રાજકારણની રાણી
- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર
પ્રકરણ-૪૪
સુજાતાબેન અને હિમાની પાટનગર જવા માટે નીકળી ગયા પછી જનાર્દન પક્ષના કાર્યાલય પર પહોંચી ગયો હતો. તેણે જેમની સાથે વધારે મૈત્રી હતી એવા કાર્યકરોને અગાઉથી જ બોલાવી રાખ્યા હતા. જનાર્દન સુજાતાબેનનો ડાબો હાથ જેવો ગણાતો હોવાથી કાર્યકરો વધારે માન આપતા હતા. એક-બે કાર્યકરો તો જનાર્દનને એવી ભલામણ કરતા રહેતા હતા કે સુજાતાબેન ધારાસભ્ય બન્યા પછી એમને કોઇ લાભ થવો જોઇએ. એમની ભલામણથી કોઇ જાણીતી કંપનીની એજન્સી કે ખાનગી કંપનીમાં મોટા પદવાળી નોકરી મળવી જોઇએ. કોઇ કહેતું કે એમના થકી એમના ધંધામાં મોટો કોન્ટ્રાક્ટ મળવો જોઇએ. ત્યારે જનાર્દન કહેતો હતો કે એણે પોતે એવી કોઇ આશા રાખી નથી. સુજાતાબેન કોઇનું અહેસાન લેવામાં માનતા નથી. દરેક કાર્યકરે સ્વેચ્છાએ રાજકારણમાં કામ કરવાનું છે. એમને લાયકાત પ્રમાણે વ્યક્તિગત વિકાસનો લાભ થઇ શકે. જો તમે કોઇ અપેક્ષાથી કે સ્વાર્થથી રાજકારણમાં જાવ છો તો ત્યાં ખોટા કામ વધી જશે. ખોટા કામ કરવા અને લાભ મેળવવાની અપેક્ષાથી જ લોકો રાજકારણમાં આવતા હોવાથી એમને એક લોકસેવક જેવું સન્માન મળતું નથી. જો તમારે સેવા જ કરવી હોય તો સામાજિક સંસ્થા સ્થાપીને પણ કરી શકો છો. રાજકારણમાં સત્તાની લાલચ રાખવામાં આવતી હોવાથી એ સેવાને બદલે મેવા મેળવવાનું માધ્યમ ગણાવા લાગ્યું છે.
મોટાભાગના કાર્યકરો સુજાતાબેનના આદર્શોને કારણે જ પક્ષમાં જોડાયા હતા અને એમના પ્રત્યે માન ધરાવતા હતા. કેટલાક કાર્યકરો ક્યારેક આ કારણે નારાજ થતા હતા પરંતુ બધાનો સ્વભાવ સરખો હોતો નથી એમ સમજી જનાર્દન એમની સાથે વિવાદમાં ઉતરતો ન હતો. પક્ષના કાર્યાલયમાં પણ સમાચાર વહેતા થઇ ગયા હતા કે સુજાતાબેનને પાટનગર ખાતે પક્ષની મહત્વની બેઠકમાં પોતાના વિચાર વ્યક્ત કરવા બોલાવ્યા છે. એક કાર્યકરે કહ્યું પણ ખરું કે સુજાતાબેનને મંત્રીપદ આપવું જ પડશે. જો તેમએ નવા સમજીને મંત્રીપદ આપવામાં નહીં આવે તો પક્ષમાં નારાજગી ફેલાશે. બીજા સિનિયર ધારાસભ્યોની નારાજગી વહોરીને પણ સુજાતાબેનને મંત્રીપદ આપવું જ જોઇએ. જનાર્દને એમ કહીને વાતને વાળી લીધી કે,'તમે પણ ભાઇ 'ભેંસ ભાગોળે અને છાસ છાગોળે' જેવી વાત કરો છો. હજુ પરિણામ આવ્યા નથી, પક્ષને બહુમતિ મળી નથી ત્યાં સત્તાના સમીકરણ માંડવા લાગ્યા અને મંત્રીપદની ચર્ચા કરવા લાગ્યા છો.'
