તારીખ : આજની
સરનામું : વિકાસના નામે ધરમૂળથી રહેંસી નખાયેલ મારા અસ્તિત્વનાં વિખરાયેલા એકેએક કણ
વિષય : પુકાર
ડિયર યક્ષુ,,,
મિસ યુ યાર...વેરી મિસ યુ...!! આશા છે તું જ્યાં પણ હોઈશ હેમખેમ અને કુશળ હોઈશ. ભણીગણીને આજે તો કેટલી મોટી થઈ ગઈ હશે નહિ..!! તને મળ્યાને વર્ષો વહી ગયા. બહુ યાદ આવે છે તારા એ નફ્ફટ ને નટખટ દોસ્તોની...મારા આંગણામાં કરેલ તમે એ ફુલગુલાબી મસ્તીની...પવનને હંફાવતી તમારી એ બાલ્યાવસ્થાની મોજીલી દોડની...તમારા સૌના એ પુષ્પ સમ ખીલી ચોમેર કાયમ ફોરમ પ્રસરાવતા રહેતા માસૂમ ચેહરાઓની...અને,,અને,,,ખાસ તો તારી...!! ખરેખર...આવો ક્યારેક...ને આ મૃતઃપ્રાય એવા મારા દેહમાં નવું જોમ પુરી જીવંતતાનો સંચાર કરી જાવો...
આધુનિક જમાનાનાં સ્માર્ટ ફોનમાં રચ્યા પચ્યા બાળકો પાસે કે અન્યો કોઈ પાસે ય હવે મારી વ્યથા જોવાનો, સમજવાનો કે સાંભળવાનો સમય જ ક્યાં છે?? એટલે જ આજે મનમાં થયું, 'લાવ,,,મારા હસતા રમતા, ભર્યાભાદર્યા એ જીવનકાળમાં એક ડોકિયું કરી લઉં.' 'જીવન સંધ્યાએ ઢળતી વેળા આજે આ મન અહીં ખાલી કરી થોડી હળવી થઈ જાઉં.' ને હું તને પત્ર લખવા બેસી ગઈ.
તમે સૌ બાલ્યાવસ્થાની તમારી એ મોજમસ્તી માણવા સમય કરતાં વહેલા આવી જતા, એટલા વહેલા કે મારો ગેટ પણ ખુલ્યો ન હોય. ને તું ને તારા દોસ્તો મારી સુરક્ષા માટે કરેલી એ તારવાળી વાડમાંથી બાકોરું પાડી અંદર આવી જતા ને પાછા ચોરીછુપે કોઈ જોઈ ન જાય એનું ધ્યાન રાખતા અંદર ઘૂસતા ત્યારે હું તમારી એ હરકતો પર વારી વારી જાતી. કહેતા ઘણું દુઃખ થાય છે કે, એ તારવાળી વાડની જગ્યા હવે ઇંટ રેતી ને સિમેન્ટથી ચણાયેલ પાક્કી ને મોટી દીવાલોએ લઈ લીધી છે. જેને આજકાલના બાળકો ચડીને ઓળંગવાનું વિચારી પણ ન શકે. આટલું ઓછું હોય એમ ઉપરથી એની પર કાચના ટુકડાઓ ખોસી દેવાયા છે. જેથી ભૂલેચુકેય કોઈ એની ઉપર ચડવાનું સાહસ ન વ્હોરે.
આધુનિકતાનાં નામ પર મારો આખો નકશો જ જાણે બદલી દીધો છે. એ પણ મારી મરજી વગર!! તમે રિસેસમાં છાંયડો ખાવા બેસતા એ લીલાછમ મોટા ઝાડ પણ નથી રહ્યા કે ના તો એ ઝાડ ફરતે ગોળાકારમાં લીંપણ કરી બનાવેલ ઓટલા. ચોમાસામાં કાદવ કીચડ ન થઈ જાય એમ કરી ખાલી પડેલ આખું મેદાન બ્લોગથી ભરી દેવાયું છે હવે તો. બાગ બગીચાઓ ય ફક્ત નામના રહી ગયા છે. હીંચકા, ઉચકનીચક, લપસણી તો છે પણ એની ખરી મજા માણનારા તમારા જેવા ભૂલકાઓ હવે નથી મળતા. સ્માર્ટ ફોનના કારણે કેરમ બોર્ડ અને ચેસ બોર્ડ પણ સ્ટોર રૂમમાં જ ધરબાઈને રહી ગયા.
