Life is a festival in Gujarati Motivational Stories by Milan Mehta books and stories PDF | જીવન ઉત્સવ છે

Featured Books
Categories
Share

જીવન ઉત્સવ છે


હું હોસ્પિટલ હતો ત્યારે એક કાકા વ્હીલચેરમાં આવ્યા. કાકા બીમાર ના હતા પણ મેડિક્લેમ માટે આવ્યા હતા કાકાની ઉંમર કદાચ ૪૭ વર્ષ જેટલી હશે. કાકા વ્હીલચેરમા આવ્યા તેનું કારણ તેમને બાળપણથી જ પોલિયોની અસર બંને પગમાં થઈ ગઈ હતી એટલે કાકા સરખું ચાલી શકતા ન હતા કે એકલા ઊભા પણ રહી શકતા ન હતા.એમનું વજન કરવાનું હતું અને હાઇટ પણ માપવાની હતી એટલે મેં કાકાને હાથ લાંબો કર્યો તે સરખા ઊભા રહી શકે એ માટે ત્યારે જ અમારા ઈન્શયોરન્સના સાહેબે મેડિકલ હિસ્ટ્રી માટે પૂછ્યું કાકા બીજી કઈ તકલીફ છે આપને ? કાકાનો તરત જવાબ આવ્યો ના સાહેબ કોઈ તકલીફ નથી ભગવાનની અસીમ કૃપા છે એક પણ પ્રકારની બિમારી નથી.હું સ્તબ્ધ થઈ ગયો અને કાકાની સામે જોઈ રહ્યો, ત્યાં જ મને અવાજ આપીને કાકાએ કહ્યું સાહેબ ક્યાં ખોવાય ગયાં ? મેં કહ્યું,કાકા, તમને બાળપણથી બંને પગે ચાલી નથી શકતા?તેમણે કહ્યું, "ના, હું ત્રણ વર્ષનો હતો ત્યાર થી જ મને તકલીફ હતી." મેં કહ્યું,"ક્યારેય તમને નથી લાગતું કે આ મોટી ખોટ છે ?"તેમણે કહયું ,"સાહેબ જે બની ગયું તે આપડા હાથમાં ના હતું પણ હવે જે વાસ્તવિકતા છે તે સ્વીકારવી જોઈએ અને જે પણ છીએ તેનો આનંદ લેવાનો હોય સાહેબ. આ દુનિયામાં બધાને ક્યાં બધુ મળે છે.,જે મળે છે તેમાં તમને કેટલો સંતોષ છે એ મહત્વનુ છે. બાકી તો તમારે પાંચ હજાર કે પાંચ લાખ પગાર હોય તેના કરતાં તમને સંતોષ છે કે નઈ એ મહત્વનુ છે."

કુદરતને હંમેશા કહ્યું,ત્રણ વાના દઈ દીધા હૈયું - મસ્તક અને હાથ,હવે ચોથું નથી જોતું હે દિનાનાથ.
મને કાકાનું નામ ખબર નથી અને તે ક્યાં રહે છે તે પણ હું જાણતો નથી અને છતાં પણ થોડી જ ક્ષણો સાથે રહેવા છતાં કાકા કેટલું શીખવી ગયા અને સમજાવી ગયા. કાકાની સાચી વાત છે. આજે દરેક વ્યક્તિ કુદરતને ફરિયાદ કરતી જ જોવા મળે છે. મને તે આ ના આપ્યું .,મારી પાસે આ નથી., મારી પાસે આ વસ્તુ કે વ્યક્તિ હોવી જોઈએ. , મને આ પરિક્ષામાં પાસ કરી દીધો હોત તો, મને આ વ્યક્તિ ના મળી., મારો પ્રિયતમ મને છોડીને ચાલ્યો ગયો .,જો તમે તમારા ભૂતકાળને વાગોળ્યા જ કરશો તો ભવિષ્યનું ક્યારેય નિર્માણ કરી નહિ જ શકો અને જીવનના છેલ્લા શ્વાસ સુધી તમને જે અણમોલ માનવ દેહ મળ્યો છે તેનો તમને ક્યારેય આનંદ નહિ મળી શકે. પરિવર્તન સંસારનો નિયમ છે.જેટલું બની શકે તેટલું વહેલું સ્વિકારી લેશો તેટલો વધારે આનંદ મળશે. જે જતાં રહ્યા તેને જો નહિ ભૂલી શકો તો જે અત્યારે તમારી સાથે છે તેની સાથે રહેવાનો આનંદ તમને ક્યારેય નહિ મળી શકે. જે તમને છોડી ને જતાં રહ્યાં, તે તમારા ક્યાં હતા ! જો તમારા હોત તો તમને છોડીને ક્યારેય ગયા ના હોત. જ્યાં જે ક્ષણ જે વ્યક્તિ મળે ને ત્યારે સમય અને સ્થળ ના જોવો નિજાનંદનો આનંદ લૂંટી લો. કોને ખબર કાલે ફરીથી એ ક્ષણ અને એ વ્યક્તિ ફરી મળે કે ના મળે .

