Mutated chromosome in Gujarati Science-Fiction by Akshay Bavda books and stories PDF | પરિવર્તિત રંગસૂત્ર

Featured Books
  • स्वयंवधू - 31

    विनाशकारी जन्मदिन भाग 4दाहिने हाथ ज़ंजीर ने वो काली तरल महाश...

  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

Categories
Share

પરિવર્તિત રંગસૂત્ર


સવારે પરોઢિયે લગભગ ૪:૩૦ કલાકે યશ નો મોબાઇલ રણકે છે. યશ ગાઢ નિદ્રા માંથી જાગી ને ફોન ચેક કરે છે, તો આ ફોન તેની સાથે તેની જીવ વિજ્ઞાન ની પ્રયોગશાળા માં કામ કરતી નિશા નો હોય છે. યશ આવા વિચિત્ર સમય એ આવેલા ફોન કોલ થી આશ્ચર્ય પામી ને ત્વરિત જવાબ આપે છે.

ફોન ઉચક્તાં ની સાથે જ સામે થી ખૂબ ડરી ગયેલા આવાજ સાથે નિશા બોલે છે “ યશ, તું જલ્દી થી અહીંયાં આવી જા, મને કશું જ સમજાતું નથી કે હું શું કરું અહીં ખૂબ જ મોટી ગરબડ થઈ ગઈ છે.” યશ તેને શાંત પાડવાનો નિષ્ફળ પ્રયત્ન કરે છે અને કહે છે “ નિશા, શાંત થઈ જા અને મને જણાવ કે ત્યાં શું ગરબડ થઈ ગઈ છે તો હું તારી મદદ કરી શકું.” પરંતુ નિશા કશું પણ સાંભળવા રાજી નથી હોતી તે બસ ગભરાટ વાળા સ્વર માં માત્ર એટલું કહે છે કે “હું તને ફોન પર કશું જ સમજાવી શકું તેવી પરિસ્થિતિ નથી, બસ તું ત્વરિત અહીં આવી જા બધું જ ગરબડ થઈ ગયું છે.” આટલું કહી ને નિશા ફોન કાપી નાખે છે.

આ પ્રકારે અચાનક આવેલા ફોન થી યશ પણ થોડો ચિંતિત હતો. તે ખૂબ ઝડપ થી તૈયાર થઈ ને પોતાની ગાડી તેના ઘર થી લગભગ ૭ કિલોમીટર સ્થિત પ્રયોગશાળા તરફ દોડાવી મૂકે છે.

યશ અને નિશા બંને લગભગ ૧૨ વર્ષ થી પ્રયોગશાળા માં સાથે કામ કરી રહ્યા હતા. બંને એ સાથે મળી ને અનેક મહત્વ ની શોધ કરી હતી,તેમાંથી અમુક શોધ ખૂબ જ ઉમદા અને માનવજાત માટે લાભદાયી હતી. આ શોધો માં મુખ્યત્વે પ્રયોગશાળા માં બોનમેરો (“અસ્થિ મજ્જા” એ શરીરના કેટલાક હાડકાં ની અંદરની પેશી છે, જેમાં નિતંબ અને જાંઘ ના હાડકાં શામેલ છે. અસ્થિ મજ્જા માં અપરિપક્વ કોષ હોય છે, જેને સ્ટેમ સેલ્સ કહેવામાં આવે છે) અને સ્ટેમસેલ ની મદદ થી કૃત્રિમ અવયવો નું નિર્માણ, તેમજ બીજા પ્રાણીઓના ના DNA માં ફેરફાર કરી ને મનુષ્ય જાતિ ના હિત માં ઉપયોગ લઇ શકાય તેવી અનેક દવાઓ અને વિવિધ પદ્ધતિ ઓ વિકસાવી હતી. આ શોધો સિવાય તે લોકો એક બીજા વિષય પર પણ કામ કરી રહ્યા હતા જે ખૂબ જ આધુનિક અને પડકાર સમાન હતો. યશ અને નિશા છેલ્લા દસ વર્ષ થી લેબોરેટરી માં સંપૂર્ણ જીવ નિર્માણ કરવા ના પ્રયોગ પર કામ કરી રહ્યા હતા.

