Stree Sangharsh - 5 in Gujarati Fiction Stories by Fatema Chauhan Farm books and stories PDF | સ્ત્રી સંઘર્ષ...ભાગ 5

Featured Books
Categories
Share

સ્ત્રી સંઘર્ષ...ભાગ 5

દવાખાનામાં સૌ કોઈ કવિતા ને મળવા આવી ચૂક્યું હતું. આવનારા બાળક ને સૌ કોઈએ વધામણી સાથે વધાવી લીધું હતું પરંતુ ઘરની જવાબદારી અને કામમાં કોઈએ રેખા ઉપર ધ્યાન આપ્યું ન હતું. તે હજી સુધી કવિતા અને બાળક ને મળવા આવી ન હતી અને આ વાત કોઈની નજરમાં આવી ન હતી. જાણે કે ઘરમાં છે જ નહીં.

સવારથી લઈને સાંજ સુધી સૌ કોઈનું ઘરમાં ધ્યાન રાખતી રેખા અત્યારે કોઈ માટે હતી જ નહીં. નામકરણ વિધિ અને છઠ્ઠી પૂજા નું ઘરમાં આયોજન થયું. કિરણબેન એ તો જાતે જ બધાને આમંત્રણ આપ્યું. બાળકનું ઘરમાં સ્વાગત ધૂમધામથી થશે એમ વિચારી બધી જ તૈયારીઓ કરવામાં આવી. કવિતાના પિયરેથી પણ બધા ને ખાસ આમંત્રણ સાથે બોલાવવામાં આવ્યા .આની પહેલા ઘરમાં ક્યારેય આવી ઉજાણી થઈ જ ન હતી .ઋચા ના જન્મ વખતે પણ બધી પૂરતી વિધિઓ કરવામાં આવી હતી પરંતુ અત્યારે છે એવું તો નહીં જ. આવો આવકાર રેખાના પરિવારને ક્યારેય મળ્યો જ ન હતો. "હજી તો બાળકના આવવાને માત્ર બે દિવસ થયા છે ત્યાં આ સ્થિતિ છે, તો આગળ....." આવા અસંખ્ય વિચારો મનમાં આવવા લાગ્યા.

દવાખાને થી કવિતા ને ઘરે લાવવામાં આવી .બાળક અને માતા નું ઉત્સાહભેર સ્વાગત થયું જાતજાતની ભેટો અને રમકડાંથી કવિતા અને મોહનનો ઓરડો ભરી દેવામાં આવ્યો. કેટકેટલાય નામો ની યાદી તૈયાર કરી લેવામાં આવી. " પોતાના બધા અરમાનો તે પુરા કરશે". તેવું કિરણબેનએ પહેલેથી જ બધાને કહી દીધેલું ને બધા તેમના હરખમાં સામેલ થઈ ગયા હતા. કવિતાના પિયર થી આવતા પરિવાર અને મહેમાનોનું આદર સાથે સ્વાગત થયું. છઠ્ઠી પૂજા પણ વિધિપૂર્વક કરી અને બાળકનું નામ નીલ રાખવામાં આવ્યું. ઘરમાં સૌ કોઈ નીલ..નીલ કરી તેને રમાડવા લાગ્યા હતા. ઘરમાં આવતા જ સૌ કોઈ તેના વિશે પૂછતા .એના રડવાનો અવાજ આવ્યો નથી કે સૌ કોઈ પારણા તરફ દોડી જતા.

રુચાનો નીલના આવવાથી અનાદર થવા લાગ્યો છે તેવું માત્ર રેખાને લાગતું હતું. કોઈ નીલ માટે કંઈ પણ કરે એટલે તેને રૂચા યાદ આવી જતી પરંતુ આ સત્ય ન હતું .રૂચા પણ બધાને તેટલી જ વહાલી હતી જેટલો નીલ. અત્યારે માત્ર આં ભેદ કિરણ બહેન એ રેખા ના મગજ માં નાખી દીધો હતો. તેમના બોલાયેલ શબ્દ રેખાના મન ઉપર એક નકારાત્મક છાપ ઉભી કરતા હતા. પોતાના પૌત્રને અને પૌત્રીને રમાડવાનો , મોટા થતા જોવાનો ઉત્સાહ અને ઉમંગ બધા દાદા-દાદીના હદયમાં હોય છે. કિરણ બહેન પણ આ જ દિવસોના ઇન્તેઝાર માં હતા. પરંતુ પૌત્રના આવવાનો હરખ તેમનામાં કંઈક વધુ જ હતો. દીકરી ભલે દરેક અરમાનો, સપનાઓ પુરા કરે, પૂરતી કાળજી રાખે પરંતુ વંશ આગળ વધારવાની એક ઘેલછા કે યશ તો એક દીકરો જ વધારી કરી શકે આ માન્યતા હજી સુધી લોકોના મન ઉપરથી ઉતરી નથી.

