ભાગ - 3
મમ્મીને હિંમત આપી, આ બાબતે
બીજા દિવસે પૂજા ઈશ્વરકાકાને મળે છે, અને ગઈકાલ તેના ઘરે થયેલ વિનોદના ક્લાસીસ વિશેની આખી વાત તેમને જણાવે છે, અને એ પણ જણાવે છે કે,
મારે લાયક કોઈ સારી જગ્યા હોય તો, મારે જોબ કરવી છે.
ત્યારે ઈશ્વરકાકાને પણ પૂજાના આ નિર્ણય પર ગર્વ થાય છે, અને હમણાં બે દિવસ પહેલાજ ઈશ્વરભાઈ તેમના શેઠને જે જીમમાં મૂકવા-લેવા જતા હતા, ત્યા જિમના માલિક અને પોતાના શેઠ વચ્ચે થયેલ વાત યાદ આવે છે.
તે જીમના માલિકને પોતાનું જિમ સંભાળી શકે એવી કોઈ છોકરીની જરૂર હોય છે.
માટે ઈશ્વરભાઈ પૂજા ને કહે છે કે,
ઈશ્વરભાઈ :- બેટા, આ ચિંતા તુ મારી પર છોડી દે, હું તને જોબ માટે કાલેજ એક સારી જગ્યાએ લઈ જઈશ.
ઇશ્વરભાઇ તે દિવસે પૂજાની નોકરી માટે પેલા જીમ-માલિક સાથે વાત કરે છે, અને જીમમાલિક પણ ઈશ્વરભાઈને આવતીકાલથીજ પૂજાને જિમ પર મોકલવાનું કહી દે છે.
બીજા દિવસથી પૂજાની જોબ ચાલુ થઈ જાય છે.
ઇશ્વરભાઇ ઘણીવાર શેઠની ગાડી પોતાના ઘરે લઈને આવતા-જતા હોવાથી, તેઓ કોઈ-કોઈવાર જતાં કે આવતા રસ્તામાં પૂજા મળી જાય તો તે, પૂજાને ગાડીમાં લિફ્ટ આપતા હોય છે, અને કોઈ કોઈ વાર પૂજાની મમ્મી પણ બજારથી કોઈ ઘરનો માલ-સામાન લઈને આવતા જતા હોય, ત્યારે તેમને પણ ઈશ્વરભાઈ ગાડીમાં બેસાડતા હોય છે.
આ બધું પ્રમોદભાઈ ઘણીવાર જોતા, અને જ્યારે ઘરે નાનો મોટો ઝઘડો થયો હોય ત્યારે, તેમની પત્ની પર આરોપ પણ મૂકી દેતા.
ખરાબ તેઓ પોતે છે, પરંતુ વીણા બહેનને પણ ઘણીવાર, ઇશ્વરભાઇ સાથે નામ જોડી ખરું-ખોટું સંભળાવી દેતા. ઇશ્વરભાઇ વીણાબહેનનુ આ દુઃખ પણ સારી રીતે જાણતા હોય છે, અને તેઓ વીણાબહેનને પોતાની બહેન તરીકે, અને પૂજાને પોતાની એક દીકરી તરીકે માનતા હોય છે.
એટલે આવા સમયે તે મા-દિકરી બંનેને હિંમત આપતા રહેતા,
કે તે પ્રમોદની વાતો બહુ દિલ પરના લે.
આ બાજુ પ્રમોદભાઈના શકમાં વધારો એટલે થતો કે,
તેમની દીકરી પૂજા અને ઇશ્વરભાઇની દીકરી આરતી બંને હમશકલ હતા, અને આ શંકાને કારણે તેઓ હંમેશા દીકરી પૂજા પર, કે તેના ભણતર પર, કે પછી પૂજા શું કરે છે ?
તેના પર બિલકુલ ધ્યાન ન આપતા.
જ્યારે વિનોદને ખાનગીમાં પણ પ્રમોદભાઈ વાપરવા માટે પૈસા આપતા.
પૂજાને જોબમાં બે-ત્રણ મહિના થવા આવ્યા, ત્યાંજ ભાઈ વિનોદનું વેકેશન પૂરું થતાં, તેણે બહેન પૂજાને કહ્યું કે...
મારા ફ્રેન્ડ આવતીકાલે ક્લાસીસનું નક્કી કરવા જવાના છે, અને ફી પેટે એડવાન્સ રૂપિયા પાંચ હજાર લઈને જવાના છે, તો મને પણ પૈસા આપો તો હું મારું પણ એડમિશન લઈ લઉ.
પૂજા બીજા દિવસે સાંજે ઓફિસેથી 5000 લઈને ક્લાસીસની ફી ભરવા માટે તેના ભાઈને આપે છે.
બસ આ જ રીતે વિનોદ એક બાજુ તેના પપ્પાની રહેમ-નજર, અને બીજી બાજુ બહેન પૂજાની લાગણી, બંનેનો દુરુપયોગ કરી સ્કૂલ અને ક્લાસીસના નામે મળતા પૈસા ઉડાવતો થઈ જાય છે.
પૂજાના જીમમાં ટ્રેઈનર તરીકે કામ કરતો કરણ,
પહેલા દિવસથીજ પૂજાને મનોમન ચાહતો થઈ જાય છે, અને રોજ શેઠને લઈને આવતા જતા ડ્રાઈવર ઈશ્વરભાઈ પાસેથી જેમ-જેમ પૂજાની હકીકત જાણે છે, તેમ-તેમ તેના દિલમાં પૂજા માટે પ્રેમ વધતો જાય છે.
પરંતુ, પૂજાનું મન અત્યારે...
આ બધી પ્રેમની વાતોથી ખૂબ દુર છે.
એને મન અત્યારે તો...
એક, ઘરની આર્થીક નબળી પરિસ્થિતિ.
બે, ભાઈ વિનોદનું ભણતર, અને
ત્રણ, પોતાની મમ્મીનું દુઃખ,
તેમજ કેમ કરીને પપ્પા ખોટા રસ્તેથી પાછા વળે, એ જ હોય છે.
હા, પૂજા જાણે છે કે કરણને એના પ્રત્યે પ્રેમ છે, પૂજાને પણ કરણ ગમે છે.
પરંતુ...
હાલ આ વાત માટે તેનું મન માનતું નથી.
વધું આગળ ભાગ 4 માં