લેખ: બંસી મોઢા
All©️ reserved
તું બદલ બઘું બદલાશે….
(“અહી તું એટલે માણસ અને માણસ માં સૈાથી પ્રથમ હું…મે લખ્યું છે એટલે પહેલાં મને લાાગુ પડે છે…)
ઘોર નિરાશા નો અનુભવ થાય છે? ડિપ્રેશન જેવું પણ લાગે ને ક્યારેક?.. કૅલેન્ડર વર્ષ બદલે છે, શૈક્ષણિક વર્ષ બદલે છે, બેંક વર્ષ બદલે છે પણ થોડા જ દિવસ માં આ બઘું નવું પાછું જુનું કેમ થઈ જાય છે? થોડા જ સમયમાં રૂટીન લાઈફ કૈંક નવું શોધવા કેમ વલખાં મારવાં લાગે છે?
કશું જ નથી બદલાતું સિવાય કે તારીખ અને કેલેન્ડર. સુરજ કે ચંદ્ર પોતાની દિશા નથી બદલતા. અચાનક ઠંડી માંથી ગરમી નહિ પડવા લાગે.. ફૂલ ના ખીલવાની પ્રક્રિયા નહિ બદલાય. પ્રાણીઓ અને પક્ષીઓની દૈનિક ક્રિયાઓ એમ જ ચાલશે તો શાં માટે માત્ર મનુષ્ય જ કોઈ એક દિવસ માં બઘું બદલી જશે એવી કલ્પના કરે છે?
કદાચ મનુષ્ય માટે નવું વરસ એટલે નવી આશા.. અને એ આશાનું બીજા જ દિવસે થતું બાળમરણ. સવારે સોનાનો સુરજ ઉગશે એવા સપના સાથે આપણે સુઈ જઈએ.. સવારે કૈંક નવું થશે એવું માહલ્યાં માં કૈંક કૈંક થાય..
પણ આ શુ થવા લાગ્યું..! દરવાજો ખોલતા જ કૃષ્ણ વાંસળી વગાડતો ઊભો નથી, દૂધવાળો જ છે. કિસ્મતે દરવાજો ખખડાવ્યો નથી. ન્યૂઝ પેપર નો દરવાજા પર ઘા થયો છે. ટાઈમ મશીન ની સ્વિચ દબાવીને ગમતા સમયમાં નથી પહોંચવાનું. વોશિંગ્ મશીન ની સ્વીચ દાબીને નોકરીના સ્થળે પહોંચવાનું છે. ગુલાબી ઠંડીમાં મોર્નિંગ વોક નથી કરવાનું કડકડતી ઠંડીમાં બંધ પડેલી ગાડીને ઢસડીને ગેટ ની બહાર કાઢવાની છે. કશું જ નથી બદલાતું માત્ર તારીખ અને કેલેન્ડર બદલાઈ છે..
ક્યારેય આપણે વિચારીએ છીએ કે આવું કેમ થાય છે? કેમ નવું વર્ષ શરૂ થાય ને થોડા જ દિવસ માં એ જુનું થઈ જાય.. શા માટે ફરી રૂટિન માં ગોઠવાઈ જઈએ છીયે? નવા વર્ષે લીધેલા સંકલ્પો કેમ આખી જિંદગી પાળી શકાતા નથી? અથવા તો કોઈ મુશ્કેલ પરિસ્થિતિ માંથી કેમ બહાર નીકળી શકતા નથી?
કારણકે આપણે ઈચ્છીએ છીએ કે માત્ર વર્ષ ન બદલવું જોઈએ આખુ વિશ્વ બદલી જવું જોઈએ. હું એ જ રહીશ બસ વિશ્વ બદલાઈ જવું જોઈએ.. મનુષ્ય ને પોતાના રોજિંદા જીવન માં અંતરથી કોઈ જ પ્રકારનો ફેરફાર કરવો નથી પણ ઈચ્છા એવી રાખે કે બહાર આખુ વિશ્વ બદલાઈ જવું જોઈએ. માત્ર ફરિયાદ ફરિયાદ ને ફરિયાદ
દૂધમાં પાણી નાખે છે દૂધવાળો
કામવાળી સરખું કામ કરતી નથી
કચરાવાળો કચરો નાખીએ એ પહેલાં ગાડી ભગાવી મૂકે છે.