એકબીજા સાથે વિતાવેલા ૧૨ વર્ષો માં તે બંને વચ્ચે પણ પ્રેમ ની કૂંપળો ફૂટી હતી. બંને પોતાના કામ ને પણ એટલો જ પ્રેમ કરતા હતા જેટલો એકબીજા ને કરતા હતા. બંને ના પ્રેમ નો આરંભ લગભગ ૧૧ વર્ષ પહેલાં થયો હતો, લેબ માં એકબીજા સાથે ખૂબ વધારે સમય વિતાવતા હોવાથી બંને ને એકબીજા નો સાથ ગમવા લાગ્યો હતો. ૧૪ એપ્રિલ ૨૦૦૮, ૧૧ વર્ષ પહેલાં યશ ના બર્થડે ના દિવસે નિશા એ યશ ની સામે પોતાના પ્રેમ ની રજૂઆત કરતા કહ્યું હતું “ યશ, ઘણા સમય થી હું તને એક વાત કહેવા ઇચ્છું છું પરંતુ કેવી રીતે કહું તે મને સમજાતું નથી પણ આજે મે હિંમત ભેગી કરી લીધી છે અને હું આજે તને કહી ને જ રહીશ કે હું તને પ્રેમ કરું છું.” આ સાંભળતા ની સાથે જ યશ બોલી ઊઠે છે “ નિશા, તે મારા મોઢા ની વાત છીનવી લીધી, હું પણ તને ખૂબ પ્રેમ કરું છું, તારી સાથે વિતાવેલી દરેક ક્ષણ મારા માટે ખૂબ આનંદમય હોય છે, તારા થી વધારે મને કોઈ સમજી શકે તેવું પાત્ર કદાચ આ દુનિયા માં કોઈ હશે પણ નહિ માટે હું પણ મારું જીવન તારી સાથે વિતાવવાની ઈચ્છા રાખું છું.” યશ નો આવો પ્રતિસાદ મળતાં જ નિશા ખૂબ ભાવુક થઈ જાય છે અને તેને એકદમ કચકચાવી ને તેના બાહુપાશ માં જકડી લે છે.

થોડા સમય બાદ બંને પોતાના પ્રેમ ની વાત પોતાના માતાપિતા ને કરે છે. બંને ના માતાપિતા પાસે થી પણ બંને ને ખૂબ સારો પ્રતિસાદ મળે છે. પરંતુ ઘર ની જવાબદારી ઓ તેમના વૈજ્ઞાનિક સંશોધન માં અવરોધ ન બને તે માટે બંને લગ્ન ગ્રંથી થી જોડાતાં નથી. તે બંને ના માતાપિતા આ ફેંસલા ની વિરુદ્ધ હોય છે છતાં પણ બંને પોતાની જીદ પર સ્થિર રહે છે. માતાપિતા તરફ થી લગ્ન બાબત ના દબાણ થી તે બંને એ તેમના માતાપિતા ને વચન પણ આપ્યું હોય છે કે તે બન્ને જે પ્રયોગ કરી રહ્યા છે તે પૂર્ણ થશે કે તરત જ તે બંને લગ્ન ગ્રંથી થી જોડાશે. આ પ્રયોગ ચાલુ થાય ને પણ દસ વર્ષ થઈ ગયા હતા અને બસ જેમતેમ કરી ને નિશા અને યશ પોતાના માતાપિતા ને દસ વર્ષ થી સમજાવી ને લગ્ન ન કરવા રોકી રાખ્યા હતા. પ્રયોગ બસ થોડા સમય માં પૂર્ણ જ થવાનો હતો કે ખબર નહિ પ્રયોગશાળા માં શું ગરબડ થઈ ગઈ.

