સરિતાનો સાગર ... !!
(અહીં આપવામાં આવેલી આ પ્રેમકથા એક કાલ્પનિક વાર્તા છે. આ સ્વરચિત વાર્તામાં આવતા પાત્રનાં નામ, સ્થળ, શહેર જગ્યા બધું કાલ્પનિક છે. આ બાબતમાં કોઈ પણ વ્યક્તિએ બંધ બેસતી પાઘડી પહેરવી નહી.)
💐💐💐💐💐💐💐💐💐💐💐💐
આજે 09 જાન્યુઆરી, કેલેન્ડર પર નજરને ફેરવતો સાગર એકાએક કોઈ અનેરી સ્મૃતિઓની સવારીમાં સરી ગયો. તેને યાદ આવી ગયું કે આજે સરિતાનો 51મો જન્મદિવસ છે. સરિતા તો ઘર પર હાજર નથી. તે બે દિવસથી શહેર મહિલા ઉત્કર્ષ મંડળના ઉપક્રમે પ્રવાસના દૌર પર છે.
સાગર વડોદરા જિલ્લા સહકારી બૅન્કમાં ઘણા સમયથી કામ કરતો હતો. સમય પસાર થતાં તેની વરાસિયા શાખામાં મેનેજરની જગ્યા પર નિમણૂંક થઈ હતી. તેની દશ વર્ષની નોકરી બાદ તે આ સ્થાન પર પહોંચ્યો હતો. તેના સાનિધ્યમાં બૅન્કની આ શાખા પ્રગતિના પંથે હતી. ગામમાં તેનું માન પણ ઘણું હતું. તે દરેક સાથે વ્યવહારુ અભિગમ સાથે કામ કરતો હતો. તેની કાર્યશૈલીથી હેડ ઑફિસરો પણ ઘણા જ પ્રભાવિત હતા.
એક દિવસ વડોદરા જિલ્લા સહકારી રજિસ્ટ્રાર ઑફિસમાંથી શહેર અને જિલ્લાની સહકારી બૅન્કો અને સહકારી મંડળીઓના મેનેજરને તાલીમ માટે પરિપત્ર આવ્યો. આ તાલીમ પંદર દિવસની હતી. આ તાલીમ વડોદરા જિલ્લા સહકારી ખરીદ-વેચાણ સંધ, કીર્તિ સ્તંભ ખાતે હોલમાં યોજાઈ હતી. આ તાલીમ વર્ગ માટે વડોદરા શહેર અને જિલ્લામાંથી સહકારી સંસ્થાઓના અંદાજે 50 જેટલા મેનેજરોની પસંદગી થઈ હતી. જેમાં સાગરની પસંદગી અગ્રીમ હતી.
પ્રથમ દિવસે દરેકનો પરિચય કરાવવામાં આવ્યો.
ચા-કૉફી અને નાસ્તાને પણ ન્યાય અપાયો. રોજ આ રીતે 11થી 03 દરમિયાન બે લેક્ચર, પ્રશ્નોત્તર ચર્ચા અને ચા-કોફીને નાસ્તો રહેતો. અહીં પણ સાગર છવાયો હતો. એક દિવસ એવું બન્યું કે વરાસિયા રોડ પર આવેલી શિવશક્તિ સહકારી મંડળીના મેનેજર સરિતા શુક્લાએ રંગ રાખી દીધો. તેણે પોતાના પ્રવચન દરમિયાન સહકાર બાબતે વિકાસની ઘણી વાતો કરી. જો કે તે સાગરથી પ્રભાવિત હતી તેવું તેની વાતોથી ફલિત થતું હતું પણ સ્પષ્ટતા થતી નહોતી. સાગર પણ વરાસિયાથી જ આવતો હતો પણ તેને પોતાની ઓળખમાં વરાસિયા બ્રાન્ચનો ઉલ્લેખ કર્યો નહોતો.
