પતિ પત્ની અને પ્રેત
- રાકેશ ઠક્કર
પ્રકરણ-૨૫
જામગીર ધારીને જશવંતભાઇનો ચહેરો જોવા લાગ્યા. એમના ચહેરા પરથી કોઇ ઓળખાણ મળતી ન હતી. તે આ અગાઉ ક્યારેય મળ્યા ન હતા. એમની દીકરીને શોધતા દૂરથી આવી પહોંચ્યા હોય એવું ચહેરા પરથી લાગતું હતું. બંનેના ચહેરા પર દીકરી ગૂમ થયાની ચિંતા અને પ્રવાસનો થાક દેખાતો હતો. જામગીર ઘર તરફ જઇ રહ્યા હતા. એમને રેતાની ચિંતા હતી ત્યાં આ અજાણ્યા દંપત્તિ એમની પુત્રીની ચિંતા લઇને આવી પહોંચ્યા હતા. પોતાની પુત્રીને જોઇ હોવાના તેમના સવાલનો કોઇ જવાબ એમની પાસે ન હતો. પણ તે દંપતીને નિરાશ કરવા માગતા ન હતા. એમણે કહ્યું:"હું અહીં નજીકમાં મારા ઘરે જઇ રહ્યો છું. તમે મારી સાથે મારા ઘરે ચાલો. તમારી વાત વિગતવાર કરજો. જો હું તમને મદદ કરી શકીશ તો મને આનંદ થશે..."
'કાકા, તમારું નામ શું છે?' જશવંતભાઇએ ઓળખાણ પૂછી.
'હું જામગીર...આ ગામમાં નાનપણથી જ રહું છું. બહુ નાનું ગામ છે. પણ ઘર બધાં છૂટાછવાયા છે. તમે મારા ઘરે ચાલો આપણે પ્રયત્ન કરીશું....' જામગીરે ચાલતાં ચાલતાં જવાબ આપ્યો. તેમના મનમાં રેતા ગૂમ થઇ હતી તેની ચિંતા હતી.
"હા ચાલો...' કહી જશવંતભાઇ પત્ની તરફ સંમતિ માગતા હોય એમ જોઇને આગળ ચાલવા લાગ્યા. જાગીતાબેને ઇશારાથી જ તેમને આગળ વધવાનું કહ્યું. જામગીરના સહકારભર્યા વલણથી દંપતીને પોતાની પુત્રીની ભાળ મળવાની આશા જાગી. બંને લાંબું અંતર કાપીને આવ્યા હતા છતાં ઝડપથી પગ ઉપાડ્યા.
'તમને પહેલી વખત જોયા. કયા ગામના છો?' જામગીરે સમય બગાડવો ના હોય એમ રસ્તામાં જ ઓળખાણ મેળવવા પૂછ્યું.
'કાકા, અમે ગારાધારથી આવીએ છીએ...'
'ઓહ! એ તો બહુ દૂર છે. આખી રાત ચાલો તો પણ અહીં સુધી ના આવી શકાય...'
'અમે અહીં નજીકના વાસણા ગામમાં તમારા જેવા જ એક વડિલના ઘરે રાત્રે રોકાયા હતા. દીકરીને શોધવા ગામેગામ ફરી રહ્યા છે. આજે તમારા ગામમાં આવ્યા છે...'
'ચાલો આવો...ઘર પણ આવી ગયું...' જામગીરે બંનેને આવકાર આપ્યો અને પાણી ધર્યું.
બંને પાણી પીતા હતા એ દરમ્યાન જામગીર આખા ઘરમાં ફરી આવ્યા. તેમને ક્યાંય રેતા દેખાઇ નહીં. રેતા જે રૂમમાં સૂતી હતી તેની બારી બહાર દૂર દૂર સુધી નજર નાખી. તેમને 'રેતા' ના નામની બૂમ પાડવાનો વિચાર આવ્યો પણ જશવંતભાઇની હાજરીનો ખ્યાલ આવતાં માંડી વાળ્યું. એમની વાત સાંભળતા પહેલાં રેતાની કહાની કહેવી પડશે એમ વિચારી એ નિરાશ વદને રૂમની બહાર આવ્યા. ચિલ્વા ભગતે ઘરે જ રહેવા કહ્યું છે એટલે અત્યારે બીજો કોઇ રસ્તો પણ નથી.
જામગીર બહાર આવ્યા. બંનેએ પાણી પીને આશાભરી નજરે જોયું.
"તમે વિગતવાર તમારી દીકરીની વાત કરો. એના વિશે જણાવો...' બોલીને જામગીર ઘરથી દૂર નજર નાખીને રેતાને શોધી રહ્યા.
'હા...' બોલીને જશવંતભાઇને થયું કે ક્યાંથી શરૂઆત કરવી? એ મૂંઝવણમાં હતા.