છેલ્લા દસ વર્ષ થી ચાલતા આ પ્રયોગ માટે યશ અને નિશા એ પોતે જ ખૂબ અત્યાધુનિક સાધનો નું નિર્માણ કર્યું હતું. આ પ્રયોગ માટે બંને એ સાથે મળી ને યાંત્રિક રીતે સ્ત્રી ના ગર્ભ જેવું વાતાવરણ ઉત્પન્ન કર્યું હતું. આ યંત્ર ને તેઓએ ખૂબ શોધો અને અનેક યંત્રો ની મદદ થી નિર્માણ કર્યું હતું. આ યંત્ર ની વિશેષતા એ હતી કે તેમાં કૃત્રિમ રીતે જીવ નું સર્જન કરી શકતું હતું. આ સાથે આ યંત્ર માં ઉછરી રહેલા ગર્ભ ને પોષણ મળી રહે તે માટે યોગ્ય પ્રોટીન નું ઉત્પાદન તેમજ સામાન્ય રીતે ન મળી રહે તેવા હૉર્મોન પણ આ યંત્ર દ્વારા ઉત્પન્ન કરી શકતા હતા. પરંતુ હા, તે માત્ર તેમાં ઉછરી રહેલા પ્રાયોગિક કૃત્રિમ ગર્ભ ને કામ આવે તે પૂરતા મર્યાદિત માત્રા માં જ પ્રોટીન અને હોર્મોન્સ ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવતું યંત્ર હતું.

આ યંત્ર ના નિર્માણ ના શરૂઆત ના વર્ષો માં યશ અને નિશા કૃત્રિમ અવયવો ઉત્પન્ન કરતાં હતાં. ત્યારબાદ થોડા સુધારા અને ફેરફારો કરી ને આ યંત્ર ને કૃત્રિમ જીવ નું સર્જન કરી શકે તેટલું સક્ષમ બનાવ્યું હતું. આ યંત્ર ની મદદ થી પ્રયોગ કરી ને તે લોકો એ ઉંદર અને સસલા નું કૃત્રિમ રીતે સર્જન કર્યું હતું. ઉંદર અને સસલાં ના નિર્માણ માં સફળતા મળતા ની સાથે જ બંને ને સ્ત્રી ના ગર્ભ જેવું વાતાવરણ ઊભું કરી ને કૃત્રિમ મનુષ્ય ના સર્જન નું ભૂત ચઢ્યું હતું.

૧૩ ઓગસ્ટ ૨૦૧૭ ના રોજ યશ અને નિશા પોતાની લેબ માં કામ કરી રહ્યા હોય છે. નિશા પોતાના યંત્ર માં બદલાવ કરી રહી હોય છે, જ્યારે યશ આ યંત્ર ની પેટન્ટ બનાવવા ના ડૉક્યુમેન્ટ પર કામ કરી રહ્યો હોય છે એવા માં અચાનક નિશા ત્યાં આવે છે અને કહે છે “યશ, મને એક ખૂબ સરસ વિચાર આવ્યો છે” આ સાંભળતા જ યશ એક સ્મિત સાથે “બોલો મેડમ, હવે તમારા દિમાગ માં શું નવો વિચાર આવ્યો?” નિશા ખૂબ ઉત્સાહ માં જવાબ આપે છે “મને વિચાર એવો આવ્યો છે કે આપણે આ ઉંદર અને સસલા નું તો નિર્માણ કર્યું છે પરંતુ જો આ યંત્ર માં બદલાવ કરી ને આપણે કૃત્રિમ રીતે મનુષ્ય નું સર્જન કરીએ તો?, આપણને નોબેલ પુરસ્કાર જીતવા થી કોઈ ન રોકી શકે” આ સાંભળતા ની સાથે જ યશ એકદમ આશ્ચર્ય સાથે કહે છે કે “વહાલી, તું જે કહે છે તે એટલું સરળ નથી અને જો તેમાં કંઇ પણ ગરબડ થાય તો આપણે સાહેબ ને જવાબ આપવો મુશ્કેલ થઈ જશે” હજુ યશ બીજું કશું બોલે તે પહેલાં જ નિશા તેની વાત કાપતા બોલી ઊઠે છે “યશ, તું આટલું નેગેટિવ ના વિચાર પ્લીઝ, મને સાથ આપ, મને ખૂબ ઇચ્છા છે કે આપણે આ પ્રયોગ કરીએ, વધારે માં વધારે આપણે નિષ્ફળ જઈશું તેનાથી વિશેષ શું થઈ શકે? આપણી પાસે પેટન્ટ બની શકે તે માટે કૃત્રિમ ઉંદર અને સસલા ના સફળ પ્રાયોગિક પરિણામ તો છે જ.” નિશા ની વાત સાંભળી ને યશ ને પણ વિચાર આવે છે કે નિશા જે કંઈ કહી રહી છે તે તદ્દન સાચું છે. તેથી યશ પણ આ પ્રયોગ માટે તૈયાર થઈ જાય છે અને કહે છે “ઠીક છે તારે આ પ્રયોગ કરવો જ છે તો હું પણ તારી સાથે છું, આવતીકાલ થી આપણે સ્ત્રી ના ગર્ભ જેવું વાતાવરણ ઉત્પન્ન કરવા માટે જરૂરી સુધારા આપણા યંત્ર માં કરવાની શરૂઆત કરીશું. આ સાંભળતા ની સાથે જ નિશા ખુશ થઈ ને યશ ને ભેટી પડે છે.