સંતાનો ને શિક્ષકો બરાબર ભણાવતા નથી
શાકભાજી માં કંઈ દમ નથી
રસ્તાઓ પર ખાડા છે
પાણી ચોખ્ખું નથી આવતું
રસોઈ માં મજા ન આવી
કારેલા કડવા છે
મરચા તીખા છે.
સરકાર તો બોવ ખરાબ છે..
બસ આપણે ખરાબ પરિસ્થતિ માં રહીએ છીએ એવું ધારી લીધું. ના એવું નથી કે આપણી પાસે કશું નથી પણ જે આપણી પાસે છે એ આપણને જોઈતું નથી અને જે નથી એના માટે વલખાં મારવાં છે. કર્લી વાળ છે તો straight જોઈએ.. straight વાળ છે તો કર્લી જોઈએ.. વાળ સફેદ છે તો કાળા કરવા છે. કાળા છે તો બ્રાઉન કરવા છે. નોકરી છે તો કે ધંધા માં નિરાંત, ધંધો છે તો નોકરી જોઈએ છે. દીકરો છે તો ઝાંઝરી નો અવાજ સાંભળવો છે અને દીકરી છે તો કુળદીપક જોઈએ છે. જે છે એમાં રાજી નથી એટલે કશું જ બદલાતું નથી. એટલે જ રોજિંદી લાઈફ મા કંટાળો આવે ને બહાર ફરવા જઇએ તો ફ્રેશ થઈ જઈએ એવી માન્યતા માં વિચરિયે.પણ હકીકત એ છે કે આપણે તો આપણી સાથે જ રહેવાના. કસ્તુરી પણ આપણામાં ને કચરો પણ આપણામાં. આપણે જ્યાં જઈશું ત્યાં આપણી મનની સુગંધ ને આપણી દુર્ગંધ આપણા ભેગી જ આવશે.
આપણી ફરિયાદ ના ઉદ્ભવી આપણે પોતે જ છીએ અને તેનો ઉકેલ પણ આપણાં પોતાની પાસે જ છે. જાત બદલ્યા વિના કે જાત સુધાર્યા વિના જગત સુધારવાની અપેક્ષા ન રાખી શકાય
દૂધ સારું નથી આવતું… એક ગાય રાખો
વાસિંદા કરવાની ત્રેવડ છે?
કામવાળી કામ સરખું નથી કરતી તો જાતે કરી લઈએ.. ત્રેવડ છે?
શાકભાજી સારા નથી આવતા તો ઘરના કોઈ પણ ખૂણે અગાશી માં શાકભાજી નું વાવેતર કરીયે.. માત્ર પાણી પીવડાવવાની અને સફાઈ કરવાની ત્રેવડ છે?
કચરાવાળો તમારી વાટ જોઇને ઊભે એના કરતાં તમે જ એની વાટ જોઈને ઊભો ને! સમય તમારો જ કિંમતી છે?
પાપડ શકવાની ત્રેવડ ન હોય ત્યારે આખી રસોઈ ને ખરાબ કહેવાનો અધિકાર છે ખરો?
રસ્તા પર ખાડા છે એ ન હોવા જોઈએ પણ તારી સ્પીડ ને પણ થોડી બ્રેક લગાવવાની કે નહિ?
શેરી ના નાકેથી નીકળતા નાક બંધ કરી દેવું પડે તો તું એમાં તારી કેળાની છાલ નાખીને વધારો ન કર ને!
સૂકા પાંદડા થી તારું આંગણું બગડતું અને ઘાસ ઉગી નીકળતું એ તને ગમતું નહીં તો હવે બળબળતા બપોરની ફરિયાદ રહેવા દે ને!
ગરમાળો ને ગુલમહોર કાપી નાખ્યાં પછી હવે ચકલી નથી આવતી એવા રોદણા ન રોવાય
ઘરના આંગણા માં માટી હતી ત્યારે તારી ગાડી નાં પૈડાં બગડતાં.. હવે પાકું ફળિયું કર્યા પાછી ગાડી ધોવા માટે સરકાર પાણી નથી આપતી એવા બહાના ન કર.
