Meeranu morpankh - 17 in Gujarati Fiction Stories by શિતલ માલાણી books and stories PDF | મીરાંનું મોરપંખ - ૧૭

Featured Books
Categories
Share

મીરાંનું મોરપંખ - ૧૭

મીરાંના વિચારમાં રાજુભાઈ સૂઈ નથી શકતા. એને એક અજાણ્યો ડર સતાવી રહ્યો છે. એ શું કામ આવા વિચારથી ડરી રહ્યા છે એ પણ જાણવા જેવું છે 'એ છે મીરાં માટેનો અનહદ પ્રેમ...'

બધા પોતપોતાના કામકાજ અર્થે નીકળી જાય છે. ઘરે છે ફકત મીરાં અને કુમુદ. એ બેય પોતપોતાના રૂમમાં જ છે. મીરાં એના રૂમમાં પુસ્તક વાંચી રહી છે. કુમુદ પણ એના વાળને સરખી કરી રહી છે ત્યાં જ નોકર આવીને કહે છે કે 'બેન બા કોઈ મહેમાન આવ્યું છે. મીરાંબેનને મળવાં માંગે છે.'

કુમુદ તો આ સાંભળી ખુલ્લા વાળે જ જલ્દીથી વ્હીલચેરને હોલ તરફ વાળે છે. એ જઈને જુએ છે કે રૂહી આવી છે. એ રૂહીને આવકારે છે. નોકર પાણીનો ગ્લાસ લાવે છે. એ દરમિયાન જ કુમુદ મીરાંને બૂમ પાડી નીચે આવવા બોલાવે છે. મીરાં પોતાના દુપટ્ટાને સરખો કરતી નીચે આવે છે. એ રૂહીને જોઈ સ્મિત આપે છે અને એનું સ્વાગત કરે છે.

રૂહી અને મીરાં બેય બેઠા હોય છે. કુમુદ મીરાંની રસોઈ, કપડાં અને મીરાંનો ગાંડો શોખ એટલે 'એરીંગ કલેકશન' ની વાતો કરે છે. રૂહી પણ માર્ક કરે છે કે મીરાંનો ફેશન તરફ ઝુકાવ છે પણ એમાં પુર્ણતઃ ભારતીય પોષાક. એ પોતે વેસ્ટર્ન કપડાં પહેરીને આવી હતી. રૂહીએ જણાવ્યું કે એ પોતે આજ નરેશની મોટી બહેન બનીને આવી છે. એણે મીરાંના હાથમાં ચાંદીનો સિક્કો અને લક્ષ્મીજીની ચાંદીની મૂર્તિ આપી. મીરાંએ લેતા પહેલા કુમુદ સામે નજર નાંખી. કુમુદે 'લઈ લે' એવી આંખોથી સહમતિ આપી.

મીરાં બોલી," તમે જણાવ્યું હોત તો મમ્મી ઘરે રોકાઈ જાત. બધા તો રોજે ઓફિસે જાય છે. ભાભી પણ આજ ડોકટરની અપોઈન્ટમેન્ટ હતી એટલે ત્યાં ગયા છે."

રૂહી : " ચિંતા ન કર મીરાં, મેં તારા મમ્મી સાથે વાત કરી લીધી છે એ આવતા જ હશે."

મીરાંએ નોકરને નાસ્તો લાવવાનું કહ્યું. આનાકાની કરતી રૂહીને કુમુદે ચૂપ કરાવી દીધી. ધરાર પોટેટો ચિપ્સ અને કોલ્ડ કોફી સર્વ કરતી મીરાં આજ બહુ ખુશ લાગતી હતી. રૂહીએ પણ નરેશના બાળપણના તોફાન મસ્તી અને એની રમૂજી વાતો કરી નરેશના જીવનનો આછો પરિચય આપ્યો. કુમુદે તો ફરી કહ્યું કે "રાણો તો રાણો જ છે.. હોં !"