એક વર્ષ ના અથાક પરિશ્રમ સાથે યશ અને નિશા પોતાના યંત્ર માં સ્ત્રી ના ગર્ભ માં હોય તેવી પરિસ્થિતિ ઉત્પન્ન કરવા માં સફળ થઈ જાય છે. પરંતુ તેમની સામે એક બીજી મુશ્કેલી આવી પડે છે, તે યંત્ર માં ગર્ભ ની રચના માટે સ્ત્રી નું ઈંડું અને પુરુષ નું શુક્રાણુ કોણ આપે? ખૂબ વિચાર બાદ યશ એક નિરાકરણ પર આવે છે અને કહે છે કે “નિશા આપણે એક કામ કરીએ તારું ઈંડું અને મારું શુક્રાણુ નો જ ઉપયોગ કરી ને આપણે કૃત્રિમ માનવ નું સર્જન કરીએ” આ વિધાન સાંભળતા ની સાથે જ નિશા હકારાત્મક જવાબ રૂપી પોતાનું માથું ધુણાવી ને કહે છે “હા, યશ આપણું બાળક વિશ્વ નું સર્વ પ્રથમ કૃત્રિમ બાળક હોય તેના થી મોટી ખુશી ની વાત આપણા માટે શું હોઈ શકે.”

પ્રથમ વખત બંને આ યંત્ર માં કૃત્રિમ મનુષ્ય નું સર્જન કરવા માટે તૈયાર હતા. નિશા ને માસિક આવ્યા બાદ લગભગ ૧૪ માં દિવસે તેનું અંડપિંડ (ઈંડું) સંપૂર્ણ પણે પરિપક્વ હતું તેને યશ એક ઇન્જેક્શન જેવી રચના ધરાવતા સાધન ની મદદ થી નિશા ના શરીર માં થી બહાર કાઢી લે છે અને તે ઈંડાં ને યશ ના શુક્રાણુ ઓ ની મદદ થી પોતાની જ લેબ માં IVF (કૃત્રિમ ગર્ભ ફલન ની પદ્ધતિ) થી ગર્ભ ને ફલિત કરે છે અને પોતાના બનાવેલા યંત્ર માં પ્રસ્થાપિત કરે છે.

પ્રસ્થાન ને લગભગ ૩ મહિના નો સમય થાય છે ત્યારે યશ અને નિશા ને આ યંત્ર ની ખામી પર ધ્યાન જાય છે. આ યંત્ર ની ખામી એ હતી કે સામાન્ય રીતે મનુષ્ય ના ગર્ભ ને બાળક માં પરાવર્તિત થતાં લગભગ ૯ મહિના લાગે છે, જ્યારે આ યંત્ર માં તે સમય લગભગ બમણો થઈ જતો હતો. છતાં પણ છેલ્લા પંદર મહિના ની મહેનત થી બંને એ આ ગર્ભ ને ઉછેર્યો હતો પરંતુ તે હજુ પણ સંપૂર્ણ પણે તૈયાર ન હતો. બંને માં થી કોઈ એક વ્યક્તિ હંમેશા આ ગર્ભ ની સાથે રહેતા હતા દિવસ અને રાત જોયા વગર બંને ના અથાક પરિશ્રમ નું આ એક ફળ જ હતું.

