Kudaratna lekha - jokha - 24 in Gujarati Fiction Stories by Pramod Solanki books and stories PDF | કુદરતના લેખા - જોખા - 24

Featured Books
Categories
Share

કુદરતના લેખા - જોખા - 24


આગળ જોયું કે મયૂર મીનાક્ષી સામે શરત મૂકે છે કે નવો બિઝનેસ શરૂ કરી એમાં સફળતા મળે પછી જ લગ્ન કરી શકશે શું ત્યાં સુધી તમે રાહ જોઈ શકશો? જેના જવાબ માં મીનાક્ષીએ જિંદગીભર રાહ જોઈ શકશે તેવો હકારમાં જવાબ આપે છે. પછી બંનેના ફક્ત મિત્રોની હાજરીમાં સાદાઈથી સગાઈ કરવામાં આવે છે


હવે આગળ


* * * * * * * * * * * * *

ઢળતી સાંજના સમયે મયુર સાગરની ગાડી પાછળ અને હેનીશને વિપુલ બીજી ગાડીમાં પરત મયુરના રૂમ તરફ જઈ રહ્યા હતા. સાંજના સમયે આવતી ઠંડી હવાની લહેર જાણે મયૂરને મીનાક્ષી ના સ્પર્શનો એહસાસ કરાવતી હોય. હવાની એક એક લહેર મયૂરને રોમાંચિત કરતી હતી. નયનરમ્ય વાતવરણ મયૂરને આહ્લાદક લાગી રહ્યું હતું. મયુર આ નવા જોડાયેલ સંબંધથી ખૂબ ખુશ હતો એ એના ચહેરા પરથી કળી શકાતું હતું. આમેય ખુશ શા માટે ના હોય! જે છોકરી પ્રથમ નજરે જ ગમી ગઈ હોય હર હંમેશ એના જ શમણાં જોયા હોય અને એને મેળવવા માટે કોઈ યથાર્થ પ્રયત્નો કર્યા વગર જ એની સાથે સબંધ બંધાઈ જાય તો એનાથી વિશેષ બીજી ખુશી હોય પણ શું! અમદાવાદનો ટ્રાફિક નો કોલાહલ પૂરજોશમાં હોવા છતાં મયુરના શાંત ચિતને હણી ના શક્યો. મયુર હજુ મીનાક્ષી ના વિચારોમાં ખોવાયેલો જ હતો ત્યાં જ ગાડીની બ્રેકના કારણે તેનું ધ્યાન ભંગ થયું. વિચારો વિચારોમાં પોતાનું ઘર ક્યારે આવી ગયું એનું ધ્યાન પણ મયૂરને ના રહ્યું. ચારો મિત્રો ગાડીને સ્ટેન્ડ કરી ઘરમાં જાય છે.


મયુરે બધા મિત્રોને પાણી આપ્યું અને પોતે પણ પાણી પીતા પીતા સોફામાં મિત્રો સાથે બેઠક લીધી. મયુરે વિપુલને હેનીશના અણગમતા ભાવોને જોઈ ને કહ્યું કે" શું વાત છે તમારા લોકોના ચહેરા પરથી જુદું જ વર્તાય રહ્યું છે. એવું લાગે છે કે તમે બધા આ સગાઈથી ખુશ નથી.