તમે સૌ હતા તો જાણે જીવન જીવંત હતું ને હવે એમ લાગે છે કે જાણે ન છૂટકે જીવી રહી છું. ક્યારેક તમે પાંચ પથ્થરની રમત રમતા ને દાવ સફળ થતા મારી બરછટ અને સૂકી લાદીને જીતની ખુશીમાં પોતાના નાજુક કોમળ હાથોથી વ્હાલભરી હળવી થપાટ મારતા ત્યારે અનહદ આનંદ અનુભૂતિ થતી. મારા બાગોનું જાતજાતના ફૂલ છોડ રોપી રોજે એને પાણી સીંચીને કેટલા પ્રેમથી એનું જતન કરતા. અગર ભૂલથીય કોઈ એ લીલાછમ તાજામાજા છોડવાઓનાં પાનને ચીમળતું કે ફૂલ તોડતું દેખાય તો તેનું તો આવી જ બનતું !! છોડવાઓ પ્રત્યેનો તમારો લગાવ જ કંઈક એવો હતો. આટલું ઓછું હોય એમ મારી સાથે સંકળાયેલ દરેક વસ્તુ પ્રતિ તમને અદભુત પ્રેમ હતો; પછી એ બેન્ચ હોય કે બ્લેક બોર્ડ હોય ! કોઈએ આને કોઈ પણ જાતનું નુકશાન કરવું નહીં એવો વણકહ્યો જાણે હુકમ જ આપી રાખેલ હોય. સાચું કહું તમ ભૂલકાઓની એ ખાટી મીઠી યાદોનાં સહારે તો હું જીવી રહી છું. નિઃસ્વાર્થ નિખાલસ પ્રેમ કરવાનું તો કોઈ તમારા પાસેથી શીખે.
તમારા સાહસ પણ કઈ ઓછા ન હતા ! પણ અત્યારે હવે સૌની સામે એ ઉખેડવાનું રહેવા જ દઉં છું. નહિ તો મારી મૂળ વાતો દૂર જ રહી જશે.
સમય એનું કામ કર્યે ગયો ને તમે તમારું. ભણવાનાં સમયે ધ્યાન દઈ ફક્ત ભણવાનું ને રમવાના સમયે મસ્ત મોજ બની રમવાનું. તમારી આ આદતો આજેય મને બહુ યાદ આવે છે..કેટલું બધું શીખવા જેવું હતું એમાંથી. આજે થાય છે ફરી બાળક બની જઉં પણ મારી ફરજો મને આમ કરતા રોકે છે.
યક્ષુ,,.બીજું બધું તો ઠીક ! પણ,, એ લાઈબ્રેરી જ્યાં તું કાયમ વાંચવા બેસતી ને પુસ્તકોની દુનિયામાં વિહરવા નીકળી જતી ને સાથે મનેય એનો લ્હાવો દેતી. એ જગ્યા આજે સાવ ખાલી પડી છે. કોઈ નથી...એ જગ્યાને ભરનારું કોઈ જ નથી...હું તો બસ મનોમન જ તને ત્યાં કલ્પિત કરીને સંતૃષ્ટ થાઉં છું. બાકી હવે એ જગ્યા ક્યારેય ભરાય એવું લાગતું નથી.
નિયતિ પણ કેવા કેવા ખેલ રચે છે ?! એક એ સમય હતો જ્યારે તમે સૌ સાથે હતા ત્યારે હું મારા કામોમાં વ્યસ્ત હતી ને આજે તમે નથી ત્યારે જાણે મારે કોઈ કામ નથી રહ્યું.