અને બાળકો ની ફરિયાદ તો રહેવા જ દો..ચાઇના નાં મોંઘા રમકડા.. મોબાઈલ માં યુ ટ્યુબ અને કાર્ટૂન નેટવર્ક નો ભીમ એ શોધવા ન હતા ગયા. તે સામે ચાલીને આ બઘું શીખવ્યું છે એટલે બાળકો બગડ્યા છે એવું બોલી ને ઈશ્વર ના આ વરદાન નું તો અપમાન તને શોભતું જ નથી..
ફળ તને મોંઘા લાગે ને બર્થડે ની કેક નાં સડી ગયેલા ક્રીમ તું ડબલ ભાવથી લઇ આવ પછી higenic જેવા શબ્દ તને શોભતા નથી.
કેમિકલ તો બીજા ઉપયોગ માટે જ હતું. તે એનાથી ત્વચા ને દાંત ઘસી નાખ્યા તો હવે કેમિકલ ને ભુંડા કહીને બરાડા પાડવાનું બંધ કર. લીમડો છે જ રોડ પર એનું દાંતણ કર.. ને ભજીયા માંથી લોટ વધ્યો હોય એ ત્વચા એ લગાડ.. સુગંધ થી જ મતલબ હોય તો ગુલાબ ની પાંદડી નાખ.. આ બઘું કરીશ તો પણ તારા બ્રાન્ડેડ ટૂથપેસ્ટ અને સાબુ કરતાં તો સસ્તા જ પડશે.
તમને દેશી ને અંગ્રેજી માં ખબર પડે છે પણ તમારા બાળકને તાંજળિયો ને પાલખ માં ખબર ન પડે તો પછી બધો દોષ નો ટોપલો ટી.વી. પર નહિ નાખ. ટી.વી. જાતે રીચાર્જ થવા નથી ગયું. તારી ક્રિકેટ મેચ અને સીરિયલ વિના ચાલતું ન હતું.. અને આમ પણ સંસ્કાર આપવાનું કામ ટી.વી. નું નથી.
પરિવાર સાથે restaurant અને હિલ સ્ટેશન સિવાય સમય ન ગાળ્યો હોય પછી અચાનક પરિવાર વિખરાઈ ગયું એવો અફસોસ ન કર.
બાળકો ની પરીક્ષામાં જેટલો રસ લીધો એટલો બાળકોની રમતમાં ન લીધો હોય પછી ભારતને ગોલ્ડ મેડલ નથી મળતા એવી ચર્ચા ન કરવાની હોય.
અરે પાન ની દુકાને ઊભા ઊભા મોઢું ખુલે નહિ એટલો માવો મોઢામાં ભરીને પિચકારી રોડ પર મારતા મારતા કોરોના કેમ વધે છે એની ફિલોસોફી કરવા કરતાં અરીસા માં મોઢું જોયું હોત તો ખબર પડી જાત કે કોરોના કેમ વધે છે?
તને ખબર હતી કે ચૂંટણી પછી કોરોના વધવાનો છે તો પાન ની દુકાને બેસવાનું બંધ કરી દેવું હતું ને!
તારા કામવાળા અને તારી નીચે કામ કરતા માણસો ને માંડ કન્ટ્રોલ કરી શકે છે ત્યારે આખા દેશ ને કેમ સાચવવો એના નુસખા તારી પાસે જ રાખ ને!
તારા ફળિયા અને માટીના બગીચા કાઢી નાખ્યા અને હવે પ્લેટફોર્મ ની કીડીઓ પર લક્ષ્મણરેખા ફેરવતી વખતે તને કાઈ થાય છે? લાલ હિટ ને કાળા હિટ વાપરી વાપરી ને તેં સાબિત કરી દીધું કે એ તુચ્છ જીવજંતુ નું તારી પાસે કંઈ ચાલે તેમ નથી તો ભગવાન આવું કરે છે ત્યારે કેમ બે હાથ જોડીને ઊભો રહી ને કરગરવા માંડે છે? એમાંથી એકાદ કીડી કે વાંદો તમને આમ જ કરગરતો નહિ હોય એની શું ખાતરી?
