પ્રકરણ - ૨૬/છવીસ
ગતાંકમાં વાંચ્યું......
ખીમજી પટેલ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસ એમની ધરપકડ કરે છે, અનંત એમને કોટડીમાં મળે છે. ઇન્સપેક્ટર ચુકાદા પછી કમરપટ્ટો સોંપવાની વાત અનંતને કરે છે. મધરાતે કોઈનો ફોન આવતા વલ્લભરાય હડબડી ઉઠે છે....
હવે આગળ......
"અટાણે... આટલી રાતે કોનો ફોન હશે?" વલ્લભરાય અને નિર્મળા એકમેક તરફ પ્રશ્નસૂચક નજરે જોઈ રહ્યા એટલામાં ફરીવાર રિંગ વાગી. વલ્લભરાયે ઉઠીને લાઈટ ચાલુ કરીને ફોનનું રિસીવર ઉપાડી કાને માંડ્યું.
ફોનના સામે છેડે રહેલી વ્યક્તિની વાત સાંભળી વલ્લભરાયના હાથમાંથી રિસીવર છટકી ગયું ને ટેબલ નીચે લટકી રહ્યું. નિર્મળાએ જોયું તો વલ્લભરાયના કપાળે પરસેવો વળી રહ્યો હતો, આંખો ચકળવકળ થઈ રહી હતી. વલ્લભરાયની આંખે અંધારા આવી ગયા અને એ પલંગ પર ફસડાઈ પડ્યા.
"કોનો ફોન હતો અનંતના બાપુ," વલ્લભરાયની સ્થિતિ જોતાં નિર્મળા પાણીનો ગ્લાસ ભરી વલ્લભરાયને આપે છે.
"હેં......હાં.....હં..... "
"પૂછું છું તમને, અટાણે કોનો ફોન હતો? વાત શું છે? ફોડ પાડો કાંઈક,"
"અનંતના સસરા... એટલે કે... નગીનદાસભાઈ.... હવે આપણી વચ્ચે નથી રહ્યા. સુજાતાના કાકાનો ફોન હતો, અનંત અને સુજાતાને વહેલી તકે જામનગર જવું પડશે અને સુજાતાને આ માઠા સમાચાર આપવા કઈ રીતે?"
આ દુઃખદ સમાચાર સાંભળીને નિર્મળા પણ આઘાતની ગર્તામાં સરી પડી અને લમણે હાથ દઈ પલંગને ટેકે બેસી ગઈ પછી અચાનક એને લાજુબાઈને બોલાવવાનું સૂઝતા એણે જઈને લાજુબાઈને ઉઠાડી અને માંડીને વાત કરી. લાજુબાઈએ જમનાને ઉઠાડી ટૂંકમાં બધી વાત કરી અને રસોડામાં જઈ થોડા થેપલા બનાવવા માટે કહ્યું.
"બેનબા, હું એમ કહું છું કે આપણે અનંત અને સુજાતા જોડે જમનાને પણ મોકલીએ તો એને પણ સધિયારો રહે અને અનંતને પણ રાહત રહેશે."
"હા... લાજુબાઈ, તમારી વાત સાવ સાચી છે. હું અનંત અને સુજાતાને ઉઠાડું ને એમની તૈયારી કરું, એમને કદાચ પંદર-વીસ દિવસ રોકાવું પડે અને હું ને અનંતના બાપુ અઠવાડિયા પછી જઈશું."
"હા બેનબા, હું પણ રસોડામાં જાઉં જમનાને તૈયાર થવા કહું." લાજુબાઈએ રસોડા તરફ ઉતાવળમાં પગ ઉપાડ્યા.
નિર્મળાએ જઈને અનંતના રૂમનો દરવાજો ખખડાવ્યો, અનંતે ઘડિયાળમાં સમય જોયો અને આંખો ચોળતો દરવાજો ખોલ્યો.
"મા.... અત્યારે, શું થયું, બધું બરાબર છે ને, બાપુની તબિયત તો સારી છે ને?" સ્વરમાં ઉચાટ અને ચિંતા સાથે અનંત બોલ્યો.
"દીકરા... વાત જાણે એમ છે ને કે......તારા સસરા, નગીનદાસભાઈનું અવસાન થયું છે." હળવેથી નિર્મળાએ કહ્યું.