'જુઓ ભાઇ, મને મિત્ર કે ભાઇ જ સમજશો. હું તમને મદદરૂપ થવાનો પ્રયત્ન કરીશ...' જામગીરે જશવંતભાઇના હાથ પર પોતાના ખરબચડી ચામડીવાળા હાથ મૂકી કહ્યું ત્યારે એમાં કોઇ સ્વજનની હૂંફ વર્તાતી હતી.
જશવંતભાઇને થયું કે એમના ગળે ડૂમો ભરાયો છે. તેમણે ગ્લાસમાં રહેલા પાણીનો છેલ્લો ઘૂંટડો પીને સ્વસ્થ થતાં બોલવાનું શરૂ કર્યું.
'અમારે એક જ દીકરી સ્વાલા છે. નાનપણથી જ અમે એને લાડપ્યારમાં ઉછેરી છે. એને શહેરની કોલેજ સુધી મોકલી. છેલ્લું વર્ષ પૂરું થયું અને પરણાવવાની વાત શરૂ કરી. એ લગ્નની વાતની ચર્ચા કરતી ન હતી. અમને થયું કે એ શરમાય છે. જ્યારે પણ લગ્નની વાત કરીએ ત્યારે તે ઉતાવળ નથી એમ જ કહ્યા કરતી હતી. એણે અમારે સાથે વાત કરવાનું ઓછું કરી દીધું. તે પુસ્તકાલયમાં જઇ વાંચ્યા કરતી અને ઘરે પણ એકલી બેસીને પુસ્તકો જ વાંચ્યા કરતી. જાગીતાએ એક દિવસ એને પ્રેમથી સમજાવી અને લગ્ન માટે માનસિક રીતે તૈયાર કરી. અમે છોકરાઓ જોવાનું શરૂ કર્યું. પહેલા છોકરા સાથે એની મુલાકાત ગોઠવી એ પછી એના જવાબની રાહ જોતા હતા ત્યારે અમારા એક સંબંધીને છોકરાવાળા તરફથી સંદેશો આવ્યો કે છોકરો તૈયાર છે પણ છોકરી જ ના પાડે છે. અમે સ્વાલાને પૂછ્યું ત્યારે એણે કહ્યું કે મને છોકરો પસંદ નથી. આવું ત્રણ-ચાર વખત થયું. પછી તો કોઇ પોતાના છોકરાની સ્વાલા સાથે લગ્ન કરવાની વાત કરવા તૈયાર જ થતું ન હતું. અમને થયું કે નક્કી કોઇ કારણ છે. સ્વાલા અમને કહેતી નથી. અમે એની સખી તાસ્વીને કારણ જાણવા વિનંતી કરી. એ ખબર લાવી કે કોલેજમાં એની સાથે ભણતા ઇરેન નામના છોકરા સાથે તેને છેલ્લા વર્ષમાં પ્રેમ થયો હતો. એ પ્રેમમાં આગળ વધે એ પહેલાં જ આઘાત મળ્યો. વર્ષ પૂરું થયા પછી ઇરેન અચાનક ગાયબ થઇ ગયો. પાછળથી તેણે લગ્ન કરી લીધા હોવાનું જાણવા મળ્યા પછી સ્વાલાને લગ્નની ઇચ્છા જ થતી નથી. અમે એની સાથે ચર્ચા કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેણે વાત કરવાનો ઇન્કાર કરી દીધો. અમે થોડા દિવસ સુધી એની સાથે લગ્નની વાત જ ના છેડી. એ ઘરમાં હવે સામાન્ય વર્તન કરવા લાગી હતી. છતાં અમે લગ્નની વાત કરવાની ઉતાવળ કરવા માગતા ન હતા."
જશવંતભાઇ સહેજ અટકીને કંઇક યાદ કરીને આગળ બોલ્યા:"એક મહિના પહેલાંની વાત છે. અમે સવારે ઉઠયા ત્યારે સ્વાલા એના રૂમમાં ન હતી. અમે આખું ગામ શોધી વળ્યા... એ ક્યાંય ના મળી. કોઇએ કહ્યું કે રાજગઢ નજીકના એક જંગલ તરફના ગામના રસ્તે જતી જોવા મળી હતી. ત્યારથી અમે જંગલ નજીકના ગામેગામ ફરીને એની શોધ કરી રહ્યા છે. ભગવાન કરે કે એણે કોઇ અજુગતું પગલું ભર્યું ના હોય. પ્રેમમાં એ હતાશ અને નિરાશ થઇને અંતિમ પગલું ભરી ના બેઠી હોય એવી રાતદિવસ પ્રાર્થના કરીએ છીએ. અમારું મન કહે છે કે એ અમને મળી જશે..."
"ભગવાન તમારી દીકરીને હેમખેમ રાખશે...એના દેખાવ વિશે કંઇ કહો તો ખ્યાલ આવે...' જામગીરે એમની વાત સાંભળીને કહ્યું.
