The herb of life in Gujarati Short Stories by Sachin Patel books and stories PDF | જિંદગીની જડીબુટ્ટી

Featured Books
  • Mosadapreethi - 2

    ಇಲ್ಲಿ ತಾರಾ ಹಳ್ಳಿಯಿಂದ ನಗರಕ್ಕೆ ಬಂದ ಮುಗ್ಧ ಹುಡುಗಿ, ಆದರೆ ಜೂಲಿ ತಾರ...

  • Mosadapreethi - 1

    ಏರೋಪ್ಲೇನ್ ಸೀಟಿನ ಮೇಲೆ ಕುಳಿತ ತಾರಾ ನೆಮ್ಮದಿಯ ನಿಟ್ಟುಸಿರು ಬಿಡುತ್ತಾ...

  • सन्यासी -- भाग - 27

    सुमेर सिंह की फाँसी की सजा माँफ होने पर वरदा ने जयन्त को धन्...

  • ಹರ್ಷನ ಕೀರ್ತಿಗೆ ವರ್ಷಳ ಸ್ಪೂರ್ತಿ

    ಹರ್ಷನ ಕೀರ್ತಿಗೆ ವರ್ಷಳ ಸ್ಪೂರ್ತಿ(ಆದರ್ಶ ದಂಪತಿಗಳ ಕಥೆ)      ಲೇಖಕ -...

  • ಚೂರು ಪಾರು

    ಚೂರು ಪಾರು (ವಿಭಿನ್ನ ಪ್ರೇಮ ಕಥೆ) (ಲೇಖಕ ವಾಮನಾ ಚಾರ್ಯ) ಅಂದು ಪವನ್ ಪ...

Categories
Share

જિંદગીની જડીબુટ્ટી

આપણો મુડ સારો છે કે ખરાબ એનો આધાર મોટા ભાગે આપણા સંપર્કમાં રહેલા સ્નેહીજનો, આપણી આસપાસના સંજોગો, આપણે જેની સાથે સંકળાયેલા છીએ તે કાર્ય વગેરે પર રહેલો હોય છે. આ બધાના સમન્વયથી નક્કી થતું હોય છે કે આપણે એકંદરે સુખી છીએ કે દુઃખી.

સુખ-દુઃખ ગૌણ બાબત છે. કોઈ પણ પરિસ્થિતિમાં ખુશ રહેવું એ મહત્વની વાત છે. ખુશી માટે જરૂરી છે સ્થિરતા. અહીં મર્યાદા પુરુષોત્તમ શ્રીરામનું વ્યક્તિત્વ જાણીને ગદગદ થઈ જવાશે. કોઈ પણ જ્યારે શ્રીરામને ભડકાવવાની કોશિશ કરે ત્યારે પણ તેઓ ગુસ્સે થવાને બદલે તેને એટલો વિનમ્રતા પૂર્વક ઉત્તર આપે કે સામેવાળી વ્યક્તિ પણ શરમાઈ જાય. રામાયણમાં શ્રીરામ લગભગ ત્રણ વાર રુદન કરે છે. રુદનના આમ તો પ્રાચીન ગ્રંથો પ્રમાણે ઘણા બધા પ્રકાર છે, પરંતુ ગમે તેવો દુઃખનો દરિયો માથે આવ્યો હોય, શ્રીરામના ચહેરા પર કોઈ પણ હાવભાવ વગર આંખમાંથી આંસુના બે ટીપાં વહી ગયા વાત પૂરી. એવી જ રીતે હાસ્યના પણ દસ પ્રકાર છે એમાં સૌથી ખતરનાક એટલે રાવણનું 'અટ્ટહાસ્ય' અને સૌથી સહજ શ્રીરામનું 'સ્મિત'. ગમે તેવા શુભ સમાચાર મળ્યા હશે શ્રીરામે સહેજ અમથું મોઢું મલકાવીને સ્મિત છોડી દીધું હશે. ટૂંકમાં કહેવાનો ભાવાર્થ એ કે સુખ-દુઃખનો આધાર બીજા પર ન રાખીને, આપણી મરજી મુજબ હાસ્ય, રુદન, ગુસ્સો વગેરે જેવા ભાવ બહાર આવવા જોઈએ એ જ સ્થિરતા.

વાત તો કરી દીધી સ્થિરતાની, પરંતુ બધી પરિસ્થિતિમાં સ્થિરતા રાખવી ખૂબ કઠિન કાર્ય છે. માણસ તમામ કોશિશ કર્યા પછી પણ ક્યાંક તો વિચલિત થઈ જ જાય છે. તેના કારણો અને જે તે પરિસ્થિતિના સમાધાન પર પ્રકાશ પાડીએ.

