bhagvan na aashirvad in Gujarati Short Stories by Asha Bhatt books and stories PDF | ભગવાનનાં આશીર્વાદ

Featured Books
Categories
Share

ભગવાનનાં આશીર્વાદ

" બુન કંઈ આલોને ' અવાજ સાંભળતાં જ વિવેકે બુમ પાડી અરે ! સાંભળે છે દિવ્યા... પેલી શાન્તા કયારની બુમો પાડે છે એને કંઈ આપવાનું હોય તો આપી દેને... હા હું એને જ દેવા જાવ છું કહેતી દિવ્યા થોડું જમવાનું અને જુની સાડી લઈ નીચે ઊતરી , સાડી ને જમવાનું શાન્તાને આપ્યું, લે શાન્તા આ સાડી મેં તારા માટે કાઢી રાખી છે, પહેરજે અને માંગવા નીકળ ત્યારે તારી આ છોકરીઓને ઘરે મુકીને આવતી હોય તો અમસ્થા અમસ્થા જ બિચારીઓ તડકો ખાય છે. બુન ઝુંપડી માં કોણ હોય તે ઈને ના મુકીને આવું ઈ નો બાપ તો કચરો વીણવા નીકળી ગયો હોય છે, છોકરીઓની જાત રેઢી થોડી મેલાય..વળી મારી હારે હોયને ભુખ્યું થઈ ને તમારાં જેવા બુન કંઈ આલે તો હારે હારે ખવરાવતી જાવ...તી ઈને મારી હારે હારે રાખું છવ...ઠીક છે લે આ જમવાનું તેને જમાડી લે મારે ઘણાં કામ છે.
દિવ્યા અને વિવેક શહેરનાં પોશ એરિયામાં 2BHK નાંં ફલેટમાં રહેતા હતાં, વિવેકને બજારમાં સુકા મેવાની હોલસેલની દુકાન હતી, દુકાનમાં 25 માણસો કામ કરે તેવી ભગવાનની કૃપા હતી, પણ ઘરમાં શેર માટીની ખોટ હતી, દિવ્યા અને વિવેકને સંતાન ન હતું ઘણા ડોક્ટરોની દવા લીધી, ઘણા રીપોર્ટ કરાવ્યાં, ઘણી બાધા આખડી રાખી છતાં ભગવાને તેની મનોકામના પુરી કરી ન હતી. છેલ્લે તો આઈવીએફ ટ્રીટમેન્ટ આવતાં તેની પણ ત્રણ ટ્રીટમેન્ટ લીધી, પણ તે પણ નિષ્ફળ ગઈ હતી. લગ્નનાં 15 વર્ષે આજે પણ તેઓનાં ઘરે પારણું બંધાયું ન હતું. ડૉક્ટરોએ અને સગાસંબંધીઓએ હવે દિવ્યાને બાળક એડોપ્ટ કરવાની સલાહ આપતા હતાં. પણ દિવ્યા કહેતી મારૂં મન કરે તો હું બાળક ખોળે લઈ લઈશ.
આજે ફરી પાછી પેલી શાન્તા તેની ચારેય છોકરીઓને લઈ માંગવા આવી, દિવ્યા જમવાનું લઈ તેને આપવા ગઈ, જોયું તો શાન્તાનું પેટ ફરી ઉપસેલું હતું. અરે ! શાન્તા શું તુંય પણ હવે કેટલા છોકરા કરીશ એક તો આ ચાર દિકરીઓ બે તમે છ જણનું માંડ માંગીને કચરો વીણી ને પેટ ભરો છો...હવે હવે આ સાતમું આવશે... કેમ કરી બધાને સાચવીશ. ઈ તો બુન એવું છેને "છોકરા ભગવાનનાં આસીરવાદ" ગણાય, ઈમા આપણું કઈ ન્ હાલે, આટલી છોકરીઓ છ ભગવાન ઈક દિકરો આલી દે તો ઘડપણમાં માંગવા ના જાવું પડેય..થોડા ઘર વધારે માંગી લઈશ, કહેતી શાન્તા તેની દોઠ વરસની છોકરીને કાખમાં તેડી બીજા ઘરે માંગવા નીકળી ગઈ.
ઘરમાં આવતાં જ દિવ્યા સોફા પર ફસડાઈ ગઈ. વાહ રે ! ભગવાન તારી માયા પણ કેવી છે જયાં ખાવાનું નથી ત્યાં આટલાં બધાં સંતાનો આપે છે અમારે કોઈ વસ્તુની ખોટ નથી તો મારા કુખે તે શેર માટીની ખોટ રાખી !!! તારી માયા તું જ જાણે ભગવાન.... દિવ્યા કયાંય સુધી સોફા પર બેસી રહી. વિવેક દુકાન વધાવી ઘરે આવ્યો ત્યારે માંડ ઉભી થઈ.