"એની તસવીર જ જોઇ લો ને...એટલી સુંદર છે કે કોઇની નજર લાગી ગઇ હોય એમ લાગે છે..." કહી જશવંતભાઇએ જાગીતાને એની પાસેની થેલીમાંથી આપવા ઇશારો કર્યો.
"એટલી રૂપવતી છે કે એને જોઇને કોઇ છોકરો લગ્નની ના પાડે એવું બની શકે નહીં. એ જ લગ્ન કરવા તૈયાર થતી ન હતી...' જાગીતાએ થેલીમાંથી એક પ્લાસ્ટિકની થેલી કાઢી કહ્યું. અને એમાંથી એક તસવીર બહાર કાઢી જામગીરના હાથમાં મૂકતાં કહ્યું:"આ તસવીર ત્રણેક વર્ષ પહેલાંની છે. અત્યારે લગભગ એવી જ દેખાય છે. શરીર થોડું વધ્યું છે..."
જામગીરે તસવીર હાથમાં લીધી અને ચોંકીને ઉભા થઇ ગયા.
આંખો ફાડીને તસવીરમાં જોતા રહ્યા બાદ સહેજ ડર સાથે પૂછ્યું:'એનું નામ શું કહ્યું તમે...?"
"સ્વાલા..." જશવંતભાઇ બોલે એ પહેલાં જ જાગીતા બોલી.
"ખરેખર? આ તમારી જ દીકરી છે?" જામગીરને સાચું ના લાગતું હોય એમ પાછું પૂછ્યું.
"કેમ આવું પૂછો છો? તમે એને જોઇ છે? ઓળખો છો?" જશવંતભાઇને દીકરીની કોઇ કડી મળવાની આશા જાગી.
"હા..." જામગીરથી બોલતાં તો બોલાઇ ગયું પણ પછી થયું કે પોતે બહુ મોટી ભૂલ કરી દીધી છે.
***
સૂરજના પહેલા કિરણો ગામ ઉપર પડ્યા. ચિલ્વા ભગતે સૂર્યનારાયણને નમસ્કાર કર્યા અને પોતાની સાધના પૂર્ણ થઇ એ માટે માતાજીનો આભાર માન્યો. છેલ્લા ઘણા કલાકોથી તે અગ્નિકુંડમાં સામગ્રીઓ પધરાવી તંત્રમંત્રની સાધના કરી રહ્યા હતા. જયનાનું પ્રેત કોઇ મોટી મુસીબત ઉભી કરે એ પહેલાં તેનો પ્રતિકાર કરવા સજ્જ થવું જરૂરી હતું. ચિલ્વા ભગતે આ અગાઉ આવા અનેક ભૂતપ્રેતનો સામનો કર્યો હતો. પરંતુ જયનાનું પ્રેત અલગ લાગી રહ્યું હતું. આ રીતે કોઇ સ્ત્રીના પતિ પર તે કબ્જો કરીને બેઠું હતું એને છોડાવવાનું કામ પડકારભર્યું હતું. ચિલ્વા ભગત સાધના પૂરી કરી બધું સરખું કરી રહ્યા હતા ત્યાં દૂરથી જ બૂમ પડી:"ભગતજી, ભગતજી..."
ચિલ્વા ભગતે જોયું કે રિલોક નજીક આવી રહ્યો હતો. તે ગભરાયેલો દેખાતો હતો. તેના ચહેરા પર ચિંતા હતી.
"ભગતજી...રેતા અહીં આવી છે?" રિલોકે નજીક આવીને પૂછ્યું.
"ના...પણ એ જામગીરકાકાને ત્યાં રાત્રે રોકાઇ હતી..." ચિલ્વાએ રેતા ગૂમ થઇ છે એ વાત કહેવાનું ટાળ્યું.
"હા, એ ચિઠ્ઠી લખીને નીકળી હતી. એમાં જામગીરકાકાનું જ નામ લખ્યું હતું. મને થયું કે એમને ત્યાં જતાં પહેલાં તમને મળીને જાઉં. તમને કંઇ ખબર હોય તો જાણી લઉં...કદાચ તમે બધાં અહીં ભેગા થયા હોય તો..."
ચિલ્વા ભગતને થયું કે રેતા ગૂમ થઇ છે એ રિલોકને કહેવું કે નહીં?" પછી કંઇક વિચારીને કહ્યું:"તમે જામગીરકાકાને ત્યાં જાઓ. અહીંથી સીધા જઇને એક આંબલીનું ઝાડ આવશે. ત્યાંથી ડાબે વળીને આગળ વધશો એટલે એક મોટું ઘર દેખાશે..."
ચિલ્વા ભગતને થયું કે રેતા જામગીરકાકાના ઘરે પાછી આવી ગઇ હોય તો સારું છે.
વધુ છવ્વીસમા પ્રકરણમાં...