કિરણબેન રૂચા ને નીલ આજુબાજુ પણ ભટકવા દેતા ન હતા. જરાક તેની નજીક આવે કે ધક્કો મારી તેને હટાવી દેતા. રુચા પોતાના નાના ભાઈ ને હાથમાં લેવા જીદ કરતી અને સૌ કોઈ તેને ફોસલાવી દૂર કરી દેતા. હવે કોઈ તેને તેડીને બહાર આટો મારવા પણ લઈ જતું ન હતું .આવી નાની નાની વાતો રેખાને ખટકવા લાગી તેનો ડર સત્ય થતો હોય તેવું તે અનુભવવા લાગી. હવે કોણ જાણે તેના મગજમાં શું ચાલી રહ્યું હોય?

અચાનક એક દિવસ રેખા બેભાન થઈ ગઈ કોણ જાણે શું થઈ ગયું હોય ? ઘણીવાર સુધી ભાન માં ન આવતા રાજીવને શાળાએથી બોલાવી લેવામાં આવ્યો અને તેને દવાખાને લઈ જવામાં આવી .ડોક્ટરે તપાસ કરી રિપોર્ટ કરવાનું કહ્યું પરંતુ અચાનક શું થયું તે કોઈને સમજાતું ન હતું ,ઘણા બધા રિપોર્ટ થયા પરંતુ કંઈ આવ્યું નહીં .. ડોક્ટરોને પણ કઈ સમજાતું ન હતું નબળાઈ અને અશક્તિ હોઈ શકે તેમ કહી પંદર દિવસનો આરામ કરવા કહ્યું અને ફરી પંદર દિવસ પછી પાછો રિપોર્ટ કરશું તેમ કહ્યું. . બધા રેખાને લઈ ઘરે આવ્યા. ઘરમાં બધા રેખાની ચિંતા કરવા લાગ્યા. કવિતા અને મોહન પણ રેખા પાસે આવી ખબર અંતર પૂછી આરામ કરવા અને કાળજી રાખવાનું કહ્યું. સમયસર કવિતા ભોજન બનાવી રેખાને જમાડતી અને દવા પણ જાતે કાઢીને આપતી. પરંતુ કિરણબેન ને જાણે કોઈ ફરક જ નહોતો , "અરે આ તો હવે ઢીલી પોચી છે, થોડું વધુ કામ કર્યું નથી ને મેડમ એ પથારી પકડી લીધી." આવું બોલતા કિરણબેન અચકાયા નહીં અને રેખાએ આ વાત સાંભળી લીધી.

પંદર દિવસ પછી રાજીવ અને રેખા ફરી દવાખાને ગયા તેના સ્વાસ્થ્યમાં થોડો સુધારો આવ્યો હતો ડોક્ટરે ચેકઅપ કરી રાજીવ ની સામે રેખા સાથે વાત કરવાનું શરૂ કર્યું. " શું તમને કોઈ ચિંતા છે ?? અથવા વધુ કામ કરો છો ? કામ કરવામાં તો કોઈ વાંધો નથી. પરંતુ પોતાનું સ્વાસ્થ્ય પણ જાળવવું જરૂરી છે. નહીં તો તમને વધુ થાક લાગશે. " ત્યારે રેખા પ્રતિ ઉત્તરમાં બોલી, " કામનું તો કોઈ બોજ નથી પરંતુ મારી ઋચાની મને બહુ ચિંતા રહે છે જેમ તે મોટી થાય છે તેમ તેના ભવિષ્ય માટે મારા મનમાં વિચારો વધતા આવતા જાય છે. એક દીકરીની કેટલી એ જવાબદારી હોય છે. પાછું તેનું કોણ ધ્યાન રાખે તે તો મારે એકલી છે. કાશ કે મારે દીકરો હોત તો જેમ બધા નીલ નું ધ્યાન રાખે છે તેમજ મારી રૂચા નું પણ રાખે અને મારે આટલી ચિંતા ન કરવી પડે."

રેખા નો જવાબ સાંભળી ડોક્ટર થંભી ગયા. તેણે રેખાને બાર બેસવા કહ્યું અને રાજીવને કોઈ માનસિક રોગના ડોક્ટરને મળી રેખાને તેમનો ઈલાજ કરાવવા કહ્યું. આ સાંભળી રાજીવ પણ ચોંકી ઉઠ્યો, " કેમ ..માનસિક રોગના એટલે ? એવું તો શું થયું છે તેને ?ઋચા થોડી મોટી થાય છે એટલે ચિંતા હશે ? બધાને હોય એમાં તમે આવું કેમ કહ્યું "?