બે-ત્રણ દિવસથી નેહલ કંઈક વધારે પડતી જ બેચેન લાગી રહી હતી અને જાણે કંઈક મૂંઝવણમાં હોય તેમ લાગી રહ્યું હતું તેવું મિલન વિચારી રહ્યો હતો.
તેથી તેણે બહારગામ જતાં પહેલાં, સવારે ચા-નાસ્તો કરતી વખતે જ નેહલના માથા ઉપર પ્રેમથી હાથ ફેરવ્યો અને ગાલ ઉપર એક કિસ કરી અને શાંતિથી તેમજ પ્રેમથી પૂછ્યું કે, " નેહ, તારી તબિયત નથી સારી કે શું..?? બે-ત્રણ દિવસથી તું કંઈક મૂંઝવણમાં હોય તેવું લાગે છે શું થયું છે તને..?? કોઈએ તને કંઈ કહ્યું તો નથીને..?? "
નેહલ: ના, ના, એવું કંઈ નથી તમને કેમ એવું લાગ્યું..??
મિલન: તું કંઈક ગહન વિચારોમાં ડૂબેલી હોય તેવું મને લાગ્યું. તેથી મેં તને પૂછ્યું.
નેહલ: ના,ના એવું કંઈ નથી. એતો બે-ત્રણ દિવસથી મમ્મી સાથે વાત નથી થઈ એટલે.
મિલન: ઓકે, તો આજે હું બહારગામ જાઉં છું એટલે તું એકલી જ છે ને..? તો જરા મમ્મીના ઘરે આંટો મારી આવજે એટલે જરા ફ્રેશ થઈ જવાય.
નેહલ: ઓકે.
અને મિલન પોતાના બિઝનેસના કામ માટે બહારગામ જવા નીકળી ગયો. તેને દર મહિને બે-ત્રણ દિવસ બહારગામ જવાનું થતું હતું.
નેહલ અને મિલનના લગ્ન થયે હજી એક જ વર્ષ થયું હતું. નેહલ, ખૂબજ રૂપાળી અને સુંદર છોકરી હતી સ્વભાવે પણ ડાહી અને ઠરેલી હતી.
મિલન અને નેહલ બંને એક મિત્રના લગ્નમાં મળ્યાં હતાં અને ત્યારથી જ મિલનને નેહલ ખૂબ ગમી ગઈ હતી, અને તેથી મિલને સામેથી જ તેને લગ્ન માટે પુછાવડાવ્યુ હતું.
મિલન પણ દેખાવમાં હેન્ડસમ અને રૂપાળો છોકરો હતો વળી તેના પપ્પાનો પોતાનો બિઝનેસ હતો તેથી પપ્પાના બિઝનેસમાં પણ તે વેલસેટ હતો. તેથી નેહલના મમ્મી-પપ્પાએ તરત જ "હા" પાડી દીધી.
નેહલ પોતાની સાથે કોલેજમાં ભણતા ઋત્વિકના પ્રેમમાં હતી. તેણે ઋત્વિકને પોતાના એંગેજમેન્ટની વાત જણાવી અને આપણે બંને લગ્ન કરી લઈએ તેવી ઈચ્છા પણ બતાવી પરંતુ ઋત્વિકને નેહલ સાથે લગ્ન કરવામાં કોઈ જ રસ ન હતો તે ફક્ત નેહલ સાથે પોતાનો ટાઇમપાસ જ કરતો હતો. આ વાતની જાણ નેહલને, ત્યારે થઈ જ્યારે તેણે ઋત્વિક સામે લગ્ન માટે ઓફર મૂકી અને ઋત્વિકે "ના" પાડી. હવે તેને મિલન સાથે લગ્ન કર્યા સિવાય છૂટકો ન હતો. તેથી તેણે ચૂપચાપ મમ્મી-પપ્પાના કહેવા પ્રમાણે મિલન સાથે લગ્ન કરી લીધા.
