chhelu vachan in Gujarati Short Stories by Divya Jadav books and stories PDF | છેલ્લું વચન

Featured Books
Categories
Share

છેલ્લું વચન

" માં આ ગામના વાતુ કરેસ કે ભાઈ.. આ હાચુ સ ..કેને કા ચૂપ સો."

" આજ સવારે ટપાલિયો આવી આ કાગળ આપી ગ્યો સ, લે વાચી જો ," રામી કાકી ,બોલ્યા.

શાંતિએ, રામી કાકીના હાથમાંથી કાગળ લઈ,ખોલી પોતે વાંચ્યો ,કાગળ વાંચતા ,શાંતિ જમીન પર ફસડાઈ પડી. તેનામાં લગીરેય બોલવાની હિંમત ન રહી. તે માં સામે એકીટશે જોઈ રહી, "માં તે આ કાગળ વાંચ્યો?" શાંતિ હીબકા ભરતા બોલી.

"હા ,મે સવારેજ વાંચી લીધો" રામી કાકી હજી પણ તેના કામમાં પરોવાયેલા હતા. આસોપાલવ,અને આંબાના પાનના તોરણો બનાવ્યા,સાથે ગલગોટાના ફૂલોનો હાર, રમિકાકી તો ઘરને સજાવવામાં લાગી ગયા.

" માં ,ભાઈ શહીદ થઈ ગયો,તને કંઈ ફરક નથી પડતો? તું કેમ ઘરને શણગાર શો ? માં અતારે !તો માતમ હોય, અને તું..." શાંતિના ગળે ડૂમો બાઝી ગયો,એ માંડ માંડ ઊભી થઈને રામી કાકી પાસે જઈને બેઠી." એ માં તું જવાબ દે તું કેમ આમ કરે સ ,આ થાળીમાં પોખવાનો સમાન,આ ખભાની ચુંદડી, માં ભાઈના મરશિયા ગા,આ એના વિવા નથ,માં ભાન મા આવ,"

" જાણું સ, મે આજ ફેર એને કીધું, પાછો ઘરે આવશે એટલે હું એના લગન કરાવીશ, પણ એ મારો હાવજ ,મને કે ,માં જો હું શહીદ થઈને આવીને, તો તું મારું માતમ ના મનાવિશ,મને પોખજે, ઘરને શણગાર જે , મારા મરશિયા નો ગાતી, પણ મારી શૂરવીરતા ના ગાન ગાજે, "

" બસ કર માં, હવે નથી હંભલાતું મારાથી,બેઠી થા હમણાં ભાઈને લઇને આવશે,સરપંચ કેતાતા ,એ પાસે ના ગામ સુધી પોચી ગયા સ, હાલ મારી માવડી,આ હંધુય મેલ, ગામ ના વાતો કરશે,ડોસીની આંખમાં એક આસુ ડું ય નથ," શાંતિ , રામિકાકી ને બેઠા કરતા બોલી.પણ રામી કાકી ,તો દીકરાને આપેલ વચન ની તૈયારી કરી રહ્યા હતા.

જોત જોતામાં તો આખું ગામ ભેળું થયું. ગામની બાયું રમીકાકી ને દિલાસો દેવા ઘરમાં આવી, જોયું તો રામી તો આખાય ઘરને શણગારી વર માં બની બેઠા હતા. રામી કાકી ને આમ જોઈ બાયું અંદરો અંદર વાતો કરી રહી હતી.

શહીદ વીર સત્ય રાજ સિંહ ના , શબને આર્મી વાળા લઇને આવ્યા, આંગણા ની વચોવચ સત્યરાજ સિંહ ને રામી કાકી એ પોખ્યા, ઈંડિયા,પિંડ્યા, માથેથી ઉતારી,માં એ નજર ઉતારી, પોંખ્ણા કર્યા,આ દ્રશ્યને ગામ લોકો ફાટી આંખે જોઈ રહ્યા, સાથે આવેલ આર્મીના જવાનો પણ , ગદ ગદ થઈ માં ને સલામી આપી રહ્યા હતા.

સત્યરાજ સિંહ ના શબ ને ઘરમાં રાખવામાં આવ્યું , હવે રામી કાકી તૂટી જશે રોહે, , એમ માની મોટી ઉંમરની બે ત્રણ સ્ત્રીઓ રામી કાકી ની નજીક જઈ ઊભી, પણ રામી કાકી તો દીકરાને જોઈ રહ્યા," તે મને કીધું તું ને ,ભગત સિંહ ની માતા બનવાનું સ તારે! જો હું આજ ફૂલી નથી સમાતી, હું સત્ય રાજ ની માં." રામી કાકી, સત્યરાજ સિંહ ની ગોળી થી વિંધાયેલ છાતી પર હાથ ફેરવતા બોલ્યા.

અંતિમ વિધિપૂરી થઈ,બંદૂકની ગોળી ની સલામી આપવામાં આવી, રામી કાકી હજુ પણ સ્થિર હતા. હજુ પણ ચહેરા પરનું નુર એવુજ હતું. શું માં આટલી કઠણ રહી શકે ખરી? ,ગામના લોકો અંદરો અંદર ચર્ચા કરી રહ્યા હતા. શાંતિને ગામલોકો ની વાતુ સાંભળી રામી કાકી પર ગુસ્સો આવી રહ્યો હતો. પણ ગુસ્સો અંદર પીવા સિવાય બીજો રસ્તો નહોતો તેની પાસે.

રાત વીતી ગઈ, વહેલી પરોઢ નો સમય ચંદ્ર નું આછું અંજવાળું હતું. રામી કાકી ધીમા પગલે , બહાર આવ્યા, અને પગ ઉપાડ્યા શ્મશાન તરફ.સ્મશાને શહીદ ,સત્યરાજ સિંહ ની રાખ હતી. એ રાખમાં રામી કાકી ,આળોટવા લાગ્યા. ગામમાં એક જોરદાર ચીસ સંભળાઈ, આસપાસ ના લોકો એ જઈને જોયું, તો રામી કાકી, રાખમાં ભળી ગયા હતા!!.

દિવ્યા જાદવ" ફોરમ"