હું માનું છું કે સમયની સાથે અપડેટ થવું જોઈએ. જીવનમાં આગળ વધવા માટે એ ખૂબ જરૂરી છે. પરિવર્તનની ઇમારત ચણવા માટે પરંપરાનો પાયો ખૂબ જ જરૂરી છે. જો કે, સમય મુજબ એ પાયામાં પણ ફેરફાર થતા રહેવા જોઈએ. પણ, એ ક્યાંનો ન્યાય કે તમને તમારી મરજી વગર અપડેટ કરવામાં આવે તમારી ઈચ્છા અનિચ્છા, વેદના વ્યથા સમજ્યા વગર પોતાના સ્વાર્થ માટે તમને ધરમૂળથી રહેંસી નાંખી તમારું અસ્તિત્વ જ ઝૂંટવી લેવામાં આવે...ક્યાંનો ન્યાય આ યક્ષુ,,,ક્યાંનો??!...
વિકાસના નામે બધું જડમૂળથી તહેશ નહેશ કરી નાખ્યું. વાતાવરણને સુંદર રળિયામણું બનાવતા, શીતળ પવન લેહરાવતા વૃક્ષોનો રોપી, ઉછેરી, જતન કરવાના બદલે એને ઉખેડીને ફેંકી દેવાય !! નળિયા અને લાદીઓથી સુંદર પ્રમાણસર કદના ધોરણો ધરાવતી લાંબી લાંબી હરમાળાઓને વિખેરી ડબલ માળના અત્યંત આધુનિક કહેવાતા આરસીસી બંગલો જેવાં ધોરણો બનાવી દેવાય...!! આ કેટલું ઉચિત યક્ષુ ?! કેટલું..?!!..
આટલું કેહતાં તો મારુ હૃદય દ્રવી ઉઠે છે. શિરાઓ અને ધમનીઓ જાણે નસો ફાડીને બહાર આવવા મથી રહી છે. શબ્દોમાં કઈ રીતે સમજાવું મારી વેદના સમજાતું નથી. આટલું લખતા ય હાંફ ચડે છે. જોજનો ચાલીને આવી હોવ એવો અસહ્ય થાક વર્તાય છે.
યક્ષુ,,,આવ એક વાર જિંદગીની આ ભાગદોડમાંથી થોડો સમય કાઢી એક મુઠ્ઠીભર ઉજાશ લઈને પણ આવ !! બને એટલી જલ્દી આવ...મારા આ પાનખરની સમ વિખેરાયને પિંખાઈ રહેલા જીવને વસંતની કુમાશ અને લીલાશ બક્ષવા આવ...વધુ રાહ જોવાની હવે ક્ષમતા નથી...જલ્દી આવી જા અને આ દેહમાં પ્રાણ પુરી જા...મારૂ સમગ્ર અસ્તિત્વ ના સહી..પણ મારા અસ્તિત્વના એ એક કણને પણ તું અપાવી જાય તો હું મારા બધા દુઃખના ઘૂંટડા પણ હસતા હસતા પી લઈશ..
જીવનની આ ઢળતી સંધ્યાએ હવે મારી બસ એક જ "પુકાર" છે...'આવી જાવો..બસ !! એક વાર મળવા આવી જાવો...'
"થાક્યો છે,. હાંફયો છે.. જર્જરિત થતો દેહ;
દઈ આરામ,. શાંતિ બક્ષવાને આવો..!
આ ધગધગતા હૃદયની છે બસ, એક જ પુકાર
સત્વરે મળવાને વ્હાલૂડાં મારા આવો..."
લિ.
તમારી વ્હાલી....નિશાળ
🍁🌿🌴🌺🍀🌷🌱🌻🌳🍁
આપના અમૂલ્ય પ્રતિભાવ આપવાનું ચૂકશો નહિ.
ધન્યવાદ🙏
©Yakshita Patel