રાત દિવસ એક પણ રસ્તાઓ ખાલી નથી. એકેય તહેવારમાં તારી ગાડી ઘરે રહેતી નથી તો પછી પેટ્રોલ ના ભાવ નડે જ ને?
સાઈકલ માં પુરાવેલી હવા નીકળી જાય ત્યાં સુધી એનો ઉપયોગ કરવો નથી તો પછી પોલ્યુશન કઈ પરગ્રહવાસીઓ એ નથી ફેલાવ્યું કે છાપુ વાંચીને તારા નાકનું ટેરવું ચડી જાય છે!
દુનિયામાં જે કંઈપણ સારું નરસું થઈ રહ્યું છે તેમાં જાણ્યે અજાણ્યે આપણો હાથ હોવાનો જ! એટલે આપણને અધિકાર નથી ફરિયાદ કરવાનો
ક્રાઇમ પેટ્રોલ અને સનસની જોયા કરીશ તો પણ તારા ઘર માં કે તારા પરિવાર સાથે જે થવાનું છે એને રોકી નહીં શકે. એના કરતાં યોગ અને કસરતથી શરીર સ્વસ્થ બનાવ્યું હશે તો બીજાનાં ખોરડાં પણ બચાવી શકીશ.
ક્યારે પારકાની પંચાત માંથી બહાર આવીને પોતાના માહલ્યા ને સમય આપીશ? ક્યારે તને એ સમજાશે કે કડવું હોવું એ કારેલા નો ગુણ છે એને મીઠો કરવા પ્રયત્ન ન કર. ગળ્યું જ ખાવું હોય તો મધ ખા. મરચા ખાધાં પછી એસિડિટી થાય એ ખબર જ છે તો ન ખા, પણ ખાઈ ને પછી મરચા ને બદનામ ન કર. તને ખબર જ છે કે આ વ્યક્તિ જોડે નહિ ફાવે તો એની સાથે વ્યવહાર બંધ કર. પણ દરવાજે દરવાજે એની ટીકા કરવાનું માંડી વાળ.
ક્યાં સુધી ચકલી નાં માળા બનાવી ને મૂક્યા કરશું? એક વૃક્ષ વાવીને એને પણ આત્મનિર્ભર બનવા દો ને.
એક મિત્ર એ બોવ સરસ વાત કહી હતી કે કોઈ પણ કામની productive value શું છે એ વિશે વિચારવું જોઈએ. જેટલા સમય બીજા વિશે ટીકા કરવામાં ફરિયાદ કરવામાં કાઢી એટલા સમયમાં શક્ય છે કાઈ એવું કરી શક્યા હોત જે મન ને ખુશ અને બીજાને ઉપયોગી થઈ શકે.
કંઈ જ કામ નથી તો કાગળ ની હોડી બનાવ.કોઈ બે ઘડી રમશે તો ખરી. એક ન આવડતો દાખલો ગણી નાખ, એક વાર્તા વાંચી નાખ. શાક સુધાર, કપડાંની ગડી કર. તારા મોબાઈલ માં ઘણું નકામું પડ્યું છે એને ડિલીટ કર. બેંક માં વ્યવહાર કેમ કરવો એ શીખ. રાત્રે આકાશ દર્શન કર. કેટલા તારા છે એ ન ગણી શકાય તો કઈ નહિ પણ શુક્લ પક્ષ છે કે કૃષ્ણ પક્ષ એનું તો જ્ઞાન મેળવ.
તારી પહેલાની પેઢીમાં તું કઈ સુધારો નહિ કરી શકે એટલે એ કોશિશ રહેવા દે. તારી સાથેની પેઢી તારા જેવી જ છે એનો સ્વીકાર કર. તારી પછીની પેઢી એ તેં જ બનાવેલી હશે.એટલે એના વિશે ફરિયાદ ન કર.
ભગવાન,સરકાર, વડીલો, મિત્રો કે પછી કોઈ પણ તમને સુખી નહિ કરી શકે. ભગવાન તને હાથ પગ મોઢું આપશે પણ એનો ઉપયોગ શું કરવો એ તારે જ નક્કી કરવું પડે.તારા ઘર માં પાણી ની લાઈન સરકાર નાખી શકે પણ નળ બંધ કરીને પાણીનો વેડફાટ તો તારે જ અટકાવવો પડશે. બઘું બીજા ન કરે.