"મા...આ....આ...," અનંતે પાછળ ફરી જોયું તો સુજાતાએ એમની વાત સાંભળી લીધી હતી અને આંચકાજનક આઘાત લાગતાં એની આંખે અંધારા આવી ગયા અને ધ...ડા....મ કરતી નીચે બેસી પડી.
નિર્મળાએ એને પોતાના ગળે વળગાડી એના માથે હાથ પસવારતી, સમજાવતી, માંડ માંડ એને શાંત પાડી અને એને ઝટ તૈયાર થઈ અનંત અને જમના સાથે જામનગર જવા માટે વહેલી તકે નીકળવા માટે કહ્યું.
કલાકેકમાં તૈયારી કરી ત્રણે જામનગર માટે ભારે હૈયે રવાના થયા. પાછળની સીટ પર જમના સુજાતાને સંભાળતી બેઠી હતી, એને સમજાવતી, શાંત પાડતી, મોટીબેનની જેમ સાચવતી હતી. અનંતે જમનાનું આવું ગંભીર રૂપ આજે જ જોયું હતું. પોતાના આઘાતને મનમાં શમાવી રસ્તા પર ધ્યાન આપતો અનંત થોડી થોડી વારે પાછળ જોઈ લેતો.
ઘરના દરવાજે પહોંચતા જ બેબાકળી બની સુજાતા ડૂસકાં ભરતી સાડીનો છેડો મોઢે દાબી અંદર દોડી એની પાછળ અનંત અને જમના પણ ઉતાવળે અંદર ગયા. પિતાના નિર્જીવ દેહને જોતાં જ સુજાતાએ કારમી ચીસ પાડી અને એના શરીરનું ચેતન હણાઈ ગયું હોય એમ હેમલતાની બાજુમાં બેઠી અને એના ખોળામાં પોતાનું માથું મૂકી હિબકે ચડી. હેમલતાના આંસુઓની ધાર સુજાતાના ગાલ પરથી વહી રહેલા એના આંસુઓમાં ભળી જઈ બંનેની ધાર એક થઈ વહેવા લાગી. સહુ પરિવારજનો શોકમગ્ન હતા. પુરૂષો છાને ખૂણે હૈયામાં ડૂમો દબાવી અંદરખાને રડી રહ્યાં હતાં તો સ્ત્રીઓના રુદનની સાથે સાથે ઘરની દીવાલો, ચીજવસ્તુઓ પણ રડી રહી હતી એવું ગમગીન વાતાવરણ ભાસતું હતું. સહુ એકમેકને આંખોથી સાંત્વન અને હૈયાધારણ આપી રહ્યાં હતાં. નગીનદાસ ઝવેરીની પેઢીના માણસો અંતિમયાત્રાની તૈયારીઓ કરી રહ્યા હતા. નગીનદાસ ઝવેરીની અંતિમ વિદાય અત્યંત કરુણાસ્વરૂપ હતી. હેમલતા અને સુજાતા એકબીજાને ગળે વળગી પોક મૂકીને રડી રહી હતી, પરિવારની કેટલીક સ્ત્રીઓ એમને ઝાલીને ઉભી હતી. શહેરીજનોની હકડેઠઠ મેદની વચ્ચે અંતિમયાત્રા નીકળી ત્યારે એવું લાગતું હતું જાણે આખું જામનગર શોકાતુર બની એમની અંતિમ વિદાયનું મુક સાક્ષી બની ઉભું હતું. હજારોની સંખ્યામાં ઉમટેલા માનવ મહેરામણ પરથી જણાતું હતું કે નગીનદાસ ઝવેરીએ દામ થકી નહીં પણ પોતાના પરગજુ સ્વભાવ અને જનસેવાના કામ થકી આટલી લોકચાહના અને નામના મેળવી હતી. "*જે ઊગ્યું તે આથમે, ખીલ્યું તે કરમાય. એહ નિયમ અવિનાશનો, જે જન્મ્યું તે જાય*" કુદરતના નિયમ મુજબ એક દિવસ તો સહુએ જવાનું જ છે. શાસ્ત્રોક્ત વિધિ મુજબ નગીનદાસભાઈના અંતિમસંસ્કાર પુત્રરૂપ અનંતના હાથે કરવામાં આવ્યા.