એ ભાઇ જનાર્દનની વાત સાંભળીએ ચૂપ થઇ ગયો. જનાર્દને સુજાતાબેનની સૂચના મુજબ કામગીરી શરૂ કરાવી. સુજાતાબેનની સૂચના હતી કે જે રીતે ચૂંટણીમાં એક-એક મતની ગણતરી કરવામાં આવે છે અને ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવે છે એ રીતે દરેક મતદાર નાગરિકની સમસ્યાઓના ઉકેલ માટે હવે પછી પ્રયત્ન કરવાનો છે. આપણા પક્ષને સત્તા મળે કે ના મળે પણ આપણાને જેમનો સાથ મળ્યો છે એ મતદારો માટે કામ કરવાનું છે. ઘરેઘરે જઇને મત માગી શકાય છે એ જ રીતે કોઇ આપત્તિમાં કે એમની તકલીફમાં એમના ઘરે જવાની જરૂર હોય છે. સરકાર મહાપુરુષોની જન્મજયંતિ મનાવે છે એ રીતે શહેરમાં કોઇ વ્યક્તિ કોઇપણ ક્ષેત્રમાં મોટી સિધ્ધિ મેળવે ત્યારે તેને બિરદાવવા કાર્યક્રમ રાખવામાં આવે એવું આયોજન કરવાનું છે. જનાર્દનને થયું કે સુજાતાબેનના વિચારો રાજકારણીઓથી અલગ છે એ કારણે લોકો સાથેનો સંપર્ક વધારે રહેવાનો છે. રાજકારણીઓ પોતાની પ્રસિધ્ધિ માટે કાર્યક્રમો કરે છે ત્યારે સુજાતાબેન લોકોની પ્રસિધ્ધિ માટે પણ કાર્યક્રમ યોજવાની તૈયારી કરાવી રહ્યા છે. આખરે એનું શ્રેય તો એમને જ મળવાનું છે. જનાર્દને અનેક પ્રકારની યાદીઓ તૈયાર કરવાની હતી. તે પોતાના સહકાર્યકરો સાથે એની તૈયારી કરતો હતો ત્યારે મનમાં પાટનગર ખાતેની બેઠકમાં શું ચર્ચા ચાલતી હશે એની કલ્પના કરતો રહેતો હતો.
જનાર્દન સાંજે કાર્યાલય બંધ કરાવીને ઘરે પહોંચ્યો એ પછી મોબાઇલમાં જોયું તો હિમાનીનો મેસેજ હતો. તેણે લખ્યું હતું કે બેઠક પૂરી થઇ ગઇ છે અને અમે ભોજન માટે ઉમેદવાર રહેલા એક મહિલાના ઘરે જઇ રહ્યા છે. સુજાતાબેન સાથે વાત થયા પછી ફોન કરીશ. જનાર્દનને પક્ષની રાજકીય બેઠકની વાતો જાણવાની ઉત્સુક્તા જાગી હતી. પછી થયું કે સુજાતાબેન અને હિમાની હજુ એકલા પડયા નહીં હોય એટલે કોઇ વાત કરી નહીં હોય.
રાત્રે સવા દસ વાગે હિમાનીનો ફોન આવ્યો. જનાર્દને એક જ રીંગમાં ઉઠાવી લીધો:"હા હિમાની, જમી લીધું?"
"હા, જમી લીધું અને સુજાતાબેન સાથે પેટ ભરીને વાતો પણ કરી લીધી!"
"અચ્છા! શું વાત થઇ?"
"આજની બેઠકમાં સુજાતાબેનનો ભારે દબદબો હતો. બધા એમને મળવા ઉત્સુક દેખાતા હતા. હું માત્ર પુરુષોની વાત કરતી નથી! સામાન્ય વાત કરું છું..."
"હા, મને ખ્યાલ આવી ગયો. રાજકારણમાં આવતી સુંદર સ્ત્રીઓની ચર્ચા મીડિયા વધુ કરતું હોય છે. એક રાજ્યમાં અઢીસોથી વધુ ધારાસભ્યો ચૂંટાઇને આવ્યા હતા અને એમાં એવા કેટલાય અદના કાર્યકરો અને લોકોની સેવા કરનારા હતા જેને ક્યાંય પ્રસિધ્ધિ મળી નહીં. એક ધારાસભ્ય તો આજે પણ સાયકલ પર ફરે છે. છતાં મોંઘી કારમાં ફરતી પક્ષની હીરોઇન જેવી મહિલા ધારાસભ્યના શોખ અને તેની ફેશન ડિઝાઇનિંગની સેન્સની સ્ટોરી વધારે આવતી હતી. વળી ગરિમાપૂર્ણ મહિલા સુજાતાબેન સાથે તારા જેવી સુંદરી પણ હોય ત્યારે મીડિયાનું ધ્યાન વધારે ખેંચાય ખરું ને?!"
"જનાર્દન, તમે પણ શું! અત્યારે મજાકનો સમય નથી. તમારી બધી વાત સાચી છે. પણ એક મહત્વની વાત કરવાની છે. મીડિયાની નજર સતત સુજાતાબેન તરફ હતી. ટીવી ચેનલોના કેમેરામેનો એમની આસપાસ જ મંડરાતા હતા. તેનું ખરું કારણ કે એ કોને વધારે મળે છે એ જાણવાનું હતું. આ વખતે પણ એ ધારાસભ્ય પદના ઘણા ઉમેદવારોને મળ્યા. ખાસ કરી જેમના વિસ્તારમાં પ્રચાર માટે ગયા હતા એમની સાથે વધુ ઓળખાણ હતી એટલે એમની સાથે ચર્ચા વધુ કરી. પક્ષના પ્રમુખ પણ એમના પ્રભાવથી ન જાણે કેમ ચિંતિંત લાગતા હતા. કોઇ નવા ધારાસભ્ય આટલી લોકપ્રિયતા મેળવી જાય એ તેમના જેવા જૂના રાજકારણીને પચે એવું ન હતું..."