સાગર સરિતાનો વ્યવહાર, તેની રીતભાત, વાત કરવાની શૈલી, સમજશક્તિની તાકાત, નિખાલસતા વગેરે બાબતોથી ઘણો જ પ્રભાવિત થયો હતો. પણ તેનો અહમ તેને રોકતો હતો. એક વખત એવું બન્યું કે આ તાલીમ દરમિયાન સારિકા તેના પાંચ-છ વરસના દીકરો લઈને વર્ગમાં આવી. આ દીકરો પણ એટલો જ એક્ટીવ. બધા સાથે હળીમળી ગયો. તે દિવસે સાગર વર્ગ છૂટ્યા પછી સિટી બસમાં ઘર તરફ જઈ રહ્યો હતો ત્યારે સારિકાને વરાસિયા રોડ પર આવેલી નિલકંઠ સોસાયટીમાં તેના દીકરાને લઈને જતી જોઈ. સાગરે વિચાર્યું કે તે આ સોસાયટીમાં રહેતી હશે.
આમ ને આમ તાલીમ પણ પૂરી થઈ. છેલ્લા દિવસે એક કસોટી પણ લેવામાં આવી. આ કસોટીમાં સારિકા સાગરની પાછળ જ બેઠી હતી. કોઈ પ્રોબ્લેમ લાગે તો સાગરને પૂછી લેતી. આજે છેલ્લી ચા-કૉફી અને નાસ્તો પણ બંને એ સાથે બેસીને જ કર્યો. સાગરે તેને એક જ પ્રશ્ન કર્યો કે : "સારિકા, તમે વરાસિયા રોડ પર નિલકંઠ સોસાયટીમાં રહો છો ?"
સારિકાએ માત્ર 'હા' કહ્યું અને તે પાણી પીવા ચાલી ગઈ. સાગર વર્ગના કન્વીનર શ્રી ઉપાધ્યાય સાહેબ સાથે વાતે વળ્યો. પણ એટલામાં તો સારિકા ચાલી ગઈ. સાગરની કેટલીક વાતો મનની મનમાં રહી ગઈ.
એક દિવસ સારિકા તેના પિતાજી ગણપતરામ શુકલનું ખાતું બંધ કરાવવા તેની માતા સુલક્ષણાબેન સાથે બૅન્કમાં આવી. તેમને કેટલાંક કારણોસર કારકુન મેનેજર પાસે મોકલ્યા. સાગરને જોતાં જ સારિકા બોલી : "સાગર, તમે અહીં."
સાગર કહે : "છેલ્લા ત્રણ વરસથી હું અહીં બ્રાન્ચ
મેનેજરની ફરજ અદા કરું છું."
સારિકા : મારા પિતાજી, ગણપતરામ ગોવિંદરામ
શુક્લનું સેવિંગ ખાતું છે. મારા પિતાજી બે
માસ પહેલાં દેવલોક પામ્યા છે. તે બંધ કરવું
છે. માર્ગદર્શન કરો."
સાગર : "ખાતું બંધ કરવા આપે મૃત્યુ પ્રમાણપત્ર સાથે
અરજી આપવાની. બીજું નામ આપનાં
માતાજીનું છે. તેમના નામથી જ અરજી
કરવાની રહેશે. તે માટેનું ફોર્મ અહીંથી જ
મળશે."
સાગર પટાવાળાને બોલાવી ફોર્મ મંગાવે છે તથા ચા અને બિસ્કીટ લાવવા કહે છે. ફોર્મમાં સંપૂર્ણ વિગતો ભરાવી તેમાં સુલક્ષણાબેનની સહી કરાવી ખાતાની ચોપડી લઈ તે પોતાના ટેબલના ખાનામાં રાખી દે છે. ચેકબુક અને ગોવિંદરામનું ડેથ સર્ટિફિકેટ લઈને આવતીકાલે બપોરે 03:00 વાગે મળવા માટે સરિતાને સમજાવે છે. ત્યાં પટાવાળો ત્રણ ચા અને બિસ્કીટની પ્લેટ લઈને આવે છે. સરિતા અને તેનાં મમ્મી ચા-બિસ્કિટને ન્યાય આપે છે. સાગર માત્ર ચા ગ્રહણ કરે છે. સરિતા અને તેનાં મમ્મી સાગરનો આભાર માની વિદાય થાય છે.