હવે દિવ્યા શાન્તાનું ખાસ ધ્યાન રાખતી. બિચારી બે જીવી છે ! મને તો ભગવાને આવાં દિવસો ન દેખાડયાંં પણ જેને દેખાડયા છે તેની તો સારી સંભાળ રાખું. શાન્તા જયારે જયારે માંગવા આવે, ત્યારે ત્યારે તેને સારૂં સારૂં જમવાનું આપે, કોઈક વાર તો તેને થોડીવાર બેસાડીને ગરમ ગરમ જમવાનું બનાવી દે.
હમણાંથી બે એક મહીનાથી શાન્તા દેખાણી નહીં, દિવ્યાને થયું લાગે છે તેને ડીલીવરી આવી હશે... સારૂં ભગવાને તેને દિકરો આપી દિધો હોય તો...મારી તો મનોકામના પુરી ન થઈ પણ તેની મનોકામના પુરી થઈ જાય ! ત્રણ ચાર મહિના થતાં એક દિવસ શાન્તા ફરી માંગવા આવી મેલાઘેલા કપડામાં તેનું છોકરું વીટાળેલું હતું. શાન્તાનો અવાજ સાંભળતા જ દિવ્યા જમવાનું લઈ જલ્દી જલ્દી નીચે ઊતરી, આવી ગઈ શાન્તા ? દિકરો આવ્યો ને ? ના બુન પાછી છોકરી જ આવી... 'દિકરો હોત તો હારૂ હોત પણ જેવી ભગવાનની મરજી' કહેતી એક ખુણામાં દિકરીને પેટ ભરાવવા બેસી ગઈ..
અચાનક દિવ્યાનાં મનમાં એક ઝબકારો થયો....હે શાન્તા તારે ચાર ચાર દિકરીઓ હતી આ પાંચમી દિકરી આવી...જો તું મારી વાત માને તો એક વાત કહું..આ પાંચમી દિકરી મને આપી દે ! અમારે કોઈ બાળક નથી હું તારી દિકરીને દત્તક લઈ લઉં, તારી દિકરી મને આપી દે તો તેની જીંદગી સુંધરી જશે ,અમે તેને ભણાવી ગણાવી મોટી સાહેબ બનાવીશું.... તારી દિકરીનું નસીબ ખુલી જશે બદલમાં હું તને... આ હુ બોલ્યા બુન આપણું છોકરું થોડું કોઈને આલી દેવાય... દિવ્યાની વાત વચ્ચેથી જ કાપતાં શાન્તા બોલી ' મી ઈને જનમ આપ્યો છેહ ઈ તો ભગવાન ના આસીરવાદ છેહ ' ઈને થોડી આપું...
જો શાન્તા તારે જોઇએ એટલા પૈસા લઈ લે અને આ દિકરી ના બદલમાં તારા વરને કોઈ ધંધો ચાલું કરાવી દઈએ પછી તારે માંગવા જાવું નઈ પડે અને તારા વરને કચરો વીણવા નહીં જાવું પડે તારી આ ચારેય છોકરીઓ પણ ભુખી નહીં રહે.
ના બુન હવે આવુ ની કેતા નીકર હું આઈ માંગવા નઈ આવુ આ ભગવાનની દીધેલી છે ઈ મારા ભગવાનના આસીરવાદ છેહ ઈને તો નઈ વેચુ બે ઘર વધારે માંગી લઈશ કહેતી શાન્તા જલ્દી જલ્દી છોકરીઓને લઈ ત્યાંથી નીકળી ગઈ.
દિવ્યા ઘણી નિરાશ થઈ ગઈ પણ થોડા દિવસોમાં બધું ભુલી ગઈ. શાન્તા હવે બહું ઓછું માંગવા આવતી, અને આવે તો કંઈ વાતો કર્યા વગર જલ્દી જલ્દી જતી રહેતી.
આમ ને આમ દિવસો મહિનાઓ વિતવા લાગ્યાં. અચાનક ચાઈનાની ચાલ ગણો કે તેની ભેટ.. દેશમાં કોરોના નામની મહા બિમારીનું આગમન થઈ ગયું. વડાપ્રધાને આ કોરોનાના રોગોને નાથવા લોકડાઉન જાહેર કરી દીધું. લોકડાઉનનાં હીસાબે હવે વિવેક ઘરમાં જ રહેતો. હવે દિવ્યાને એકલું બહું ઓછું લાગતું. તેને વિવેકનો સંગાથ મળી રહેતો. પતિ અને પત્ની પોતાના જીવનની ખાટી મીઠી વાતો યાદ કરતાં, ભગવાનને શેર માટી ની ખોટ રાખી તેનો અફસોસ દિવ્યા કરતી. વિવેક તેને આશ્વાસન આપતો તું ચિંતા ના કર, આ લોકડાઉન ખુલે પછી આપણે અનાથાશ્રમમાં જઈ તું કહે તે બાળક આપણે દત્તક લઈ લઈશું.. પછી આ તારો અફસોસ નહીં રહે. અત્યારે આપણને સાથે રહેવાનો મોકો મળ્યો છે તો આપણે આપણી લાઈફ એન્જોય કરીએ.