સંબંધોનું સત્ય
ખુશ રહેવા માટે જરૂરી છે સ્નેહીજનોનો સાથ. એવા થોડાક અંગત વ્યક્તિ જેની સાથે કારણ વગરના ગપ્પા મારવા ગમે, જેની કંપની એન્જોય કરી શકાય. પરંતુ થોડાક એટલે કેટલા??? અને અંગત એટલે કેટલા અંગત???
મિત્રો આવા હોવા જોઈએ, મિત્રો તેવા હોવા જોઈએ આ બધું તો ખેર વોટ્સએપ ફોરવર્ડસમાં મળતું જ હશે, પરંતુ એક અગત્યની વાત "તમારા મિત્રો કોણ છે અને તમે કોના મિત્ર છો." આ બંને તદ્દન અલગ વાત છે. એટલે અંગત વ્યક્તિઓની ઓળખાણ કરવા જતાં છેલ્લે તો ત્રણ કે ચાર જ એવા મિત્રો મળશે જ્યાં બંને બાજુથી સરખી રીતે સબંધ નિભાવતો હોય. અહીં એક સવાલ કરવાનું મન થાય કે જિંદગી કોની સાથે વધારે જીવવાની મજા આવે, આપણે જેને પ્રેમ કરીએ તેની સાથે કે આપણને જે પ્રેમ કરે તેની સાથે? મોટા ભાગના લોકોનો સહજ જવાબ હશે કે આપણે જેને પ્રેમ કરીએ તેની સાથે. આવું એટલા માટે લાગે કારણ કે માણસને એ વ્યક્તિની કદર નથી જેના માટે તે સર્વસ્વ છે, એ તો બસ અન્યનો પ્રેમ મેળવવામાં પોતે સંપૂર્ણ ખર્ચાઈ જશે. ક્યારેક તો આ ખર્ચ જિંદગીભર ન ચૂકવી શકાય એટલો ભારી પડે છે. તો આવી રીતે પોતાની જાતને ખર્ચવી બંધ કરીને આપણને જે પ્રેમ કરે છે તેની સાથે સંપૂર્ણ ખર્ચાય જવામાં જ ડહાપણ છે.
અંતે ખુશી મેળવવા માટે સંબંધોની ક્વોન્ટીટી કરતા સંબંધોની ક્વોલિટી મહત્વની છે.

એકાંત
માણસ એકલતાથી સતત દૂર ભાગે છે. એકલતા તેને સતાવે છે. તેથી તે સમૂહમાં સુખ શોધવા પ્રયત્નો કરે છે, પરંતુ એકાંત અને એકલતા વચ્ચે પાતળી ભેદરેખા છે. જે એકલતામાં પણ એન્જોય થઈ શકે એ એકાંત. એકાંત પ્રિય વ્યક્તિ મૉટે ભાગે દુઃખી ઓછા હોય છે, કારણ કે તેને સુખી કે દુઃખી માત્ર તે જ કરી શકે. આવા વ્યક્તિ ખુશ રહેવા અન્ય પર આધારિત હોતા નથી. તેથી દિવસમાં થોડો સમય પોતાની જાત સાથે પણ વિતાવવો જોઈએ. " એકાંતને ઓગાળીને વ્યસ્ત રહું છું. માણસ છું, મુંજાવ છું છતાં મસ્ત રહું છું " આવો અભિગમ કેળવવો જોઈએ.

આશા
"પારકી આશા સદા નિરાશા" આ સુવિચાર નાનપણમાં સાંભળેલો હશે, ને ગામડાઓની ગલીઓમાં પણ ચિત્રાવેલો જોયો જ હશે. પરંતુ આ સુવિચાર સાર્થક ત્યારે જ લાગે જ્યારે સમય સાથે આશારૂપી અનુભવના ઘૂંટ પીવા મળે.

કોઈ પણ વ્યક્તિ માટે આપણા મનમાં એક પૂર્વધરણાં હોય છે. એ વ્યક્તિનું વર્તન જ્યારે આપણી ધારણા વિરુદ્ધનું હોય ત્યારે આપણે તેનાથી મોટાભાગે ઉદાસ થતા હોઈએ.

'તેને મારી સાથે ખરાબ વર્તન કર્યું','તેને મારુ આટલું નાનું કામ પણ ન કર્યું','મને તેની પાસેથી આવી આશા નહોતી...'આપણા બધાના આવા અનુભવો રહ્યા હોય છે. તેથી બને ત્યાં સુધી પોતાનું કામ શક્ય હોય, તો પોતે જ કરવાની ટેવ પાડવી અને અન્ય પાસેથી બને એટલી ઓછી આશા રાખવાની કોશિશ કરવી. સુખની ખબર નહિ પણ, આશા છોડી દેવાથી દુઃખી તો ન જ થાય.

