મરાઠી નવું વર્ષ ગુડી પડવો.
પ્રભુ રામચન્દ્ર જીએ લોકોને વાલી નામના લૂંટારાના ત્રાસથી મુક્ત કર્યા તે દિવસ ચૈત્ર સુદ એકમ હતો. આ દિવસે વિજયની ખુશાલી એ ઘરે ઘરે ગુડ્ડી એટલે કે ધજા રોપણ કરી મનાવવામાં આવતો હતો તેથી તેને ગુડીપડવો એવું કહેવામાં આવે છે. ચૈત્ર સુદ એકમ એ મરાઠી નવા વર્ષનો પ્રથમ દિવસ છે.
બીજી એક દંતકથા મુજબ પ્રભુ શ્રી રામચંદ્ર ચૌદ વર્ષનો વનવાસ ભોગવી લંકાપતિ રાવણનો વધ કરી વિજયી થઈ જે દિવસે અયોધ્યા પાછા ફર્યા, તે દિવસે ચૈત્ર સુદ એકમ હતી. અયોધ્યા નગરી ના લોકો એ ઘરે ઘરે ગુડી તોરણ ઉભા કરી રામના પાછા ફરવાનો આનંદ વ્યક્ત કર્યો હતો. તે સંદર્ભે ગૂડી પડવાને 'વર્ષ પ્રતિપદા' તરીકે પણ ઓળખવામાં આવે છે.
મહારાષ્ટ્રમાં આ દિવસે ઘરના આંગણામાં પાંચ પાંડવો ની પ્રતિકૃતિ તૈયાર કરી તેની આસપાસ સુંદર રંગોળી કરવામાં આવે છે.આંગણામાં ગાયના છાણથી લીપીને તેની પર આ રંગોળી કરાય છે. આ જગ્યાએ ગુડી એટલે લાકડી પર ધ્વજા મૂકી અને તેની ષોડપચાર એ પૂજા કરવામાં આવે છે. આ લાકડી ને તેલ લગાવી, ચોખખા પાણીથી ધોઇ લેવા માં આવે છે, તેને હળદર કંકુ ચડાવી તેના પર પિત્તળ કે ચાંદી નો લોટો, કડવા લીમડાની ડાળી, હાયડા ના નું કાપડ, ફૂલનો હાર વગેરે સામગ્રી લેવામાં આવે છે.લાકડીના છેડે નાના રંગીન કપડાં બાંધી તેના પર લોટો ઊંધો મૂકવામાં આવે છે લગાવેલા લોટામાં કડવા લીમડાની ડાળ લગાવી હાયડા નો હાર પહેરાવવામાં આવે છે. લાકડી પર સાડીની જેમ પહેરાવાય છે. ઘરના આગળના ભાગમાં, રસ્તા પરથી સરળતાથી જોઈ શકાય તે રીતે ગુડીની બાંધવામાં આવે છે. આ ગુડી રામના સ્વાગત માટે શુભ પ્રતીકરૂપ ગણાવવામાં આવે છે. ઘરના પ્રવેશ દ્વાર પર આંબા ની ડાળી અને તોરણ લગાવવામાં આવે છે તથા નવા વર્ષના પંચાંગ ની પૂજા કરવામાં આવે છે.આ દિવસથી રામનવમી સુધી રામ મંદિરમાં કીર્તનો પ્રારંભ થાય છે.
આ દિવસે વિદ્યાર્થી ઓ પાસે શાળામાં સરસ્વતી પૂજન કરવામાં આવી છે. તેમાં પા ટી ચંદ્ર, સૂર્ય, સરસ્વતી દોરી પાટી ની એટલે કે વિદ્યા ની પૂજા કરવામાં આવે છે. સામાન્ય રીતે હિન્દુઓમા કોઈ પણ નવી બાબત નો પ્રારંભ કરવા માટેના અમુક વણજોયાં મુહૂર્ત હોય છે,જેેેમાંનું એક ગુડી પડવા નો દિવસ શુભ માનવામાં આવે છે.આ દિવસે નવા સંવતનો પ્રારંભ થાય છે અને નવું પંચાંગ પણ શરૂ થાય છે.
વૈદિક શાસ્ત્ર મુજબ બ્રહ્માજીએ સમગ્ર સૃષ્ટિની રચના ચૈત્ર માસના પ્રથમ દિવસે કરી હતી સૃષ્ટિ નિર્માણના કાર્યની શરૂઆત આ દિવસે થવાની સાથે સૃષ્ટિ સંરક્ષક તરીકે ભગવાન વિષ્ણુ આજ દિવસે મત્સ્ય રૂપમાં અવતાર ધારણ કરી હોવાથી તેનું આગવું મહત્વ છે.
સ્કંદ પુરાણ મુજબ ચૈત્ર સુદ એકમના જે વાર હોય તે વાર વર્ષનો રાજા કહેવાય છે તે દિવસે બ્રહ્માજીનું પૂજન કરાય છે. બાજોઠ પર ચોખાનું અષ્ટદલ બનાવી સ્થાપન સાથે ગણેશજી અને બ્રહ્માજીનું ષોડશોપચાર થી પૂજન કરી દેવી દેવતાઓને નમસ્કાર કરવામાં આવે છે.તથા પ્રાર્થના કરવામાં આવે છે કે 'હે ભગવાન,અમારા બધા દોષો દૂર કરી અમારું આખું વર્ષ મંગલમય બનાવો. શાલિવાહન રાજાએ શકો પર હુમલો કરી તેને પરાજિત કરી ભગાડ્યા હોવાથી તેના નામ પરથી શાલિવાહન શક વર્ષ તરીકે પણ ઓળખાય છે. વિજ્ઞાનની દૃષ્ટિએ ચૈત્ર માસથી ગરમીની શરૂઆત થતી હોવાથી આ સમયમાં ગૂંમડા,અળાઈ અને ચામડીના રોગો થવાની સંભાવના રહે છે. તેનાથી દૂર રહેવા માટે દસેક દિવસ લીમડાના કૂંપળમાં મરી, મીઠું, હીંગ, અજમો વગેરે નાખી સેવન કરવું જોઈએ. આયુર્વેદની દ્રષ્ટિએ લીમડો અત્યંત આરોગ્યપ્રદ અને કીટનાશક છે.
આધ્યાત્મિક દ્રષ્ટિએ જોઈએ તો સંસાર અનેક કડવાશથી ભરેલ છે, જે પી ને આપણે સતત ચાલતા રહેવું પડે છે. લીમડાની કડવાશ ભવિષ્યમાં તંદુરસ્તી માટે સારી છે તેમજ જિંદગીમાં આવતી કડવાશ ચૂપચાપ પી જવાથી ભવિષ્યમાં ફાયદો જ થવાનો છે. ભોગવાદી સમાજની વિચારસરણી બદલી, આપણા નૈતિક અને સામાજિક મૂલ્યો ફરી સ્થાપન કરીએ તેવી ભાવના સાથે મહારાષ્ટ્રના નવા વર્ષને વધાવીએ.