બસ તું જીવ અને જીવવા દે. એટલે કોઈ ફરિયાદ નહિ રહે. પછી દરેક દિવસ નવો હશે. દરેક સમય ઉત્સાહ થી ભરેલો હશે.
હે મનુષ્ય! મોઢું ચડાવીને નહીં ફર ને.
પ્રેશર કૂકર ની જેમ શા માટે પ્રેશર લઈને ફરે છે? તપેલી જેવો થા ને! ભલે ઉભરો આવી જાય.
રાત્રે થાકી જાય તો ફરિયાદ ના કર ને! ઊંઘ તો આવી જશે.
બીમાર પડ તો ઘર આખું માથે ન લે. આરામ કરવાનો સમય મળ્યો છે તો કર ને! બીજાને સલાહ ન આપ ! એ નહિ માને. એને જરૂર હશે તો સામેથી માંગશે. જો તને કોઈ ની ચિંતા જ થાય છે તો માત્ર શબ્દો થી શું કામ એને વ્યક્ત કરે? એને એમાંથી બહાર લાવવા પ્રયત્ન કર ને! પતિ કે પત્ની ને રોજ એમ કહેવું કે તું થાકી જા છો એટલું કામ નહિ કર એના કરતાં વાસણ ગોઠવી દો ને! કપડા ની ગડી કરી દો ને એટલે એ નહીં થાકે. એ કામ નાં ભારણ થી થાકી જતો હોય તો ચિંતા કરવાને બદલે એના બિલ અને બેંક નાં કામ પતાવી દો ને. ફરિયાદ એ કોઈ પણ જગ્યા એ ઉકેલ નથી. ન ઘર ન વ્યવસાય નુ સ્થળ કે ન સોસાયટી, ક્યાંય પણ ફરિયાદ નહીં કરો એના નિરાકરણ તરફ જાઓ એટલે જીવ પછી ફરિયાદ ની ટેવ છોડી દેશે. અને એક નવી દિવસ તમારી રાહ જોઈને ઊભો હશે. પછી ખુશીઓને બહાર શોધવા જવા નહિ જવું પડે. પછી દરેક દિવસ નવું વર્ષ જ હશે…
વર્તમાન પરિસ્થિતી પણ માનવ દ્વારા જ ઊભી થયેલી છે ત્યારે આપણું ધ્યાન રાખીએ. બધા પોતપોતાનું આંગણુ સાફ કરી નાખે એટલે દુનિયા સાફ થઈ જશે એ વાત તો યાદ છે ને? બસ એ જ કરવાનું છે. આપણાં શોખ માટે બાળકોને બહાર ન લઈ જઈએ. આપણા વૃદ્ધો ને લોહી ઉકાળા કરવાને બદલે ઉકાળા પીવડાવતા રહીએ.. દરેક પોતાના પરિવાર નું ઘ્યાન રાખીએ એટલે ઓટલા પંચાત કરતી વખતે કે પાન નાં ગલ્લે આખા દેશની ચિંતા નહી કરવી પડે.
બદલશે બઘું બદલશે બસ તું બદલ..
તારો અભિગમ હકારત્મક થશે એટલે કોરોના ને તારામાં રહેવું નહી ગમે… કારણકે કોરોના nagative ને જ શોધે છે.. So Be Positive
કારણકે corona Positive કરે એના કરતાં જાત પોઝિટિવ કરવી સહેલી છે.
તારા જ નખ તને વાગે તો ફરિયાદ ન કર.. તારા જ કાન બધિર હોય ત્યારે બૂમાબૂમ ન કર..
હૈયામાં તારા નવો શ્વાસ ભર ને નીકળ કોચલામાંથી બહાર
કૂવાના દેડકાં ની જેમ કૂવામાં જ જિંદગી ન બરબાદ કર
છે બુદ્ધિ બળ ને સામર્થ્ય તારામાં બઘું
આ જ સમય છે એને સાચવી ને ન રાખ. ઉપયોગ કર.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