બીજે દિવસે માત્ર સરિતા જ સાગરે જણાવ્યા મુજબ સીધી સાગરની ઓફિસમાં જ મળવા આવે છે. સાગર તેને આવકારે છે. સાગર ખાતું બંધ કરવાનું ફોર્મ, જરૂરી કાગળો તથા નાણાં ઉપાડવા માટેનો સુલક્ષણાબેનની સહીવાળો ચેક ક્લાર્કને મોકલાવે છે. થોડી વાર પછી પટાવાળો ₹ 1180 લઈને આવ્યો જે તેણે સરિતાને આપ્યા. સરિતા સાગરને તેના ઘરે આવવા નિમંત્રણ આપે છે. એકબીજાને ફોન નંબર તથા સરનામાની આપ-લે કરી સરિતા વિદાય થાય છે.
પછી તો સાગર અને સરિતા વચ્ચે ફોન પર જ મુલાકાતો યોજાય છે. ધીમે ધીમે સાગર પણ તેના ઘરે જતો થાય છે. સરિતા પણ અવારનવાર સાગરના ઘરે આવતી રહે છે. સરિતા અને સાગરની પત્ની અર્પિતા
એકબીજાની સહેલીઓ બની જાય છે. ઘણી વાર તો તે ત્રણે પાવાગઢ કે અન્ય સ્થળે ફરવા પણ જતા.
સરિતાનાં મમ્મી તેના ભાઈ સાથે રહેવા અમેરિકા ચાલ્યાં ગયાં. તેના બે માળના ઘરમાં નીચેના ફ્લોર પર તે પોતે અને ઉપર એક ભાડુઆત રહે છે. સરિતાનાં લગ્ન તેની 20 વર્ષની ઉંમરે વડોદરા જિલ્લાના કરજણ ગામના એક બ્રાહ્મણ પરિવારમાં થયાં હતાં. તેનો ઘરવાળો ખાસ કંઈ ભણેલો હતો નહી, પણ ગામમાં કથાવાર્તા અને પૂજાપાઠ કરાવતો. ખેતીનું કામ પણ સંભાળતો.
સરિતાએ લગ્ન પછી બે દીકરાઓને પણ જન્મ આપ્યો. આ અરસા દરમિયાન તેને તેના ઘરવાળા પર શંકા સવાર થઈ. જો કે તેને માહિતી તો અગાઉ પણ મળી જ હતી કે સંદિપને તેની ભાભી સાથે સુંવાળા સંબંધો છે. પરંતુ સરિતા સાથે સંદિપનું લગ્ન થતાં તે સંબંધોમાં ઓટ આવી હતી. સંદિપના લગ્નના પાંચ વર્ષ બાદ તેના મોટાભાઈનું અવસાન થતાં આ સંબંધ ફરી ચાલુ થયો હતો. હવે તો દેરાણી અને જેઠાણી વચ્ચે રોજ ઝગડા થાય, જેઠાણીની ચઢવણીથી સંદિપે સરિતા પર હાથ ઉપાડવાનું પણ શરૂ કર્યું. અંતે સરિતાનું લગ્નજીવન 10 વર્ષમાં ભંગાણના આરે આવીને ઊભું રહ્યું. મોટો દીકરો 8 વર્ષ અને નાનો દીકરો 05 વર્ષનો મૂકી વડોદરા ભાઈના ઘરે મમ્મી પાસે આવી ગઈ. ભાઈ અમેરિકાથી આવ્યો અને છુટાછેડાનો કેસનો ઉકેલ પણ આવી ગયો.
સારિતાએ 12 પછી સહકારી મંડળીઓનો ડિપ્લોમા કરેલો હતો. તેને તેના ભાઈના મિત્રના સહકારથી શિવશક્તિ સહકારી મંડળીમાં નોકરી પણ મળી ગઈ અને ત્રણ-ચાર વર્ષમાં તો તે મેનેજર પણ બની ગઈ. તે હોશિયાર હોવાની સાથે જવાબદારીને પણ સમજતી હતી. તે તેની સંસ્થાનુ સંચાલન ઘણા ખંતથી કરી રહી હતી. એને તેની અગાઉના મેનેજરે કરેલી કેટલીક બેદરકારી ધ્યાન પર આવતાં મંડળીના મંત્રીનું ધ્યાન દોર્યું. મંડળીની કારોબારીએ છેલ્લા પાંચ
વર્ષના હિસાબ-કિતાબ તપાસવાની જવાબદારી તેને સોંપી. ₹.500 માસિક પગાર વધારો પણ આપવા નક્કી કરવામાં આવ્યું. આ માટે સારિકાએ સાગરનો સહકાર માગ્યો. સાગરે તેને પ્રોમિસ કર્યું.