મયુરના ત્રણે મિત્રો ના ચહેરા પર મૌન છવાયેલું હતું. ત્રણે મિત્રો એક બીજા સામે અચરજ ભરેલી નજરોથી જોઈ રહ્યા. પોતે માયુરના પ્રશ્નોનો શું જવાબ આપે તેનો તાગ ન મળતા ચૂપ રહેવાનું જ બધાએ મુનાસીબ સમજ્યું. છેવટે મયુરે જ પોતાના મનની વાત આગળ વધારતા કહ્યું કે" જુઓ મિત્રો તમને કદાચ એવું લાગતું હશે કે મારા પરિવારને અકસ્માતને હજુ થોડો જ સમય ગયો છે ને મેં આટલી જલ્દી સગાઈ કરી લીધી. હા થોડો ટાઈમ પહેલા મે આ જ કારણસર તમારા બધા સાથે ફિલ્મ જોવા આવવાની ના કહી હતી અને અત્યારે અચાનક સગાઈ કરી લીધી પરંતુ એનું એક કારણ છે મિત્રો તમે બધા મારા જીવનમાં આમ અચાનક આવેલા દુઃખના સાક્ષી પણ છો. અને તમે બધા હમણાં સૌ સૌના ઘરે જતા રહેશો. તમે બધા પોતપોતાના કામમાં લાગી જશો અને હું અહીંયા સાવ એકલો રહી જઈશ. મને પણ મારી એકલતાને બાટવા કોઈ તો જોઈએ ને મારે પણ એક એવા સાથીની જરૂર હતી જે મારા મિત્રોની ગરજ સારી શકે અને એના માટે મિનાક્ષીથી વધારે ઉત્તમ પાત્ર કયું હોઈ શકે? તમે લોકો મારા મિત્રો થઈને મારી એકલતાને નહિ સમજી શકો તો કોણ સમજશે? એકસાથે આટલું બોલ્યા પછી તેમના મિત્રો શું જવાબ આપે છે એ જાણવા મયુર બધા મિત્રો સામે નજર ફેરવી સાગર સામે નજર સ્થિર કરી.


સાગર મયુર સામે નજર મેળવી ના શક્યો તેણે નજર નીચી કરી નાખી. કોઈ શિક્ષકે પ્રશ્ન પૂછ્યો હોય એ પ્રશ્નનો જવાબ થોડી વારમાં આવડી ગયો હોય એમ ઉત્સાહથી સાગરે મયૂરને કહ્યું કે ભાઈ અમે કંઈ તારી સગાઈ થવાથી નારાજ નથી અમને ફક્ત એ વાતનો અફસોસ છે કે તારી સગાઈ કરાવવામાં અમે કોઈ મધ્યસ્થીની ભૂમિકા ના નિભાવી શક્યા. પણ હા એક બાબતે તારા પર ગુસ્સો જરૂર છે. જો થોડા સમય પહેલા અમે મીનાક્ષી નો નંબર લઇ આવ્યા હતા ત્યારે જ તું માની ગયો હોત તો આટલો સમય પણ મીનાક્ષિથી દૂર રહેવું ના પડત અને અમને પણ તમને બંનેને મેળવવાની ખુશી થાત. નારાજગીના સ્વરમાં સાગરે મયૂરને કહ્યું.


હા તારી વાત સાચી છે પરંતુ ત્યારે મારું ધ્યાન ફક્ત પરિક્ષામાં કેન્દ્રિત કરવા માંગતો હતો માટે જ ત્યારે હું તમારી સાથે પણ બોલતો નહોતો. અને જો અત્યારે આ સગાઈ ના કરી હોત અને હું મારા નવા બિઝનેસ ના કામમાં પરોવાઈ ગયો હોત તો સામે ચાલીને મીનાક્ષી સગાઈ કરવાની તૈયારી બતાવત તો પણ ત્યારે હું સગાઈ કરવા રાજી ના થાત. માટે જ એ કામ મેં અત્યારે કરી લીધું.


સારું એ વાત છોડો આમ પણ અમે તારો સ્વભાવ જાણીએ જ છીએ. તું તારા કામ પ્રત્યે એટલો સમર્પિત થઈ જા છો કે પછી તને આજુબાજુનું કશું જ દેખાતું નથી. પણ યાર અમારી પહેલા તારી સગાઈ થઈ ગઈ એ વાત અમને ચુભે છે. સાગરે આટલું કહેતા જ બધા ખડખડાટ હસવા લાગ્યા. નિખાલસ હાસ્ય રૂમ પર વ્યાપી જતા મયૂરને હાશકારો થયો. પછી બધા જ મિત્રોએ આવેલ ટિફિન માંથી જમીને ટેરેસ પર આખી રાત ગપ્પા માર્યા. આજે બધા મિત્રોનો સાથે રહેવાનો છેલ્લો દિવસ હતો. સવારે વહેલા વિપુલ અને હેનીશ ગામડે જવા માટે નીકળવાના હતા.