આમને આમ એક દોઢ મહિનો જતો રહ્યો, કોરોનાના કેસ થોડા ઓછા થતાં લોકડાઉન થોડું હળવું કરવામાં આવ્યું લોકોને થોડી ઘણી બહાર નીકળવાની છુટ આપવામાં આવી, વિવેક શાકભાજી વગેરે જરૂરી ચીજવસ્તુઓ લેવા બજારમાં ગયો. દિવ્યા ઘરમાં એકલી જ હતી...
બુન કંઈ હોય તો આલોને ...દિવ્યાને અવાજ સંભળાયો, ગેલેરીમાંથી જોયું તો શાન્તા તેની નાની દિકરીને તેડીને ઉભી હતી. દિવ્યાએ ઘરમાં જે કંઈ જમવાનું પડયું હતું તે લઈ નીચે ઊતરી..લે શાન્તા કહેતી તેણે શાન્તાને જમવાનું આપ્યું.
એ સાથે જ શાન્તા ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી, ' બુન તમે કહેતાં હતાં ને તમારે આ છોકરી જોઈએ છે...લો બુન તમે આ છોકરીને લઈ લો... પણ અમને બધાને થાય તેટલું જમવાનું આલો બુન અમે કટલાય દાડાથી ભુખ્યા છય ,પોલીસવાળા બારા નીકળવા દેતા નઈ અને નીકળવા દે તો કોરોનાના હીસાબે અમને પણ કોરોના હશે ઈ બિકે કોઈ અમને ખાવાનું આલતું નથ ' બુન છોકરી તમે લઈ લો તેનું જે કરવું હોય તી કરો પણ અમને ખાવાનું આલો...
દિવ્યા તો દીગમુઢ બની શાન્તાની સામે જોવા લાગી, કળ વળતાં તેણે શાન્તાને પાણી આપ્યું. ના શાન્તા ના એવું કંઈ નથી કરવું, લે તું આ જમવાનું લે...
ના બુન આટલાથી અમને કાઈ ના થાય બુન, અમે કટલાંય દાડાથી ભુખ્યા શય આ છોકરી તમે રાખી લયો... તું તો કહેતી હતી ને છોકરાં ભગવાનનાં આશિર્વાદ કહેવાય, તેને ન વેંચાય વચ્ચેથી શાન્તાની વાત કાપતાં દીવ્યા બોલી. પણ બુન એક છોકરું વેચવા થી મારી ચારેય છોકરીઓ અને મારા ધણીનું તો પેટ ભરાયેને. હવે તો કચરો પણ નત હોતો તી મારો ધણી વીણવા જાય, એક છોકરી વેચવા થી મારી ચારેય છોકરીઓ ભુખી નઈ રે...બુન.. કહેતી શાન્તાએ ફરી ધ્રુસકો મુકયો.
છાની રે શાન્તા તારે તારી દિકરી વેંચવાની જરૂર નથી, મારે તારી દિકરી વેચાતી નહોતી લેવાની મારે તેને ખોળે લેવાની હતી, તું અત્યારે આ જમવાનું લેતી જા કાલે અમે બન્ને તમારાં વિસ્તારમાં આવશું તમારાં અને તમારાં જેવા બીજા પરિવાર માટે પણ જયાં સુઘી લોકડાઉન ખુલે નહીં ત્યાં સુધી જમવાની વ્યવસ્થા કરીશું. આ તારા 'ભગવાનના આશિર્વાદ' ભલે તારી પાસે રહેતાં તારા આશિર્વાદ લઈ લેવાનું પાપ હું નહીં કરૂં. દિવ્યાએ શાન્તાને માંડ માંડ ઘરે મોકલી.
ઘરમાં આવતાં જ દિવ્યાની આંખમાં પણ આંસુ આવી ગયાં. તે ભગવાનને પ્રાર્થના કરવાં લાગી " હે ભગવાન ! હે ઈશ્વર ! હે પરમાત્મા ! તારી માયા તું જ જાણે, આ પરિસ્થિતિમાંથી અમને બધાને પાર ઉતાર , અમને ખબર છે તે માણસોને પરિક્ષાની એરણે ચડાવ્યા છે, પણ હે ભગવાન એવી પરીક્ષા ન લે કે કોઈ સ્રીએ પોતાનું અને પોતાના માણસોના પેટ ભરવા આ હદ સુધી જવું પડે. ' તું બધાને ભુખ્યા ઉઠાડે છે કોઈને ભુખ્યા સુવાડતો નથી ' તારી આ કહેવત ખોટી પડતી હોય તેવું લાગી રહ્યું છે. કીડીને કણ અને હાથીને મણ આપવાવાળો હે પરમાત્મા ! આ કપરાં કાળમાં એટલું ધ્યાન રાખજે કે કોઈ સ્રી સંજોગો સામે હારી આમ તારા આશિર્વાદને વેંચવા ન પડે.
Asha bhatt