હવે, સાગર બૅન્કમાંથી સીધો સરિતા પાસે જતો.
બંન્ને વચ્ચે સંબંધ સેતુ રચાતો ગયો. હિસાબો પણ ઓડિટ થઈ ગયા. પાંચ વર્ષની ઘાલમેલ પણ પકડાઈ. આ બાબતો એક રિપોર્ટ પણ સરિતાએ મંડળીની કારોબારીને આપી દીધો. સરિતા અને સાગરની ગૃહ મુલાકાતો વધવા લાગી. બંને અવારનવાર એકબીજાને ધેર મળતા અને વાતો કરતા. આમ જ એક શનિવારે બૅન્કનો ટાઈમ 02:30 વાગે પૂર્ણ થતાં સાગર તેની ગાડી લઈને સીધો સારિકાના ઘરે ગયો. સારિકા પણ આવીને પલંગમાં સૂતેલી હતી. તેને ઘરની આગળની જાળી ખાલી વાસી હતી. સાગરે અંદર આવ્યો અને જાળીને સ્ટોપર મારી બારણું સહેજ આડું કરી, પલંગ પાસે આવી તેને તાવ હશે તેમ માની તેના કપાળે હાથ મૂક્યો. સરિતાએ એકદમ સાગરનો હાથ પકડ્યો અને તેને પોતાના તરફ ખેંચ્યો. સાગર પલંગ પર સરિતા પર ઢળી ગયો. તે સરિતાની આંખોમાં આંખ પરોવીને તેને જોતો રહ્યો તો સામે સરિતા તેના હોઠ પર પોતાના હોઠ મૂકી તેના અધરરસ માણવા લાગી. સાગરને પણ આજે કોઈ નવો જ અહેસાસ તો થયો પરંતું તે સાથે તેના દિલમાં એક ડંખ ઉભરાયો.પત્નીના વિશ્વાસધાત કર્યાનો ડંખ. સારિકાએ આજે સરસ ચા બનાવી હતી. ચા પીધી અને સારિકાના કપાળે એક દીર્ઘ ચુંબન આપી ઘરે પહોંચ્યો.
આજે સવારથી જ સાગરની પત્ની અર્પિતા થાક મહેસુસ કરી રહી હતી. તેની દવા તો ચાલુ જ હતી પણ દર્દ વધતું જતું હતું. સાગરના દીકરા આકાશની પત્ની અવનીએ જણાવ્યું કે, "મમ્મી, આજે બપોર પછી વધારે થાકેલાં જણાયાં હતાં અને માથાના દુ:ખાવાની ફરિયાદ અવાર નવાર કરતાં જ રહે છે. દીકરો આકાશ એની ઓફિસથી આવ્યો. અર્પિતાને એસ. ડી. સાર્વજનિક હોસ્પિટલમાં બતાવ્યું અને ડોક્ટરની સૂચન મુજબ તેમને સ્પેશિયલ વોર્ડમાં દાખલ કરી. સાગરે સરિતાને પણ ફોન કરીને અર્પિતા બાબતની જાણ કરી. તે તરત જ હોસ્પિટલ આવી અને અર્પિતા પાસે પહોંચી ગઈ. અર્પિતાને તો સરિતા આવી તે ઘણું ગમ્યું. તે દવાખાનામાં રાત રોકાઈ.
હોસ્પિટલના મુખ્ય સર્જન ડૉ. દોશી સાહેબ સરિતાની દૂરની ભાભી કરૂણાના નાના ભાઈ થતા હતા. તેણે ડૉકટર સાહેબ સાથે બધી વાત કરી તો બધા રિપોર્ટના આધારે અર્પિતાને બ્રેઈન કેન્સરનું નિદાન થયું અને તે છેલ્લા સ્ટેજમાં હતું આ વાત જાણી, સાગર તો સાવ ભાંગી પડ્યો. તેના દીકરો આકાશ દિલ પર પથ્થર મૂકી સજાગ થયો હતો. તેને ખબર જ હતી કે પપ્પા આ આધાત સહન નહીં કરી શકે. સરિતાએ પણ સાગરને ચિંતા ન કરવા જણાવ્યું. આકાશ તેના પપ્પા સાગરને લઈને ધેર ગયો.