દિવસો વીતતા લૌકિક વિધિઓ પાર પડતાં ધીમે ધીમે સહુ પોતપોતાની દિનચર્યાની બીબાઢાળ જીવનશૈલીમાં ગોઠવાતા ગયા. વલ્લભરાય અને નિર્મળા પણ અઠવાડિયા પછી જામનગર આવી પહોંચ્યા. હેમલતા, સુજાતા તથા અન્ય પરિવારજનોને ધૈર્ય, હિંમત અને સાંત્વના આપી બે દિવસ જામનગર રોકાઈ ગયાં.
આ દરમિયાન વડોદરામાં લાજુબાઈ ઘરે એકલી જ હતી. પેઢીનો વિશ્વાસુ નોકર સવારે ઘરેથી ચાવી લઈ જઈ પેઢી ખોલી આખો દિવસ પેઢી સંભાળી, સાંજે હિસાબ કિતાબ કરી ચાવી સાથે આખા દિવસનો વકરો પણ લાજુબાઈને આપી ગયો એટલે લાજુબાઈએ બધું વ્યવસ્થિત રીતે વલ્લભરાયની ઓરડીમાં જઈ એમના કબાટમાં સાચવીને મૂકી દીધું અને પોતે જમી પરવારીને રાતે દરવાજો બારી બંધ કરી બધું ફરી એકવાર તપાસી લઈ પોતાની ઓરડીમાં જઈને સુવાનો પ્રયાસ કરવા લાગી પણ આજે નીંદર પણ એનાથી કોસો દૂર થઈ ગઈ હતી કારણકે આટલા વર્ષોમાં એ ક્યારેય આ ઘરમાં આમ એકલી રહી નહોતી. એનું મન અતીતની યાદોમાં ખોવાઈ ગયું. એની નજર સામે આમિર અલી, તરાના, આઝમગઢ, કમરપટ્ટો, બધું એક ચલચિત્રની જેમ આંખો સામે તરવરી ઉઠ્યું. એને તો એ પણ ખબર નહોતી કે અત્યારે ખીમજી પટેલ પણ શહેરના પોલીસસ્ટેશનની કોટડીમાં કેદ હતા અને કમરપટ્ટો પોલીસના તાબામાં હતો. સાપ-સીડી રમતા આવતા ઉતાર-ચઢાવની જેમ ઉચાટ, ઉદ્વેગ, શંકા-આશંકા વિચારોના ઉતાર ચઢાવમાં એ હાંફી ગઈ અને એની છાતી ધમણની જેમ ફુલવા લાગી હતી. વિચારોની શતરંજના આટાપાટામાં અટવાઈને છેક મળસ્કે એની આંખ લાગી પણ કામનું ભારણ અને ઘરની જવાબદારીએ એને પાછી ઉઠાડી દીધી. એની લાલ થઈ ગયેલી આંખો ઉજાગરાની ચાડી ખાઈ રહી હતી. લાજુબાઈ ઉઠીને પોતાનો નિત્યક્રમ પતાવી રોજની જેમ ઘરના કામે લાગી પણ ઉજાગરાને લીધે એનું માથું સવારથી થોડું થોડું દુખતું હતું એથી એનું મન પણ કામમાં પરોવાતું નહોતું. બપોર સુધી જેમતેમ કામ પતાવી, થોડુંઘણું જમીને બપોરે પરસાળમાં આડી પડતાં જ એની આંખ લાગી ગઈ અને એ ઘેરી નીંદરમાં સરી પડી. બપોરે ત્રણેક વાગે ફોનની રિંગના અવાજથી એની આંખો ખુલી.
"કોનો ફોન હશે?" વિચારતા વિચારતા એ વલ્લભરાયની ઓરડીમાં ગઈ અને રિસીવર ઉપાડી કાને માંડ્યું.
"હેલાવ,"
"લાજુબાઈ, હું વલ્લભ.. ત્યાં બધું બરાબર છે ને? તમારી તબિયત તો સારી છે ને? કાલ સાંજ સુધી અમે આવી જઈશું."
"હા...હા... શેઠ બધુંય બરોબર છે, હું ય ઠીક છું ત્યાં બધું બરોબર છે ને? અહીંની ચિંતા ના કરતા...." હજુ આગળ કાંઈ બોલે એ પહેલાં જ ફોન કટ થઈ ગયો એટલે લાજુબાઈ રિસીવર પાછું મૂકી પોતાના માટે ચા બનાવવા રસોડામાં ગઈ.