આજે રાત્રિ રોકાણ માટે નિશા લેબ માં હતી અને યશ આરામ કરવા માટે ઘરે ગયો હતો. પરંતુ નિશા નો ફોન આવતા યશ લેબ તરફ જવા રવાના થઈ ગયો આ સાથે તેના મગજ માં વિચારો ના વમળ તેને વિચલિત કરી રહ્યા હતા, યશ ને જલ્દી થી જલ્દી લેબ માં પહોંચવું હતું. એક પછી એક અનેક વિચારો તેના મગજ માં આવતા હતા કે,
“એકાએક એવું તો શું થયું હશે કે નિશા એ તાત્કાલિક મને લેબ માં બોલાવ્યો?”
“નિશા ને કઈ થયું તો નહિ હોય ને?”
આવા અનેક વિચારો સાથે પૂરપાટ ઝડપે ગાડી દોડાવી ને યશ પ્રયોગશાળા માં પહોંચી જાય છે. પાર્કિંગ માં ગાડી પાર્ક કરી ને જેટલું ઝડપ થી દોડી શકે તેટલું ઝડપ થી દોડી ને તે લેબ માં પહોંચે છે. નિશા ને પોતાની આંખ સામે હેમખેમ ઉભેલી જોઈ ને તેના શ્વાસ માં શ્વાસ આવે છે, પરંતુ પોતે અને નિશા એ બનાવેલા યંત્ર તરફ નજર જતા ની સાથે જ આંખ સામે નું દૃશ્ય જોઈ ને તે એકદમ સ્તબ્ધ થઈ જાય છે તેની આંખો ફાટી જાય છે.

પોતે અને નિશા એ બનાવેલા યંત્ર માં એક મોટું છિદ્ર જોઈ ને તેના હોશ ઊડી જાય છે. તે નિરાશ થઈ ને નિશા ની સામે જુએ છે અને નિશા પોતાની આંગળી લેબ ની છત તરફ કરે છે. યશ છત તરફ જોઈ ને નિશા ની સામે જુએ છે તેની આંખો ને વિશ્વાસ નથી થઈ રહ્યો કે પોતે એક ઉડતા બાળક ને જોઈ રહ્યો છે. તે બાળક પર જાણે ગુરુત્વાકર્ષણ બળની અસર જ ન થતી હોય તેમ હવા માં ઊડી રહ્યું હોય છે. નિશા ઘણા સમય થી તેને પકડવા ની કોશિશ કરી રહી હતી પરંતુ તે નિષ્ફળ થઈ ને થાકી ને બેસી ગઈ હોય છે. યશ ના લેબ માં આવી જવા થી નિશા ના આત્મવિશ્વાસ માં પણ થોડો વધારો થાય છે અને બંને મહા મહેનત એ આ બાળક ને પકડી પાડે છે.

બાળક ની રચના માં એવું તો શું થયું કે તેના પર ગુરુત્વાકર્ષણ ની કોઈ અસર નથી થતી તે યશ કે નિશા બંને માં થી કોઈ ને સમજાતું નથી. જેથી બંને પોતાના કૃત્રિમ બાળક પર અનેક જુદા જુદા પરીક્ષણ કરે છે. આ પરીક્ષણ થી જાણવા મળે છે કે તે બાળક પર ગુરુત્વાકર્ષણ બળ ની અસર ન થતી હોવા સાથે તે ખૂબ જ વધારે બુદ્ધિશાળી હોય છે તથા તેનું શરીર પણ ખૂબ કઠોર હોય છે તેથી તેના પર નાના મોટા પ્રહાર ની કોઈ અસર જ થતી ન હતી. પરીક્ષણ માટે સોય થી તેનુ લોહી લેવા માં આવે તો તે ઘા પણ તે બાળક નું શરીર મિનિટો માં ભરી લેતુ હતું.

