Short story collection - 5 in Gujarati Moral Stories by Falguni Shah books and stories PDF | ટૂંકી વાર્તા સંગ્રહ - 5

Featured Books
Categories
Share

ટૂંકી વાર્તા સંગ્રહ - 5

🌱 વરણાગી વૈભવ 🌱

ગામડે જમીનો વેચીને નટવરલાલે શહેરના "પોશ" એરિયામાં ચાર કરોડ નો બંગલો હરખાઈને ગ‌ઈ ધૂળેટીના દિવસે ખરીધ્યો.
બીજે જ દિવસથી આખોય બંગલો પાડીને જમીન દોસ્ત કરવાનું શરૂ કર્યું. બંગલાની સાથે સાથે એની ફરતે અને ફળિયામાં લહેરાતા લીમડા , તુલસી , આસોપાલવ, ગુલમહોર અને કણજીનાં ઘટાદાર વૃક્ષો અને અન્ય નાનાં નાનાં કુદરતી સુંદર ઝાડ-વેલાનો પણ જડમૂળથી નાશ કરી દીધો.
એક જ વર્ષમાં નવો બંગલો પણ તૈયાર થઈ ગયો.
આ ધૂળેટી એ જાજરમાન વાસ્તુ પણ કર્યું.
ને એનાં બીજા જ દિવસે નટવરલાલે બંગલાનાં આંગણાં ને શોભાવવા માટે "લીલી હરિયાળી" નર્સરીમાં પાંચ બોન્સાઈ , દસ કેક્ટસ, છ ફ્લાવર પોટ , અને ત્રણ ક્લાઇમ્બર્સ પ્લાન્ટ નો ઓર્ડર આપ્યો.
ને એ જ દિવસે સાંજે નર્સરીવાળા એ આંગણું શોભાવી પણ દીધું.
.....પણ આ જોઈને ગોધુલી વેળાએ પેલાં ઝાડ પર વસતાં હતાં અને કાળઝાળ ગરમીમાં ઝાડનો આશરો ને વાયરો ઝંખતાં નિરાધાર બનેલાં બધાં પંખીઓ નિસાસા નાખીને બોલી રહ્યા હતા કે, " વાહ રે શેઠ વાહ, તમારો વરણાગી વૈભવ".
-ફાલ્ગુની શાહ©

🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

🌷 આવકાર 🌷

ધિમહ જ્યારથી સમજણો થયો ત્યારથી તેનાં મમ્મી-પપ્પા એને કહેતાં રહ્યા કે એનાં દાદા-દાદી તો સ્વર્ગવાસી થ‌ઈ ગયાં છે.
નાનકડો માસૂમ જીવ નોકરીયાત મા-બાપ માટે આખો દિવસ ઝૂરતો.આયાને ભરોસે દિવસ રહેતા રહેતા ઈ કંટાળી જતો.
એક દિવસ એની આયાએ ભૂલથી ઘરની એક રહસ્યમય વાત ધિમહ ને કહી દીધી.
બસ, પછીના રવિવારે ધિમહે ટેબલ પર ચિઠ્ઠી લખીને ઘર છોડી દીધું.
"મમ્મી પપ્પા,
હું દાદા દાદી જોડે સ્વર્ગવાસી થવા જાઉં છું."
ને ધિમહને દાદા દાદી સહિત આખા ઘરડાંઘરે દિલથી આવકાર્યો..!!
-ફાલ્ગુની શાહ ©

🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

✍️ ભાર ✍️

"શ્યામા , આજે નવું વર્ષ શરૂ થઈ ગયું, ગ‌ઈકાલે લાવેલું નવું કેલેન્ડર જુના કેલેન્ડર ની જગ્યાએ ભરાવી દે ". નવા વર્ષની શુભ સવારે ચા પીતા પીતા તનયે હુકમ કર્યો.
"હા, હમણાં જ ભરાવી દ‌ઉં છું." કહેતાં જ શ્યામા એ કેલેન્ડર બદલાવી નાખ્યું.
ને
જૂનું કેલેન્ડર ઉતારતાં ઉતારતાં એનું મગજ દલીલ કરતું હતું કે આમ જ સહેલાઈથી કેટલાક સંબંધો નો ભાર પણ ઉતારી શકાતો હોત તો નવા વર્ષની જેમ જીવન કેટલું ઉત્સાહવર્ધક થઈ જાય..!?
-ફાલ્ગુની શાહ ©

🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

✍️ અભિનય ✍️

માયાનગરી મુંબઈનો છલોછલ ગરીબી થી ઉભરાતો ખાર (ઈ) વિસ્તાર ની એક છેવાડાની ગલીમાં એક સવારે આખ્ખી ગલી દુર્ગંધ મારતાં જીર્ણશીર્ણ ઝૂંપડા પાસે ભેગી થઈ ગઈ.
લોકો ભેગા થઈ ગયા હતા અને અંદર ઝૂંપડા માં
કોણ મરી ગયું ? કોણ મરી ગયું ? એવા સવાલો કરતાં ઉભા ઉભા તમાશો જોઈ રહ્યા હતા.પણ કોઈ અંદર જવા તૈયાર નહોતું.
ત્યાં ગલીનો સફાઈ કામદાર દિવાકર આવ્યો ને અંદર ગયો. બધું જ અસ્તવ્યસ્ત હતું. લાશ પાસે નાની ઝેરની બોટલ જોઈ એણે. ખાસ સામાન નહોતો. દૂર ખૂણામાં એક પતરાની પેટી જોઈ દિવાકરે.

દિવાકરે પેટી ખોલી ને ફંફોસી તો આભો જ રહી ગયો..!! ફાટી આંખે એ બધા સર્ટિફિકેટસ , મેડલ્સ, અને તસ્વીરો એકી ટસે જોઈ જ રહ્યો. ઘડીક તસ્વીરો જોવે ને ઘડીક લાશ ને તાકી રહે. એ લાશ એક જમાનામાં મરાઠી ફિલ્મ નો જાજરમાન ચમકતો સિતારાની હતી જેને દેશ આખો એક સમયે "Living Icon" માનતો હતો એ કલાકાર ની હતી.
એને એક જ ક્ષણ માં લાશનાં જીવનની આખી આપવીતી સમજાઈ ગઈ ને એની આંખમાંથી અનરાધાર આંસુ વરસી રહ્યા.

બહારથી બધા પૂછી રહ્યા હતા કે કોણ હતો આ માણસ?
દિવાકરે જરાક સ્વસ્થ થઈ ને મોટા અવાજે જવાબ આપ્યો કે "મરનાર એની પોતાની જિંદગીનો ઉત્કૃષ્ટ અભિનય કરનાર "અભિનેતા" હતો."
-ફાલ્ગુની શાહ ©