THE SOUND OF CUCKOO AND MEMORIES OF CHILDHOOD in Gujarati Short Stories by Tapan Oza books and stories PDF | કોયલનો ટહુકો અને નાનપણની યાદો

Featured Books
Categories
Share

કોયલનો ટહુકો અને નાનપણની યાદો

કોયલનો ટહુકો અને નાનપણની યાદો

આજે વહેલી સવારે હું અમારા ઘરના બગીચામાં ફરતો હતો. ઘરનાં મંદિરમાં ભગવાનને ચડાવવાનાં ફુલો બગીચામાંથી લેતો હતો. વહેલી સવારનો સમય હતો એટલે રોડ પર વાહનોની ચહલ-પહલ ઓછી હતી. માત્ર પક્ષીઓના કલરવનો જ અવાજ સંભળાતો હતો. અમારા બગીચામાં મોટા ભાગે ચકલી અને પોપટનો અવાજ વધુ સાંભળવા મળે. પણ આજે અચાનક જ મીઠો મધુરો કોયલનો ટહુકો સંભળાયો. કોયલનો ટહુકો સાંભળીને મેં જ્યાંથી અવાજ આવી રહ્યો હતો ત્યાં નજર કરી અને જોયું તો અમારા ઘરથી થોડે અંતરે આવેલ એક લિંમડાનાં ઝાડ પર બેઠેલી કોયલ સવાર-સવારમાં પોતાનો મીઠો મધુરો ટહુકો કરી રહી હતી. કોયલનાં અવાજથી આખુ વાતાવરણ જાણે બદલાઇ ગયું.

કોયલનો એ મધુર ટહુકો સાંભળીને હું મારા બાળપણમાં સરી ગયો. મને મારૂ બાળપણ/નાનપણ યાદ આવી ગયું. મારા બાળપણની ઘણી યાદોમાં કોયલનો ટહુકો છે. અને એનું કારણ એ છે કે હું જ્યારે નાનો હતો ત્યારે ઉનાળાનાં વેકેશનની રજાઓ માણવા માટે હું મારા નાના-નાની ના ઘરે જતો. મારા નાના-નાની નું ઘર ભાવનગરમાં...! ભાવનગરમાં એક મોટું ઘર...! તેની પાછળનાં ભાગમાં બે મોટા લિંમડાના ઝાડ...! ઝાડ એટલું મોટુ હતું કે એક માળના મકાનની અગાશી સુધી તો ઝાડની ડાળીઓની શરૂઆત થતી. અને એ ઝાડ મકાનની પાછળના ભાગે આવેલા મોટા ફળીયામાં વચ્ચો-વચ્ચ હતું અને બીજુ ઝાડ તેનાથી થોડુક દૂર એ જ ફળીયામાં પણ થોડુક સાઇડમાં હતું. આ બંને ઝાડનો છાંયડો આખા ફળીયાને, નાના-નાનીના મકાનને તથા એ જ ઝાડવાળા મોટા ફળીયાવાળા મારા મામાના મકાનને પણ ઢાંકી દે તેટલું મોટુ હતું.

હું ઉનાળાના વેકેશનમાં ભાવનગર ગયો હોઉં ત્યારે જ મારી મામા-માસીની દિકરીઓ એટલે કે મારી બહેનો પણ આવી હોય અને ભાવનગરમાં જ રહેતા મારા મામાના દિકરાઓ એટલે કે મારા ભાઇઓ તો ત્યાં જ હોય...! એટલે ટૂંકમાં અમે બધા બચ્ચાપાર્ટી ભેગા થઇ અને નાના ના એ મકાનમાં ખુબ રમતા. ઉનાળામાં જ ભેગા થતા હોઇએ એટલે લાંબા સમય પછી મળ્યા હોઇએ એટલે રમવાનું પૂરૂ જ ન કરીએ એટલો આનંદ હોય. લિંમડાના છાંયામાં અમે રમતા હોઇએ, ટીખ્ખળ કરતા હોઇએ, બુમો પડતા હોઇએ અને અમારી નાની-નાની રમતો અને અવાજોમાં કોયલ પણ જાણે અમારી સાથે તાલ મેળવીને પોતાના ટહુલા રૂપી તેની હાજરી પૂરાવતી હોય...!

ખાસ યાદ રહી જાય તેવી વાત તો એ છે કે, નાના ના ઘરના પહેલા માળના એક ઓરડાની ગેલેરી બહારની બાજુ રોડ પર પડતી. એટલે રોડ પરની અવર-જવર સહેલાઇથી નિહાળી શકાય. અને એ અવર-જવરનો અમે બાળકો અમારી રમત માટે ફાયદો ઉઠાવતા...! ઉનાળામાં લિંમડાના ઝાડ પર ઉગેલી લિંબોળીઓ તોડી અને પહેલા માળના રૂમની ગેલેરીમાંથી સંતાઇને આવતા-જતા લોકોને લિંબોળીઓ મારતા...! કોણે લિંબોળી મારી તે શોધવા માટે લોકો આમ-તેમ ફાંફા મારતા અને અમે એ જોઇને આનંદ લેતાં...! અમે આવી ટિખ્ખળ રોજ કરતાં. ઘણી વખત પકડાઇ પણ જતાં એટલે નાના ને ખબર પડે એટલે નાના ની વઢ પણ સાંભળતા અને શિક્ષા પણ ભોગવતા. અને ક્યારેક તો અમુક લોકો તો અમે બાળકોને ખુશ કરવા માટે જાણીજોઇને લિંબોળી ખાવા ત્યાંથી પસાર થતાં અને અમારી લિંબોળીઓનો માર ખાતા...! હા...હા...હા...હા...હા....! અને અમારી આ બધી જ મજા, તોફાન, મસ્તીમાં કોયલ પણ અમારો સાથ આપીને પોતાનો ટહુકો કરી વાતાવરણ પ્રફુલ્લીત કરી દેતી.

મારા નાના- નાની ખૂબ શ્રધ્ધાળું...! નાની રોજ સવારે સૂર્યોદય થાય તે પહેલા નાહી-ધોઇને મંદિરે દર્શન કરવા જતાં. અને અમે બાળકોને સવારે વહેલા ઉઠવાની સારી આદત પડે તે માટે નાના-નાની અમને સવારે મંદિરે દર્શન કરવા લઇ જવા માટે પ્રોત્સાહિત કરતાં. ક્યારેક વહેલા જાગી ગયા હોઇએ તો અમે પણ નાના-નાની સાથે મંદિરે દર્શન કરવા જતાં. ત્યાં પણ લિંમડાના ઝાડ પર કોયલ બેઠી હોય અને ટહુકો કરીને જાણે અમારૂ સ્વાગત કરતી હોય...! નાના હતાં ત્યારે કુદરતના ખોળે ખુબ રમેલા પરંતું બાળ સહજ સમજણ હોવાથી કુદરતનો આનંદ અને મહત્વ શું કહેવાય એ હવે સમજાય છે. આજે બોલેલી કોયલે મને મારા બાળપણની સેર કરાવી. અને મારા બાળપણની એ મીઠી યાદો ફરીથી યાદ અપાવી. આવી જ અવનવી વાતો લઇને ફરીથી આવીશ. ત્યાં સુધી મને રજા આપો.આપે મારી ટૂંકી વાર્તાઓ (Short Stories) વાંચી અને તમારા પ્રતિભાવો આપ્યા તે બદ આપ સૌનો ખુબ-ખુબ આભાર. આમ જ મને વધુ સારૂ લખવા માટે પ્રોત્સાહન આપતા રહેશો તેવી આશા સાથે ફરી મળીશું.