વાતચીત ચાલુ હતી ત્યાં જ રાજવી અને રીટા આવી ગયા. રૂહીએ બેયને નમસ્તે કર્યાં અને પોતાના આવવાનું પ્રયોજન પણ કહ્યું.

રૂહી : " આંટી, મને રાણાએ મોકલી છે. એને કહ્યું છે કે સગાઈ અને લગ્નની વિધી રાજુકાકા કહે ત્યાં જ થશે."

રીટા : " પણ, નરેશના પિતા તો -"

રૂહી : " એ એકલી વ્યક્તિ અને પાછી પુરુષજાત..એને વહેવારની શું ખબર પડે ?"

રાજવી : " એ વાત સાચી છે."

રૂહી : " આમ પણ અહીં નક્કી થશે તો પણ રાણાના
ભાઈ ભાભી અને એની બહેનો તો આવશે જ ને ! જો ત્યાં નકકી થાય તો તમારે બધાને ત્યાં જવું પડે બધું સરખું જ છે વિચારોને તો.

રીટા : " હા, તારે પણ આજ વસ્તુ બની હતી ને..જોવાની વાત હતી ને ક્રિશ તો લાડી લાવ્યો સીધેસીધો."

રૂહી શરમાઈ જાય છે અને પોતાના ઘરની વાત કરે છે. એના દાદીને એ બહુ વહાલી હતી. એની અંતિમ ઈચ્છા સમજીને જ ઘડિયા લગ્ન નક્કી થયા એ વાત એણે દોહરાવી. પોતે અને ક્રિશ ખુશ છે આ લગ્નજીવનથી એવી વાત એ જણાવે છે. નરેશ અને મીરાં પણ જલ્દી આ બંધનમાં બંધાઈ એવી શુભેચ્છાઓ પણ આપે છે.

સંધ્યા પણ આવી જાય છે આ વાતચીત થતી હોય છે ત્યાં જ. એ પણ રૂહીને જોઈ મીઠો આવકાર આપે છે. એ પણ મીરાંને કોણી મારતા કહે છે કે " મીરાંદીદી, જલ્દી એનો રૂમ ખાલી કરી દે તો એની ભત્રીજીને ત્યાં જ શિફ્ટ કરી દેશે."
બધા આ વાત પર હસે છે અને એવું વિચારે છે કે એક જ દિવસમાં સગાઈ, લગ્ન અને રિસેપ્શન ગોઠવાઇ જાય એવું નકકી કરીએ. જેથી ભારતમાંથી આવનારા મહેમાનને પણ તકલીફ ન થાય. એક જ દિવસમાં બધું સમેટાઈ જાય તો પાછળ રોકાનાર મહેમાન માટે પણ સમય આપી શકાય.

રૂહીએ આજ ઘણો સમય મીરાંના પરિવાર સાથે વીતાવ્યો. એ ઘરે જવાની રજા માંગે છે અને જતાં જતાં એક નાનું બોક્સ મીરાંના હાથમાં આપી કહે છે કે આ 'નરેશે મોકલાવ્યું છે.' મીરાં તો શરમની મારી ધ્રુજતા હાથે એ બોક્સ લે છે. પહેલી અનુભૂતિ જે કોઈ વાત કે વસ્તુની હોય એ અલગ જ હોય. એમાં પણ 'રાણા'એ મોકલેલી ભેટ...એ તો અનેરી જ હશે... કુમુદ આ સુખથી વંચિત રહી છે એટલે એ કડવાશ જ એને ખૂંચે છે. એની હરિફ એને હરદમ મીરાં જ લાગે છે પરંતુ, એક છતની નીચે જન્મેલા આ બે સંબંધોનો કયારેક ગુસ્સો અને કયારેક અનહદ પ્રેમ જ પરિવારને ઓળખ આપે છે...

------------- (ક્રમશઃ) ---------------

લેખક : શિતલ માલાણી
18/11/2020
જામનગર