ભગવાને તમને જો શારીરિક રીતે સ્વસ્થ અને તંદુરસ્ત બનાવ્યા છે તો તમારાથી કોઈ મોટું અમીર નથી. ફરિયાદ કેટલી અને ક્યાં સુધી કરવાની હોય જો એવું જ જોયા કરશો તો જીવનમાં ક્યારેય તમને સંતોષ નહિ જ થાય. બીજાની પ્રગતિ જોઈને આનંદ મળે ત્યારે જીવનની સાર્થકતા નિવડે. બીજાને મદદરૂપ થઈને આનંદ અનુભવો ત્યારે જીવનનો મર્મ સમજાય. જે નથી તે છોડશો તો જે છે તેનો અનેરો આનંદ મળશે જ. જો તમને બે સમય નિરાંતે ભોજન અને રાત્રે સુવા માટે પથારી મળી રહે છે તો તમને નસીબદાર સમજજો કારણ કે વિશ્વના અંદાજિત દસ ટકા લોકોના નસીબમાં આ પણ નથી હોતું. આ વિચરશો એટલે જીવનમાં તમે તમારી પાસે વસ્તુ કે વ્યક્તિ છે તેનો આનંદ મેળવી શકશો. ઘણા માણસો લસુખી હોય છે પણ તેમને શાંતિ નથી હોતી. આજનો માણસ ભૌતિક સુખની પાછળ એટલો દોડે છે કે પોતાની યુવાવસ્થા ખર્ચી નાખે છે અને જે લક્ષ સુધી પહોચે ત્યારે ઘણું બધુ જાણતાં – અજાણતાં ગુમાવી દેતો હોય છે.તો આવું જીવન શા માટે જીવવું જોઈએ, દરેક ક્ષણને સાક્ષાત્કાર માની ઉજવી જાણો અને મારી પાસે આજે જીવનનો છેલ્લો દિવસ છે તેવું માનીને અણમોલ અને અનન્ય માનવદેહ મળ્યો છે તેને ઉજવી જાણો. ગઈ કાલની યાદમાં અને આવતી કાલની ચિંતામાં આજનો દિવસ જતો ના રહે તેનું ધ્યાન રાખજો. જીવન જ્યારે બીજા માટે જીવવા લાગો અને જે આનંદ થાય અને તમને જે નિજાનંદ નો આનંદ થાય તે સરપ્રાઇસ ગિફ્ટ હશે.

જીવનમાં ઘણીવાર માંગેલી વસ્તુ હેરાન કરે છે .
એક કવિની પંક્તિ મુજબ, કુદરતને કહો,'હું હાથ મારા ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી અને હું માંગુને તું આપી દે એ વાત મને મંજુર નથી.'કુદરત યોગ્ય સમયે આપની આપની મહેનત અને લાયકાત પ્રમાણે આપશે જ.તમે જીવનમાં જેમ જેમ ધોરણ પાસ કરતાં જશો તેમ - તેમ કુદરત આપણને નવા વર્ગખંડમાં લઈ જશે અને નવા પાઠ્યપુસ્તક આપશે. જેમ પાંચમા ધોરણમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીને ધોરણ છ ના પાઠય પુસ્તક કામના નથી , જેમ વધારે પડતી રોશની માણસને આંજી દે છે તેમ આપણને ક્યારે શું આપવું તે કુદરત પર છોડી દો.જીવનની પાઠશાળામાં નિયમિત વર્ગખંડમાં આવો કુદરત આપને બીજા ક્લાસમાં ચોક્કસ મોકલશે અને નવા પાઠ્યપુસ્તક પણ આપશે જ.


મિત્રો આપ સર્વેને આર્ટિકલ વિશે આપનો પ્રતિભાવ જાણવા અનુરોધ કરું છું.આપના પ્રતિભાવ મારા માટે ખુબ જ મહત્વના અને હંમેશા શિરોમાન્ય રહશે.
🙏આભાર🙏

મિલન મહેતા - બુ ઢ ણા
9824350942