સ્ટવ પર મુકેલી ચા ધીમા તાપે ઉકળતી હતી ત્યાં એને પાછી ફોનની રિંગ સંભળાઈ એટલે પાછી એ વલ્લભરાયની ઓરડી તરફ ગઈ.
" શેઠનો ફોન પાછો આવ્યો લાગે છે, ત્યારે વાત પૂરી થઈ નહીં એટલે કદાચ પાછો ફોન લગાડ્યો હશે." એમ વિચારતી પાછી અંદર જઈને રિસીવર ઉપાડયું.
ફોન કાને ધરી હજી કાંઈ બોલવા જાય ત્યાં સામે છેડેથી પડછંદ પૌરુષી સ્વર સંભળાયો.
"પારેખસાહેબ, બે દિવસ પછી કોર્ટમાં ખીમજી પટેલનો કેસ છે અને ચુકાદો પણ એ જ દિવસે આવી જશે. ખીમજી પટેલને કમરપટ્ટો ચોરવાના ગુનામાં ઓછામાં ઓછી ત્રણ વર્ષની સજા તો જરૂર થશે અને ચુકાદો આવ્યા પછી આપનો કમરપટ્ટો પણ પાછો મળી જશે તો તમારે પણ એ સમયે કોર્ટમાં હાજર રહેવું પડશે માટે સમયસર આવી પહોંચજો." ઇન્સ્પેક્ટરે અજાણતા જ આ માહિતી લાજુબાઈને આપી દીધી.
"પોલીસ સાહેબ, હું લાજુબાઈ બોલું છું... શેઠ સાહેબ પરિવાર જોડે જામનગર ગયા છે કાલે આવશે, તમે આપેલા સમાચાર હું શેઠને આપી દઈશ." લાજુબાઈએ સુખદ આશ્ચર્યજનક સ્મિત સાથે ફોન પાછો મુક્યો અને રસોડામાં જઈ તૈયાર થયેલી ચાનો કપ ભરી પરસાળમાં આવીને હીંચકે બેઠી પૂર્ણ આસ્વાદ સાથે ચાની ચૂસકી ભરતાં ભરતાં પોતાનું ઉજાગરાથી ઠપ થઈ ગયેલું મગજ ફરી કામે લગાડ્યું અને આ માહિતી પોતાના માટે કેટલી ઉપયોગી થશે એના તાણાવાણા ગૂંથવા અને ઉકેલવામાં લાગી ગઈ અને બીજા દિવસે ખીમજી પટેલને કેવી રીતે મળવું એનો રસ્તો શોધવાના વિચારો ઘડવા લાગી પણ આવનારી આવતીકાલના પેચીદા પગરવથી અજાણ લાજુબાઈ મનમાં ચાલી રહેલી યોજના પાર પાડવાના કિમીયા ઘડતી સુખી ભવિષ્યની કલ્પનાસૃષ્ટિમાં રાચવા લાગી. એના હાથમાં પારસમણિ આવ્યો છે કે પથ્થર એ તો આવનારો સમય જ સિદ્ધ કરી બતાવશે અને જામનગર ગયા પછી પારેખ પરિવાર અને જમના સાથે કઈ અણધારી ઘટના ઘટશે હજી કેટલાય આરોહ-અવરોહના તરાપા પર સવાર થઈ આવી રહેલી આવતીકાલ હજી કઈ દિશામાં ફંટાશે એનાથી અજાણ લાજુબાઈ ચા પીને હિંચકાને પગેથી ઠેસ મારતી આનંદના હિલોળે હિંચવા લાગી.
વધુ આવતા અંકે.....
'આગે ભી જાને ના તુ’ શિર્ષક હેઠળ આ વાર્તાના તમામ કોપી રાઇટ્સ લેખક પાસે છે. આ વાર્તાના વિષયવસ્તુ, કથાનક અથવા કોઈ અંશને કોઈપણ ક્ષેત્રમાં ઉપયોગમાં લેતાં પહેલાં લેખકની લેખિત મંજુરી લેવી અનિવાર્ય છે તેમજ આ કથાના પાત્ર કે ઘટનાને કોઈ જીવિત કે મૃત વ્યક્તિ સાથે કે ઘટના સાથે કોઈ સંબંધ નથી.