાદ મૃણાલ સેન અંતે પ્રગટ કરે છે.
ભય અને ભૂખમાં હિજરાતી પીડિત માનવતાના કેવી કરપીણ કઠણાઈઓ ભોગવી રહી છે તે દર્શાવવા માટે મૃણાલ સેને વેધક વાતાવરણ સર્જ્યું છે. તાડડાંગા ગામ તો એક પ્રતીક છે. બાકી ભારતભરમાં અજ્ઞાન અને અસહાય પદદલિતોનો આર્તનાદ તેમાં સંભળાવ્યો છે. સમગ્ર ફિલ્મેપેક્ષકના ચિત્ત પર, વિચાર ઉપર , ઉમીઁઓ પર, અને સામાજિક આબોહવા પર મંથનની તીવ્ર તરંગાવલી જગાડી છે. ‘મૃગયા‘ મનોરંજનનું ચિત્ર નથી, પણ મનોમંથનનું ચિત્ર છે.
આ ફિલ્મમાં દિગ્દર્શક મૃણાલ સેને રુદ્રતાની સાથોસાથ રમ્યતાને પણ રેલાવી છે. જ્યારે પેલો નવયુવાન શિકારી પોતાની અબોધ, મુગ્ધ પત્નીને જંગલ અને પથ્થરની ટેકરીઓ વાટે બીજે ગામ લઈ જાય છે, ત્યારે પત્નીના પાત્રમાં મમતા શંકરનો મૂંગીપ્રસન્નતાનો ભાવ, પતિ પ્રત્યેનો ગર્વ અને અહોભાવ, કુતુહલ વગેરે દ્વારા કલાકારોની અભિનયકલાને દિગ્દર્શકે શિલ્પકાર ની જેમ કંડારી છે.
મિથુન ચક્રવર્તી અને મમતા શંકર બંને પહેલી જ વાર ‘મૃગયા‘ માં ચમકે છે અને જોતાવેંત જચી જાય છે. પૂનાના ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઈન્સ્ટિટ્યુટમાં અભ્યાસ કરતા ત્યારે મીથુન ચક્રવતીનું નામ ‘રાણા રેઝ‘ હતું. વિશ્વવિખ્યાત નૃત્યકાર ઉદયશંકર અને એકલી જ ઓજસવતી નતીઁકા અમલા શંકરનું સંતાન એટલે મમતા શંકર.
‘સહ નાવવતુ‘ સહ નો ભુનકતુ, સહવીયઁમ કરવા વહૈ, નો સમૂહ-ધ્વનિ ‘મૃગયા‘ ના સજઁનમાં શંખનાદ બનીને સંભળાય છે.
Dchitnis3@gmail.com