મોહ
"સબ મોહમાયા હૈ" વાત તો સાચી પણ આપણા માટે નહીં સંતો માટે. ભગવાન બુદ્ધ પણ કહી ગયા 'સંસાર દુઃખમય છે, દુઃખનું કારણ છે તૃષ્ણા(મોહ)'

મોહ એટલે કઈ પણ મેળવી લેવાની તીવ્ર ઝખનાં. તો સપનું, ગોલ કે લક્ષ્યમાં પણ મેળવવાની જ વાત છે. પરંતુ મોહ અને લક્ષ્ય વચ્ચે પાતળી ભેદરેખા છે, "કઈ પણ મેળવવાની લાલસા એ તેના માટેના પ્રયત્નોથી પણ વધારે હાવી થઈ જવી એટલે મોહ"
અતિ મોહ હતાશાનું કારણ છે. મેળવવાની પ્રબળ ઈચ્છા છે, પરંતુ પ્રયત્ન ન કરી શકવાની મજબૂરી સતત દુઃખ આપતી રહે છે. આ વાતને એક ઉદાહરણથી સમજીએ.
નાના બાળકનું મનગમતું રમકડું સહેજ ઊંચાઈ પર મૂકી દીધું, હવે તે રમકડું મેળવવાનો બાળકને મોહ છે પરંતુ ઊંચાઈને લીધે મેળવી નહિ શકે એ તેની મજબૂરી છે. આવી પરિસ્થિતિમાં તે રડશે, એટલે પાસે રહેલી વ્યક્તિ તેને રમકડું આપશે અને તે બાળક શાંત થઈ જશે. પણ રિયલ લાઈફમાં આટલી આસાનીથી મોહ પૂરો થતો નથી.
ગીતામાં કિધેલું છે 'તું કર્મ કરતો જા, ફળની ચિંતા ન કર'
કર્મ વગરનું ફળ એટલે જ મોહ.

તેથી ખોટા મોહને બદલે ચોક્કસ લક્ષ્ય નક્કી કરવું હિતાવહ છે. લક્ષ્ય માટે કર્મ કરવું પડે. કર્મ કરવાથી આપણને લક્ષ્ય તરફ સતત ને સતત નજીક જઈ રહ્યાનો સંતોષ મળે છે જે ખુશીનું મુખ્ય કારણ બને છે.
સમાજનો મોટા ભાગના વર્ગનું કાર્ય તેની પસંદગીને અનુરૂપ નથી, માટે આવા કાર્યથી તેને ખુશી મળતી નથી. કાર્ય તેને બોજ લાગે છે. લક્ષ્ય માટે મનથી કરેલું કાર્ય વર્તમાનમાં ખુશી અને ભવિષ્યમાં સફળતા જરૂર આપે છે.

રોગ
"દુનિયા કા સબસે બડા રોગ ક્યાં કહેગે લોગ"
સમાજ તમારી પ્રગતિ જોઈને ખુશ નથી. તમે એક પગથિયું ઉપર ચડશો, એ તમને બે પગથિયાં નીચે ઉતારવામાં સતત પ્રયત્નશીલ છે. આ સમાજ છે, જે આજે તમારી મજાક બનાવશે અને કાલે તમારી સફળતાની ચર્ચા કરશે, તમારી સફળતાનું કારણ પોતાને ગણાવશે. આ કડવી વાસ્તવિકતા સ્વીકારવી જ રહી.
તમારા અંગત વ્યક્તિઓ જે ખરેખર તમારી પ્રગતિ જોઈને રાજી છે, તેનું વિવેચન સાંભળવું અને વ્યવહારમાં એ પ્રમાણે સુધાર પણ જરૂર લાવવો.
બાકી આવડત વગરના આલોચકો તો ટોણારૂપી ટીકા કરવાના જ છે. એના મોઢે તાળા ન મારી શકીએ, પણ આપના કાન તો બંધ કરી જ શકીએ.

સિક્સર: બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોનની જેમ "કોની પાસેથી કેટલું મેળવવું અને કોને કેટલું આપવું?" આવી મગજમારીમાં ઉતર્યા વગર અંદરની કક્ષાના ઇલેક્ટ્રોનની જેમ સ્થિર જિંદગી જીવવામાં જ મજા છે...!

-સચિન(SK's ink)
#Thanks for Reading !