સરિતા દવાખાને જ રોકાઈ. તે રાત્રે અર્પિતાએ સારિકાને પોતાની પાસે બેસાડી અને તેનો હાથ પોતાના હાથમાં લઈને કહ્યું, " સરિતા, તુ મારી પ્રિય એવી મારી નાની બહેન જ છે. મને આ દરદ દોઢ-બે વર્ષ થી છે. મેં તેને ગંભીરતાથી લીધું નથી. માથું દુ:ખે કે શરીર દુ:ખે એટલે દવા સાથે મેટાસીન લેતી. હવે તો હું થોડા દિવસની મહેમાન છું. હું તને વિનંતી કરું છું કે તું મારા સાગરની સરિતા બનજે." આજથી તું જ છે એ 'સાગરની સરિતા' આટલું જ બોલી.
સરિતા જાગી તો સવારના પાંચ વાગી ગયા હતા. તે સીધી અર્પિતા પાસે ગઈ, તેનો ચહેરો સાવ નિસ્તેજ થઈ રહ્યો હતો. તેને સરિતા પાસે વચનના વિશ્વાસનો હાથ માગ્યો. સરિતાએ અર્પિતાના હાથમાં પોતાનો હાથ મૂક્યો. એટલામાં સાગર, આકાશ અને અવની આવ્યાં. સૌની હાજરીમાં અર્પિતાએ સાગરનો હાથ સરિતાને સોંપી અનંતની યાત્રાએ પહોંચી ગઈ.
બધાને જાણ કરી. વિધિ વિધાન પતાવ્યાં. આ સમયગાળામાં સાગર મનથી સાવ તૂટી ગયો હતો. સરિતા તેને અર્પિતાના સમ દઈને તેની ખૂબ કાળજી લેતી હતી. 27વર્ષની નોકરીમાંથી તેણે રાજીનામું આપી નિવૃત્તિ લઈ લીધી. સારિકાએ રસ લઈ પેન્શન પેપર્સ પણ તૈયાર કરાવ્યાં અને પેન્શન પણ શરૂ થયું. સરિતાની હૂફ અને કાળજીને કારણે સાગર હવે માનસિક રીતે સ્વસ્થ થતો જતો હતો.
અર્પિતાના આત્માની શાંતિ માટે તેને આપેલું વચન નિભાવવા સાગર અને સરિતા વડોદરાની મહાનગરપાલિકાના લગ્નના રજિસ્ટ્રારની ઓફિસમાં ગયાં. ત્યાં જરૂરી વિધિ સાથે સાગર અને સરિતાએ કોર્ટ મેરેજ પણ કરી લીધાં. સરિતાએ પણ શિવશક્તિ સોસાયટીની નોકરી છોડી દીધી અને સાગરને પોતાની સાથે લઈને અમેરિકા ચાલી ગઈ. પાંચેક વર્ષમાં તો સાગરનો પૂરો પરિવાર તેની સાથે હતો. સૌ અનેરો આનંદ માણી રહ્યાં હતાં. સૌથી વધુ આનંદ અવનીને હતો ... કેમ કે સરિતા તેને મન સાસુ નહિ પણ એક મા હતી અને સરિતાને મન અવની એક દીકરી.
ઘરમાં કોઈને પણ અર્પિતાની ખોટ સારિકાએ સાલવા જ ન દીધી. ધરને એક મંદિર બનાવી દીધું. આજે સાગર સરિતામાં સમાયો હતો. એક અણદીઠો સુંદર વળાંક ... સાગરની સરિતા નહીં પણ મારા વહાલા વાચકો ... "સરિતાનો સાગર"
💐💐💐💐💐💐💐💐💐💐💐💐
મહેન્દ્ર રમણભાઈ અમીન, 'મૃદુ'.
માત્ર વૉટ્સ ઍપ (No Phone) : 87840 20985.
💐💐💐💐💐💐💐💐💐💐💐💐