હવે લગ્નના એક વર્ષ બાદ અચાનક, એક દિવસ તે પોતાના ઘરમાંથી બહાર નીકળી તો તેને ઋત્વિક મળ્યો ઋત્વિકે તેને ધમકી આપી કે, " તારી મારી સાથેની, જે બધી જ વાતો છે તે મેં એક ટેપરેકોર્ડરમાં ટેપ કરેલી છે. હું તે બધી જ વાતો તારા હસબન્ડને સંભળાવીશ અને જો તું તેવું થવા દેવા ન માંગતી હોય તો, મને 50,000 રૂપિયા આપ, તો હું આ ટેપ રેકોર્ડર કોઈને નહીં સંભળાવું. "
ઋત્વિક, પોતાની સાથે આવું કરશે..! તેવી તો નેહલને કલ્પના માત્ર ન હતી તેથી તે ઋત્વિકની આવી વાત સાંભળીને નર્વસ થઈ ગઈ તેણે બે હાથ જોડીને ઋત્વિકને ખૂબ જ રીક્વેસ્ટ કરી કે, " હવે મારા લગ્ન થઈ ગયા છે. મારા હસબન્ડ ખૂબજ સારા છે. તારો અને મારો રસ્તો અલગ છે તું મને હવે હેરાન કરવાનું છોડી દે. હું તારા પગે પડું છું. હું આવી રીતે કોઈપણ પૈસા તને આપી શકું તેમ નથી પ્લીઝ, તું અહીંથી અને મારા જીવનમાંથી ચાલ્યો જા. "
પણ, ઋત્વિક માને તેમ નહતો. તેણે તો, નેહલ જેવી ભોળી-નાદાન છોકરીને ફસાવવા માટે જ આ બધું કર્યું હતું. તેથી તેણે પોતાની પૈસાની માંગણી ચાલુ જ રાખી.
છેવટે ઋત્વિક, પોતાના પતિને પોતાના ભૂતકાળની વાતો જણાવી દેશે, તેવી બીકના કારણે નેહલે ઋત્વિકને 50,000 રૂપિયા પોતાના એકાઉન્ટમાંથી આપી દીધાં. પરંતુ નેહલને એવી ખબર ન હતી કે આટલેથી આ વાત પતી જવાની નથી. એક મહિના બાદ ફરીથી મિલન જ્યારે બહારગામ ગયો ત્યારે ઋત્વિકે નેહલના ઘરની આસપાસ ફરીથી ચક્કર લગાવવાનું શરુ કર્યું અને ફરીથી બીજા 50,000 રૂપિયાની માંગણી કરી.
હવે નેહલ થોડી ડિપ્રેશનમાં આવી ગઈ હતી. વારંવાર આટલા પૈસા ક્યાંથી લાવવા..?? તે પણ તેને માટે પ્રશ્ન હતો અને પોતાના એકાઉન્ટમાંથી પૈસા લીધાં પછી પણ મિલન પૂછે તો તેને શું જવાબ આપવો તે પણ એક પ્રશ્ન હતો તેથી તે નર્સવ થવા લાગી અને મિલન બહારગામ જવાની વાત કરે ત્યારે ટેન્શનમાં રહેવા લાગી.
મિલન નેહલને આમ ચિંતામાં જોઈને સમજી ગયો હતો કે નેહલ ચોક્કસ કંઈક મુશ્કેલીમાં છે. પણ તે મને જણાવવા માંગતી નથી.
તેથી તેણે બહારગામ જવાના બહાને ઘરમાંથી નીકળીને નેહલની આખો દિવસ વૉચ રાખી અને નેહલ શું કરે છે તેનું બધુંજ ધ્યાન રાખ્યું. અને આ બધી જ વાત પકડી પાડી.
આમ, મિલને, નેહલને સમયસૂચકતાથી ઋત્વિક જેવા ગુંડાના ત્રાસમાંથી બચાવી લીધી અને નેહલ સાથે પ્રેમપૂર્વક પોતાનું લગ્નજીવન ચાલુ રાખ્યું.
સમાજમાં આવી કેટલીયે આપણી નાદાન દીકરીઓ આવા ગુંડા જેવા છોકરાઓની માયાજાળમાં ફસાઈ જતી હોય છે. તે દીકરીઓને સાચું માર્ગદર્શન જો આપવામાં આવે તો આપણે તેમને આવા ગુંડા તત્વોથી બચાવી શકીએ.🙏
~ જસ્મીન