મિત્રોની વાતો તો ખૂટી નહિ પરંતુ સમય ખૂટવા લાગ્યો. વાતોમાં ને વાતોમાં સવાર ક્યારે પડી ગઈ કોઈ ને ખ્યાલ ના રહ્યો. બધા એ પોતાના નિત્યક્રમ પતાવી હોલમાં ઊભા રહ્યા. વિપુલે અને હેનીશે પોતાની સાથે લઈ જવાની બેગ તૈયાર કરી રાખી હતી. વિપુલ અને હેનીશના ચહેરા પર ઘરે જવાની ખુશી કરતા મિત્રોથી વિખૂટા પડવાનો વધારે અફસોસ વર્તાઈ રહ્યો હતો. વિપુલ અને હેનીશની બેગને જોતા જ મયુરની આંખો વહેવા લાગી. જે દુઃખ પરિવારના અકસ્માત વખતે થયું હતું એથી વધુ દુઃખ મયૂરને મિત્રોના વિખૂટા પડવાથી થઈ રહ્યું હતું. કોલેજની શરૂઆતથી લઈને અત્યાર સુધી મિત્રો સાથે કરેલી ધમાલ મસ્તી, લડાઈ ઝગડા, રુઠામણા મનામણાં ના દૃશ્યો આંખ આગળથી પસાર થઈને ઓઝલ થતાં હતા. મયુરના પરિવારના અકસ્માત સમયે મિત્રોએ બજાવેલી અદભૂત ફરજો મયુર જિંદગીભર નહિ ભૂલી શકે. ચારો મિત્રોની આંખો ભીંજાઈ ગઈ. હૃદયને ચિરી નાખતી ગમગીની રૂમ પર વ્યાપ્ત થઈ. બધા એકસાથે બાથ ભીડી એકાબીજા વચને બંધાઈ છે કે આપણે ફોન દ્વારા હંમેશા સંપર્કમાં રહેશું. વિપુલે ઘડિયાળ સામે નજર કરી બધાને ઇશારાથી જ કહ્યું કે બસ ઉપડી જશે. ઈશારાને સમજી બધા રૂમની બહાર જાય છે અને મયુરની ફોરવિલ માં સામાન ગોઠવે છે. "ગાડી હોસ્ટેલ થઈને ચલાવજે ત્યાંથી થોડો સામાન લેતો જવાનો છે" હેનીશે ગાડીમાં બેસતા મયૂરને કહ્યું.


હોસ્ટેલ માથી સામાન લઈ સીધા બસસ્ટેશન માં ગાડી પહોંચે છે જ્યાં વિપુલ અને હેનીશને બસમાં બેસાડી મયુર અને સાગર મયુરના ઘર તરફ રવાના થાય છે. "આપણે બધા ભલે એમ કહેતા હોઈએ કે સદાઈને માટે આપણે સંપર્કમાં રહેશું પરંતુ ખરેખર એવું હોતું નથી. પોતપોતાની જિંદગીમાં જ્યારે પરોવાઈ જઈશું ત્યારે આ સંપર્ક આપોઆપ જ તૂટવા લાગે છે. સ્થળની દુરી જેટલી વધતી જાય એટલી જ દુરી સબંધોમાં પણ વધતી જાય છે. ચાલને આપણે કંઇક એવા પ્રયત્નો કરીએ કે આ સ્થળની દુરી જ ના આવે. જો સ્થળની દુરી જ નહિ આવે તો સબંધોમાં પણ દુરી નહિ જ આવે." મયુરે ગાડી ચલાવતા ચલાવતા જ લાગણીશીલ અવાજમાં સાગરને કહ્યું.


ક્રમશ:


પ્રમોદ સોલંકી


મિત્રોના છૂટા પડ્યા પછી મયુરની હાલત કેવી હશે?


તમારું શું માનવું છે સ્થળમાં દુરી આવવાથી સબંધમાં દુરી આવે કે નહિ?


જાણવા માટે વાંચતા રહો "કુદરતના લેખા - જોખા"

વધુ આવતા અંકે........

આપનો કિંમતી પ્રતિભાવ આપવાનું ચૂકશો નહિ
આભાર🙏🙏🙏