બાળક ના શરીર ની આવી જટિલ રચના કેવી રીતે થઈ તે જાણવા માટે યશ અને નિશા એ ખૂબ પ્રયત્નો કર્યા. આ કરવા માં આવેલા અનેક પરીક્ષણ થી જાણવા મળ્યું કે આ બાળક ના DNA માં રહેલા ૨૩ રંગસૂત્રો (ડીએનએનું એક અણુ, જેમાં સજીવ ની આનુવંશિક સૂચનાઓ શામેલ છે) માંથી અમુક રંગસૂત્રો ની રચના પાંચમા મહિને આવેલા પાવર કાપ અને જનરેટર ની ખામી ને લીધે તે યંત્ર ક્ષણિક બંધ થવા ને લીધે મનુષ્ય થી ભિન્ન થઈ ગઈ હતી. જેથી તે બાળક ખૂબ બુદ્ધિશાળી હતું તેમજ તેના પર ગુરુત્વાકર્ષણ બળ ની અસર થતી ન હતી.

આવા બાળક ના ઉત્પન્ન થવા થી યશ અને નિશા તેમના ઉપરી અધિકારી ને વાત કરે છે. ખૂબ વિચાર અને યશ અને નિશા સાથે ના વાર્તાલાપ બાદ તેમના બોસ તેમને આ બાબતે રાષ્ટ્રીય સુરક્ષા વિભાગ ને જાણ કરવા કહે છે. નિશા આ વાત માનવા રાજી નથી હોતી, તે એવું કહે છે કે હું જો આ વાત ની જાણ રાષ્ટ્રીય સુરક્ષા વિભાગ ને કરીશ તો તે લોકો મારા આ બાળક ને મારા થી દુર કરી દેશે. આમ ઘણો સમય બાદ યશ નિશા ને મનાવવા માં સફળ થાય છે અને તે લોકો રાષ્ટ્રીય સુરક્ષા વિભાગ ને આ બાબત ની જાણ કરે છે.

કાયદાકિય કાર્યવાહી બાદ એવો નિર્ણય આવે છે કે યશ અને નિશા આ બાળક ને પોતાની પાસે રાખી શકે નહિ અને તે બાળક ને લોકહિત ને ધ્યાન માં રાખી ને મોત આપવા માં આવે , તેમજ આ યંત્ર બનાવવા ની તમામ રીત ને સુરક્ષા વિભાગ ના અધિકારીઓ ની સામે નષ્ટ કરવા માં આવે તેમજ યંત્ર ને પણ નષ્ટ કરવા માં આવે.

સુરક્ષા અધિકારીઓ ની એક ટુકડી યશ અને નિશા ના કૃત્રિમ બાળક ને તેના દૂધ માં ઝેર મેળવી ને તેને મારી નાખે છે. તેમજ તેમની પ્રયોગશાળા ના તમામ રેકોર્ડ ને પણ તેમણે બનાવેલા યંત્ર સાથે નષ્ટ કરી દેવામાં આવે છે.

આ ઘટના પછી યશ કે નિશા કોઈ દિવસ પોતાની પ્રયોગશાળા માં પગ મૂકતાં નથી. નિશા તો આ ઘટના બાદ અંદર થી તૂટી જાય છે. પરંતુ યશ તેને સાંત્વના આપતા સમજાવે છે કે “વહાલી, જો આ ટેકનોલોજી કે આપણું બાળક કોઈ આતંકવાદી સંગઠન કે બીજા જનહિત વિરોધી લોકો ના હાથ માં આવી જાય તો ખૂબ નુકસાનકારક સાબિત થાય, માટે આપણા દેશ ના સુરક્ષા વિભાગ એ આ પગલાં ભરવા ખૂબ જરૂરી હતા.”

આ ઘટના બાદ નિશા અને યશ લગ્ન ગ્રંથિ થી જોડાય છે અને થોડા સમય માં તેમના ઘરે કૃત્રિમ નહિ પરંતુ સામાન્ય અને કુદરતી બાળક નો જન્મ થાય છે. બંને કોઈ કોલેજ માં જીવ વિજ્ઞાન ના પ્રાધ્યાપક તરીકે ની નોકરી કરવા લાગે છે. હજુ પણ કોઈ વાર નિશા જૂની વાતો યાદ કરી ને નિરાશ અને ઉદાસ થઈ જાય પણ યશ તેને સારી રીતે સંભાળી લે છે.

-અક્ષય બાવડા