"હા, રાજકારણમાં તો બધાં એકબીજાને પછાડવામાં વધુ સક્રિય રહેતા હોય છે. એક વખત પ્રજાના મત મળી ગયા પછી એમની મહત્વાકાંક્ષાઓ સાકાર કરવાના કામમાં લાગી જાય છે. પ્રજાની સમસ્યાઓની એમને ખાસ પડી હોતી નથી.પણ સુજાતાબેન જેવા સભ્યો પ્રજા માટે આશાનું કિરણ બની જશે..."
"પણ મને તો એ કિરણ ઉગતા પહેલાં જ આથમતું લાગે છે..."
"કેમ? એવી શું વાત થઇ?"
"સુજાતાબેન બેઠકમાં સામેલ થયા ત્યારે બહુ ખુશ હતા. પણ બહાર અવ્યા પછી નિરાશ લાગતા હતા. એમણે શું ચર્ચા થઇ એની વિગતવાર વાત ના કરી પણ અહીંનું રાજકારણ સારું નથી એવો મત વ્યક્ત કરી કહ્યું કે રાજકારણમાં નાક વગરના અને કપડાં વગરના લોકોએ જ આવવું જોઇએ. આ રાજકારણમાં સ્વાર્થની બૂ આવે છે. સામાન્ય માણસો એટલે જ રાજકારણમાં આવતા નથી. લોકોને સાચવવાની વાત કરવાને બદલે ઉદ્યોગપતિઓને અને વેપારના માંધાંતાઓને સાચવવાની ચિંતા વધારે કરે છે. ચૂંટણીનું ભંડોળ ભેગું કર્યું હતું એમાં જેણે મદદ કરી એમનો આભાર વ્યક્ત કરતા હતા. સત્તા પર આવ્યા પછી એમને કેવી રીતે લાભ આપીશું એની ચર્ચા એમના માટે મહત્વની લાગતી હતી. સત્તામાં આવ્યા પછી પ્રજાલક્ષી કયા નિર્ણયો લેવાની જરૂર છે એવો મુદ્દો મેં ઉઠાવ્યો ત્યારે પ્રમુખ કહે કે એના માટે તો પૂરા પાંચ વર્ષ પડ્યા છે. હજુ તો પરિણામ આવ્યું નથી અને એમને ભૂલી રહ્યા છે. જેમના મતથી સરકાર રચાવાની છે એમના આભાર માટે કે એમની સુખ-સુવિધા માટે કોઇ રાજકારણી પાસે આયોજન નથી કે એમની વાત કરવામાં રસ નથી એ જોઇ મારુ હ્રદય વલોવાય છે. હું ચૂંટણીના પરિણામો પછી મારા પદ પરથી રાજીનામું આપી દેવાની છું..."
"હિમાની, આ તું શું કહી રહી છે? સુજાતાબેને આવું કહ્યું?"
"હા, તારી જેમ પહેલાં તો મને પણ મારા કાન પર વિશ્વાસ આવ્યો નહીં. મેં એમને આટલો મોટો નિર્ણય આટલી ઝડપથી શા માટે લઇ રહ્યા છો એમ પૂછ્યું ત્યારે એમણે કહ્યું કે આજની બેઠક પછી મને લાગે છે કે આપણે પોતાને કે આસપાસના લોકોને બદલી શકીએ પણ આ રાજકારણીઓને બદલી શકીએ એમ નથી. એ પોતાના નિર્ણય પર અડગ છે. અને આ વાતની જાણ અત્યારે અહીં કોઇને કરવા માગતા નથી..."
જનાર્દનને સુજાતાબેનનો આ નિર્ણય ચોંકાવનારો લાગ્યો. પણ એમનો સ્વભાવ જાણતો હોવાથી પાટનગરના રાજકારણીઓની મંશાથી પરિચિત હતો એટલે બહુ નવાઇ ના લાગી. રાજીનામું આપવાનો નિર્ણય મતલબ કે રાજકીય કારકિર્દીનો અંત. પણ હજુ શરૂઆત જ ક્યાં થઇ છે? અમારી મહેનત પણ બેકાર જવાની. હવે ફરીથી ચૂંટણી યોજાશે અને રતિલાલ કે રવિના જેવા ઉમેદવારી નોંધાવશે. સુજાતાબેનને કોઇ સમજાવી શકે તો સારું છે. જનાર્દનને થયું કે એવું કોણ છે જે એમને સમજાવી શકે? લાંબો વિચાર કર્યા પછી તેને એક જણ યાદ આવ્યું.
ક્રમશ: